અઢી અક્ષરનું ચોમાસું, અને બે અક્ષરનાં અમે, ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો તમે

‘સા’બ, આ ગઇ વો જગહ.’ ડ્રાઇવર હુકમસિંહે જીપ ધીમી પાડી અને પછી જમણી બાજુએ આવેલા વિશાળ પીપળાના થડ આગળની ખુલ્લી જમીનમાં ઊભી રાખી દીધી.

પી.એસ.આઇ. જગત જૉષી ઠેકડો મારીને જીપમાંથી નીચે તર્યા. પણ પછી ખબર પડી કે નીચે કાદવ જ કાદવ હતો. થોડીવાર પહેલાં જ પડી ગયેલા જોરદાર વરસાદે સકળ સૃષ્ટિને જળ-તરબોળ કરી નાખી હતી. હવામાં ઠંડી ભીનાશ હતી અને વાતાવરણમાં રોમાન્સ હતો. જગત જુવાન હતો, રોમેન્ટિક હતો અને હજુ સુધી કુંવારો હતો. આવી વરસાદી સાંજે ગમતાં કામો પડતાં મૂકીને આવી અણગમતી ફરજ બજાવવા આવા નિર્જન સ્થળે આવવું પડયું એ વાતની ફરિયાદ એના ચહેરા પર ઉપર પસી આવી. એ સાથે જ એના મોંમાંથી શબ્દો સરી પડયા, ‘વાહ! જગ્યા છે તો બહુ સુંદર! ફરવા આવવાનું મન થાય તેવી. સમજાતું નથી લોકો અહીં મરવા શા માટે આવતા હશે!’

સ્થળ ખરેખર મજાનું હતું. પીપળાના વૃક્ષથી આશરે પચીસેક ડગલાં દૂર પ્રાચીન શિવાલય હતું. એની બાજુમાં એક સાવ નાનકડી મઢૂલી હતી. મઢૂલીની આગળની ખુલ્લી જગ્યામાં એક પહાડકાય બાવાજી બેઠેલા હતા અને આગના ધૂણા સામે બેસીને ઘ્યાન ધરી રહ્યા હતા.

‘મંદિર કા મહંત હૈ, સા’બ’ હુકમસિંહને જગતસાહેબનું દિમાગ વાંચી શકવાની ફાવટ હતી. કેટલીક માહિતી એ વગર પૂછ્યે જ આપી દેતો હતો. જગતની સાથે બે હવાલદારો પણ હતા. બંને જણાં ખાઇ બદેલા હતા. ‘કામ એટલે કંટાળો’ એ એમનો જીવનમંત્ર હતો. કમિશનર સાહેબે તો જો કે બડા નાલા પોલીસ સ્ટેશનના પૂરા સ્ટાફની ધૂળ કાઢી નાખી હતી. ખુદ પી.આઇ.રાઠોડને ધમકાવી નાખ્યા હતા, ‘રાઠોડ! આ શું ચાલી રહ્યું છે તમારા ઇલાકામાં? માત્ર આપણા શહેરમાં જ નહીં, પણ પૂરા રાજયમાં સૌથી ઊંચો ક્રાઇમરેટ તમારા પોલીસ સ્ટેશનનો બોલે છે.’

‘સર, ક્રાઇમરેટ તો સાવ ઓછો છે. ખૂન, રેપ, ચોરી કે મારામારીના કેસો.’ રાઠોડ ખુલાસો કરવા ગયો, પણ સલવાઇ ગયો.

‘વ્હોટ નોનસેન્સ?! તમારે મન આ ચાર જ ગુનાઓ છે? વ્હોટ એબાઉટ સ્યૂસાઇડ! આપઘાતની બાબતમાં તમે રાજયભરમાં મોખરે છો એનું શું? એમાંય છેલ્લા છ મહિનામાં તો તમે નવા વિક્રમો સર્જી ચૂકયા છો. માણસો વરસાદી જીવડાંની જેમ ટપોટપ મરી રહ્યા છે. કંઇક કરો… અર્જન્ટલી! નહીંતર મારે પણ તમને…’ ગર્ભિત ધમકી અને સ્પષ્ટ ગાળો ઉરચારીને કમિશનર ચાલ્યા ગયા. એમના ગયા પછી એ જ ગાળો પી.આઇ.રાઠોડે પી.એસ.આઇ. જગતના કાનમાં ટ્રાન્સફર કરી દીધી, ‘જગત, મારે રિપોર્ટ જોઇએ. તાત્કાલિક! સર્વે કરો, સર્ચ કરો, રિસર્ચ કરો અને આજ સાંજ સુધીમાં એ જાણી લાવો કે આપણા વિસ્તારમાં એવાં કયાં કારણો છે કે લોકો આટલી મોટી સંખ્યામાં આત્મહત્યા કરે છે! ’

સાંજ સુધીમાં પી.એસ.આઇ. જગત જોષીનો રિપોર્ટ ઇન્સ્પે.રાઠોડના ટેબલ ઉપર હતો : આપઘાત માટેનાં કારણો માટે આપણો વિસ્તાર જવાબદાર નથી. કારણો સામાજિક છે, પણ જગ્યા ભૌગોલિક છે. આખા શહેરના હતાશ નાગરિકો મરવા માટે એક જ સ્થળ પસંદ કરે છે. આપણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલું છેક છેવાડાનું જૂનું શિવાલય અને એની પાછળ આવેલો અવાવરો, ડો ભમ્મરિયો કૂવો. એ કૂવામાં પડેલો માણસ કયારેય જીવતો બહાર નીકળતો નથી. જે લોકોને આપઘાતમાં નિષ્ફળ નથી જવું એમના માટે પહેલી પસંદ ભમ્મરિયો કૂવો છે.

રિપોર્ટ વાંચીને રાઠોડ તાડૂકયો, ‘એ કૂવાને આપણા ઇલાકામાંથી હટાવીને બીજે લઇ જાવ!’ ‘એ ન બને. આ કૂવો છે, પોલીસતપાસનો રિપોર્ટ નથી જેને બદલી શકાય.’

‘તો એને પૂરી દો! ન રહેગા બાંસ, નહીં બજેગી બાંસુરી.’

‘એ માટે મારે જાતે જઇને બધું જોવું પડશે, તપાસવું પડશે, કદાચ કૂવો પૂરવા સિવાયના બીજા સરળ રસ્તાઓ પણ જડી આવે.’ સબ-ઇન્સ્પેકટર જગત જોષીની વાત ઇન્સ્પે.રાઠોડના ખાલી ભેજામાં આસાનીથી ઊતરી ગઇ. એણે એ જ ક્ષણે હુકમ ફરમાવી દીધો, ‘હુકમસિંહ, જગત સા’બકો ભમ્મરિયે કૂવે પે લે જાવ. સાથ મેં દો હવાલદાર કો ભી. આજ ઔર અભી…’

ઁઁઁ

સબ ઇન્સ્પેકટર જગતે શિવાલયમાં જઇને મહાદેવનાં દર્શન કર્યા. પછી પાછળના ભાગમાં આવેલા ભેંકાર ભમ્મરિયા કૂવાનું નિરીક્ષણ કર્યું. પછી બાવાજી પાસે ગયા, ‘બાપજી, યહાં રાતભર ઠહરને કી જગહ મિલેગી?’

‘સમઝ ગયા. કૂવે પે વૉચ રખની હૈ ના? કોઇ બાત નહીં. યહાં મેરી કુટિયા કે પીછે ચાર-પાંચ કમરે હૈ. ખાલી પડે હૈ. મૈં જરા સાફ-સફાઇ કરવા દેતા હૂં.’ કહીને બાપજીએ હાક મારી. એક ચેલો દોડી આવ્યો. હુકમસિંહ જીપ લઇને પાછો શહેરમાં ગયો, ચાર જણાના ટિફિન લઇને પાછો આવ્યો. જગત જોષી હવાલદારોને સાથે બેસાડીને રાત્રિચર્યા વિશે મંત્રણા કરવા બેઠા, ‘દસ વાગ્યા સુધી તો આપણે બધા જાગતા જ હોઇશું. ખરો ખેલ એ પછી શરૂ થશે. જો કોઇ આપઘાત કરવા માટે આજે આવવાનું હશે, તો મોટા ભાગે દસથી સવારના સાતની વરચેના સમયમાં જ આવશે. આપણે એક કામ કરીએ, ચારેય જણાં વારાફરતી બબ્બે-અઢી કલાક વહેંચી લઇએ. આજે નહીં તો આવતી કાલે, પરમ દિવસે અને નહીંતર ગમે ત્યારે પાંચ-સાત દિવસમાં એકાદ જણ તો ભમ્મરિયા કૂવાની મુલાકાતે આવશે જ.’

‘પછી આપણે શું કરવાનું? એને મારવાનો?’ હવાલદાર જાલીમસિંગે દંડો સંભાળ્યો.

‘ના, મરવા સારુ તો એ આવ્યો હોય. આપણે એને જિવાડવાનો છે. જો આ કામમાં આપણને સફળતા મળશે, તો પછી અહીં આપણે કાયમી ‘વોચ’ ગોઠવી દઇશું. એક વાર લોકોમાં વાત ફેલાઇ જશે કે ભમ્મરિયો કૂવો હવે વેરાન નથી રહ્યો, એટલે એ લોકો અહીં મરવા માટે આવવાનું બંધ કરી દેશે. જવું હોય તો બીજે ઠેકાણે ભલે જાય, પણ આપણી જાન તો છૂટે!’ પી.એસ.આઇ. જગતે વિગતે બધું સમજાવીને પછી દરેકની ડયૂટીના કલાકો વહેંચી આપ્યા. સૌથી કપરો સમય રાત્રિના બેથી સાડા ચાર સુધીનો હતો એ એણે પોતે પસંદ કર્યો. હવાલદારોની કાબેલિયત ઉપર એને ભરોસો ન હતો.

હવાલદાર યુસુફખાન બાર વાગે ઢળી પડયો અને જાલીમસિંહ બે વાગે. હવે વારો પી.એસ.આઇ.જગતનો હતો. જગત જોષીએ બાવાજીની મઢૂલીની પાછળ આવેલા શીમળાના ઝાડ નીચે મોરચો સંભાળ્યો. અહીંથી એક આંખ ભમ્મરિયા કૂવા પર રાખી શકાતી હતી અને બીજી આંખ સામેથી આવતી કેડી ઉપર. એક કલાક તો એમ જ પસાર થઇ ગયો, પણ જયાં ત્રણ વાગવા આવ્યા, ત્યાં જગતના કાને પાંદડાં કચડાવાનો અવાજ સંભળાયો. એણે આંખો ઝીણી કરીને નજરને દૂર સુધી ફેંકી, તો એ ટટ્ટાર થઇ ગયો. સામેથી એક માનવ આકાર શિવાલયની દિશામાં આવી રહ્યો હતો.

પીપળાના ઝાડ ઉપર બેઠેલી ચીબરીએ ચિત્કાર કર્યો. બે-ચાર પંખીઓએ પાંખો ફફડાવી. થોડાંક પાન ખર્યા. માનવ આકાર નજીક આવ્યો, પછી સાવ નજીક. જગતે જોયું કે આગંતુક એક સ્ત્રી હતી. જુવાન સ્ત્રી. એણે પહેરેલાં સલવાર-કમીઝ પણ એ હવે કળી શકતો હતો. એણે ચહેરા ઉપર દુપટ્ટો વીંટાળેલો હતો. હવે એ જગતની લગોલગ થઇને પસાર થઇ રહી હતી. જગત એનો ઇરાદો સૂંઘી શકયો, યુવતીની મંજિલ ભમ્મરિયો કૂવો હતી.

‘હોલ્ટ પ્લીઝ!’ જગતે હળવી બૂમ પાડી. એ સાથે જ એ ઝાડના થડ પાછળથી કૂદીને બહાર આવ્યો. હવે એ બરાબર યુવતીની સામે ઊભો હતો, ‘તમે જે હોય તે… પણ તમે આગળ નહીં જઇ શકો. હું તમને મરવા નહીં દઉં.’ યુવતી પહેલાં તો એને જોઇને થથરી ગઇ, પણ પછી એ ભૂત નહીં, પણ માણસ છે એવું જાણ્યા પછી એ ચિલ્લાઇ ઊઠી, ‘મને રોકનાર તમે કોણ? આઇ વોન્ટ ટુ ડાઇ. પ્લીઝ, તમે હટી જાવ. મને મરવા દો.’

‘સોરી, આઇ એમ એ પુલીસમેન ઓન ડયૂટી. હું ધારું તો તમને એરેસ્ટ કરી શકું છું. શું હું એ જાણી શકું કે આપઘાત માટે તમારી પાસે કારણ શું છે?’

‘પ્રેમમાં બેવફાઇ.’ યુવતીનો અવાજ ધ્રૂજયો, ‘હું એક ખૂબસૂરત યુવતી છું. કોલેજમાં ભણતી હતી, ત્યારે જ એક લંપટ પુરુષે મને એની પ્રપંચજાળમાં ફસાવી લીધી. મર્યાદાની તમામ પાળો તોડી નાખ્યા પછી આજે ત્રણ વર્ષ બાદ મારો પ્રેમી લગ્ન કરવાની સાફ ના પાડી રહ્યો છે. હવે હું શું મોં લઇને આ જગતમાં જીવું? મને મરી જવા દો, પ્લીઝ!’

‘આ જગતમાં જયાં સુધી પી.એસ.આઇ. જગત જીવે છે, ત્યાં સુધી તું મરી નહીં શકે. હું તારો અવાજ ઓળખી ગયો છું, જન્નત! તું જન્નત જોષીપુરા જ છે ને? તારી સાથે ભણતો જગત જોષી તને કેટલું ચાહતો હતો એની તને કયાં ખબર હતી, જન્નત? તું તો એ વખતે મૃગજળના પ્રેમમાં આંખે પાટા બાંધીને ફરતી હતી. આવ, હવે તને સમજાવું કે માવઠું કોને કહેવાય અને મુશળધાર કોને કહેવાય! ના ન પાડીશ, જન્નત! મારો હાથ પકડી લે!’ જગતે હાથ લંબાવ્યો, જન્નતે ઝાલી લીધો. બરાબર એ જ સમયે ગોરંભાયેલું આભ તૂટી પડયું. આસમાન પણ એ વાતે ખુશ હતું કે પૃથ્વી પરના ક્રાઇમરેટમાં એકનો ઘટાડો થયો છે.

Advertisements

One Response

  1. wow…..really nice….
    bahu vakhat pachi aatli saras varta vachva mali….ane shirshak pankti to…….jadbesalak besi jaay aevi saras sodhi che…..very nice….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: