મૈં ઉસકા હનુમાન હૂં, યે દેશ મેરા રામ હૈં, છાતી ચીરકે દેખ લો અંદર બૈઠા હિંદુસ્તાન હૈ.

‘ઇન્ફોકોમ ઇન્ટરનેશનલ’ના માલિક કંચનલાલે બઝર દબાવ્યું. પટાવાળો ધસી આવ્યો. શેઠે એને ટૂંકી સૂચના આપી, ‘નિર્વાણને મારી પાસે મોકલ.’

પટાવાળો જેટલી ઝડપથી બહાર ગયો, એટલી જ ત્વરાથી નિર્વાણ ઓફિસની અંદર આવ્યો. નિર્વાણ કમ્પ્યૂટર એન્જિનિયર હતો. ‘ઇન્ફોકોમ’નો એંશી ટકા બોજૉ એકલા હાથે વહન કરતો હતો. શેઠનો માનીતો માણસ હતો. જુવાન હતો, તેમ છતાં વિવેકી હતો. શેઠની સામે આવતાંવેંત બે હાથ જૉડીને ઊભો રહ્યો.

‘નમસ્તે, શેઠજી! કેમ સવાર-સવારમાં યાદ કરવો પડયો?’

‘અરે, ભ’ઇ! આ મારી ભત્રીજી આવી છે ઇંગ્લેન્ડથી. મારા મોટાભાઇની દીકરી છે. આવી છે તો બે મહિના માટે, પણ બે દિવસની અંદર જ કંટાળી ગઇ છે. ઘરમાં એને ગમતું નથી. એને તો અમદાવાદ જૉવું છે.’

‘તો અમદાવાદ બતાવોને, શેઠજી! ઓફિસનું કામ હું સંભાળી લઇશ.’

શેઠ ખડખડાટ હસ્યા, ‘લોચો ત્યાં જ પડયો છે ને! આ કાકો એને કયાં લઇ જવાનો હતો? બહુ બહુ તો ભદ્રકાળીનાં મંદિરે દર્શન કરવા. નેન્સીને મંદિર-બંદિરમાં રસ નથી. એટલે મને થયું કે આજે ઓફિસ હું સંભાળીશ, નેન્સીને તું સંભાળ. નીચે આપણી ચાર ગાડીઓ પડી છે, એમાંથી ગમે તે એક લઇ જા. ડ્રાઇવરને મેં કહી દીધું છે. અને જૉ, મારી ભત્રીજી હાથની બહુ ઉડાઉ છે. એનાં માટે ખરચવા પડે એના કરતાંયે વધારે પૈસા ખરચજે. કેશિયર પાસેથી.

પણ નિર્વાણના કાન કયાં શેઠની સૂચના સાંભળવા માટે નવરા હતા? અત્યારે તો એની આંખો ધંધે લાગેલી હતી.

તો આ નેન્સી હતી એમ ને! નિર્વાણ એને ટીકી-ટીકીને જૉઇ રહ્યો. વીસ વર્ષ પહેલાં ભારતની માટીમાં ઊગેલું ગુલાબ વિલાયતની આબોહવામાં ઊછરીને સોળે કળાએ ખીલી ઊઠયું હતું. મોગલ ગાર્ડનના તમામ ગુલાબોની પાંખડીઓ ચૂંટીને જાણે નેન્સીનાં દેહ ઉપર ચોંટાડી દીધી હોય એવી વરખ મઢેલી એની ત્વચા કોઇ પણ પુરુષના અસ્તિત્વનું વજુદ બનવા માટે પૂરતી હતી. પાંચ ફૂટ આઠ ઇંચની એની યૌવન છલકતી કાયા માત્ર ચાર-ચાર ઇંચના બે કાપડના ટુકડાઓથી ‘ઢંકાયેલી’ હતી. નિર્વાણ એક અતિશય ચારિત્ર્યવાન અને સંયમી યુવાન હોવા છતાં વિમાસણમાં પડી ગયો : ‘આ આગના ગોળાને આખો દિવસ મારે સાચવવાનો છે?’

નેન્સી એની સામે જૉઇને મીઠું હસી, ‘હાય! ગ્લેડ ટુ સી યુ.’ કહીને એણે જમણો હાથ લંબાવ્યો.

અત્યંત ક્ષોભ અને સંકોચ સાથે નિર્વાણે એ માખણના પિંડામાંથી ઉતારેલા કમળસ્તંભને હાથમાં લીધો. પછી કહ્યું, ‘ચાલો, જઇશું?’

અંકલને ‘બાય’ કરીને નેન્સીબાઇ ચાલી નીકળ્યાં. લિફટમાં થઇને નીચે ઊતરતાં એણે નિર્વાણને પૂછી લીધું, ‘તમે મારી સાથે ઇંગ્િલશમાં બોલશો? કે પછી મારે તમારી સાથે ગુજરાતીમાં વાત કરવાની છે?’

‘હું પંદર વર્ષ લગી અંગ્રેજી માઘ્યમમાં જ ભણ્યો છું. ધારું તો સપનાં પણ એ જ ભાષામાં જૉઇ શકું છું. મને હિંદી, મરાઠી, સંસ્કòત અને બંગાળી આવડે છે. મેં ફ્રેંચ ભાષાનો ડિગ્રી કોર્સ કરેલો છે. અત્યારે રશિયન લેંગ્વેજ શીખી રહ્યો છું. પણ આપણે વાત ગુજરાતીમાં જ કરીશું… જૉ તમને ફાવતું હોય તો?’

નેન્સી છેડાઇ પડી, ‘ગુજરાતીમાં ન ફાવવા જેવું શું છે? ઇટ્સ એ બંચ ઓફ એ ફયુ વર્ડઝ ઓન્લી. ઇંગ્લીશ તો બહુ રિચ લેંગ્વેજ છે. મોર ધેન થ્રી લેખ્સ વર્ડઝ ઇન ઇટ! ડુ યુ નો ધેટ?’

બંને જણાં હવે બંધ કારનાં એરકન્ડિશન્ડ માહોલમાં બેસીને અમદાવાદની સડકો ઉપર સરકી રહ્યા હતાં. શહેરની બિસમાર સડકો, ફૂટપાથ ઉપર બેઠેલા ભિક્ષુકો, ઠેર-ઠેર જામેલા ઉકરડા, આડેધડ દોડતો વાહનવ્યવહાર, આ બધું જૉઇને નેન્સીનાં નમણા નાકનું ટીચકું ચડી ગયું.

‘ઇટ્સ રબીશ. યોર હોલ કન્ટ્રી ઇઝ લાઇક એ બિગ ટોઇલેટ. અહીં તમે ‘જીવો છો કેવી રીતે?’ નિર્વાણે કંઇ જવાબ ન આપ્યો. ‘ડ્રાઇવર ગાડી સી.જી.રોડ ઉપર લઇ લે. મે’મ સાહેબને આપણી અધતન, મોટી દુકાનો બતાવીએ.’

અડધા કલાકમાં જ નેન્સી કંટાળી ગઇ, ‘આનાથી મોટા તો અમારા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ હોય છે. યુ નો? માર્ક એન્ડ સ્પેન્સર, હેવર્ડઝ, આસ્ડા અને મેની અધર્સ ઓલસો? આ તો એની નાનકડી, નબળી નકલો જ છે.’

ત્યાં એની નજર કોકાકોલાની જાહેરખબરવાળા હોિર્ડંગ ઉપર પડી અને અચાનક એનાં ગળામાં શોષ પડવા માંડયો, ‘શેલ વી હેવ એ કોક?’

નિર્વાણે ગાડી ઊભી રખાવી. બહાર નીકળીને નેન્સી માટે કોકની બોટલ ખરીદી. ઠંડા મતલબ કોકાકોલાના ઘૂંટડા સુરાહી જેવી ડોકમાંથી ‘ઘટક-ઘટક’ કરતાં અંદર ઠલવાતા ગયા. પણ બહારની ગરમીથી નેન્સી ત્રાસી ગઇ, ‘બાપ રે, તમે લોકો આ ગરમીમાં જીવો છો કેવી રીતે? યુ પૂઅર ક્રિચર્સ!’

પછી એણે પીવા માટે મિનરલ વોટરની બાટલી પણ ખરીદી લીધી, ‘બીજું બધું તો ઠીક છે, પણ તમારા ઇન્ડિયામાં પાણી બહુ પોલ્યુટેડ છે. જીવતા રહેવું હોય તો મિનરલ વોટર સિવાય છુટકો નથી. આ અમારી શોધ છે, યુ નો?’

નિર્વાણ ખામોશી પહેરીને હસતો રહ્યો. નેન્સીને લઇને એ મલ્ટી પ્લેકસ થિયેટર તરફ વળ્યો, તો ત્યાં પણ એ જ પ્રતિભાવ, ‘ધિસ ઇઝ નથિંગ. થિયેટરો તો અમારે ત્યાં જૉવા જેવા હોય છે.’

ઊંચી ગગનચુંબી ઇમારતો જૉઇને નેન્સીને આશ્ચર્ય ન થયું, ‘ઓ.કે. મેં અમેરિકાનું વલ્ર્ડ ટ્રેડ સેન્ટર જૉયેલું છે. આ તો કંઇ જ નથી.’

પૂરા પાંચ-છ કલાકની રખડપટ્ટી પછી નિર્વાણ થાકયો. નેન્સી પણ કંટાળી હતી, ‘તમારા અમદાવાદમાં જૉવા જેવું કંઇ જ નથી?’

‘છે.’ પહેલીવાર નિર્વાણે કડકાઇપૂર્વક કહ્યું, ‘જૉ તમારે શાંતિથી હું જયાં લઇ જાઉં ત્યાં આવવું હોય, તો અમદાવાદમાં એવું ઘણું બધું છે, જે તમારા યુરોપમાં કે અમેરિકામાં નથી. અહીં ગાંધી આશ્રમ છે, ત્યાં હૃદયકુંજ છે, જે વિશ્વની સૌથી વધુ તાકતવર ઇમારત છે. ન્યૂ યોર્કનું વલ્ર્ડ ટ્રેડ સેન્ટર તૂટી શકે છે, અમારા લંગોટીધારી મહાત્માની આ ઝૂંપડી પૃથ્વીના અંત સમયે પણ ઊભેલી હશે. તમારા શબ્દકોશમાં જયારે મિનરલ વોટર નામનો શબ્દ પણ ન હતો, ત્યારે અમારે ત્યાં નાળિયેર પાણી પીવાતું હતું.

સદીઓથી અમારા દર્દીઓ માંદગીમાંથી ઊભા થવા માટે આ કુદરતી મિનરલ વોટર પીતાં આવ્યા છે. અહીંની ગંદકીથી તમે ત્રાસી ગયા ને? પણ આ જ ઉકરડા જેવા દેશમાં તમારા ધોળિયાઓ ત્રણસો વર્ષ રહી ગયા છે. આ તાપમાં એકસોને દસ કરોડ માણસો જીવી રહ્યા છે. આ સૂરજથી તપ્ત આર્યભૂમિમાં તમારાથી પણ પહેલાં, તમારાથી વધુ માણસો, તમારા કરતાં પણ વધારે સુખ-ચેન અને સંતોષથી જીવતા આવ્યા છે. તમારી પાસે ડંફાશ મારવા જેવું છે શું?’

‘વી હેવ અવર લેંગ્વેજ, યુ સી..!’

‘મેં શેકસપિયર વાંરયો છે. પણ તમે કાલિદાસ, ભવભૂતિ કે બાણને વાંરયા છે? સરખામણી કરવાની હિંમત તૂટી જશે. તમે વિધવા સ્ત્રીને વિધવા કહીને ઓળખાવો છો. તમારી પાસે એની કમનસીબી માટે એક જ શબ્દ છે -વિડો. અમે એને ગંગાસ્વરૂપ તરીકે ઓળખાવીએ છીએ.’

‘ગંગા સ્વરૂપ? યુ મીન, વૂમન લાઇક ગેન્જીસ?’

‘હા, ગંગા જેવી પવિત્ર સ્ત્રી. પણ જવા દો. આવો સમૃદ્ધ શબ્દ તમારી ભાષામાં હોઇ જ ન શકે. એ માટે તો દેશમાં ગંગા જેવી નદી હોવી જરૂરી છે અને પવિત્રતાથી છલોછલ વૈધવ્ય હોવું આવશ્યક છે. તમારી પાસે અંધ માટે બ્લાઇન્ડ શબ્દ છે, પણ પ્રજ્ઞાચક્ષુનું ઇંગ્િલશ શું થાય?’

‘પ્રેજ્ઞા..!? ચેકશુ..?!’ નેન્સીને બોલવામાં તકલીફ પડતી હતી.

‘રહેવા દો. જીભમાં ફ્રેકચર થઇ જશે.’ નિર્વાણ હસી પડયો, પછી એણે ડ્રાઇવરને સૂચના આપી, ‘રાજુ, ગાડીને વાડજની દિશામાં લઇ લે. આ કવીન એલિઝાબેથને હરિજન આશ્રમ બતાવીએ. વિશ્વની આઠમી અજાયબી નહીં, પણ એક માત્ર અસલી અજાયબી બતાવીએ.’

‘સ્યોર, પણ પહેલાં કશુંક ખાવું પડશે. મને ભૂખ લાગી છે. કયાંકથી કેડબરી ચોકલેટ્સ મળશે?’ નેન્સીનાં અવાજમાં મૃદુતા હતી.

નિર્વાણે પોતાના પાઉચમાંથી લંચ-બોકસ કાઢયું, ‘મારી માનાં હાથની બનાવેલી સુખડી છે. ગોળપાપડી. ચાલશે? ઇટ્સ નથિંગ બટ એ કેડબરી વિધાઉટ એ રેપર. એના કરતાં વધુ સ્વાદિષ્ટ અને વધુ પૌષ્ટિક.’

‘ચાલશે.’ કહીને નેન્સીએ હિંદુસ્તાનની યુગો જૂની ચોકલેટને બટકું ભર્યું. હવે જ નેન્સીનું ખરું અમદાવાદ દર્શન શરૂ થઇ રહ્યું હતું. એક અમેરિકન અપ્સરાની આંખોમાં બહારથી ગંદા અને ગરીબ દેખાતાં હિંદુસ્તાનનું અસલી અને આંતરિક સૌંદર્ય ઊઘડી રહ્યું હતું. નેન્સીને હિંદુસ્તાન પણ ગમી રહ્યું હતું અને સાથે ઊભેલો હિંદુસ્તાની પણ.(શીર્ષક પંકિત : અભિનેતા મનોજકુમાર)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: