તરુ જેવી જ લાચારી મને તારી અહીં લાગે, તું ચાહે તોય કઠિયારો તને ફળવા કદી ના દે

સાહેબ, મને ચક્કર આવે છે. બધું ગોળ-ગોળ ફરતું હોય તેમ લાગે છે. આ ટેબલ, દીવાલો, છત, પંખો, તમે… બધું ફરે છે. મને એમ થાય છે કે… હું હમણાં જ… પડી જઇશ… હું બેભાન થઇ જઇશ…ઓહ, મને…કોઇ પકડો…’ અને આ સાથે જ એ પુરુષ-દર્દી ઢળી પડયો.

ડો. નયન જોષીના કન્સિલ્ટંગ રૂમમાં સવારે સાડા અગિયાર વાગે આ ઘટના બની ગઇ. ડોકટર જોષી ફિઝિશિયન છે અને કુશળ ડોકટર છે. પણ આવી નાટકીય ઘટના જોઇએ એ પણ ખળભળી ઊઠયા. એક નજર એમણે દર્દીના કેસ-પેપર ઉપર નાખી લીધી, નવો જ કેસ હતો. તિમિર નામ હતું. બત્રીસ વર્ષની ઉંમર હતી. ભૂતકાળમાં થયેલી બીમારી, ઓપરેશન કે અકસ્માત વિશે કશી જ માહિતી ન હતી. હજુ તો દર્દીએ પહેલી વાર કિલનિકમાં આવીને પોતાની તકલીફોનું બયાન કરવું શરૂ કર્યું હતું અને તરત જ…! બેભાન થવાની દહેશત રજૂ કરીને તિમિર મહેતા ખરેખર બેભાન થઇ ગયા હતા.

ડો. જોષીએ આવું થવાના તમામ સંભવિત કારણો વિચારી જોયા. હાઇ બ્લડ પ્રેશરથી માંડીને લો બ્લડ સુગર અને મગજની સામાન્ય બીમારીથી લઇને ગંભીરમાં ગંભીર રોગ સુધીની શકયતાઓ વિચારી લીધી. વિચારવું એ દિમાગનું કામ હતું, સારવાર એ હાથ-પગની ફરજ ગણાય.

ડો. જોષીએ હાથ-પગ ચલાવવાને બદલે દોડાવવા માંડયા, ‘સિસ્ટર, ઝટ બી.પી. માપો! ગોપાલ, તું લેબોરેટરીમાં ફોન કરીને ટેકિનશિયનને બોલાવ! નારણ, તું ઓકિસજનનો સિલિન્ડર લઇ આવ!’

તપાસ અને સારવાર એક સાથે શરૂ થઇ ગયા. ગ્લુકોઝનો બાટલો દરદીને ચડાવી દેવામાં આવ્યો. બ્લડ પ્રેશર લગભગ સામાન્ય કહી શકાય તેવું હતું. ઓકિસજનનો પ્રવાહ ચાલુ કરવામાં આવ્યો. ત્યાં સુધીમાં ડો. જોષીએ ઇમરજન્સી ઇન્જેકશનો સિરિંજમાં ભરીને તૈયાર રાખ્યાં. પેથોલોજી લેબોરેટરીમાંથી માણસ આવી ગયો. દરદીનું બ્લડ ખેંચી ગયો.

ડો. જોષીએ જે પરીક્ષણો કરવા જેવાં હતાં એની યાદી આપી દીધી. સાથે સૂચના પણ, ‘બીજા રિપોટ્ર્સ ભલે સાંજ સુધીમાં તૈયાર થાય, પણ દરદીનું બ્લડ સુગર મારે તત્કાલ જાણવું છે.’

થોડી વારમાં જ પેથોલોજિસ્ટ ડો. શાહનો ફોન આવી ગયો, ‘બ્લડ સુગર એકસો દસ છે. હિમોગ્લોબીન બાર ગ્રામ પ્રતિશત છે.બીજા રિપોર્ટ્સ બે કલાકમાં તૈયાર થઇ જશે. બાય ધ વે, પેશન્ટને કેમ છે હવે?’

‘પેશન્ટને સારું છે. જીવે તો છે, પણ હજુ સુધી ભાનમાં નથી આવ્યો.’ ડો. જોષીએ જવાબ આપ્યો. આશ્ચર્ય તો એમને પણ થતું હતું. તિમિર હજુ પણ બેભાન શા કારણે હતો? એની જનરલ કન્ડિશન સ્થિર જોઇને ડો. જૉષીએ કમ્પાઉન્ડરને સૂચના આપી, ‘નારણ, પેશન્ટના પેન્ટ-શર્ટના ખિસ્સા ફંફોસી જો, કદાચ એના ઘરનો ટેલિફોન નંબર મળી આવે!’

નારણે આદેશનું પાલન કર્યું. તિમિરના ખિસ્સામાંથી એનું વિઝિટિંગ કાર્ડ શોધી કાઢયું. ડો. જોષીએ ફોન લગાડયો. તિમિરની પત્ની રમા પંદર મિનિટમાં દોડી આવી. તિમિરની હાલત જોઇને ગભરાઇ ગઇ. રડી પડી.

ડો. જોષીએ એક બાબતની નોંધ કરી. બેભાન તિમિર એક પણ પ્રશ્નનો જવાબ આપતો ન હતો, એક પણ ક્રિયાની પ્રતિક્રિયા આપતો ન હતો, પણ જયારે કમ્પાઉન્ડર એના નાકમાં ઓકિસજનની નળી ખોસતો હતો, ત્યારે એ જોરદાર વિરોધ કરતો હતો. બોલીને નહીં, પણ શરીર ઊછાળીને અને માથું હલાવીને એ જાણે નળીને નાકની બહાર ફેંકવાની મથામણ કરતો હતો! ડો. જોષી સમજી ગયા, ‘ધિસ ઇઝ હિસ્ટીરિયા! તિમિરને કોઇ બીમારી નથી. એ માત્ર બીમાર હોવાનો ઢોંગ કરે છે!’

ુુુ

બીજા દિવસે ડોકટરે દર્દીની ઊલટતપાસ શરૂ કરી, ‘તિમિરભાઇ, તમારો અભિનય ઉત્તમ રહ્યો. તમે નાટક મંડળીમાં જોડાઇ જાવ, પ્રેક્ષકોને છેતરી શકશો. ડો. જોષીને છેતરવાનું કામ મુશ્કેલ નહીં, પણ અશકય છે.’

તિમિરે માથું ઝૂકાવી દીધું, ‘સોરી, સર! તમે સાચા છો, હું ઢોંગ કરતો હતો.’

‘શા માટે?’

‘મારી પત્નીને ડરાવવા માટે. સા…! એના યાર જોડે રંગરેલિયાં મનાવે છે. મારી સાથે બેવફાઇ આચરે છે. અમારે એક દીકરો છે એ પણ મારાથી નથી, એના પ્રેમીથી…! એ ચારિત્ર્યહીન સ્ત્રીને મારી જરા પણ પરવા નથી. મારું ચાલે તો કાં હું એનું ખૂન કરી નાખું, કાં જાતે આત્મહત્યા કરી લઉં…! આ તો મારું નાટક હતું. એક નાનકડી ઝલક. કદાચ મારી હાલત જોઇને એ રખડેલને દયા આવી જાય અને એ મારા પ્રત્યે પ્રેમ રાખવા માંડે…!’ તિમિરની આંખોમાં ઉન્માદ હતો અને બોલવામાં ઝનૂન હતું.

ડો. જોષીએ પૂછ્યું, ‘તમારી પત્ની રમા પરપુરુષ સાથે પ્રેમમાં છે એ વાતની તમને શી રીતે ખબર પડી?’

‘ખબર તો પડી જ જાય ને? જો કે મારી પાસે આ વાતની કોઇ સાબિતી નથી, પણ હું પુરાવાઓ મેળવવાની કોશિશ કરી રહ્યો છું. એ બહાર જાય, ત્યારે ચોરીછૂપીથી હું એનો પીછો કરું છું. એનાં મોબાઇલ ફોન ઉપર આવતાં તમામ નંબરો તપાસી લઉં છું, પણ મારી બેટી એય જબરી ચાલાક છે, ગુનાની એક પણ સાબિતી છોડતી જ નથી ને!’

ડોકટરે તિમિરને વિદાય કર્યો. સાંજના સમયે રમાને ફોન કર્યો, ‘બે’ન, એક વાર મળી જાવ ને! તિમિર વિશે વાત કરવી છે.’ રમા આવી ગઇ. ડો. જોષીએ રમાના ચહેરાનો અભ્યાસ કર્યો. એના હાવભાવ, એની દેહભાષા, એનાં વાણી-વર્તનમાં કયાંય ચારિત્ર્યહીનતા, દંભ કે છળ-કપટ દેખાતા ન હતા.

ડોકટરે પૂછ્યું ત્યારે રમા રડી પડી, ‘સર, હું સાવ નિર્દોષ છું. જિંદગીમાં મેં કોઇ પારકા પુરુષનો વિચાર સુઘ્ધાં નથી કર્યો, પણ છેલ્લાં એક વર્ષથી તિમિર શંકાનું ઝેર ઘોળીને ફર્યા કરે છે. અઠવાડિયામાં ત્રણ વાર મને મારઝૂડ કરે છે. મારા કપડાંનું કબાટ ફેંધા કરે છે. મારી પાછળ જાસૂસી કરતો ફરે છે. મારા દીકરાને એનો પુત્ર ગણવાને બદલે મારું પાપ સમજે છે. હું એને કહી કહીને થાકી કે તમને શંકા હોય તો દીકરાનો ડી.એન.એ. ટેસ્ટ કરાવી લો! દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે, પણ એમને શંકા છે જ કયાં? એમને તો ખાતરી જ છે!’

ડો. જોષીએ રમાને છાની રાખી,‘બે’ન, તિમિર એક માનસિક રોગી છે. એની બીમારીનું નામે ઓથેલો સિન્ડ્રોમ છે. શેકસપિયરના નાટક ‘ઓથેલો’ના નામ ઉપરથી આ સ્થિતિનું નામ પડયું છે. એમાં દરદીને એના જીવનસાથીની વફાદારી વિશે શંકા-કુશંકા થયા કરે છે. એનું વર્તન ગમે તે હદ સુધી પહોંચી શકે છે. આપણે સાઈકિયાટિ્રસ્ટની મદદ તો લઇશું જ, પણ તારું ભવિષ્ય ઉજળું નથી. તિમિર પાગલપણાની પરાકાષ્ઠાએ તારી હત્યા પણ…’

‘જાણું છું, સર! એટલે તો હું છૂટાછેડા માટે પણ તૈયાર છું.’

રમાની આંખોમાં આંસુ હતાં, ચહેરા પર ભય અને વાણીમાં સરચાઇ.

બે દિવસ પછી ડો. જોષીએ તિમિરને સાઈકિયાટિ્રસ્ટના હવાલે કર્યો. ડો. બુચે સારવાર તો ચાલુ કરી દીધી, પણ આજની ઘડી સુધી પરિણામ શૂન્ય છે. થાકી-હારીને ડો. જોષીએ તિમિરને સૂચન કર્યું, ‘દોસ્ત, તું એક કામ કર, તારી રમાને છૂટાછેડા આપી દે!’

‘શા માટે? એ એનાં યાર સાથે પરણી જાય એ માટે?’ તિમિરે ઝીણી આંખો કરીને પૂછ્યું, પછી લૂરચું હસીને ઊમેર્યું, ‘એણે મને દુ:ખ આપ્યું છે, તો હું પણ એને હેરાન કરીશ. છૂટાછેડા તો કયારેય નહીં આપું. એક ખાનગી વાત કહું, ડોકટર સાહેબ? મેં રમાને સબક શીખવવાનો પ્લાન વિચારી લીધો છે. હું અમેરિકા ભેગો થઇ જવાનો છું. મારા દીકરાને લઇને. રમાને અમેરિકા આવવા નહીં મળે. એનો પાસપોર્ટ મેં સંતાડી દીધો છે. એ ખાસ ભણેલી પણ નથી, એ નોકરી પણ નહીં કરી શકે. હું તો અમેરિકાથી એને એક પૈસોયે મોકલવાનો નથી, પછી હું જોઉં છું કે એ શું કરે છે!’ ડો. જોષી બબડી ઊઠયા: વાહ રે પુરુષ! તને ખબર નથી કે તું શું કરી રહ્યો છે! જે ચારિત્ર્યહીનતાની તને શંકા છે એની તરફ જ તારી પત્નીને તું ધકેલી રહ્યો છે. પતિ અને પુત્ર વગરની રમા પૈસાના અભાવથી તંગ થઇને આખરે શું કરવાની? એજ ને કે જે કદીયે કરવા નથી માગતી?’

(સત્ય ઘટના, શીર્ષક પંકિત: ગણપત પટેલ ‘સૌમ્ય’)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: