મરદ છે, આ મારો ‘મરદ’ છે, ને એણે આપેલું આ દરદ છે!

ખેમુ ખંજરે ઘરની અંદર પગ મૂકયો, એટલામાં જ શાલિનીને અણસાર આવી ગયો કે પતિદેવ આજે ગુસ્સામાં છે. ખેમુએ પગમાંથી જૂતાં ઉતારીને ખૂણામાં મૂકવાને બદલે ઘા કર્યો. પત્ની તરફ જોવાને બદલે ડોળા કકડાવ્યા. રોજની જેમ સ્મિત ફેંકવાની જગ્યાએ દાંત કચકચાવ્યા. ગળામાંથી વાઘની ધીમી ગર્જના જેવો ઘૂરકાટ બહાર પડયો, ‘કોની સાથે ‘ઇલુ-ઇલુ’ કરતી હતી આજે? સાચું બોલજે, નહીંતર ચીરી નાખીશ.’

‘કોની સાથે? કયારે?’ શાલિનીની છાતીમાં ધ્રાસકો પડયો.

‘આજે બપોરે ત્રણ વાગીને પાંત્રીસ મિનિટ અને ઉપર વીસમી સેકન્ડે.’

‘પણ… પણ… એ સમયે તો હું ‘એવરેસ્ટ મોલ’માં હતી, શોપિંગ કરવા ગઇ હતી.’

‘હું ત્યાંનું જ પૂછી રહ્યો છું. મોલમાં શોપિંગ કરવા ગઇ હતી? કે તારા યારને મળવા માટે..?’

‘જેમ મનમાં આવે તેમ શું બોલી નાખતા હશો? હું તો તમારા માટે કપડાં અને ઘર માટે શાકભાજી ખરીદવા ગઇ હતી. વિશ્વાસ ન પડતો હોય, તો ચીજવસ્તુઓ બતાવું.’

‘ના, એની જરૂર નથી. મને ફકત તારા પ્રેમીનું નામ બતાવી દે એટલે બહુ થયું. વાદળી પેન્ટ અને ચોકડીવાળું સફેદ શર્ટ પહેર્યું હતું એ પુરુષ કોણ હતો, જેની સાથે તું લળી-લળીને, હસી હસીને વાતો કરતી હતી?’

શાલિની કંપી ગઇ. પતિએ આપેલું વર્ણન સાચું હતું, એનો મતલબ એ થતો હતો કે પોતે આજે બપોરે સુમંગલ દેસાઇને મળી હતી એ વાતની માહિતી એનાં પતિના કાન સુધી પહોંચી ગઇ હતી. હવે આ વાતને અહીં જ ખતમ કરી દેવામાં લાભ હતો.

‘ઓહ, તમે એની વાત કરો છો! એ તો… એ તો મારા પપ્પાના જૂના મિત્રનો દીકરો હતો. લગ્ન પછી તો હું એને કયારેય મળી જ નથી. આજે અચાનક જ મોલમાં મળી ગયાં. એ મને પૂછતો હતો : ‘શાલુ, તું કયારે પરણી ગઇ? અમને તો બોલાવ્યા પણ નહીં!’ બસ, આટલી જ વાત થઇ, આનાથી વધુ કંઇ જ…’

‘ઠીક છે. આ પહેલી વારનું છે એટલે જવા દઉં છું. આનાથી વધુ કંઇ થવું પણ ન જોઇએ, શું સમજી? નહીંતર એના શરીરની બોટી-બોટી કરીને શેરીનાં કૂતરાને ખવડાવી દઇશ. અને એના હાડકાંનો માવો બનાવીને તને ખવડાવી દઇશ, શું સમજી?’ ખેમુ ખંજરે ધારદાર ધમકી આપીને વાત પૂરી કરી.

શાલિની તરત જ ચા બનાવવાના બહાને રસોડાની દિશામાં સરકી ગઇ. એની આંખોમાંથી આંસુ ટપકી પડયાં. હાથ હાથનું કામ કરી રહ્યા અને શાલિની પોતાનાં અતીતમાં ખોવાઇ ગઇ. સુમંગલ દેસાઇ એની જિંદગીની સૌથી મોટી ભૂલ હતો. સુમંગલનો બાપ મોટો માલધારી હતો અને દૂધ ઉત્પાદક મંડળીનો પ્રમુખ હતો. મારામારી એ એની આદત હતી અને રકતપાત એનો શોખ હતો. સુમંગલને જૉઇને કોઇ કહી ન શકે કે એ આવા ખતરનાક પિતાનો પુત્ર હશે. શાલિની અને સુમંગલની પ્રથમ મુલાકાત કોલેજમાં થઇ હતી, જે તરત જ પ્રેમસંબંધમાં પલટાઇ ગઇ. સુમંગલે એની મીઠી-મીઠી વાતોમાં ભોળવીને ત્રીજી જ મુલાકાતમાં શાલિનીનું શીલ લૂંટી લીધું. પછી તો આ રોજનો ઘટનાક્રમ બની ગયો.

ધીમે ધીમે શાલિનીને ખબર પડતી ગઇ કે સુમંગલની અસલીયત અમંગલ હતી. એનાં જેવી અનેક છોકરીઓ સુમંગલની હવસનો શિકાર બની ચૂકી હતી, પણ શાલિની ચૂં કે ચા કરી શકવાની સ્થિતિમાં ન હતી. સુમંગલના કબજામાં એને બ્લેકમેલ કરવાના પૂરતા પુરાવાઓ પડી ચૂકયા હતા.

કોલેજનો અભ્યાસ પૂરો થયા બાદ સુમંગલના સીધા સકંજામાંથી તો એ છૂટી ગઇ, પણ તેમ છતાંયે અઠવાડિયામાં એક વાર તો સુમંગલનો ફોન આવી જ જતો, ‘આજે બપોરે બે વાગે મારા ફલેટ ઉપર પહોંચી જજે. સરનામું તો યાદ છે ને? કે પછી તારા ઘરે તને લેવા માટે આવું?’ સતત ચાલતા આ શારીરિક શોષણથી શાલિની ગળે આવી ગઇ. એક તરફ એનાં બીમાર પિતાનો લગ્ન માટેનો આગ્રહ ચાલુ હતો, તો બીજી બાજુ એક દ્વિઘા હતી.

‘દીકરી, તું રૂપાળી છે, એટલે જ્ઞાતિમાંથી સારા સારા છોકરાઓના કેટલા બધા માગા આવી રહ્યા છે! તું હવે હા પાડે એટલી જ વાર છે.’ પિતાના સ્વરમાં આગ્રહ કરતાં પણ વધુ તો આજીજી વરતાતી હતી, પણ શાલિની જાણતી હતી કે કોઇ પણ સુયોગ્ય વરની પત્ની બનવાની પાત્રતા એ ગુમાવી ચૂકી હતી. એ કોઇ પણ હિસાબે સુમંગલની ચુંગાલમાંથી છટકવા માગતી હતી. એમાં પિતાના મૃત્યુએ એનો માર્ગ ખોલી આપ્યો. શાલિની બે જ મહિના પછી શહેરના છાપેલા કાટલા જેવા બદમાશ ખેમચંદ જોડે પરણી ગઇ.

ખેમચંદ ઊર્ફે ખેમુ ખંજર સુમંગલ દેસાઇને પણ આંટી મારે એવો ગુંડો હતો. કાળા પહાડ જેવો મહાકાય દેહ, પીળા ગંદા દાંત, લાલઘૂમ મોટી આંખો, ચીતરી ચડે એવા ગંધાતા વાળ અને ઉપરથી તામસી સ્વભાવ. માણસ નસીબદાર કે એને શાલિની જેવી સુંદરીનો જેકપોટ લાગી ગયો. શાલિનીએ એને પોતાના અતીત વિશે રજમાત્ર માહિતી આપી ન હતી, એટલે આ કાળો રાક્ષસ એને હથેળીમાં સાચવતો હતો. આ લગ્ન એક સોદો હતો, ખેમુ ખંજરને રોજ રાત્રે એ સુખ ભોગવવા મળતું હતું, જે કરોડોમાંથી કોઇ એકાદના ભાગ્યમાં લખાયું હોય. અને શાલિનીને સુમંગલના સંભવિત બ્લેકમેઇલિંગમાંથી કાયમી છુટકારો મળી ગયો હતો.

જૉકે સુમંગલને એણે પોતાનાં લગ્નની વાતથી અજાણ રાખ્યો હતો, પણ આજે બપોરે એવરેસ્ટ મોલમાં એ ઝડપાઇ ગઇ. એ શાકભાજીના વિભાગમાંથી વીણીવીણીને કૂણાં ભીંડા લઇ રહી હતી, ત્યાં અચાનક એનાં કાને પરિચિત અવાજ અથડાયો, ‘અરે, વાહ! આ મંગલસૂત્ર અને સિંદૂરી સેંથા સાથે તો તું વધારે ખૂબસૂરત લાગે છે ને કંઇ? કોના નામનું મંગળસૂત્ર પહેરી લીધું છે, ડાર્લિંગ?’

શાલિની થથરી ગઇ, પણ સ્થળ અને વાતાવરણને ઘ્યાનમાં લેતાં એણે તરત સ્વસ્થતા ધારણ કરી લીધી. કૃત્રિમ રીતે હસીને એણે જવાબ દીધો, ‘હા, હું પરણી ગઇ છું, સુમંગલ, એવા માણસ સાથે હું પરણી ગઇ છું કે જેનું નામ સાંભળતામાં જ તું…’

‘નામ તો આપ, ડાર્લિંગ!’ સુમંગલ હસ્યો.

‘ખેમચંદ ખત્રી. ખેમુ ખંજર. હું એની ઘરવાળી છું.’ શાલિનીએ કહ્યું અને તરત જ ત્યાંથી રવાના થઇ ગઇ. જો ત્યાં ઊભી રહી હોત, તો એ જોઇ શકી હોત કે સુમંગલનો ચહેરો કેવો થઇ ગયો હતો! ખેમુ ખંજરની ધાર અંધારી આલમમાં પણ સૌનાં કરતાં વધુ તેજ હતી. બે દિવસના યુદ્ધવિરામ બાદ સુમંગલે ફરીથી પ્રયત્નો ચાલુ કર્યા. કયાંકથી એણે ખેમુ ખંજરના ઘરનું સરનામુ તથા ફોન નંબર મેળવી લીધા. પછી બપોરના સમયે એણે ફોનના ચક્કર ઘૂમાવવા માંડયા, ‘શાલુ, ડીયર! તારી ચામડીનો સ્વાદ મારી દાઢમાં રહી ગયો છે, કયારે મળે છે? તું તારા વરની ચિંતા છોડ. એને ખબર નહીં પડવા દઇએ. મારી પાસે બધી જ સગવડ છે અને હવે તો સત્તા પણ. હવે મેં રાજકારણમાં પણ સારું એવું કાઠુ કાઢયું છે. હું એક મોટી રાજકીય પાર્ટીની યુવાપાંખનો પ્રમુખ છું. મારા પપ્પા એક કોર્પોરેશનના ચેયરમેન બની ગયા છે. બોલ, કયારે આવે છે મારી પાસે?’

એક બે વાર તો શાલિનીએ દાદ ન દીધી. પછી ફોન કાપી નાખવાનું શરૂ કર્યું. તો સુમંગલની દાદાગીરી વધતી ગઇ. એણે ડ્રાઇવર મોકલીને ચિઠ્ઠીઓ મોકલવા માંડી. આખરે શાલિનીની સહનશકિતએ જવાબ દઇ દીધો. એક સાંજે એણે પતિના હાથમાં ચાનો કપ મૂકતી વખતે આ બધી ચિઠ્ઠીઓ પણ મૂકી દીધી. ખેમુ ખંજર એ વાંચીને ખૂંખાર બની ગયો, ‘હં…, તો મારી શંકા સાચી પડી. તારે આ માણસની સાથે લફરું હતું.’

‘ના, એવું નથી. હું એની જાળમાં ફસાઇ ગઇ હતી, પણ આપણાં લગ્ન પછી મેં એની સામે જોયું યે નથી. જો એવું હોત તો આ બધી ચબરખીઓ મેં તમને બતાવી દીધી ન હોત.’ ‘વાંધો નથી. હું તને માફ કરું છું. અને આ નાલાયકનો બંદોબસ્ત પણ કરું છું. હવે પછી એના તરફથી ફોન કે ચિઠ્ઠી આવે તો મને ફટ્ટ કહેજે, સમજી કે નહીં?’ ખેમુ ખંજરની આ ટેવ હતી. ‘સમજી કે નહીં?’ એવું બોલવાની. અને દરેક વખતે શાલિની સમજી હોય કે ન સમજી હોય, તો પણ એણે હા જ પાડવી પડતી.

એ દિવસ પછી ખરેખર સુમંગલના તોફાન બંધ થઇ ગયા. સુમંગલે ડરી જઇને શિકારનો પીછો છોડી દીધો.

ઁઁઁ

‘શાલુ..! શાલુ ડાર્લિંગ, એક કામ કરવાનું છે.’ બે મહિના પછીની એક સાંજે ઘરે આવેલા ખેમુ ખંજરે પત્નીને પ્રેમપૂર્વક અને હક્કપૂર્વક કહ્યું, ‘ધંધાને લગતું કામ છે. પણ થોડીક મોટા માથાની મહેરબાનીની જરૂર છે. જે માણસના હાથમાં સત્તા છે તે સુમંગલનો બાપ છે. તું જો ધારે તો… તારે ને સુમંગલને સારા સંબંધો… તું એક વાર સુમંગલને મળીને વાત તો કરી જો. બદલામાં એ જે માગે તે…

ડરવાની જરૂર નથી. રાતોરાત માલદાર થવું હોય તો આવું બધું તો કરવું જ પડે, સમજી કે નહીં?’ ખેમુ ખંજરે પૂછ્યું. શાલિની આ વખતે પણ સમજી તો નહોતી જ તો પણ એનાથી બોલાઇ ગયું, ‘હા, સમજી ગઇ.’

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: