હકીકતમાં તો કેવળ પ્રેમના બે બોલ છે એ પણ, સહજ વિકસીને જે ગીતા અને કુરાન કહેવાયા

સોળમી ઓગસ્ટ, સાંજના છ વાગ્યા હશે. હું શતાબ્દી એકસપ્રેસમાં સૂરત જઈ રહ્યો હતો. બીજા દિવસે રવિવારે ત્યાં એક સમારંભમાં મારે પોણો કલાક સુધીનું વકતવ્ય આપવાનું હતું. કાર્યક્રમ એવો મહત્ત્વનો હતો કે એ દિવસે રક્ષાબંધનનો તહેવાર હોવા છતાં હું નીકળી પડયો હતો.

અચાનક મારો સેલફોન રણકી ઊઠયો. મેં જોયું તો એના સ્ક્રીન ઉપર ડો. અરવિંદનું નામ ઉપસી આવ્યું હતું. ડો.અરવિંદ એટલે મારો કોલેજકાળનો સહાઘ્યાયી. મારો ગાઢ મિત્ર. અત્યારે ભાવનગર જિલ્લાના એક નાનકડાં શહેરમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેકિટસ કરી રહ્યો છે. બોલવામાં આખાબોલો. વર્તનમાં જાંગડ. કોઈની સાથે વાત કરતો હોય તો ઝગડતો હોય એમ લાગે. મોટેથી હસવું એ એની મજબૂરી અને અંદરથી માનસરોવરના જળ જેવા પવિત્ર,શુદ્ધ અને પારદર્શક હોવું એ એની પ્રકૃત્તિ.

‘બોલ, અરવિંદ! શું નવાજૂની છે?’ મેં સીધો જ મુદ્દાનો સવાલ પૂછી નાખ્યો.

એના અવાજમાં ભારે રઘવાટ હતો, જબરદસ્ત અર્જન્સી હતી, ‘દોસ્ત, મારી વાત ઘ્યાથી સાંભળજે. હું અત્યારે ટ્રેનમાં છું. મુંબઈ એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો, ત્યાંથી વડોદરા તરફ પાછો ફરી રહ્યો છું. મારા હાથમાં એક મુસ્લિમ છોકરો છે. જીવે કે મરે એ નક્કી નથી. એનો એક પગ ભાંગીને છૂંદો થઈ ગયો છે.’

હું સાવધ થઈ ગયો, છવ્વીસમી જુલાઈના આતંકવાદી ધડાકાઓની ગુંજ હજુ શમી ન હતી, ત્યાં મારા મિત્રના વાકયોમાં મને કોમી કરતૂતની બૂ આવી રહી હતી. મેં પૂછી લીધું,‘તારી સાથે એને ઝઘડો થયો? તે એનો ટાંટિયો તોડી નાખ્યો? તને તો કંઈ વાગ્યું નથી ને?’

‘એવું નથી, ભાઈ! તું શાંતિ રાખ અને મને બોલી લેવા દે. હું ભયંકર તકલીફમાં છું…’ ડો. અરવિંદે ઘાંટો પાડીને મને ચૂપ કરી દીધો. પછી એ ન્યૂઝ ચેનલના રિપોર્ટરની ઝડપે માહિતી પીરસવા માંડયો. પરિણામે જે ઘટના મળી તે આ હતી, ડો. અરવિંદ મારડીયા ટ્રેનના ડબ્બામાં બેઠા હતાં. સુરત હજુ હમણાં જ છૂટયું હતું. ત્યાં અંકલેશ્વર અને ભરૂચની વરચે કયાંક અચાનક ડબ્બામાં દેકારો મચી ગયો. અરવિંદભાઈ સફાળા ઊભા થઈ ગયા. અવાજ દરવાજાની દિશામાંથી આવી રહ્યો હતો. ડોકટર ત્યાં ગયા, પછી જે દૃશ્ય જોયું તે થથરાવી મૂકે તેવું હતું. એક જુવાન છોકરો મૂર્છિત અવસ્થામાં ચત્તોપાટ પડેલો હતો. એનું અડધું શરીર ડબ્બામાં અને અડધું બહાર લટકતું હતું.

‘ઇશ્વરની કૃપા ગણો કે બચી ગયો, જો અમે સમયસર ખેંચી ન લીધો હોત, તો બહાર જ ફેંકાઈ ગયો હોત! પણ એક પગ તો ગયો જ…’ ભીડમાંથી કોક બોલ્યું, એ સાંભળીને ડો.અરવિંદે એ છોકરાના પગ તરફ જોયું. ગોઠણથી નીચેનો ભાગ કોઈ કાળે પગનો આકાર ધરાવતો હશે, પણ અત્યારે ત્યાં માંસનો લોચો લબડતો હતો અને મોટી-મોટી રકતવાહિનીઓમાંથી ખળખળ કરતું લોહી વહી રહ્યું હતું.‘કન્ટયુઝડ લેસરેટેડ વૂન્ડ. આ માણસ ભાગ્યે જ બચે. કાં એ હેમરેજીક શોકને કારણે મરશે, કાં ન્યુરોજેનિક શોકને કારણે. ‘ડો. અરવિંદ કન્સલ્ટન્ટ ડોકટર હતા, એટલે જાણતા હતા કે આવા દર્દીની નિયતિ શું હોય છે.

‘પણ આ બન્યું કેવી રીતે?’ એમના હોઠો ઉપર પૂછપરછ હતી અને આંગળીઓમાં જુવાનની પલ્સ. નાડીના ધબકારા ડૂબતા જતા હતા અને એના જીવતાં રહેવાની આશા પણ.

‘આ છોકરો બારણામાં વરચોવરચ બેઠો હતો. એના પગ ડબ્બાની બહાર લટકતા હતા. અચાનક એક ફલેગ સ્ટેશન આવ્યું. ગાડી તો ઊભી રહેવાની ન હતી. ટ્રેન પૂરપાટ દોડી ગઈ અને આ ભાઈસાહેબનો પગ પ્લેટફોર્મ સાથે અથડાઈ ગયો. એ આખેઆખો આંચકાને કારણે બહાર ફેંકાઈ ગયો હોત, પણ વળી એણે સળિયો પકડી રાખેલો એટલે બચી ગયો. પછી તરત જ અમે એને પકડી લીધો. ‘માહિતી આપનાર ઘણાં નીકળ્યા, છોકરાની દયા ખાનારા બધાં નીકળ્યા, પણ એને બચાવવામાં મદદ કરી શકે એવું કોઈ ન નીકળ્યું.

આવા દર્દીને બચાવવો હોય તો પહેલું કામ એના ઘાવમાંથી દદડતાં ખૂનને તાત્કાલિક રોકવાનું કરવું પડે. પછી મોટી સંખ્યામાં બ્લડના બાટલા ચડાવવા પડે. એ પછી શસ્ત્રક્રિયા દ્વારા એનો પગ રીપેર કરવો પડે. પાછલા બે તબક્કા તો મોટા શહેરની સાધનસંપન્ન હોસ્પિટલમાં જ થઈ શકે. અહીં ડબ્બામાં બ્લડ બેંક કયાંથી કાઢવી? અને ઓર્થોપેડિક સર્જન કયાંથી લાવવો? અને સુસજજ ઓપરેશન થિયેટરની તો કલ્પના સુઘ્ધાં મહાપાપ ગણાય.

એક કામ થઈ શકે. જો પાટાપિંડીનું મટિરિઅલ હોય તો છોકરાનો રકતસ્ત્રાવ અટકાવી શકાય. ડો. અરવિંદે સાથી પેસેન્જરોને વિનંતી કરી, ‘તમારામાંથી કોઈ જઈને ટી.સી.ને બોલાવી લાવશો? શકય છે કે એની પાસેથી ડ્રેસિંગ માટેનો સરંજામ મળી જાય.

ભીડ તરત જ અદૃશ્ય થઈ ગઈ. ‘ના, ભ’ઈ સા’બ, ના. આ તો અકસ્માતનો મામલો કહેવાય. આમાં તો ટિકિટ ચેકર આવે એટલે પાછળ રેલવે પોલીસ પણ આવે. પછી કેસ થાય અને કોર્ટના ચક્કર ચાલુ થાય. આપણી પાસે એટલો ફાલતુ સમય કયાં છે?’ આ તમામનું મંતવ્ય.‘સમય કયાં છે?’ એવો સવાલ પૂછનારા લગભગ બધાં નવરા હતા. પોતપોતાની બેઠક ઉપર જઈને બેસી ગયા. દરેકને ઊંઘ પણ તરત જ આવી ગઈ. ખરા વ્યસ્ત એકલા ડો. અરવિંદ હતા. બીજે દિવસે સવારે ઓપરેશનો નક્કી કરેલા હતા. રાતના બાર વાગ્યા પહેલાં ઘરે પહોંચવું જરૂરી હતું. પણ એ પથ્થરદિલ ન થઈ શકયા.

બેન્ડેજની ગેરહાજરીમાં ડોકટરે પોતાની બેગ ઊઘાડી. એક કિંમતી શર્ટ ફાડી નાખ્યું. એક ટોવેલ કાઢીને આખેઆખો છોકરાના પગ ઉપર દબાવી દીધો. ટોવેલ બે જ મિનિટમાં લાલ અને લથપથ થઈ ગયો. હિંમત હાર્યા વગર ડોટરે પોતાના શર્ટમાંથી બનાવેલો પાટો કચકચાવીને ટોવેલ ઉપર બાંધી દીધો. લોહીનો પ્રવાહ બંધ થઈ ગયો. આવા જંતુમુકત કર્યા વગર કપડાં વાપરવામાં ચેપ લાગવાનું જોખમ હતું. પણ ડો.અરવિંદને આ જુગાર રમવો જ પડે તેમ હતો. ઇન્ફેકશન મટાડવાની અનેક દવાઓ મળી રહેવાની હતી, પણ જો હેમરેજ બંધ ન થાય તો છોકરાનો પ્રાણ ચાલ્યો જવાનો હતો.

થોડીવાર પછી છોકરાએ આંખો ઊઘાડી. બોલ્યો, ‘યા અલ્લાહ! યે કયા હો ગયા..?’

‘તું મુસલમાન છે?’ ડો. અરવિંદે પૂછ્યું.

‘હાં, મેરા નામ તન્વીર હૈ.’ આટલું બોલીને એ પાછો બેભાન થઈ ગયો. હવે ડોકટર ગભરાયા. નજીકમાં નજીકનું મોટું સ્ટેશન વડોદરાનું હતું. એના આવવાની હજુ કેટલી વાર હશે? અને ત્યાં ગયા પછી શું થશે? પોલીસનું લફરું? રેલવેનું પોતાનું દવાખાનું પણ હોય છે, ત્યાંના ડોકટરોનો કેવો સહકાર મળી રહશે? બીજા પ્રવાસીઓ જો મદદ નહીં કરે તો પોતે એકલા હાથે તન્વીરને ઊંચકીને શી રીતે..? એક સામટા સેંકડો સવાલો જડબાં ફાડીને ઊભા હતા. આ ક્ષણે ડો. અરવિંદને આ દોસ્ત યાદ આવ્યો. અને એણે મને ફોન લગાડયો.

મે કહ્યું, ‘દોસ્ત, હું પણ ટ્રેનમાં જ છું. તારી સામે આવી રહ્યો છું. પણ તું કદાચ મારા કરતાં વહેલો વડોદરા પહોંચી જઈશ. ગભરાઈશ નહીં. ત્યાંની રેલવે હોસ્પિટલમાં આપણી સાથે ભણતી હતી એ છોકરી અત્યારે સારી, ઊંચી ખુરશીમાં બેઠેલી છે. મિજાજની તેજ છે, પણ જરૂર પડે મારું નામ આપજે. અવશ્ય મદદ કરશે. એનો મોબાઇલ નંબર હું તને મેસેજ કરું છું. અને પોલીસથી ડરીશ નહીં. એનું પણ કંઈક કરીશું. હું થોડી મિનિટો બાદ વડોદરામાંથી પસાર થવાનો છું. તું કહીશ તો હું ઊતરી પડીશ.’

જરા પણ અતિશયોકિતના ઉમેરણ વગરની આ સત્ય ઘટના છે. વડોદરાની ગવર્નમેન્ટ હોસ્પિટલનો રેકર્ડ આ વાતની સાક્ષી પૂરશે. અમદાવાદના વિનાશક બોમ્બવિસ્ફોટોનો ધુમાડો ગુજરાતના આસમાનમાંથી હજુ ઓસર્યોપણ ન હતો, ત્યારે એક હિંદુ ડોકટર એક મુસલમાન છોકરાને બચાવવા માટે દોડધામ કરી રહ્યો હતો. એ છોકરો એનો તો દર્દી પણ ન હતો. એટલે તબીબી ધર્મની આચાર સંહિતા અહીં લાગુ ન પાડી શકાય. રહી વાત માનવધર્મની, તો એ તો બધામાં હોવો જોઈએ ને?

ડો. અરવિંદને વડોદરાના પ્લેટફોર્મ કેવા અનુભવો થયા એની દાસ્તાન અલગ પ્રકરણ માગી લે તેવી છે પણ રેલવેના ડોકટરે એને સુંદર સહકાર આપ્યો, ત્યાંના પોલીસ અધિકારીએ પણ જરૂરી કાર્યવાહી બનતી ત્વરાએ આટોપી લીધી. પછી એકસો આઠ નંબરની ગાડી બોલાવીને તન્વીરને સયાજીરાવ હોસ્પિટલમાં શિફટ કર્યો.

એક આડ વાત : પ્લેટફોર્મ પર તન્વીરને ઊંચકવા માટે ડોકટરે કેટલાંક લોકોને મદદ માટે વિનંતી કરી. એમાં એક ટોળું મુસ્લિમ બિરાદરોનુંયે હતું. ડોકટર પાસેથી એ વાત જાણવા છતાં કે દર્દી મુસ્લિમ હતો, તો પણ બિરાદરોએ જવાબ આપ્યો, ‘દેખતે હૈં…’ કોઈ આગળ ન આવ્યું. કદાચ કાનૂનની માયાજાળનો ડર લાગ્યો હશે. ડો. અરવિંદ રાત્રે બારને બદલે સવારે પાંચ વાગે પોતાના ઘરે પહોંરયા. બસનું કનેકશન ચૂકી ગયા એટલે ટ્રક-ટેમ્પો-ટેન્કરમાં બેસી-બેસીને ઘરે પહોંરયા. આ લેખ પ્રતિબંધિત સિમિના પકડાયેલા આતંકવાદીઓને અર્પણ કરું છું. એમને માત્ર એટલું જ જણાવવાનું કે આ સાચું ગુજરાત છે ને આ હિંદુ-મુસલમાન આમજનતાનો અસલી ભાઈચારો છે. તમને બોમ્બ ફોડવામાંથી કયારેય નવરાશ મળે તો, ડો. અરવિંદનું સન્માન કરવાનું વિચારજો. કે પછી એ પણ અમારે જ કરવું પડશે?

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: