જયાં જણાશે માનવી ત્યાં ત્યાં બધે, એક રોમાંચક કહાની હોય છે

ભગવાનદાસ ભગવાનના માણસ. સુનિતાનાં સસરાજી થાય. સુનિતા મારી દર્દી. દર મહિને મારી પાસે ‘ચેક-અપ’ માટે આવે. એને સારા દિવસો જતાં હતાં. એ સારા દિવસોની ખુશી આખાયે પરિવારનાં સભ્યોનાં મોં ઉપર વાંચી શકાતી હતી. સુનિતા જયારે પણ ‘ચેક-અપ’ માટે આવતી, ત્યારે સાથે એનો પતિ ભલે ન હોય, પણ ભાનુબહેન અને ભગવાનદાસ તો હોય, હોય અને હોય જ. સસરાજી બહાર બેસી રહે, સાસુ-વહુ અંદર મારી પાસે આવે. બધું પતી જાય એ પછી ભગવાનદાસ બારણામાં દર્શન આપે. હાથનાં ઇશારાથી પૂછે: ‘બધું બરાબર ને?’ હું હસીને માથું હલાવું એટલે ત્રિપુટી વિદાય લે.

પણ એક દિવસ વાત આટલેથી ન અટકી. સુનિતા અને ભાનુબહેન બહાર ગયાં અને ભગવાનદાસ અંદર આવ્યા. એમના ચહેરા ઉપર પીડા અને પરેશાની બેય ફિફટી-ફિફટીનાં સરખા ભાગમાં વહેંચાયેલી અને લીંપાયેલી હતી.

‘ડોકટર સાહેબ, હું જાણું છું કે તમે ગાયનેકોલોજિસ્ટ છો, પણ તેમ છતાં પુરુષોની બીમારીમાં તમને થોડી-ઘણી ખબર પડે કે નહીં?’

‘પડે ને! એમ.ડી. થતાં પહેલાં અમે એમ.બી.બી.એસ. તો થયા જ હોઇએ ને! શી તકલીફ છે તમને, બોલી નાખો!’

‘મારે કયાં સુવાવડ આવવાની માથાકૂટ હોય, ડોકટર સાહેબ? આ તો જરા પેટમાં દુ:ખે છે તે મને થયું કે તમને પૂછવામાં શું જાય છે?’ આટલું કહીને એમણે ખુરશીમાં બેઠાં-બેઠાં જ શર્ટ ઊચું કર્યું. પોતાના ચરબીથી લથબથ પેટ ઉપર હાથ મૂકીને એ બોલ્યા, ‘અહીં દુ:ખે છે.’

મેં જરૂરી પ્રશ્નો પૂછ્યાં: ‘ઊલટી થાય છે? તાવ આવે છે? ઝાડા કેટલી વાર થયા? આજે શું જમ્યા છો?’ પછી મેં એમને તપાસવાના ટેબલ ઉપર સૂવડાવ્યા. પલ્સ, બી.પી. માપ્યા. પેટ દબાવ્યું.

‘ભગવાનદાસ, તમારે સર્જનને બતાવવું પડશે. એપેન્ડિકસ પર સોજો હોય એવું લાગે છે.’ મેં પાછા ખુરશીમાં બેસતાં કહ્યું.

‘એવું હોય તો? ઓપરેશન કરાવવું પડે?’ ભગવાનદાસ પણ ખુરશીમાં બેઠા.

‘કદાચ હા. પણ એ હું ન કહી શકું. એ સલાહ માત્ર સર્જન જ આપી શકે. તમારી જાણમાં છે કોઇ ડોકટર કે પછી હું કોઇ સારા સર્જન ઉપર ભલામણ ચિઠ્ઠી લખી આપું?’ ‘ના, ના, અમારા સગામાં છે એક સર્જન. દૂરની સગાઇ છે, પણ ડોકટર સારા છે. અમારી ન્યાતમાં બધાંની સાથે આત્મીયતા રાખે છે. હું એની પાસે ગમે ત્યારે…’

‘ગમે ત્યારે નહીં, વડીલ, આજે જ જઇ આવો. આ પેટનો મામલો કે’વાય. એમાં જો મોડું થાય તો પછી… કદાચ સાવ જ મોડું થઇ જાય.’ મેં વાકયના ઉતરાર્ધમાં એક-એક શબ્દ ઉપર અધમણ જેટલું વજન મૂકીને એમને વિદાય કર્યા.

ભગવાનદાસે મારી સલાહનું શબ્દશ: પાલન કર્યું હોવું જોઇએ. સુનિતાને ઘરે ઉતારીને એ પત્ની સાથે બારોબાર ડો. કોઠારીની પાસે પહોંચી ગયા. પંદર દિવસ પછી મને એમના જ સ્વમુખે જે વિગત જાણવા મળી તે આ પ્રમાણે: ‘ડોકટરે મારા પેટ ઉપર હાથ મૂકીને જોરથી દબાવ્યો. એટલા જોરથી કે જેને ન દુ:ખતું હોય તે પણ ચીસ પાડી ઊઠે. મેં ચીસ પાડી એટલે ડો. કોઠારીના હોઠો પરથી નિદાન ઝર્યું: ‘એકયુટ એપેન્ડિસાઇટિસ. ઓપરેશન કરવું પડશે. અત્યારે જ. લો, આ સંમતિપત્રમાં કરો સહી. ત્યાં સુધીમાં હું એનેસ્થેટિસ્ટને ફોન કરીને બોલાવી લઉ છું. ફટાફટ બધું પતી ગયું. ત્રીજા દિવસે તો મને રજા મળી ગઇ.’

‘બિલ કેટલું થયું?’ મેં નિર્દોષ ભાવે, ખાલી જાણવા ખાતર પૂછ્યું.

‘અઢાર હજાર. એમાં ઓપરેશન ને રહેવાનું બધું આવી ગયું. દવાઓનાં ત્રણ હજાર જુદા. શીશી સૂંઘાડવાનાં પંદરસો અલગથી ચૂકવ્યા. પણ કામ સારી રીતે પાર પડયું એટલે પૈસા વસૂલ! જો કે કોઠારી સાહેબ બહુ ભલા એ વાતમાં ના નહીં. એમણે તો બિલ લેતાં પહેલાં જ પૂછી લીધું કે મારો મેડિકલેમ ઊતરાવેલો છે કે નહીં! મેં ના પાડી એટલે પછી અઢાર હજાર જ લીધા, નહીંતર ચાલીસ હજાર થઇ જાત!’ હું કંઇ બોલ્યો નહીં. માત્ર હસીને એટલું કહ્યું, ‘ભગવાનદાસ, હવે તમારો મેડિકલેમ ઊતરાવી લેજો! શરીરનો ભરોસો ન કરાય. કયારે કેવી બીમારી આવી પડે એનું કંઇ નક્કી નથી હોતું.’

ભગવાનદાસે મારી સલાહ સ્વીકારી લીધી. એમણે આરોગ્યનો વીમો ઊતરાવી લીધો. હવે શરીરમાં જે થવાનું હોય તે ભલે થાય.

‘‘‘

સુનિતાને બાબો આવ્યો. બધું સુખરૂપ પતી ગયું. ત્રીજા દિવસે મા-દીકરો ઘરે ગયાં. પાંચ દિવસ બાદ ફોલો-અપ માટે પણ આવી ગયાં. ત્યારે સુનિતાએ પૂછી લીધું, ‘હવે પછી કયારે આવું? અમારામાં પહેલી ડિલિવરી સાસરીમાં કરાવવાનો રિવાજ છે. હવે હું એકાદ મહિના માટે પિયરમાં જવાની છું.’

‘બસ, ત્યાંથી પાછી આવે ત્યારે ‘ચેક-અપ’ માટે આવી જજે.’ મેં એનાં કેસપેપર ઉપર મહિના પછીની તારીખ નાખી. એ લોકો ગયાં. એમનાં બહાર ગયા પછી બીજી ક્ષણે ભગવાનદાસ પ્રગટ થયા, ‘બધું બરાબર છે ને,સાહેબ? સબ સલામત?’ મારું માથું હલ્યું પછી જ ભગવાન અંતર્ધ્યાન થયા.

પણ ખરી ઘટના હવે જ બની. બરાબર એક મહિના પછી જયારે સુનિતા પોસ્ટપાર્ટમ તપાસ માટે મારી પાસે આવી, ત્યારે મેં ન ધાર્યું હોય એવું જાણવા મળ્યું.

સુનિતાને તો સારું હતું. એનું બ્લડ પ્રેશર, લોહીની ટકાવારી, શરીરમાં પ્રેગ્નન્સી દરમિયાન આવેલા સોજા બધું જ હવે સામાન્ય થઇ ગયું હતું. એનું ગર્ભાશય પણ પોતાના મૂળ સ્વરૂપમાં અને કદમાં આવી ગયું હતું.

‘તારા બાબને કેમ છે?’ મેં પૂછ્યું. જવાબમાં ભાનુબહેને ખોળામાં સૂતેલા કાનુડાને મારી સામે ધરી દીધો. મેં થોડીક પૂછપરછ એના વિશે કરી લીધી, ‘બાળકને રસીઓ નિયમિત રીતે મૂકાવો છો ને? અને એને કંઇ પણ તકલીફ થાય તો ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને જ બતાવો છો ને?’

જવાબમાં સાસુ-વહુ ‘હા’ પાડતાં રહ્યા. ‘હા’ પાડતાં રહ્યા. એ પછી મેં થોડીક સલાહ સુનિતાને કોન્ટ્રાસેપ્શન વિશે આપી. સાસુ-વહુ અને નાનો દીકરો ઊભાં થઇને બહાર ગયાં.

હું અપેક્ષાપૂર્ણ નજરે બારણાંની દિશામાં તારી રહ્યો. ભગવાનદાસ દેખાયા. માત્ર દેખાયા એટલું નહીં, બોલ્યા પણ ખરા: ‘અંદર આવું, ડોકટર સાહેબ?’ મારે ના પાડવાની હતી જ નહીં. એ આવ્યા ને ખુરશીમાં પડતું મૂકતાં હોય એ રીતે ગોઠવાયા. એમને શ્વાસ ફૂલી ગયો હતો. ચહેરા ઉપર ફિક્કાશ અને આંખોમાં હતાશા વરતાતી હતી.

‘હું તો હેરાન-પરેશાન થઇ ગયો, ડોકટર?’ ફેફસાની ધમણ શાંત પડી પછી એ બોલ્યા. મેં એમને બોલવા દીધા. ‘પંદર દી’ પહેલાં હું વેવાઇના ઘરે ગયેલો. વેવાઇ એટલે સમજી ગયા ને? સુનિતાનાં પપ્પા. કાનુડાનું મોં જોવા માટે તડપ ઊઠી એટલે રાત માથે લઇને નીકળી પડયો. તમારી કાકીને પણ સાથે લીધી’તી. ઘરની ગાડી હતી અને ડ્રાઇવર હતો, એટલે બીજી કોઇ વાતની ચિંતા ન હતી.’

‘પછી?’

‘રસ્તો મારો બેટો ખૂબ ખરાબ નીકળ્યો. ડગલે ને પગલે ખાડા ખૈયા આવે. માંડ ત્રીસ કિ.મી.ની ઝડપે ગાડી ચાલે. ત્રણસો કિ.મી. કાપતાં તો સવાર થઇ ગઇ. વેવાઇના ઘરે પહોંરયા, ત્યાં જ મને પેટમાં દુખાવો શરૂ થયો. મને એમ કે પેલું ઓપરેશન કરાવ્યું છે એનો દુખાવો હશે.થોડાંક ઘરગથ્થુ ઉપચારો કર્યા, પણ પીડા તો વધતી જ ગઇ.’

‘કોઇ ડોકટરને મળવું હતું ને? વેવાઇનું શહેર પણ મોટું છે…’

‘શાંતિ રાખો, સાહેબ! બધું કહું છું. ‘ભગવાનદાસની સૂરત રડમસ હતી, ‘વેવાઇ મને એમના પરિચિત ડોકટરના દવાખાને લઇ ગયા. એ પણ સજર્યન જ હતા. એમણે મારું પેટ તપાસીને નિદાન કર્યું કે મારા એપેન્ડિકસ ઉપર સોજો આવી ગયો છે. તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, નહીંતર ફાટી જશે.’ ‘પછી?’ ‘પછી શું? હું ત્યારે ને ત્યારે જ ટેબલ પર સૂઇ ગયો. ડોકટરને કહેવા ખાતર કહી જોયું કે મારું એપેન્ડિકસ એક વાર કાઢી નાખવામાં આવ્યું છે, પણ એમનું કહેવું હતું કે મારા પેટમાં જમણી બાજુએ એપેન્ડિકસ છે જ નહીં, એ તો ડાબી બાજુએ આવેલું છે! આવુ જવલ્લે જ બનતું હોય છે, અને એમણે ખરેખર ઓપરેશન પતી ગયા પછી એપેન્ડિકસ કાઢીને મને બતાવ્યું પણ ખરું. લેબોરેટરીનો રિપોર્ટ પણ કરાવી લીધો. આ વખતે તો મારો વીમો ઊતરાવેલો હતો, એટલે બિલ પણ મોટું બન્યું… પૂરા બત્રીસ હજાર!’ ‘તો પછી ભગવાનદાસ, પહેલી વાર ડો. કોઠારીએ જે કાઢયું…તે….શું હતું?’ ‘એ પણ એપેન્ડિકસ જ હતું. મને એમણે બતાવેલુંયે ખરું. એ વખતે પણ લેબોરેટરીનો રિપોર્ટ કરાવેલો. સાહેબ, મારે તો ખાલી એટલું જ પૂછવું છે કે હવે મને ફરી વાર તો પેટનો દુખાવો નહીં ઉપડે ને?’

‘દુખાવો તો ઉપડી શકે છે, ભગવાનદાસ. પેટની અંદર એપેન્ડિકસ સિવાયનાં પણ બીજા અવયવો હોય છે. એટલે દુખાવો તો ગમે ત્યારે ગમે તેનો ઉપડે, પણ મહત્ત્વની વાત એ છે કે એ ત્રીજી વારનો દુખાવો પણ એપેન્ડિકસનો ન નીકળે! ભગવાનદાસ, તમે એક કામ કરો. તમારા ગળામાં પાટિયું લટકાવી રાખો કે મારું એપેન્ડિકસ બે વાર નીકળી ચૂકયું છે, ત્રીજી વાર ન કાઢવા માટે વિનંતી.’ મેં કહ્યું અને ભગવાનદાસ હસી પડયા. ‘

(શીર્ષક પંકિત: ગણપત પટેલ ‘સૌમ્ય’)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: