જે બની એ વાતનો પર્યાય બીજો કૈં નથી, ઘાત કે આઘાતનો પર્યાય બીજો કૈં નથી

‘ડો.બારોટ એક બાહોશ સજર્યન હતા. સૌરાષ્ટ્રની એક મોટી સરકારી જનરલ હોસ્પિટલમાં સિવિલ સજર્યન હતા. અત્યારે અમદાવાદમાં પોતાનું ખાનગી નર્સિંગ હોમ ધરાવે છે.

સજર્યનો વિષે તબીબી વિશ્વમાં એવું કહેવાય છે કે કોન્ફિડન્ટ સજર્યન દેવ કરતાં પણ વધુ મહાન છે અને ઓવરકોન્ફિડન્ટ સજર્યન દાનવ કરતાં પણ વધુ ખરાબ છે. ડો. બારોટ એક ઓવરકોન્ફિડન્ટ સજર્યન હતા.

બપોરના બાર વાગે કોફી રૂમમાં પચાસ ડોકટર ભેગા થયા હોય ત્યારે ડો. બારોટ વાતની શરૂઆત કરતા, ‘ડો. વાછાણી, તમારા હાડકાનાં વિભાગમાં શું ચાલે છે આજ કાલ?’ ‘બધું સરસ ચાલે છે, સર!’

‘એસ.પી.નેઇલિંગ કરવામાં કેટલા કલાક લો છો તમે?’ કોઇ માણસના થાપાનું હાડકું ભાંગ્યું હોય ત્યારે એની મઘ્યમાં સ્ટીલનો સળિયો બેસાડવાના ઓપરેશનને એસ.પી. નેઇલ નાખવો એવું કહેવાય છે.

‘મોટા ભાગે દોઢેક કલાકમાં ઓપરેશન પૂરું કરી નાખું છું. કયારેક નેઇલ હાડકામાં સીધી રેખામાં બંધ ન બેસે તો ત્રણ-ચાર કલાક પણ નીકળી જાય!’ ડો. વાછાણીએ વાસ્તવિક ઉત્તર આપ્યો.

ડો. બારોટ એમની સામે તુરછકાર પૂર્ણ નજર ફેંકી, ‘ગઇ કાલે મેં જિંદગીનું પહેલું એસ.પી. નેઇલનું ઓપરેશન કર્યું. માત્ર ત્રીસ મિનિટમાં.’

કોફી રૂમમાં સન્નાટો ફેલાઇ ગયો. બધાં સમજી ગયા કે ડો. બારોટ ફેંકી રહ્યા છે. સમગ્ર ગુજરાતનાં સર્વશ્રેષ્ઠ ઓર્થોપિડિક નિષ્ણાત ડો. શાહને પણ આ ઓપરેશન કરવામાં પોણો કલાક જતો હતો. જયારે ડો. બારોટ તો જનરલ સજર્યન હતા. આ ઓપરેશન કરવાનું એ ભણ્યા પણ ન હતા, પણ બોલવામાં શું જાય છે? એ પછી એમણે ગાયનેકોલોજિસ્ટને હાથમાં લીધા. ગર્ભાશય કાઢવાનું ઓપરેશન કરવામાં ડો. દોશીને પિસ્તાળીસ મિનિટ લાગતી હતી, પણ ડો. બારોટે ગઇ કાલે એ જ ઓપરેશન અઢાર મિનિટમાં પતાવી દીધું. ઇ.એન.ટી. સજર્યન ટોન્સિલ કાઢવામાં અડધો કલાક લેતા હતા, એ ઓપરેશન ડો. બારોટે આજે સવારે દસ મિનિટમાં જ પૂરું કર્યું.

ડો. પંજવાણીએ ક્રોસ એકઝામિન કરવાની હિંમત બતાવી, ‘સર, આપે તો જનરલ સર્જરીમાં તાલીમ હાંસલ કરી છે. તો પછી બીજી શાખાનું ઓપરેશન તમને કેવી રીતે આવડે?’

‘આમાં આવડવા જેવું શું છે! સર્જરી એટલે ચીરવું ને સાંધવું. જે મોચી બૂટ સીવી શકે તે ચંપલ પણ સીવી શકે. હું તો એક જ વાત કહું છું, ‘દરેક ડોકટરને બધું જ કામ આવડતું હોવું જોઇએ.’

ડો. બારોટે ગળું ફૂલાવ્યું, ‘મારી વાત કરું તો માત્ર ઓપરેશનો જ શા માટે? મને તો મેડિસિન, સાયક્રીયાટ્રી અને પિડિયાટ્રિકસનું કામ પણ ફાવે છે. કાલથી તો માનસિક રોગોના ભોગ બનેલા દર્દીઓને ઇલેકિટ્રક શોક આપવાનું કામ પણ હું જ કરવાનો છું.’

બીજા દિવસથી ખરેખર ડો. બારોટ ઇ.સી.ટી.નું કામ શરૂ કરી દીધું. ઇ.સી.ટી. એટલે માનસિક રોગનાં દર્દીને બેભાન કરીને એને વીજળીનો કરન્ટ આપવાની તબીબી સારવાર પદ્ધતિ. આ સારવાર વિષે વિજ્ઞાનીકોમાં પણ બે વિરુદ્ધ છેડાના મત પ્રવર્તે છે. છતાં આ પદ્ધતિ હજુ અમલમાં છે.

ડો. બારોટ એ વિભાગનાં વોર્ડબોયને આદેશ આપી દીધો, ‘જે જે લોકોને શોક આપવાનો હોય એમને આ બાંકડા ઉપર બેસાડી દેવાના. હું કહું એટલે એક પછી એકને અંદર મોકલી દેવાના, પણ એક વાતનું ઘ્યાન રાખવાનું, આ બધાં સાદી ભાષામાં ગાંડાઓ કહેવાય, પણ એમનેય એટલી તો ખબર પડે છે કે વીજળીનો કરન્ટ કેટલો ત્રાસદાયી હોય છે, એટલે એ બધાં બચવા માટે ધમપછાડા કરશે, રાડો પાડશે, ભાગવાની કોશિશ કરશે, પોતે ગાંડા નથી એવું પણ કહેશે! પણ તમારે કોઇનું કશું જ સાંભળવાનું નહીં. ચાર જણાંએ ભેગાં થઇને ટિંગાટોળી કરીને એક પછી એક ગાંડાને ઊઠાવી લાવવાનો. શું સમજયા?’

‘સમજી ગયો.’ વોર્ડબોયે માથું હલાવ્યું, ‘હું બધું જ સમજી ગયો અને મારા સાથીઓને પણ સમજાવી દઇશ.’

‘ધેટ ઇઝ ફાઇન. જો ભૂલ થઇ છે તો નોકરી ગઇ સમજજે!’ ડો. બારોટે સત્તાની સોટી વીંઝી.

‘‘‘

પાંસઠ વર્ષના વશરામભાઇ સોનીને પૂંઠના ભાગમાં ગૂમડું થયું. ગૂમડું પાકયું. લબકારા તો એવા મારે કે રાતભર ઊંઘી ન શકાય. તાવ પણ આવી ગયો. વશરામકાકા એમના ફેમિલી ડોકટર પાસે ગયા. એમનું નામ ડો. પટેલ. ડો. પટેલે ગૂમડાં ઉપર હાથ મૂકયો, પછી પૂછ્યું, ‘આ તો ઇન્જેકશન પાકયું છે, કોની પાસે મૂકાવેલું?’

‘ઊંટવૈદ પાસે.’ વશરામકાકાએ માહિતી આપી, ‘સાળાના દીકરાના લગ્ન હતા, ગામડે. ત્યાં પેટમાં દુખાવો ઉપડયો. ડિગ્રી વગરના ડોકટર કાટ ખાધેલી સોયથી ઇન્જેકશન ભોંકી દીધું.’ ડો. પટેલે ગૂમડા ઉપર સહેજ દબાણ આપ્યું, ‘દુ:ખે છે, કાકા?’ જવાબ આપવાને બદલે કાકો ઊછળ્યો. દસ દર્દીઓ નાસી જાય એવી રાડ પાડી.

ડો. પટેલને ખાતરી થઇ આ એબ્સેસ જ હતું, ‘કાકા, ગૂમડામાં પરુ જ પરુ થઇ ગયું છે, ચેકો મૂકવો પડશે. એ પછી પરુ કાઢવું પડશે, અને પછી ખાડો પૂરાય ત્યાં સુધી ડ્રેસિંગ કરવું પડશે.’ ‘આ બધું કોણ કરી આપશે?’

‘હું કરું છું ને, કાકા! આવા તો કંઇક કેસો…’

‘પણ ચેકો મૂકતાં પહેલાં મને બેહોશીનું ઇન્જેકશન તો આપશો ને?’

‘કાકા, એવી બધી સગવડ મારે ત્યાં નહીં મળે. તમે સમજવાની કોશિશ કરો, હું સજર્યન નથી, ફેમિલી ડોકટર છું. તમારે જો એનેસ્થેસિયા લીધા પછી ચેકો મૂકાવવો હોય તો કોઇ સજર્યનના નર્સિંગ હોમમાં જવું પડશે.’

‘હેં? મોટો ડોકટર તો ગૂમડાંની સાથે-સાથે મારા ખિસ્સા ઉપર પણ ચેકો મૂકી દે! ઓપરેશનનું નામ પડયું એટલે પાંચ હજાર રૂપિયા તો સમજી જ લેવાના!’

‘તો પછી સરકારી હોસ્પિટલમાં ચાલ્યા જાવ!’ ડો. પટેલ વશરામકાકાની દાનત સમજી ગયા.

‘ત્યાં સારા ડોકટર હશે?’

‘હોય જ ને? ડોકટરો તો બધે જ ઠેકાણે હોશિયાર હોવાનાં. સરકારી હોસ્પિટલમાં જશો તો એક રૂપિયાનોયે ખર્ચ નહીં થાય.’

વશરામ સોનીને ડો. પટેલની સલાહ ગળે ઊતરી ગઇ. બીજા દિવસે સવારે એ સરકારી હોસ્પિટલમાં પહોંચી ગયા. કેસપેપર કઢાવ્યો. મેડિકલ ઓફિસરે એમની શારીરિક તપાસ કરી. વિજ્ઞાન તો વિશ્વભરમાં સરખુંજ રહેવાનું.

‘કાકા, તમને ગૂમડું થયું છે.’ મેડિકલ ઓફિસરે કહ્યું.

‘ખબર છે, ભ’ઇલા! મને એ પણ ખબર છે કે એ પાકી ગયું છે, એટલે ચેકો મૂકાવવો પડશે. હું સવારથી અનાજ-પાણી બંધ કરીને પૂરી તૈયારી સાથે જ તમારી પાસે આવ્યો છું. મારાથી સૂવાતુંયે નથી. જે કરવું હોય તે ઝટ કરો!’ ડોકટરે વશરામ સોનીને વોર્ડમાં દાખલ કરી દીધા. એમના દીકરાની સંમત્તિ સૂચક સહી લઇ લીધી. પછી નર્સ વશરામ સોનીને ઓપરેશન થિયેટર પાસે મૂકી ગઇ, ‘કાકા, બેસો અહીં! તમારો વારો આવશે ત્યારે નામ બોલાશે.’

એક કલાક પસાર થઇ ગયો. ઓપરેશન થિયેટરની બહાર ગાંડા દર્દીઓની કતાર જામી હતી. તોફાન કરતાં, ચીસો પાડતાં, જાત-જાતના ને ભાત-ભાતના દર્દીઓ બાંકડાઓ ઉપર બેઠેલા હતા. વશરામકાકાને પેશાબ કરવાની ઇરછા થઇ. એ બાજુમાં આવેલા યૂરિનલ તરફ ગયા. અઢીસો ગ્રામ વજન ગૂમાવીને પાછા આવ્યા. આવીને જોયું તો એમના સ્થાને એક સ્ત્રી દર્દી બેસી ગઇ હતી. વશરામકાકાએ જગ્યા માટે નજર ઘૂમાવી. બાંકડા ઉપર એક સ્થાન ખાલી જોયું. કાકા ગોઠવાઇ ગયા.

બે કલાક સુધી રાહ જોવી પડી, પછી ચાર જમદૂત જેવા વોર્ડબોય એમની તરફ ધસી આવ્યા. વશરામ સોની કંઇ સમજે એ પહેલાં તો એમના ચારેય હાથ-પગ પકડીને એમની ટિંગાટોળી કરીને ઝડપથી થિયેટરની અંદર ગરક થઇ ગયા.

વશરામ સોનીને શંકા પડી. એમણે રાડારાડ કરી મૂકી, ‘હું ગાંડો નથી. મને છોડો. ગાંડા તો તમે છે. તમારી મા ગાંડી. તમારો બાપ ગાંડો.’ એમની વિસ્ફારિત આંખો, વિખરાયેલા વાળ અને ત્રસ્ત ચહેરા સાથે આ વાકયોનો મેળ બેસી ગયો. સૌને ખાતરી થઇ ગઇ કે કાકો સારચે જ ગાંડો છે.

ડો. બારોટ તો અંદર સજજ બનીને ઊભેલા જ હતા. વશરામ સોનીને કરન્ટ આપી દીધો. કાકો ઊછાળા મારી-મારીને અધમૂઓ થઇ ગયો. જયારે ભાનમાં આવ્યો ત્યારે વશરામને ખબર પડી કે આ બધા ધમપછાડાને લીધે એમનું ગૂમડું ફૂટી ગયું હતું! આજે પણ વશરામ સોની આ ઘટનાને વિસરી શકયા નથી. જે મળે તેને કીધા કરે છે, ‘સિવિલ સજર્યન હોશિયાર ખરા, પણ ગૂમડું ફોડવાની એમની ટેકિનક સમજાણી નહીં!’

બીજા દિવસે સિવિલ સજર્યન બારોટ સાહેબ કોફી રૂમમાં સાયકિયાટ્રિસ્ટને પૂછી રહ્યા હતા, ‘તમે એક દિવસમાં કેટલા ઇ.સી.ટી. આપી શકો? ગઇ કાલે મેં પાંત્રીસ પેશન્ટોને શોક થેરપી આપી દીધી!’ બધાં ડોકટરો વિચારી રહ્યા, ‘આટલાં બધાં માનસિક રોગીઓ એક દિવસમાં સાહેબે ભેગા કેવી રીતે કર્યા!’ (શીર્ષક પંકિત: સુધીર પટેલ)

Advertisements

2 Responses

  1. Lolllz…. Gud…bt not be able to digest the concept…sir..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: