ઉછાળી જુઓ પ્રેમનું પરચૂરણ બસ, પરત તમને બમણાં એ સિક્કા મળે છે.

‘મહેતા સોફટવેર કંપની’ના લગભગ તમામ કર્મચારીઓ બોસના બેફામ વર્તનથી ગળે આવી ગયાં હતાં, પણ તેમ છતાંયે કોઇ નોકરી છોડીને ચાલ્યા જવા માટે તૈયાર ન હતું. આનું એક માત્ર કારણ એટલે સ્ત્રગ્ધરા દેસાઇ. બાવીસ વર્ષની આ કુંવારી કન્યા ખરેખર તો હિંદી ફિલ્મોના રૂપેરી પડદા ઉપર હોવી જોઇતી હતી, પણ અહીં હતી. કંપનીનો માલિક ધનેશ મહેતા હટેલી ખોપડીનો માણસ હતો. પૈસાદાર હતો, પણ પૈસાનો રણકાટ એની તિજોરીમાં હતો એના કરતાં વધારે તો એના દિમાગમાં અને વાણી-વર્તનમાં હતો.

બાંસઠ વર્ષના લાભુકાકા છેલ્લાં ચાલીસ વર્ષથી આ જ કંપનીમાં કામ કરતા હતા. એ વખતે હાલના બોસના પપ્પા સત્તાસ્થાને બિરાજતા હતા. એ જમાનામાં કમ્પ્યૂટર કયાં હતા! સોફટવેરના સ્થાને બધું હાર્ડવેર જેવું જ હતું. જમીન પર બેસીને મુનીમજીનું કામ કરી કરીને લાભુકાકા શરીરથી ભાંગી ગયા હતા. એક દિવસ સ્ત્રગ્ધરાએ જ એમને સૂચન કર્યું, ‘શેઠને જઇને વાત તો કરો, કાકા! કદાચ કામનાં કલાકોમાં બે-ચાર કલાકની રાહત મળી જાય તો.’

લાભુકાકા ઓફિસમાં ગયા. રજૂઆત કરી, ‘નાના શેઠ, કમરનો દુખાવો સહન નથી થતો. તમે જો છૂટ આપો તો આવતી કાલથી નવને બદલે અગિયાર વાગે આવું અને સાંજે પણ એક કલાક વહેલો ઘર ભેગો…’

‘અરે, લાભુકાકા! આ શું બોલ્યા તમે? આટલી બધી તકલીફ હોય તો આવતી કાલથી આવવાનું જ બંધ કરી દો ને! આ તો પપ્પાની શરમ નડે છે એટલે તમને ઓફિસમાં ચાલુ રાખ્યા છે, બાકી નવો માણસ આવે એ તો તમારું ત્રણ દિવસ જેટલું કામ એક દિવસમાં કરી આપે. તમે આજથી જ છુટ્ટા! જતાં જતાં એક કામ કરતા જાવ, ઓફિસના પહેલાં નંબરના કબાટમાંથી બીજા નંબરની ફાઇલ કાઢીને મને આપતાં જાવ! એમાં તમારા કરતાં વધારે હોશિયાર અને તમારા કરતાં અડધો પગાર માગતાં પાંત્રીસ ઉમેદવારોની અરજીઓ પડેલી છે.’

લાભુકાકાને પરસેવો વળી ગયો. કમરનો દુખાવો તો તત્કાળ ગાયબ થઇ ગયો. ઘરમાં ત્રણ જુવાન દીકરીઓ કુંવારી બેઠી હતી અને બે દીકરાઓને હજી ડાળે વળગાડવાના બાકી હતા. એ ધનેશ મહેતાની માફી માગીને પાછા ખુરશી ભેગા થઇ ગયા. બાજુમાં જ સ્ત્રગ્ધરા બેઠી હતી. એણે ટહુકા જેવા મીઠા સ્વરમાં પૂછી લીધું, ‘શું થયું, લાભુકાકા?’

‘થાય શું? મારી તો નોકરી જતાં-જતાં રહી ગઇ. ઘરે જઇને શું કરવાનું? મારી ઘરડી ઘરવાળી છીંકણી સૂંઘતી બેઠી હોય એની વાસ સહન કરવા કરતાં તારા શરીરમાંથી આવતી આ અત્તરની સુગંધ માણવી શું ખોટી? હેં, દીકરી, તું જ કહે ને..!’

સ્ત્રગ્ધરા હસી પડી. એનું મુગ્ધકર હાસ્ય જોઇને ઓફિસના તમામ પુરુષો ઊથલી પડયા. એકલા લાભુકાકાની આ હાલત ન હતી, પટાવાળા પપ્પુથી માંડીને વિક્રમ, અમિત, નીરવ, પ્રદીપ અને કુમારની પણ આવી જ સ્થિતિ હતી. બોસ ધનેશ મહેતાનું રૂક્ષ વર્તન એમને નોકરી છોડીને ચાલ્યા જવાની પ્રેરણા આપતું હતું, તો સામા પક્ષે વિશ્વસુંદરી સ્ત્રગ્ધરા દેસાઇની ઉપસ્થિતિ એમને આ નોકરીમાં ટકી રહેવા માટે મજબૂર કરી દેતી હતી. ઓફિસમાં એક જુવાન સોફટવેર એન્જિનિયર પણ હતો. બે મહિનાથી આ નોકરીમાં જોડાયો હતો. સંનિષ્ઠ શાહ એનું નામ. ‘કેમ, બિરાદર, તમને ફૂલ ગમતું નથી? કે પછી એની સુવાસની તમને એલર્જી છે?’ એક દિવસ બપોરના ટી-બ્રેક દરમિયાન સાથી કર્મચારીઓના સામૂહિક પ્રશ્નને પ્રદીપે વાચા આપી.

‘હું સમજયો નહીં, તમે કહેવા શું માગો છો?’ ‘અરે યાર, આપણાં સૌમાં સ્ત્રગ્ધરા સૌથી વધુ તમારી નજીક છે. છતાં પણ તમે ભાગ્યે જ એની સામે જુઓ છો. વાત પણ ખપ પૂરતી જ કરો છો. તમારા સૌંદર્યના માપદંડો આનાં કરતાંયે ઊચા છે કે શું?’

‘ના, એવું નથી. સૌંદર્યના વિષયમાં સ્ત્રગ્ધરા પોતે જ સર્વોરચ માપદંડ સમાન છે. મને પણ એ ગમે છે. ખૂબ જ ગમે છે. પણ મારામાં કોઇ પણ રૂપાળી સ્ત્રીની સામે ટીકી-ટીકીને જોવાના સંસ્કાર નથી. સ્ત્રી સ્વરૂપવાન હોય કે કુરૂપ, એની સાથે શાલિનતાપૂર્વક પેશ આવવું એ મારો સ્વભાવ છે. તમારું અવલોકન સાચું છે, સ્ત્રગ્ધરા મારી સાવ પાસે, મારી બાજુની ખુરશીમાં જ બેસે છે. સીલિંગ ફેનમાંથી ફેંકાતી હવા એનાં દેહ પર થઇને મારા તરફ આવે છે, ત્યારે એમ લાગે છે કે જાણે બોરસલ્લીની માદક ફોરમ મારી નાસિકામાં પ્રવેશી રહી છે! પણ હું જાણું છું કે એ બોરસલ્લીના ફૂલ ઉપર મારો અધિકાર નથી. મારો સંયમ મને ટકાવી રાખે છે, તમારી વ્યાકુળતા તમને ગુલાંટિયા ખવડાવે છે.’

અને હવે બાકી રહ્યો ધનેશ મહેતા. આ કંપનીનો બોસ. છલકાતી તિજોરી અને ખાલી દિમાગનો ધણી. એ પણ પુરુષ તો ખરો જ ને? સ્ત્રગ્ધરાનું રૂપ જોઇને તો ધનેશે એને નોકરીમાં રાખી હતી. એને ખાતરી હતી કે આ ભુવનમોહિની રૂપસુંદરી એક દિવસ આ ઓફિસમાંથી ‘પ્રમોટ’ થઇને એના શયનખંડમાં આવી જવાની છે. સ્ત્રગ્ધરા સાથે સોદાબાજી કરવા માટે ધનેશ પાસે પૂરતું ઐશ્વર્ય હતું.

‘મિસ સ્ત્રગ્ધરા, હું જોઉ છું કે તમે બસ સ્ટોપ પાસે સિટી બસની રાહ જોતાં કલાકો સુધી ઊભાં રહો છો. મારા અને તમારાં ઘરની દિશા એક જ છે. વ્હાય કાન્ટ વી ડુ વન થિંગ! આજથી તમે આવવા-જવાનું મારી સાથે, મારી ગાડીમાં રાખજો. યુ નો, આઇ હેવ અ મર્સીડિઝ વિથ મી. તમારી આ ગોરી ત્વચા તડકામાં શેકાય છે એ પણ બંધ થશે અને તમને ઊભાં રહેવાનો થાક પણ નહીં લાગે…’

‘થેન્ક યુ વેરી મચ, સર! પણ તમે મારી ફિકર ન કરશો. તડકો અને થાક એ મારું કિસ્મત છે અને કોઇ પણ પારકા પુરુષની ગાડીમાં લિફટ ન સ્વીકારવી એ મારા સંસ્કાર. અમારા જેવા મઘ્યમ વર્ગના માણસો પાસે માત્ર બે જ દૌલત હોય છે. ચારિત્ર્ય અને ખુમારી. આ એવી દોલત છે જેને દુનિયાનો કોઇ શ્રીમંત માણસ ખરીદી નહીં શકે, તમે પણ નહીં.’

ધનેશનો એક દાવ ખાલી ગયો, પણ એના ભાથામાં શસ્ત્રોની કમી ન હતી. એણે બીજો દાવ અજમાવ્યો. પહેલી તારીખ આવી એટલે સ્ત્રગ્ધરા પગાર લેવા માટે ગઇ. ત્યારે લાભુકાકાએ એનાં હાથમાં એક હજાર રૂપિયા વધારે મૂકયા.

સ્ત્રગ્ધરાને આશ્ચર્ય થયું, ‘કેમ, કાકા, આજે ચા નથી પીધી કે શું? આ હજાર રૂપિયા ખૂટશે એ તમારે જોડવા પડશે. બોસનો સ્વભાવ તો તમે જાણો જ છો.’

‘દીકરી, બોસની સૂચનાથી જ મેં તને વધારે પગાર આપેલ છે.’

‘પણ કઇ ખુશીમાં?’ સ્ત્રગ્ધરાએ પૂછી તો નાખ્યું, પણ પૂછ્યા પછી તરત જ એને સમજાઇ ગયું કે આ સવાલનો જવાબ લાભુકાકા પાસેથી ન મેળવવાનો હોય.

પાંચ મિનિટ પછી એ બોસની ઓફિસમાં ઊભી હતી અને આ જ સવાલ શેઠને પૂછી રહી હતી. ધનેશની આંખો મેલી રમત રમી રહી હતી, ‘આ પગાર વધારો તમારી અંગત જરૂરિયાતો માટે છે, મિસ દેસાઇ. તમે ગેરસમજ ન કરશો, પણ મારું સ્પષ્ટ માનવું છે કે તમારી પાસે લેટેસ્ટ ફેશનના મોંઘા વસ્ત્રો પૂરતી સંખ્યામાં નથી. તમારા જેવી રૂપાળી યુવતી આપણી ઓફિસની બ્રાન્ડ એમ્બેસેડર કહેવાય. મારી તો એક જ બિઝનેસ પોલિસી છે : રૂપાળી કાયા કમિંતી કપડાંમાં જ શોભે! આકર્ષક માલ માટે ‘રેપર’ પણ ઘ્યાન ખેંચે તેવું હોવું જોઇએ.’

‘સોરી, સર! હું પગાર માટે નોકરી કરું છું, ખેરાત માટે નહીં. અને મારી માન્યતા જરાક જુદી છે. અપ્સરા ચીંથરું પહેરે તોયે ઘરચોળામાં હોય તેવી જ સુંદર લાગે. જો તમારે હજાર રૂપિયા આપવા જ હોય, તો લાભુકાકા જેવા બે-ત્રણ સિનિયર લોકોમાં વહેંચી આપો. એમના કામ પ્રમાણે આમ પણ પગાર ઘણો ઓછો પડે છે.’

બે વાર ખાલી ગયા. પણ ત્રીજો વાર બરાબર નિશાન પર જ વાગે એવી પરિસ્થિતિ અચાનક ખુદ ઈશ્વરે જ ઊભી કરી દીધી. સ્ત્રગ્ધરાનાં પપ્પાને હાર્ટ એટેક આવ્યો. આઇ.સી.યુ.માં દાખલ કરવા પડયા. સ્ત્રગ્ધરાને વીસેક હજાર રૂપિયાની જરૂર પડી. એ બોસની પાસે ઉછીના લેખે માગવા માટે ગઇ.

ધનેશ લુરચું હસ્યો, ‘ઉછીના?! અરે, હું તો વીસને બદલે ચાલીસ હજાર આપવા માટે તૈયાર છું. એ પણ પાછા નહીં લેવાની શરતે. બસ, બદલામાં હું જે માંગુ તે…’ અને ધડામ દઇને બારણું પછાડતી સ્ત્રગ્ધરા બહાર નીકળી ગઇ.

ઓફિસના તમામ કર્મચારીઓ સ્તબ્ધ બની ગયા. કોઇ એક શબ્દ પણ બોલ્યું નહીં. માત્ર સંનિષ્ઠ ઊભો થઇને સ્ત્રગ્ધરાની ખુરશી પાસે ગયો, ‘રડો નહીં. હું સમજી શકું છું કે અંદર શું થયું હશે. તમારે પૈસાની જરૂર છે ને? મારી પાસે ત્રીસેક હજારની બચત છે. તમે… ચાહો તેટલા લઇ શકો છો, હું વ્યાજ નહીં લઉ, પણ હું એટલો બધો પૈસાદાર પણ નથી કે સાવ એમ જ… તમે કટકે-કટકે ગમે ત્યારે એ રકમ પાછી…’

સ્ત્રગ્ધરાની આંખમાં આંસુ ઘસી આવ્યાં, ‘તમે મારી પાસેથી પૈસા પાછા લેશો? મારી પાસેથી? તમારી ભાવિ પત્ની પાસેથી? હું જાણું છું, સંનિષ્ઠ, કે તમે મને ચાહો છો. તમે ભલે કશું બોલતા નથી, પણ તમારી આંખો બોલે છે. તમે એટલા માટે કયારેય મારી સમક્ષ પ્રેમનો એકરાર નથી કર્યો, કારણ કે તમને એમ લાગે છે કે તમે મારા માટે યોગ્ય નથી. પણ આજે હું તમને કહું છું કે કોઇ પણ સ્ત્રી માટે એ જ પુરુષ લાયક હોય છે જે એને આદર આપી શકે અને વિષમ પરિસ્થિતિમાં એની સંભાળ લઇ શકે. તમે તો મારા પપ્પાનો પણ આદર કર્યો છે. સંનિષ્ઠ, આપણે આ નોકરી નથી કરવી. ચાલો, બીજે કયાંક આનાથી પણ વધારે પગારવાળી નોકરી આપણને મળી રહેશે.’ બંને જણાં એકમેકનો હાથ પકડીને ઊભાં થયાં. સંનિષ્ઠે બોસની ઓફિસનું બારણું ઉઘાડીને સંભળાવી દીધું, ‘ગુડ બાય, સર! અમે જઇ રહ્યા છીએ. એક નંબરના કબાટમાં બે નંબરની ફાઇલ પડી છે એ મોકલી આપું?’

(શીર્ષક પંકિત : ગૌરાંગ ઠાકર)

Advertisements

One Response

  1. this person is just out standing . i am huge fan of sharad thakar

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: