પ્રેમની હદ એટલી તો એણે સ્વીકારી હતી, બંધ દરવાજા હતા કિંતુ ખુલ્લી બારી હતી.

‘આજે તંદ્રા આવવાની છે… આપણા ઘરે..’ પૂરા બે કલાકના મનોમંથન પછી મંતવ્ય માંડ-માંડ એની પત્ની આગળ આ બે વાકયો બોલી શકયો.

જવાબ આપતાં તુષ્ટિને એક ક્ષણ કરતાં સહેજ પણ વધુ વાર ન લાગી, ‘ભલે ને આવે, આ ઘરમાં એનું સ્વાગત છે.’

‘પણ તને ખબર તો છે ને કે તંદ્રા એટલે કોણ?’

‘હા, તમારી પ્રેમિકા.’ તુષ્ટિ આવતી કાલનાં શાક માટે તુવેરા ફોલી રહી હતી, આ જવાબ એ એટલી સહજતાથી બોલી ગઇ જાણે લીલી શિંગમાંથી વટાણાનો દાણો બહાર કાઢતી હોય!

‘મેં તને… આપણાં લગ્ન પહેલાં એના વિશે બધું જ જણાવી દીધું હતું અને એ પછી અમે કયારેય એકબીજાને મળ્યા નથી. આજે અચાનક એણે કયાંકથી મારો સેલફોન નંબર શોધી કાઢયો અને…’

‘અને પૂછ્યું કે ‘હું તમારા ઘરે આવી શકું?’ ખરું ને?’

‘હા, એણે આ જ સવાલ પૂછ્યો હતો ને આ જ લહેકામાં પૂછ્યો હતો પણ તને કોણે કહ્યું?’

‘મને કોણ કહેવાનું હતું?’ તુષ્ટિ હસી, વટાણા ભરેલી થાળી લઇને રસોડા તરફ જતાં-જતાં પાછું વળીને બોલતી ગઇ, ‘હું પણ સ્ત્રી જ છું ને? ભલે પરણ્યાં ન હોઇએ, પણ જાનમાં તો ગયાં હોઇએ ને! મેં તમારા સિવાય બીજા કોઇની સાથે પ્રેમ ન કર્યો હોય, તો પણ આવા સમયે તંદ્રા શું બોલે એ તો હું કલ્પી શકું ને?’

પણ મંતવ્ય કલ્પી શકતો ન હતો કે આજે સાંજે જયારે તંદ્રા એના ઘરે આવશે ત્યારે શું થશે! તુષ્ટિનું એની સાથેનું વર્તન કેવું રહેશે? તંદ્રા એ સ્ત્રી હતી જે સમય નામના ન્યાયાધીશે જો અન્યાય ન કર્યોહોત તો અત્યારે આ ઘરની અધિષ્ઠાત્રી હોત! અને તુષ્ટિ એ સ્ત્રી હતી, જે પોતાનાં સુખી સંસારમાં તણખો ચાંપી શકે તેવી સંભાવિત સ્ત્રીને રાજીખુશીથી એનાં ઘરમાં આવકારી રહી હતી. ‘સ્ત્રી! તારું બીજું નામ ઇર્ષા છે!’ એવું લખી જનાર શેકસપિયર શું ખોટો હતો?! આજે સાંજે ખબર પડી જશે.

‘ઘરની અંદર નહીં આવો?’ મંતવ્ય ચમકી ગયો. આ કોણ બોલ્યું? હા, યાદ આવ્યું. આજથી વીસ વર્ષ પહેલાં આ વાકય તંદ્રા બોલી હતી. બંને જણા ફિલ્મ જોવા માટે ગયા હતા. રાત્રે સાડા બાર વાગે બાઇક ઉપર બેસાડીને મંતવ્ય એને ઘર સુધી મૂકવા માટે ગયો હતો. અચાનક ધેરાયેલું આષાઢી આભ તૂટી પડયું. ઘર માત્ર બે જ મિનિટ જેટલું છેટું રહ્યું હશે, પણ એટલી વારમાં બંને તરબોળ બની ગયાં.

‘ના, અત્યારે ઘરમાં બધાં સૂતાં હશે, હું આવીશ તો એમને ખલેલ પહોંચશે.’ મંતવ્યે બાઇકનું એન્જિન હજુ ચાલું જ રાખ્યું હતું.

‘ઘરમાં કોઇ નથી. બા-બાપુ અને નાનો ભાઇ બહારગામ ગયાં છે. આવો, અંદર. સૂંઠવાળી ચા પીવડાવું.’ આટલું બોલીને તંદ્રાએ પર્સમાંથી ચાવી કાઢી. તાળું ઊઘાડયું. બારણું ખોલીને ઘરમાં દાખલ થઇ. બાઇક પાર્ક કરીને મંતવ્ય પણ એની પાછળ-પાછળ ઘરમાં પ્રવેશ્યો.

‘એક મિનિટ, પ્લીઝ! હું અંદર જઇને બાપુનો ઝભ્ભો અને લૂંગી લઇ આવું છું. ત્યાં સુધી તમે આમ જ ઊભા રહેશો. નીતરી તો એવાં રહ્યો છો જાણે આખું ચોમાસું ઘરમાં આવી ગયું હોય!’

‘અને તું?’ મંતવ્યે પૂછ્યું, પણ એ સાંભળવા માટે તંદ્રા ત્યાં હાજર ન હતી. થોડી વારે એ કપડાં બદલીને બહાર આવી. બાપુના કપડાં અને એક કોરો ટોવેલ મંતવ્યના હાથમાં થમાવીને બબડી ઊઠી, ‘આખું ઘર ભીનું ન કરશો, અહીં ઊભાં ઊભાં જ કપડાં બદલી નાખો!’

ત્યાં જ આસમાન કડકી ઊઠયું. વીજળીનો ચમકાર અને વાદળોના ગડગડાટ સાથે ઘરનું બારણું જોરદાર ધમાકા સાથે બંધ થઇ ગયું. મંતવ્યની અત્યાર સુધીની જિંદગીની આ સૌથી મુશ્કેલ ઘડી હતી. ભીનું-ભીનું આષાઢી વાતાવરણ રાતનું એકાંત, બંધ બારી-બારણાં, જળભીની પ્રેમિકા અને કપડાં બદલતો પુરુષ! આના કરતાં વધારે જલદ વિસ્ફોટક પદાર્થ આતંકવાદીઓ પણ શોધી શકયા નથી.

મંતવ્ય ભીનાં કપડામાં જ આગળ વઘ્યો. તંદ્રા નજર ઝૂકાવીને સમર્પણના ભાવ સાથે ઊભી હતી. બેયનાં હૃદય જોર-જોરથી ધબકી રહ્યા હતા. નસોમાં ગરમ-ગરમ ખૂન દોડી રહ્યું હતું. મંતવ્યે હાથ લંબાવ્યો. તંદ્રાએ પરમ સુખની અપેક્ષામાં આંખો બંધ કરી દીધી.

ત્યાં એને મંતવ્યનો અવાજ સંભળાયો, ‘હું જઉ છું, તંદ્રા! આ એકાંત બહુ ભયંકર ચીજ છે. એમાં પણ રાતનું એકાંત…અને ઉપરથી આ વરસાદ…! આપણે લગ્ન પછી એકબીજાના થવાના જ છીએ, તો પછી ઉતાવળ શા માટે?’

પતી ગયું. એક ક્ષણનો જ મામલો હતો. મંતવ્યના વાકયોએ ક્ષણને સાચવી લીધી. તંદ્રા પણ આવેગમાંથી બહાર આવી ગઇ.

‘તમારી વાત સાચી છે, મંતવ્ય. બેસો, હું ચા લઇને હમણાં જ આવી.’

‘ના, રહેવા દે, તંદ્રા! કામદેવને સતત એક કરતાં વધારે હુમલાઓ કરવાની આદત છે. ચા પણ આખી જિંદગી પીવાની જ છે ને! અને તને પણ…!’

કહેવાય છે એકાંતમાં ઊઠતાં વિકાર પર વિજય મેળવવો અશકય છે, પણ જો સ્ત્રી-પુરુષ વિવેક જાળવે તો સંયમ શકય છે. મંતવ્ય વિવેકના સહારે કામદેવને પરાસ્ત કરીને જગતના સર્વોરચ સુખની ધાર ઉપરથી પાછો વળી ગયો.

એ ઘટનાને આજે વીસ વર્ષ થઇ ગયા. તંદ્રા બીજે ઠેકાણે પરણી ગઇ. એનાં મા-બાપે જીદ કરીને મુંબઇનો વધારે સારો, વધુ કમાતો છોકરો શોધી કાઢયો. મંતવ્યને પણ તુષ્ટિ જેવી રૂપાળી, ઘરરખ્ખુ અને પ્રેમાળ પત્ની મળી ગઇ. બે બાળકો થયાં. મોટું મકાન થયું. ગાડી આવી. સુખનો આકાર સંપૂર્ણ બની ગયો, પણ તેમ છતાં કયારેક-કયારેક સાંજના કરપીણ સમયમાં એના સુખની વાડમાં છીંડું પાડીને તંદ્રાની ઉત્કટ યાદો એના દિમાગમાં ધસી આવતી અને મંતવ્યને લાગતું કે એની છાતીમાં જાણે ધારદાર ખંજર વલોણાની જેમ ફરી રહ્યું છે! જે કયારેય ચાખવા ન મળી એ તંદ્રા અને એનાં હાથની ચા હોઠ અને હૈયાની તરસ બનીને ઊભરી આવતી.

અને અચાનક આટલાં વર્ષે તંદ્રાનો ફોન આવ્યો, ‘હાય, મંતવ્ય! હું તંદ્રા. તારા શહેરમાં આવી છું.’

‘અરે, તંદ્રા! તું કયાં છે? શું કરે છે? મઝામાં તો છો, ને?’

‘ના, જીવી રહી છું, બસ! લગ્નના બીજા જ મહિને મારા પતિ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા. બા-બાપુ પણ એ શહેર છોડીને ભાઇની નોકરીના સ્થળે ચાલ્યા ગયા.

હું વીસ વર્ષથી એમની સાથે જ રહું છું. આજે મારા નાનકડાં ભત્રીજાને લઇને અહીં આવી છું. કાલે તો પાછી ચાલી જવાની છું. મારે તને મળવું છે. હું તારા… સોરી, તમારા ઘરે આવી શકું?’

તંદ્રા આવી. બરાબર છનાં ટકોરે એ રિક્ષામાંથી ઊતરી. એની સાથે દસેક વર્ષનો એનો ભત્રીજો પણ હતો. મંતવ્ય બારણાં સુધી પહોંચે એ પહેલાં તુષ્ટિ જ પહોંચી ગઇ. મોં મલકાવીને એણે આવકાર આપ્યો, ‘આવો! ઘણાં વર્ષે સમય મળ્યો?’

તંદ્રા હસી પડી. એ જોઇ શકી કે તુષ્ટિનાં બોલવામાં કયાંય કટાક્ષ કે અણગમો ન હતો. થોડી વાર સુધી બધા સાથે બેઠાં. તુષ્ટિ નાસ્તો અને ચા લઇ આવી. પછી એ ઊભી થઇને ચંપલ પહેરવા માંડી, ‘હું હમણાં આવું છું. આ છોકરાને બાપડાને તમારી વાતોમાં કંટાળો આવશે. હું એને જરા બહાર ફેરવી લાવું. મને પાછાં આવતાં કલાક-બે કલાક જેવું થશે. ફ્રિજમાં આઇસક્રીમ પણ છે તંદ્રાબહેન, કોઇ વાતનો સંકોચ ન રાખશો અને હા, એક વાત કહેવાની તો રહી જ ગઇ, આપણું મકાન મુખ્ય રસ્તાને અડીને આવેલું છે, એટલે બારણાં બંધ કરીને બેસજો!’ અને તુષ્ટિ ચાલી ગઇ. પૂરા બે કલાક પછી પાછા આવવાની હૈયા ધારણ આપીને ચાલી ગઇ. દારૂગોળાના ઢગલા આગળ સળગતી દીવાસળી મૂકીને ચાલી ગઇ. બે પુરાણા તરસ્યા જીવોને કામદેવના ઉત્સવ માટે જરૂરી એકાંત પૂરું પાડીને ચાલી ગઇ.

તંદ્રા સ્તબ્ધ હતી, ‘મંતવ્ય, તારી પત્ની આટલી ઉદાર છે?! એને તારામાં આટલો વિશ્વાસ છે? હું માની નથી શકતી!’

‘એનાં સહારે તો હું તારા વગર પણ જીવી ગયો છું, નહીંતર કયારનોયે મેં આપઘાત કરી લીધો હોત!’ ‘મંતવ્ય, હું આવી તો હતી તને મળવા માટે જ, પણ મને આવા એકાંતની અપેક્ષા ન હતી. કયાંક એવું ન બને કે વીસ વર્ષ પહેલાં આપણે જે માણવાનું ચૂકી ગયાં હતાં, એ આજે… હું એટલું કહી દઉ કે અત્યારે પણ હું તો એ માટે તૈયાર જ છું, તે વરસાદી રાતે હતી એવી જ..’ તંદ્રા મંતવ્યની પાસે આવી.

‘તૈયાર તો હું પણ છું જ, તંદ્રા! પણ હવે એ શકય નહીં બને. મારી પત્નીનાં વિશ્વાસે મને બાંધી લીધો છે. એણે તારા આવતાં પહેલાં જ મને કહી રાખેલું કે આપણને બેયને છોડીને બે કલાક માટે બહાર નીકળી જવાની છે. મેં એને પૂછેલું પણ ખરું કે ‘ધાર કે અમે કંઇ આડું-અવળું કરી બેઠાં, તો..?’ જવાબમાં એ હસી પડેલી. એનાં શબ્દો હતાં- ‘મને વિશ્વાસ છે કે મેરા પતિ સિર્ફ મેરા હૈ. જો તમારે માત્ર મઝા જ કરવી હોત, તો તમે મને જણાવ્યા વગર તમારી તંદ્રાને લઇને હોટલમાં ન ગયા હોત?’ તંદ્રા, તે દિવસે મેં તને કહ્યું હતું ને કે મનમાં જન્મેલા વિકાર ઉપર માત્ર વિવેક દ્વારા વિજય પ્રાપ્ત કરી શકાય છે! આજે વીસ વર્ષના અનુભવ પછી હું તને કહું છું – ‘એકાંતમાં એકબીજાને ચાહતાં સ્ત્રી-પુરુષના મનમાં ભભૂકતી કામનાની ભઠ્ઠીને ફકત વિવેકબુદ્ધિ વડે શાંત નથી કરી શકાતી. એ આગને બુઝાવવા માટે તો વિશ્વાસનું જળ જોઇએ. તંદ્રા, સામે સોફા ઉપર બેસી જા! આપણે વાતો કરીએ. આપણી પાસે બહુ સમય છે.’

(સત્ય ઘટના) (શીર્ષક પંકિત : બેફામ)

Advertisements

One Response

  1. sharad sir, your story is really awsome,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: