સૂર્ય છું ને છતાંય નમી જાઉ છું, એટલે તો બધાંને ગમી જાઉ છું

ડો. રાવલે એમના કિલનિકમાં પગ મૂકતાંની સાથે જ એક નજર વેઇટિંગરૂમમાં બેઠેલા દર્દીઓની દિશામાં નાખી. પછી બબડયા, ‘આજે બપોરના બે તો વાગી જ જવાનાં. ત્રણ પહેલાં જમવાનું નહીં મળે.’

ડો. રાવલ એક સિનિયર જનરલ પ્રેકિટશનર હતા. એમની જામેલી ખાનગી પ્રેકિટસ હતી. આવું તો લગભગ રોજ બનતું હતું, પણ આજે જરા વધુ ભીડ હતી. ડો. રાવલ ખુરશીમાં બેઠા. ઘંટડી વગાડી. બે જુવાન છોકરાઓ દોડી આવ્યા. ડોકટરે એકની સામે જોઇને પૂછ્યું, ‘વિઠ્ઠલ, હું કહું એટલે દર્દીઓને અંદર મોકલવાનું શરૂ કરજે. એક પછી એકને વારા પ્રમાણે જ અંદર આવવા દેજે. કોઇ ચમરબંધીની પણ લાગવગ નહીં ચલાવવાની, સમજયો? અને હોમ વિઝિટ માટેના કેટલા કેસ છે?’

‘સર, આજે તો માત્ર એક જ વિઝિટ છે. નરહરિકાકાને ઇન્સ્યુલિનનું ઇન્જેકશન આપવાનું છે.’ વિઠ્ઠલે જવાબ આપ્યો. ‘એ તો આપણો મહાદેવ જઇ આવશે. જઇશ ને ભૂદેવ?’ ડો. રાવલે વિઠ્ઠલની બાજુમાં ઊભેલા બાવીસેક વર્ષના છોકરડાની સામે જોયું. છોકરો વ્યવસ્થિત અને સુઘડ હતો. વસ્ત્રો પણ સારા પહેરેલા હતા. એની આંખોમાં ચમક આવી ગઇ. ‘યસ, સર! કયારે જવાનું છે?’ એણે પૂછ્યું, ‘અને કયાં જવાનું છે?’

‘અત્યારે જ આપી આવને એટલે એક કામ પતે. નરહરિકાકા આપણાં જૂના પેશન્ટ છે. એમનું સરનામું તને વિઠ્ઠલ સમજાવી દેશે.’ આટલું કહીને ડો. રાવલે બેયને બહાર જવાનો સંકેત કર્યો. પછી ઓ.પી.ડી.નું કામ શરૂ કર્યું.

વિઠ્ઠલ પાસેથી સરનામું લઇને મહાદેવ નીકળી પડયો. બાજુની ગલીમાં જ નરહરિપ્રસાદ શુકલનું ઘર આવેલું હતં. જૂના જમાનાની પોળ હતી. એમાં ખડકીમાં પડતા ચાર-પાંચ પગથિયાઓ દાદર હતો. કમાડ હંમેશાં વાસેલા રહેતાં. મહાદેવે બારણાંની સાંકળ ખખડાવી એટલે અંદરથી નરહરિપ્રસાદનો ખોખરો અવાજ સંભળાયો, ‘એ…હા…, ઊઘાડું છું…’ પછી ખાસ્સી એવી વાર પછી બારણાં ઊઘડયાં. સામે ઊભેલા નરહરિપ્રસાદની શારીરિક હાલત જોઇને મહાદેવને લાગ્યું કે આટલી વાર લાગી એ તો ઓછી ગણાય! એણે પોતાનો પરિચય આપ્યો, ‘રાવલ સાહેબના દવાખાનેથી આવ્યો છું, ઇન્જેકશન આપવા.’

‘આવા, ભ’ઇલા, આવ!’ કહીને નરહરિપ્રસાદે આવકાર આપ્યો, ‘આજે વિઠ્ઠલ ન આવ્યો? દવાખાનમાં કામ વધારે હશે, કેમ? પણ વાંધો નહીં. આવ, બેસ!’ મહાદેવને બેસવાનું કહીને એ પોતે ઓરડામાં પડેલી જૂની લાકડાની પાટ ઉપર ફસડાઇ પડયા.

મહાદેવ લાકડાનાં હાથાવાળી ખુરશીમાં બેઠો. એક અવલોકનભરી નજરથી ઘરનાં મુખ્ય ઓરડાને નિહાળી રહ્યો. એક પાટ હતી, બે ખુરશીઓ હતી, દૂર ખૂણામાં ગુજરી બજારમાં જોવા મળે તેવું લાકડાનું રંગ ઊખડી ગયેલું ટેબલ હતું. એની ઉપર પાંચ-સાત ફાટેલી ચોપડીઓ હતી અને દસ-બાર દવાની શીશીઓ પડેલી હતી. ઓરડાની છત જૂના વખતની લાકડાનાં પીઢિયાવાળી હતી અને ભીંતો કહી આપતી હતી કે એમના ચહેરા ઉપર દાયકાથી ચૂનાનો મેક-અપ ચડયો નહીં હોય. જગતમાં ટયૂબલાઇટની શોધ થઇ ચૂકી છે એ વાતની જાણ આ ઘરને હજુ થઇ ન હતી. એક પંદર વોટનો બલ્બ મંદ, પીળું અજવાળુ પાથરીને ઓરડાને દૃશ્યમાન કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હતો. બારી એક જ હતી અને બહુ નાની હતી એટલે નકામી હતી. એ વિચારી રહ્યો અને પોતાની જાતને પૂછી રહ્યો: કોની હાલત વધુ ખરાબ છે, ઘરની કે ઘરનાં માલિકની?

‘કાકા, સિરિંજ અને સોય ઉકાળવા પડશે. ગરમ પાણી…?’ મહાદેવે એના પાઉચથી અંદરથી કાચની સિરિંજ અને સ્ટેનલેસ સ્ટીલની સોય બહાર કાઢી. (એ જમાનો હજુ ડિસ્પોઝેબલ્સનો ન હતો.)

નરહરિપ્રસાદે અંદરની દિશામાં મોં કરીને બૂમ પાડી, ‘બેટા, અનુ…! આ સિરિંજ ઉકાળવા માટે લઇ… જા…ને…!’

‘એ… આવી… પપ્પા…!’ રસોડામાંથી અવાજ સંભળાયો. મહાદેવ ખળભળી ઉઠયો. આ ખંડેર જેવું જર્જરિત મકાન અને એમાં આવો રાજમહેલમાં ઝૂલતા ઝુમ્મરના જેવો ખણકાટ? પાનખરમાં કોયલનો ટહુકો?

ટહુકાની પાછળ-પાછળ જ એનું ઉદ્ભવસ્થાન પ્રગટ થયું. મહાદેવનું નીચલું જડબું અલગ થઇને લટકી પડયું. ઓરડાની અંદરની બારસાખ વરચે એક સાદા, સસ્તા સલવાર-કમીઝમાં લપેટાયેલું જાજરમાન સૌંદર્ય ઊભું હતું. ગોરા, સાફ વાન, સીધું માપસરનું નાક, તેજ વેરતી આંખો, કેસર કેરીની ફાડ જેવા બે હોઠ અને આ બધાંને સમાવતો, સાચવતો અને નિખારતો લંબગોળ ચહેરો. એ આવી. મહાદેવને જોઇને લજજાના ભારથી આંખો ઢાળી દેતી, ધીમે-ધીમે લચકતી ચાલે એ મહાદેવની પાસે આવી. બે પાંપણો અડધી નમેલી રાખીને ને અડધી ઊઠાવીને એણે મહાદેવની સામે જોયું. પછી મહાદેવે ધરેલી સિરિંજ અને સોય લઇને એ ચાલી ગઇ. પાછી ફરતાં પહેલાં એ અધબીડેલા હોઠોમાંથી હળવા સ્મિતનો એક દાહક અંગારો મહાદેવની તરફ ફેંકતી ગઇ. એ છેક દેખાતી બંધ ન થઇ ત્યાં સુધી મહાદેવ કોઇ હિપ્ટોનિઝમની અસર હેઠળ હોય તે રીતે એની પીઠ, એનાં નિતંબ અને એનાં બે ઝૂલતા કેશકુંતલ સામે જોઇ રહ્યો.

‘અનુ છે.’ નરહરિપ્રસાદની બોદી સ્વરપેટીમાંથી ખોખરો અવાજ ઊઠયો, ‘બસ, આ એક દીકરી જ છે મારે સંતાનમાં, એનાં જન્મ વખતે જ એની મા મરી ગઇ. અનુને ખાતર મેં બીજાં લગ્ન ન કર્યા. પહેલાં દસ વર્ષ મેં એને સાચવી, હવે છેલ્લાં દસ વર્ષથી એ મને સાચવે છે.’

‘સુંદર છે.’ મહાદેવથી બોલાઇ ગયું. પછી તરત એને સમજાયું કે એણે બાફી માર્યું છે. એ પોતે વયમાં એવડો મોટો ન હતો કે કોઇ યુવાન છોકરીનાં સૌંદર્ય વિશે આવું વિધાન કરી શકે. ખાસ તો એ છોકરીનાં પિતા સામે.

‘હા, અનુ સુંદર છે. એની મા પર પડી છે. સારું છે કે મારી ઉપર નથી ગઇ. નહીંતર…’ કહીને નરહરિપ્રસાદ હસવા ગયા, પણ અંતમાં ઉધરસ ખાઇને રહી ગયા.

‘ના, એમ તો કેમ કે’વાય! પણ… આઇ મીન, દીકરી સુંદર હોત તો એનાં માટે સારો મુરતિયો શોધવામાં તકલીફ ન પડે. મારા કહેવાનો મતલબ કે…’ મહાદેવ લોચા વાળવાની ધારાવાહિક સિરિયલ ચલાવી રહ્યો હતો, પણ નરહરિપ્રસાદનું ઘ્યાન દીકરીની વાતમાં હતું.

‘મુરતિયા એમ કયાં રેઢા પડયા છે, ભાઇ! છોકરીનું રૂપ અને છોકરીનાં ગુણ, આ બધી તો વાતો છે વાતો. આજકાલ છોકરાવાળાઓ ઘર પહેલાં જુએ છે. કન્યાનો બાપ કેટલો માલદાર છે અને એની દીકરીને કેટલું કન્યાદાન આપી શકે તેમ છે આ બે જ વાતો જોવાય છે. એમાં તો મારી અનુ અત્યાર લગી…’

નરહરિપ્રસાદના ગળે ખખરી બાઝી, ‘હશે, ભાઇ! જવા દો એ વાત. અનુ બેટા…આ…આ…! પાણી બરાબર ઉકળ્યું કે નહીં? કેટલી વાર છે હજી…?’

‘એ…આવી… પપ્પા!’ અને ફરી પાછું નાજુક, નમણું નારી શિલ્પ પ્રગટ થયું. મહાદેવે એનાં હાથમાંની તપેલીમાંથી ફોરસેપ્સ પડે સિરિંજ અને નિડલ ઉઠાવી લીધા. નરહરિપ્રસાદને ઇન્સ્યુલિનનું ઇન્જેકશન આપતાં એણે અનુની સામે જોઇને પૂછી લીધું, ‘પૈસા રોકડાં આપવાના છે કે ડાયરીમાં લખી લેવાના છે?’ જવાબમાં અનુ નીચે જોઇ ગઇ. મહાદેવને જવાબ સમજાઇ ગયો.

પછી તો રોજના બે વાર આવવા-જવાનો સિલસિલો ચાલુ થઇ ગયો. ધીમે-ધીમે પરિચિતતા વધતી ગઇ. વાતચીતનો બંધાયેલો સંબંધ મજાક-મશ્કરી સુધી લંબાતો ગયો. મહાદેવના નસીબમાં અનુનાં સ્મિત ઉપરાંત હવે એનાં મીઠા હાથની મીઠી ચા પણ મળતી થઇ ગઇ. હવે એ માહિતી પણ મળી કે અનુનું પૂરું નામ અનુમતી હતું.

‘હવે સમજાયું કે તમારા પપ્પાને ડાયાબિટીસ કેવી રીતે લાગુ પડયો!’ એક વાર લાગ જોઇને મહાદેવે કહી નાખ્યું, ‘આવી ગળી ચા પીવડાવો પછી બીજું શું થાય?’ ‘ચા ગળી નથી, પણ મીઠી છે.’ અનુ ધીરેથી બોલી, ‘ગળપણ અને મીઠાશ વરચેનો ભેદ પારખતાં કયારે શીખશો?’

‘તમે શીખવાડશો ત્યારે…’ મહાદેવે અનુની આંખમાં આંખ પરોવી, ‘એના માટે મારે અનુમતી કોની લેવાની રહેશે? તમારા પપ્પાની કે પછી તમારી?’ ‘અનુમતી તો અનુમતીની જ ચાલે ને? પપ્પા તો આશીર્વાદ આપી જાણે.’ બંને વરચે હૈયાની વાતની આપ-લે થઇ ગઇ. એ પછી મહાદેવે એક દિવસ ઇન્સ્યુલિનનું પ્રવાહી સિરિંજમાં ભરતાં-ભરતાં અનુનાં પપ્પા પાસે વાત મૂકી.

નરહરિપ્રસાદ સહેજ ચોંકયા, ‘પણ…દીકરા…, તારે અને અમારે હજુ તો માંડ એક મહિનાનો પરિચય છે. તું તો અમારા કુટુંબ વિશે ઘણું બધું જાણી ચૂકયો છે, પણ અમારે તો તારા ઘર વિશે તારા મા-બાપ વિશે, તારી કમાણી, ભણતર કે ખર્ચાઓ વિશે…! ‘તો જાણી લો ને, અંકલ! મારું સાચું નામ મર્મર મહેતા છે. બ્રાહ્મણ છું અને મહાદેવનો ભકત છું એટલે ડૉ. રાવલ મને વહાલથી ‘મહાદેવ’ કહીને બોલાવે છે. હમણાં બે મહિના પહેલાં જ હું એમ.બી.બી.એસ. પાસ થઇને બહાર પડયો છું. અત્યારે અહીંની સરકારી હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરી રહ્યો છું. સવારે ને સાંજે એક-એક કલાક પ્રેકિટકલ અનુભવ માટે રાવલ સાહેબના કિલનિકમાં બેસું છું. રાવલ સાહેબ મારા દૂરના મામા થાય છે. એમણે મને કહી દીધું છે કે સારા ડોકટર થવું હોય તો બધું જ કામ શીખવું પડશે. તમે કદાચ મને કમ્પાઉન્ડર માની બેઠા હશો, પણ હું ડોકટર છું અને ચાર વર્ષ પછી સજર્યન બનવાનો છું, હજું તમારે કંઇ પૂછવાનું બાકી રહી જતું હોય તો બે વાત જણાવી દઉ છું, હું એક પૈસાનુંયે દહેજ લેવાનો નથી અને… હું તમારી દીકરી અનુમતી સાથે લગ્ન કરવાનો છું. તમે આશીર્વાદ રોકડા આપો છો? કે પછી હિસાબમાં બાકી રાખવાના છે?’

(શીર્ષક પંકિત: બી.કે. રાઠોડ ‘બાબુ’)

Advertisements

4 Responses

  1. very beautiful story..wonderful!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: