કાં બનશે એ વેડિયો, કાં તો લાખો વણઝારો, કાં તો બોદો રૂપિયો, કાં રાણીછાપનો રણકારો

અચાનક એ બાજુથી જવાનું થયું અને મને યાદ આવ્યું. મેં ગાડી ઊભી રાખી. બાજુમાં બેઠેલી પત્નીએ પૂછ્યું, ‘કેમ અહીં ગાડી ઊભી રાખી? આવા વિસ્તારમાં?’

‘કનુભાઇનું ઘર આ જ વિસ્તારમાં છે ને? મનમાં થાય છે કે એમને મળતાં જઇએ. ઘણા વખતથી કહેવડાવ્યા કરે છે કે દીકરાને રમાડવા ન આવો તો કંઇ નહીં, પણ એક વાર એને રમતો જોવા તો પધારો!’ મેં કહ્યું અને અમે નીચે ઊતર્યાં.

કાનજીભાઇ અને કમળાબહેન આમ તો મારા દરદી હતાં. સાત-આઠ વરસ પહેલાં નિ:સંતાનપણાની સારવાર માટે પાસે આવ્યાં હતાં. ગરીબ હતાં. કાનજીભાઇ એમનું પૂરું નામ, પણ રોજિંદા વ્યવહારમાં દ્વિઅક્ષરી એટલે કે ‘કનુ’ બની ગયેલું.

‘શું કામ કરો છો?’ મેં પહેલી વાર એ મને મળવા આવ્યા, ત્યારે પૂછેલું.

‘મકાનને ધોળવાનું. ચૂનો લગાડવામાં એવો હાથ બેસી ગયો છે, સાહેબ કે ઓઇલ પેઇન્ટ પણ મેં ધોળેલી દીવાલ આગળ ઝાંખો પડી જાય!’

‘અને કમળાબહેન?’

‘એ પણ મારા કામમાં મદદ કરે છે.’

‘શા માટે આવવું પડયું?’

‘શેર માટીની ખોટ છે, ખોળાનો ખૂંદનાર નથી.’

કનુ અને કમુની વાત જાણીને હું વિચારમાં સરી પડયો. કેવી અજબની સૃષ્ટિ રચી છે જગન્નિયંતાએ! રાજાને વારસદારની જરૂર છે રાજગાદી સંભાળવા માટે, અને આ ચૂનાભઠ્ઠીવાળાને શેર માટીની ખોટ છે માટીમાં રગદોળવા માટે!

મેં એમની ફાઇલ ખોલી. લગ્નને બાર વરસ થવા આવ્યાં હતાં. મારી પાસે આવતાં પહેલાં સાત-આઠ ડોકટરોના ઉબરા એમણે ટોચી નાખ્યા હતા. રિપોર્ટસ્ વાંચીને હું ઘા ખાઇ ગયો. બંનેના શરીરમાં એક-એક વાતની ખામી એવી મોટી હતી કે ગર્ભધારણની કોઇ શકયતા જ ન હતી, અને નવાઇની વાત એ હતી કે અત્યાર સુધીમાં એક પણ ડોકટરે એમને સાચી હકીકતની જાણ જ કરી ન હતી! કહાં તક નામ ગિનવાયે? સભીને હમકો લૂંટા હૈ- વાળો મામલો હતો.‘કનુભાઇ! કમુબહેન! માફ કરજો, પણ હું તમને ખોટી લાલચ નહીં આપું. તમે હવે સારવાર ન કરાવશો. દવા માટે ખરચેલો દરેક પૈસો ફેંકી દેવા સમાન હશે. સમજી ગયાં?’

કનુભાઇ વેધક નજરે એક ક્ષણ માટે મારી સામે જોઇ રહ્યા. પછી ધીમા અવાજે બોલ્યા, ‘વગર કહ્યે અત્યાર સુધીમાં હું સમજી તો ગયો જ હતો, આજે તમે…’

પુરુષ હતો ને? એટલે કનુભાઇએ તરત જ સમાધાન સ્વીકારી લીધું, પણ કમુબહેન રડી પડયાં, ‘સાહેબ, અમે તમારી પાસે બહુ મોટી આશા લઇને આવ્યાં હતાં. શું અમારે આખી જિંદગી બાળક વગર જ કાઢવી પડશે?’ ‘મેં એવું કયાં કહ્યું છે? આપણા બગીચામાં ગુલાબ ન ખીલે તેથી શું? બીજાના છોડ પર ખીલેલા ગુલાબને ચૂંટીને આપણી ફૂલદાનીમાં ગોઠવી શકાય કે નહીં? આખરે સવાલ તો આપણું ઘર મહેંકાવવાનો જ છે ને?’

હું બાળકને દત્તક લેવાની સલાહ આપી રહ્યો હતો. એ બંને પણ સારવાર કરાવી-કરાવીને આર્થિક, શારીરિક અને માનસકિ રીતે તૂટી ગયાં હતાં. એમણે મારી સલાહ ચાર હાથે ઝીલી લીધી.

‘એડોપ્શન’ માટેની વિધિ પણ મારે જ કરી આપવી પડી. અનાથાશ્રમમાં મૂકવા માટેની ફાઇલ શી રીતે તૈયાર કરવી, એમાં કયા-કયા જરૂરી દસ્તાવેજો જોઇશે એ બધું માર્ગદર્શન આપીને મેં એમને વિદાય કર્યાં. એકાદ સંસ્થામાં મારી ઓળખાણ હતી, એનું વજન પણ મેં ભલામણ રૂપે મૂકી આપ્યું.

બે જ મહિના પછી એમને બાળક મળી ગયું. છ માસનો દીકરો હતો. દૂરની એક સંસ્થામાંથી ‘કોલ’ આવ્યો હતો. કનુભાઇ અને કમુબહેન રૂબરૂ જઇને બાળકને લઇ આવ્યાં. પછી મને પેંડાનું બોકસ આપવાના બહાને દીકરાનાં દર્શન પણ કરાવી ગયાં.

થોડી વાર બેઠાં એ દરમિયાન કનુભાઇએ મને પૂછી લીધું, ‘સાહેબ, આ છોકરાની જ્ઞાતિ કઇ હશે? આપણને જાણવા મળે કે નહીં?’

‘ના’ હું અકળાઇ ઊઠયો, ‘અને તમારે એ જાણીને કામ પણ શું છે?’ ‘સાહેબની વાત સાચી છે. આપણો છોકરો છે એટલે આપણી ન્યાત એ એની ન્યાત!’ કમુબહેન વધુ સમજદાર નીકળ્યાં, પણ પછી એમની પૃરછા વળી અલગ દિશામાં જ વળી ગઇ, ‘સાહેબ, તમને તો ખબર હશે જ કે આ કોનું બાળક છે! એની મા કુંવારી હતી કે પરણેલી? વિધવા હતી કે ત્યકતા? આ બાળક કોઇના પાપનું ફળ છે કે પછી…?’

‘બાળક કયારેય અનૌરસ નથી હોતું, કમુબહેન! મા-બાપ અનૌરસ હોઇ શકે છે, અને હું તો તમને એક જ સલાહ આપીશ, જો સુખી થવું હોય તો આ દીકરાનું મૂળ અને કુળ જાણવાની કોશિશ કયારેય ન કરશો. તમે તમારી રીતે એને ઉછેરો. એ તમારા સંસ્કાર લઇને મોટો થશે, અને હું પણ નથી જાણતો કે એનાં મા-બાપ કોણ છે! બસ, એટલું કહું છું કે આ બાળક કોઇ બે જણાંની વાસનાનું સંતાન નથી, પણ મજબૂરીનું પરિણામ છે. નહીંતર તમારા ઘરમાં આ બાળક આંટો મારવા માટે પણ ન આવે!’ મેં પૂછપરછ ઉપર પૂર્ણવિરામ મૂકીને એમને વિદાય કર્યાં.

એ પછી દર વરસે એમનો ફોન આવતો રહેતો, ‘આજે મુન્નાની વર્ષગાંઠ છે. આપ સાહેબ અમારા ઘરે ન આવો?’હું ન જઇ શકયો. મારી વધુ પડતી વ્યસ્તતાને કારણે હું ઘણાં બધાં કરવા જેવાં કામ નથી કરી શકતો, એમાનું એક આ પણ છે.

પણ આજે અહીંથી પસાર થયા એટલે થયું કે ચાલો, એક પંથ ને દો કાજ. કનુભાઇનું ઘર અહીં જ આવેલું છે, તો મળતા જઇએ. ઘર શોધવામાં જરા પણ તકલીફ ન પડી. માત્ર એક જગ્યાએ પૂછવું પડયું. કનુભાઇ ઘરે જ હતા. પતિ-પત્ની બંને જણાં અમને જોઇને રાજી-રાજી થઇ ગયાં. એમણે કરેલા આતિથ્યની વાત લખવા બેસું તો પાનાંના પાનાં ભરાય, પણ મારો રસ એમના દીકરાને રમાડવામાં વધારે હતો. છ-સાત વરસનો દીકરો સુંદર દેખાતો હતો. ઊચો, ગોરો, પાણીદાર આંખોવાળો. એના ચહેરા ઉપર ગજબની પ્રતિભા ચમકતી હતી. ‘કનુભાઇ, દીકરાને શું બનાવવાની ઇરછા છે?’ મેં વાત-વાતમાં પૂછી લીધું.

કનુભાઇએ અરમાનોનો નકશો રજૂ કરી દીધો, ‘મારે એને ખૂબ ભણાવવો છે, અને પછી એને ચૂનો ધોળવાના કામનો મોટો કંત્રાટી (કોન્ટ્રાકટર) બનાવવો છે. સાહેબ, તમે માનશો? મેં તો અત્યારથી એને વ્હાઇટ-વોશના કામની તાલીમ આપવાનું પણ શરૂ કરી દીધું છે. હું ને એની મા જયાં-જયાં ચૂનો ધોળવા જઇએ છીએ, ત્યાં મુન્નાને પણ સાથે લઇ જઇએ છીએ. પલાળેલા ચૂનાનું ડબલું અને એક કૂચડો એના હાથમાં પકડાવી દઇએ છીએ. જોજો ને સાહેબ, દસ વરસમાં તો એને એવો કારીગર બનાવી દઇશ કે તમેય મોંઢામાં આંગળાં ઘાલી જશો!’

મને મનમાં સહેજ હસવું આવતું હતું, પણ મેં મહાપરાણે ખાળ્યું, ‘અને મુન્નાનું શું? એને આ કામ ગમે છે ખરું?’ મારા આ સવાલ પાછળ એક ચોક્કસ કારણ હતું જે માત્ર હું જ જાણતો હતો.

કનુભાઇનો ચહેરો પડી ગયો, ‘એ જ તકલીફ છે ને, સાહેબ! રામ જાણે શું થયું છે એને, પણ મુન્નાને અમારા કામમાં જરા પણ રસ પડતો નથી. એ કૂચડો પકડીને બેસી રહે છે. કયાંય સુધી ખુલ્લી બારીમાંથી આકાશ સામે, ઝાડ સામે, પંખીઓ સામે જોયા કરે છે, પછી કૂચડામાંથી એકાદ તણખલું તોડીને, એને ડબલામાં બોળીને એ દીવાલ ઉપર ચિતરામણ કર્યા કરે છે. હું એને સમજાવું છું કે બેટા, આમ એક તણખલાથી ભીંત ન ધોળાય, પૂરો કૂચડો ડબલામાં ડુબાડવો પડે, પણ એ સાંભળે તો ને!’ હું ઊભો થઇ ગયો, ‘ચાલો, હવે અમે જઇએ. મોડું થાય છે.’ મુન્નાના હાથમાં થોડાક રૂપિયા મૂકીને અમે નીકળી ગયાં.

ગાડીમાં બેઠા પછી મારી પત્નીએ પૂછ્યું, ‘વ્હોટ ઇઝ ધી મેટર? તમારા વર્તનમાં અચાનક…?’

‘તને ખબર પડી ગઇ?’

‘પત્ની છું ને!’ એ હસી.

હું પણ હસ્યો, ‘ગજબ છે કુદરત પણ! તને ખબર છે? આ બાળકનો પિતા એક ખ્યાતનામ ચિત્રકાર છે. એની પાસે પેઇન્ટિંગની કળા શીખવા માટે આવતી એક રૂપાળી યુવતી સાથે એને પ્રેમ થઇ ગયો. બંને વચ્ચે ઉમરનો તફાવત ‘નિ:શબ્દ’ના અમિતાભ અને જિયા જેટલો હતો. લગ્ન શકય નહોતું. પ્રેમ, સ્ખલન, બાળક અને પછી…! પણ મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે એક જિનિયસ ચિત્રકારની કલા વારસામાં લઇને જન્મેલું આ બાળક મોટું થઇને શું બનશે, ચૂનાવાળો કે ચિત્રકાર?

પીંછીને બદલે કૂચડા ઉપર આવતાં એના ‘જીન્સ’ ઉપર શું-શું વીતે? કનુ કડિયો ગમે એટલું મથશે, તો પણ એનો મુન્નો સારો કારીગર નથી બનવાનો, પણ જો એ મારું માનશે અને એને ફાઇન આર્ટસમાં મોકલશે, તો વીસ વર્ષ પછી આ છોકરો મોટા-મોટા મહારથીઓનો માથાં ભાંગશે એ વાતમાં મને સહેજ પણ શંકા નથી. એનો ઉછેર જીતશે, તો એ ખરાબ કારીગર બનશે, પણ જો એના સંસ્કાર જીતશે તો એ એક બહેતરીન કલાકર બનશે. લેટ અસ સી, શું થાય છે…?’

(સત્યઘટના)

Advertisements

2 Responses

  1. It’s really fantastic story……….Who will win nature of nurture???

  2. To pachi e shu banyo karigar ke maharathi????

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: