ઓ હૃદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને? જે નથી મારાં બન્યાં એનો બનાવ્યો છે મને!

પ્રો.પર્ણ પ્રાઇવેટ હોસ્પિટલના બિછાના પર કણસી રહ્યા હતા, ત્યાં અચાનક આવી ચડેલી એમની પત્ની પારમિતાએ તલવારના ઘા જેવો પ્રશ્ન પૂછી નાખ્યો, ‘કોણ હતી એ?’

પ્રોફેસર ગભરાઇ ગયા, હજુ બે દિવસ પહેલાં જ એમના દેહ પર એપેન્ડિકસ કાઢવાની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી, ટાંકાનો દુખાવો એમને જંપવા દેતો ન હતો. એવે સમયે પણ આ જેમ્સ બોન્ડની સ્ત્રી આવત્તિ પોતાની જાસૂસી કરવાનું કામ છોડવા તૈયાર ન હતી!

‘કોણ?! કોની વાત કરે છે તું?’ પ્રો.પર્ણે જમણો હાથ પેટના જમણા હિસ્સા પર દબાવીને શકય એટલા દબાયેલા અવાજમાં પૂછ્યું. ‘કોણ તે પેલી નર્સ, જે હમણાં જ તમારા રૂમમાંથી બહાર નીકળી એ! કોણ હતી એ?’ ‘અરે, નર્સ હતી એવું તો તેં જ કહ્યું હમણાં.’

‘અરે, એ નર્સ છે એ તો આખું શહેર જાણે છે, પણ એ તમારી શું સગલી થાય છે?’ પ્રો.પર્ણને ભયંકર આઘાત લાગ્યો. એમનું હાસ્ય વિલાઇ ગયું, ‘આમ જોવા જાવ તો એ મારી બહેન થાય, સફેદ વસ્ત્રોમાં સજજ કોઇ પણ પરિચારિકા જયારે દર્દથી રિબાતા મનુષ્યની સુશ્રુષા કરવાનું કામ સ્વીકારે છે, ત્યારે આ જગત એને ‘સિસ્ટર’ જેવા પવિત્ર સંબંધથી ઓળખતું હોય છે.’ ‘જગતની વાત છોડો! હું તમારી વાત કરું છું. શું ચાલતું હતું બંધ કમરામાં? છેલ્લા અડધા કલાકથી હું બહાર બેસી રહીને બધો ખેલ જોયા કરતી હતી.’

‘ખેલ?! એ બાપડી મારા નાહ્યા વિનાના દેહને પાણીમાં બોળેલા નેપકીન વડે સ્પંજિંગ કરીને ચોખ્ખો કરી રહી હતી, એને તું ખેલ કહીને ઉતારી પાડે છે? હે ભગવાન, મારા માથે તેં આવી પત્ની કયાંથી મારી દીધી! પારુ, પ્લીઝ, મને શાંતિથી આરામ કરવા દે. મારા ટાંકા હજુ રુઝાયા નથી. મારી ઊલટતપાસ લેવા માટે હજુ તારી પાસે આખી જિંદગી પડી છે. પ્લીઝ, લિવ મી અલોન.’ પર્ણ દુ:ખી દુ:ખી થઇ ગયો.

જીવનની એક નબળી ક્ષણે પ્રો.પર્ણ આ સુંદર સ્ત્રી સાથે લગ્ન કરવાની ભયાનક ભૂલ કરી બેઠા હતા. એ બુદ્ધિશાળી હોવા છતાં પાત્રની પસંદગીની બાબતમાં થાપ ખાઇ ચૂકયા હતા. પારમિતા સાથેનું એમનું લગ્ન પ્રેમલગ્ન ન હતું, બંનેના વડીલો દ્વારા ગોઠવાયેલો સંબંધ હતો. અલબત્ત, સગાઇ કરતાં પહેલાં એ બંનેની ઔપચારિક મુલાકાત યોજાઇ હતી. પણ સામાન્ય રીતે બનતું હોય છે તેમ આવી મુલાકાતોમાં બંને પાત્રો પોતાનાં શ્રેષ્ઠ પાસાઓને જ રજૂ કરતાં હોય છે, અંગત ખામીઓને ઢાંકવાનો સફળ અભિનય કરીને સામેના પાત્રને આંજી નાખતા હોય છે.

જે એક માત્ર ચીજ જોઇ શકતી હોય છે તે હોય છે બાહ્ય દેખાવ. પારમિતાનું બાહ્ય સૌંદર્ય આલા દરજજાનું હતું. એને જોનારો કોઇ પણ પુરુષ એની સાથે લગ્ન કરવાની ના પાડી જ શકે નહીં. પર્ણ પણ પૂનમના ચંદ્રમાને જોઇને પાગલ બની ઊઠતા સમુદ્રની પેઠે પારમિતાનું રૂપ જોઇને ઘૂઘવી ઊઠયો. આંખના પલકારામાં એની સાથે પરણી બેઠો. લગ્નના પહેલા જ મહિનામાં એને સમજાઇ ગયું કે પારમિતા એની પત્ની હોવા કરતાં પોલીસ જેવી વધારે હતી. એ પતિને પ્રેમ કરતી હતી એના કરતાં જાસૂસી વધારે કરતી હતી. પર્ણના ઘરે જયારે પણ ટપાલી આવે ત્યારે પ્રો.પર્ણ હંમેશાં કોલેજમાં નોકરી માટે ગયેલો હોય. એની ગેરહાજરીમાં જેટલા પત્રો આવે એ બધા એની પત્નીના હાથમાં જ આવી પડે. સાંજે જયારે પર્ણ ઘરે આવે, ત્યારે પારમિતા પત્રોનો થોકડો પતિના હાથમાં મૂકી દે.

‘આ પત્રો તો ફોડેલા છે! પારમિતા, ટપાલીને ઠપકો આપવો પડશે.’ પ્રો.પર્ણ નારાજગી ઠાલવી.

‘પત્રો મેં ફોડયા છે, ટપાલીએ નહીં.’ પારમિતાએ નફફટ બનીને કબૂલાત કરી.

‘પારુ, ડાર્લિંગ! તારાથી ખાનગી એવું મારા જીવનમાં કશું જ નથી, પણ સારા, શિક્ષિત લોકોની એક સંસ્કારી પરંપરા છે કે કોઇ એક વ્યકિતનો પત્ર બીજી વ્યકિત વાંચી ન શકે, સિવાય કે પહેલી વ્યકિત એ માટે પરવાનગી આપે. આ પત્રો મારા નામે આવ્યા છે, માટે તું એને ફોડી ન શકે.’ પર્ણે પ્રેમથી પત્નીને સમજાવવાનો પ્રયાસ કરી જોયો. પણ માને તો એ પારમિતા શેની? એણે જીદ પકડી, ‘હું તમારી પત્ની છું, તમારા પત્રો વાંચવાનો મારો જન્મસિદ્ધ અધિકાર છે.’ પર્ણ હસ્યો, ‘જન્મસિદ્ધ નહીં, પણ લગ્નસિદ્ધ અધિકાર છે એમ કહે, પારુ! અને હું તારો એ અધિકાર સ્વીકારું છું. પરંતુ સંસ્કારિતાનો એ તકાજો છે કે મારા પત્રો હું વાંચી લઉ એ પછી જ તારે વાંચવા જોઇએ.’

પારમિતાને મન સંસ્કારિતાની કોઇ જ કિંમત ન હતી. એના પિતા લફરાબાજ હતા, એટલે પારમિતાએ પોતાની મમ્મીને રિબાતાં જોયેલી હતી. એને કારણે એના પ્રરછન્ન મનમાં દુનિયાભરના પુરુષો માટે ચારિત્ર્યહીન હોવા અંગેની એક તીવ્ર ગ્રંથિ બંધાઇ ગઇ હતી.

પ્રો.પર્ણ ઉપર કોઇનો પણ ફોન આવે કે તરત જ પેરેલલ લાઇન ઉપર પારમિતા ગોઠવાઇ જાય. બીજા ઓરડામાં બેસીને રિસીવર ઉઠાવીને ચૂપચાપ પતિ સાથેનો વાર્તાલાપ સાંભળ્યા કરે.

પ્રો.પર્ણે આ બાબતમાં પણ એને ટપારી, ‘પારુ, ડાર્લિંગ! તને થયું છે શું એ કહીશ? આવી જાસૂસી તો સરકાર પણ વિરોધપક્ષોની નહીં કરતી હોય.’

‘આ બધી ચાંપલીઓ તમને ફોન શા માટે કરે છે?’

‘અરે, એ બધી મારી વિધાર્થિનીઓ છે. અને જેટલા ફોનકોલ્સ એમના આવે છે એનાથી બમણા મારા વિધાર્થીઓના આવે છે. મારી સાથે નોકરી કરતાં પ્રાઘ્યાપકો અને પ્રાઘ્યાપિકાઓ પણ મને ફોન કરે છે. આ બધા નિર્દોષ ફોન હોય છે. તું આટલા સમયથી મારી જાસૂસી કરે છે, તારા હાથમાં આવ્યું કશું?’

‘જયાં સુધી આવ્યું નથી, ત્યાં સુધી જ તમે સલામત છો. જે દિવસે રંગે હાથ ઝડપાયા, તે દિવસે જીવતાં નહીં છોડું તમને!’ વિફરેલી વાઘણે ઘૂરકાટ કર્યો.

જેમ જેમ સમય પસાર થતો ગયો, પારમિતા સુધરવાને બદલે વધારે ને વધારે બગડતી ગઇ. પ્રો.પર્ણ કોલેજમાંથી છૂટીને ઘરે આવે એટલે પારમિતા પહેલું કામ એનાં કપડાં તપાસી લેવાનું કરે. એનો હાથરૂમાલ સૂંધે, શર્ટ પરના વાળ તપાસે, પેન્ટના ખિસ્સામાં પડેલા કાગળો, ચબરખીઓ વાંચી લે. અરે, પતિનો સેલફોન આંચકીને એમાં નોંધાયેલા તમામ નંબરો પણ ચકાસી લે. પર્ણ ત્રાસી ગયો. પત્નીના શંકાશીલ વર્તને એની જિંદગી નર્ક સમાન બનાવી દીધી. એમાં અચાનક આ એપેન્ડિકસની ઉપાધિ આવી પડી. કોલેજની ટૂર લઇને સાપૂતારા ગયેલો પ્રો.પર્ણ એપેન્ડિસાઇટીસનો દુખાવો વહોરીને પાછો આવ્યો. રાતોરાત એને ઓપરેશન કરાવવું પડયું. આ વાતના સમાચાર હજુ ફેલાયા ન હતા એટલે શાંતિ હતી. જો એની તબિયતના ખબર પૂછવા માટે લોકોની ભીડ ઊમટી હોત, તો પારમિતાનું ઘ્યાન પતિની ચાકરી કરવાને બદલે ચોકી કરવા તરફ વધારે લાગી ગયું હોત. છેવટે જે વાતનો ડર હતો તે થઇને જ રહી. પારમિતાની શંકાએ હોસ્પિટલની નર્સનું નામ -સરનામું શોધી લીધું. નર્સ ત્રીસેક વર્ષની કાળી, ભદ્દી, ફરજનિષ્ઠ સ્ત્રી હતી.

પારમિતાએ એને નિશાન બનાવી, ‘તમને ઇન્જેકશનો આપવા માટે એ જ કેમ આવે છે?’ ‘એનો હાથ હળવો છે. એ આવે છે એ મને પણ ગમે છે. એણે આપેલું ઇન્જેકશન દુખતું નથી.’ પણેર્ બચાવ કરતાં કહ્યું. પણ પારમિતાનાં ઘૂરકિયાં ચાલુ રહ્યા. એમાં આજની સ્પંજ આપવાની ઘટના ઊટની પીઠ પરનું છેલ્લું તણખલું બની ગઇ.

પારમિતા શંકાની લાહ્યમાં આંધળીભીંત બની ગઇ. આ વખતે એ કોઇને માફ કરવાના મૂડમાં ન હતી. એણે હોસ્પિટલમાં તો કશું ન કર્યું, પણ નર્સના ઘરનું સરનામું મેળવીને સાંજે એ ત્યાં પહોંચી ગઇ. ‘તમારી દીકરી વેશ્યા છે! દવાખાનામાં આવતા પુરુષો સાથે રંગરેલિયા ઉડાવે છે. એને કહી દો કે મારા વરની સામે આંખ માંડીને જોવાનું પણ બંધ કરી દે. બાકી એને હું જીવતી નહીં છોડું.’ આખી સોસાયટીમાં હો-હા થઇ ગઇ. નિર્દોષ નર્સનો ભવાડો કરીને પારમિતા ઘરભેગી થઇ ગઇ.

ખ્ખ્ખ્

સાજા થઇને ઘરે ગયેલા પ્રો.પણેર્ બરાબર એક અઠવાડિયા પછી ઘર છોડી દીધું. ધર્મ પરિવર્તન કરીને પેલી નર્સ જોડે નિકાહ પઢી લીધા. આવી રૂપાળી પત્નીને છોડી દઇને કાળીને કદરૂપી સ્ત્રી સાથે લગ્ન શા માટે કર્યું એવું એમને કોઇએ પૂછ્યું, ત્યારે પ્રોફેસરનો જવાબ હતો, ‘પુરુષને માત્ર રૂપ નથી ખપતું હોતું, એને અંગત જિંદગીમાં વિશ્વાસ અને જાહેર જીવનમાં ઇજજત બક્ષી શકે એવી સ્ત્રી જ ગમતી હોય છે.’

(સત્ય ઘટના) (શીર્ષક પંકિત : બેફામ)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: