વિરહી સમય જો મેઘનો સમકક્ષ નીકળે, સંભવ છે રામગિરિ ઉપર યક્ષ નીકળે.

અમદાવાદની એક જાણીતી, મોટી કોર્પોરેટ હોસ્પિટલ. રૂમ નંબર બસો પાંચ. બપોરનો એક વાગવા આવ્યો હતો. પથારીમાં સૂતેલા પંચાવન વર્ષના પ્રવીણચંદ્રની પચીસ વર્ષની પુત્રી ગાંધર્વી ભોજનની પ્રતીક્ષા કરતી કરતી સહેજ આડે પડખે થઇ, ત્યાં જ સ્પેશિયલ રૂમના બારણાં પર કોઇના હળવા ટકોરા પડયા.

ગાંધર્વીએ ઝડપથી ઊભા થઇને બારણું ખોલ્યું. સામે એક ગોરો, સહેજ ચપટા નાકવાળો સ્માર્ટ યુવાન ઊભો હતો, ‘શલામ મે’મશાબ! ટિફિન… આપકે લિયે.’ ‘ઓહ્! નાનુકાકાએ મોકલાવ્યું છે ને? થેન્ક યુ.’ ગાંધર્વીએ ટિફિન હાથમાં લીધું, ‘અંકલે બીજું કંઇ કહેવડાવ્યું છે?’

‘નો મેસેજ, મે’મશા’બ! સાંજે પણ હું જ ટિફિન આપવા માટે આવીશ, ત્યારે આ ખાલી થયેલું ટિફિન પાછું લઇ જઇશ.’

બસ, આટલો જ સંવાદ. આ ટૂંકી અને મુદ્દાસર વાતચીત માટેના કારણો બે-ત્રણ. એક, પપ્પા માંડ હમણાં સૂતા હતા, એમને ખલેલ પડે તો ઊંઘમાંથી જાગી જાય. બીજું, ગાંધર્વી પોતે એક સારા ઘરની સુશિક્ષિત, જુવાન, સુંદર અને કુંવારી છોકરી. જયારે સામે ઊભેલો છોકરો ભલે સારો હતો, વિવેકી હતો, તેમ છતાં આખરે તો ટિફિન લાવવા-લઇ જવાવાળો નોકર જ ગણાય ને? બંને વરચેના સામાજિક અંતરને ઘ્યાનમાં તો લેવું પડે ને? અને ત્રીજું કારણ એ પણ ખરું કે આ છોકરો ભારતીય હોય એવો નહોતો લાગતો. ભલે ગુજરાતી બોલી શકતો હોય, પણ એની ચૂંચી આંખો, ચપટુ નાક, લીંબુની છાલ જેવો ત્વચાનો વાન અને ટૂંકી, આછી ભ્રમર કહી આપતાં હતા કે આ માણસ મોંગોલ હોવો જોઇએ. ચીન, તિબેટ, નેપાળ, ભૂતાન, કોરિયા કે બ્રહ્મદેશમાંથી કયાંયનો પણ. જયાંનો હોય ત્યાંનો, પણ જુવાન હતો આકર્ષક. સાંજે સાડા સાત વાગે એ પાછો આવ્યો. પ્રવીણચંદ્ર ટી.વી. સિરિયલ જોતા હતા. ગાંધર્વીએ નવું ટિફિન લીધું, જૂનું ખાલી થયેલું પાછું આપ્યું. યુવાન ‘ગુડ નાઇટ, મે’મ શા’બ!’ કહીને પાછો ફરવા ગયો કે તરત જ ગાંધર્વી પણ રૂમનું બારણું અટકાવીને એની પાછળ બે ડગલાં જેટલું ચાલી, ‘એક મિનિટ!’

જુવાન ઊભો રહ્યો, ‘જી, મે’મ શા’બ.’

‘શું નામ છે તમારું?’ ગાંધર્વીની તીવ્ર ઇરછા હતી કે એને ‘તું’ કહીને બોલાવે, પણ છોકરો સાવ છોકરડો ન હતો, જુવાન હતો, લગભગ પોતાની જ ઉમરનો.

‘જી, દીપંકર શર્મા.’

‘ચાઇનીઝ?’

છોકરો હસી પડયો, ‘જી, નહીં! ચીનમાં બ્રાહ્મણો નથી હોતા. હું નેપાળનો છું, મે’મ શા’બ!’

‘ઓહ્! એમ વાત છે? તો પછી અહીં અમદાવાદમાં કયાંથી..?’

‘હું અહીં મજૂરી કરવા માટે નથી આવ્યો. અહીં ભણવા માટે આવેલ છું. એક સગાંને ત્યાં રહું છું. ચાર વર્ષ થઇ ગયા અમદાવાદમાં. એટલે ગુજરાતી બોલી શકું છું.’

‘તો પછી આ ટિફિન પહોંચાડવાનું કામ..?’

દીપંકર હસી પડયો, ‘હું આવું કામ કયારેય કરતો નથી, આ તો જેમની સાથે હું રહું છું એ અંકલ તમારા અંકલના પડોશી છે. તમારા અંકલે મને વિનંતી કરી કે પંદર-વીસ દિવસ ટિફિન પહોંચાડવાનું છે, જો હું કરી આપું તો એક દરદીની સેવા કરી ગણાશે. એટલે…’

ગાંધર્વી આભી બની ગઇ, ‘ મને માફ કરજો, દીપંકર! હું તો એવું સમજતી હતી કે આ તમારી મજબૂરી હશે, એને બદલે આ તો તમારી માનવતા નીકળી..! એક પૈસાનીયે લાલચ રાખ્યા વગર તમે…’

‘જસ્ટ એ મિનિટ, મે’મશા’બ! લાલચ મેં ભલે ન રાખી હોય, પણ ભગવાન પશુપતિનાથે તો મારી મહેનતનો બદલો વાળી જ આપ્યો છે ને? તમારા જેવી સંસ્કારી યુવતી સાથે બે-પાંચ મિનિટ વાત કરવાનું મારા નસીબમાં કયાંથી લખાયેલું હોય!’

દીપંકરનો સ્વભાવ ગાંધર્વીને ગમી ગયો. ખાસ તો એની સંસ્કારિતા. એણે જે છેલ્લું વાકય ઉરચાર્યું એમાં ગાંધર્વીની પ્રશંસા માટે એણે ‘સંસ્કારી યુવતી’ એવા શબ્દો વાપર્યા, એણે ધાર્યું હોત તો ‘રૂપાળી યુવતી’ પણ કહી શકયો હોત. આજકાલના રંગીન મિજાજી જુવાનિયાઓ છોકરીની સુંદરતાની પ્રશંસા કરવાની તક શોધતા જ હોય છે. આ તફાવતને કારણે જ દીપંકર ગાંધર્વીના મનમાં વસી ગયો. પછી તો વાતચીતનો એક સિલસિલો બની ગયો. રોજ બપોરે અને રોજ સાંજે દીપંકર ટિફિન લઇને આવે, ગાંધર્વી પપ્પાને ખલેલ ન પહોંચે એ માટે દીપકંરને લઇને હોસ્પિટલના પ્રતીક્ષા કક્ષમાં લઇ જાય, ત્યાં ખૂણામાં ગોઠવાયેલા સોફામાં બેસીને બંને જણાં અડધો કલાક ગપ્પાં મારે.

‘કેવું લાગ્યું અમારું અમદાવાદ?’ એકવાર ગાંધર્વીએ પૂછી લીધું.

‘અમદાવાદ તમારું થોડું છે? તમે તો બહારગામથી આવ્યાં છો.’

‘હા, પણ અમદાવાદ તો બધાં જ ગુજરાતીઓનું છે. મારો જવાબ ન ટાળો.’

‘અમદાવાદ સારું છે, પણ મારા કાઠમંડુ જેવું નહીં.’

‘અરછા, કાઠમંડુ એટલું બધું સુંદર છે?’

‘મારી સાથે આવો તો ખાતરી કરાવું. નેપાળ આખું બતાવું તમને. પછી મે’મશાબ, તમે જ કહેશો કે…’

‘દીપંકર, આપણે હવે મિત્રો છીએ, મને ‘મે’મશા’બ કહીને બોલાવવાનું કયારથી બંધ કરશો?’

‘જયારે તમે મને ‘તું’ કહીને બોલાવવાનું શરૂ કરશો ત્યારથી.’

સવાર-સાંજ દિવસોના દિવસ બંને વરચે વાતો ચાલતી રહી. નિર્દોષ પણ મૈત્રીભરી વાતો. સાહિત્યની, સંગીતની, ફિલ્મોની, ખાવા-પીવાની, પ્રવાસોની, ભાવિ કારકિર્દીની, દુનિયાનો એક પણ વિષય એમનાથી અછૂતો ન રહ્યો. સિવાય પ્રેમ અને સેકસ. બે વિજાતીય વ્યકિતઓ વરચે પ્રેમ અને સેકસને બાદ કરતાં પણ ગાઢ નિર્દોષ મૈત્રી હોઇ શકે એ ગાંધર્વીએ આજે જ જાણ્યું.

એક દિવસ ગાંધર્વીએ દીપંકરને સમાચાર આપ્યા, ‘આજે છેલ્લો દિવસ છે. આવતી કાલથી આપણું મળવાનું બંધ.’

‘કેમ? અંકલને સારુ થઇ ગયું?’

‘હા, અમે અહીંથી રજા લઇને એમ્બ્યુલન્સમાં સીધા જ મોડાસા ચાલ્યા જઇશું. પછી કદાચ કયારેય આપણે મળી નહીં શકીએ.’

‘એવું કેમ બોલે છે, ગાંધર્વી? હું કયારેક મોડાસા આવીશ તો તારા ઘરે.’

‘ના, એ શકય નથી. આવતા મહિને મારાં લગ્ન છે. હું પરણીને બહાર-ગામ ચાલી જઇશ. મારી કમનસીબી એ છે કે હું તને લગ્નમાં આવવાનું આમંત્રણ પણ નથી આપી શકતી. મારા ઘરમાં હું તારી ઓળખાણ આપું તો પણ કયા નાતે આપું?’ ગાંધર્વી આંખો ભીંજવી બેઠી. દીપંકર કયાંય સુધી ઉદાસ બનીને બેસી રહ્યો. પછી, ‘હું પણ આવતા મહિને નેપાળ ચાલ્યો જઉ છું. ગૂડ બાય, ગાંધર્વી!’ આટલું બોલીને ઊભો થઇને ચાલ્યો ગયો. એક વાર પણ એણે પાછું વળીને જોયું નહીં. કદાચ એ પોતાના આંસુ ગાંધર્વીને દેખાડવા નહીં માગતો હોય.

ખ્ખ્ખ્

ગાંધર્વીના લગ્ન થઇ ગયા. એનો પતિ વિક્રમ એક ઊભરતો બિઝનેસમેન હતો. આ એક ગોઠવાયેલું મેરેજ હતું. બંને જણાં લગ્નપૂર્વે માત્ર બે વાર જ મળ્યા હતા, એ પણ ઔપચારિક રીતે જ. ગાંધર્વી જાણતી ન હતી કે વિક્રમનો સ્વભાવ કેવો હશે. પણ એક વાતની એને ખાતરી હતી, એનો પતિ ગમે તેટલો સારો હશે તો પણ એ દીપંકરના જેવો તો નહીં જ હોય. દીપંકરનો વિચાર આવતાં જ એ અચાનક ઉદાસ બની જતી હતી.

આવી જ ઉદાસ પળોમાં એના પતિએ એક દિવસ એને ઝડપી લીધી, ‘મારી રાણીને હું એટલું પૂછી શકું કે કોણ મરી ગયું છે જેના શોકમાં તમે આટલા બધા ડૂબી ગયાં છો?’

ગાંધર્વીની આંખો આંસુથી છલકાઇ ગઇ, ‘વિક્રમ, હું તમને કંઇક કહેવા માગું છું. એક દીપંકર નામનો છોકરો હતો. તમે પ્લીઝ, કોઇ ખરી-ખોટી શંકા ન કરશો, પણ જે કંઇ સાચું છે એ હું તમને કહી દેવા માંગુ છું. તમે મને સમજવાની કોશિશ કરજો, પ્લીઝ!’ અને ગાંધર્વીએ એનાં હૈયાની ગાંસડી ખોલી નાખી. દીપંકર સાથેની મુલાકાતોની રજેરજ વાતો પતિને જણાવી દીધી.

અંતમાં એણે પૂછી લીધું, ‘વિક્રમ, તમે કહી શકો છો કે આ શું હતું?’

‘હા, ડાર્લિંગ! આ પ્રેમ હતો. મને તારી પર શ્રદ્ધા છે. તમે બંનેએ લક્ષ્મણ રેખા વટાવી નહીં જ હોય, નહીંતર તું મારી આગળ દીપંકર વિશે એક પણ શબ્દ બોલી શકી ના હોત, પણ એ લાગણી ચોક્કસપણે પ્રેમની જ હતી. હું આવા નિર્દોષ પ્રેમને કયારેય ધિક્કારી ન શકું. આપણે નેપાળ જઇશું, ગાંધર્વી! આમ પણ લગ્ન પછી આપણે કયાંય ફરવા નથી ગયા. આપણે નેપાળ ફકત ફરવા જ નહીં, પણ એક સરસ મઝાનાં સંસ્કારી કાંચાને મળવા માટે પણ જઇશું. હવે તો ખુશ ને?’

ખુશખુશાલ થયેલી ગાંધર્વી પતિને વળગી પડી.

(શીર્ષક પંકિત : ભગવતીકુમાર શર્મા)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: