તમને જોયાં ને થયું : કેવાં રૂપાળાં છો તમે? રૂપ આપો સર્વને એવાં રૂપાળાં છો તમે!

‘આ ભરબપ્પોરે રાતરાણીની સુગંધ કયાંથી આવી રહી છે?’ મુંબઇની સાયન્સ કોલેજના અંતિમ વર્ષમાં ભણતા મૂળ ખેડા જિલ્લાના વતની આહ્લાદ પટેલે એની પ્રેમિકાને પૂછ્યું. બોયઝ હોસ્ટેલ હતી, બપોરનું એકાંત હતું, બંધ દીવાલોની વરચે પ્રણયોન્મત્ત આહ્લાદ હતો અને નશીલી ફોરમ પ્રસરાવતી અવિષા હતી.

‘મારા દેહમાંથી. બીજે કયાંથી? હોસ્ટેલમાં આકડા ને થોર સિવાય બીજા કોઇ ફૂલ-ઝાડ વાવ્યા છે કે સુગંધની અપેક્ષા રાખી શકાય?’ અવિષાની કાળી, મોટી આંખોમાંથી કત્રિમ ઉપાલંભ સર્યો.

‘આઇ સી! તો એમ બોલો ને કે મારા દિવસની મહારાણી અત્યારે રાતરાણી થઇને પધાર્યા છે!’ આહ્લાદ પ્રેમિકાની નજીક સરકયો. પછી એને બાહુપાશમાં ભરીને ઊડા-ઊડા શ્વાસો ભરવા માંડયો.

‘કયું પફર્યૂમ છાંટયું છે?’ એણે બંધ આંખે પ્રશ્ન પૂછ્યો.

‘ડેઇઝી ફ્રેગરન્સ! બ્રિટનનું છે. મારાં મામા સ્કોટલેન્ડમાં રહે છે. એમણે આપ્યું છે. બહુ સ્પેશિયલ બ્રાન્ડ છે. કંપની આખા વર્ષ દરમિયાન માત્ર સો બાટલીઓનું જ ઉત્પાદન કરે છે.’

‘ત્યારે તો એ પફર્યૂમ મોંઘું હશે, નહીં?’

‘હા, એને સૂંઘવા માટે પણ પૈસા ચૂકવવા પડે એટલું મોંઘું! સો મિ.લિ.ની નાની શીશીનાં સત્તરસો રૂપિયા થાય! મારા મામાને હું આટલી બધી વહાલી છું એટલે એમણે મોકલાવ્યું છે. નહીંતર, આ જમાનામાં તો પતિ પણ એની પત્ની માટે આટલાં રૂપિયા ન ખર્ચે…’

આહ્લાદે અવિષાનાં દેહ ફરતે ભીંસ વધારી દીધી. પછી ભવિષ્યનું દૃશ્ય જોતો હોય એમ એ બબડી રહ્યો, ‘હું તારાં માટે આનાં કરતાંયે વધુ રૂપિયા ખર્ચીશ, અવિ! એક વાર આપણાં લગ્ન થઇ જવા દે! હું આખું બાથટબ પાણીથી ભરી દઇને પછી એમાં દસ લિટર જેટલું પફર્યૂમ ભેળવી દઇશ. પછી તને એ સુગંધીત જળમાં ડૂબાડીને.’ અવિષા ખિલખિલાટ કરતી હસી પડી, ‘દસ લિટર પફર્યૂમ?!’

‘હા, બ્રિટનની ફેકટરીમાં એક વર્ષમાં બનતું કૂલ પફર્યૂમ. સો-સો મિ. લિ.ની સો બોટલ્સ. ડેઇઝી ફ્રેગરન્સની નશીલી ફોરમથી આપણું દામ્પત્ય મહેંક-મહેંક થઇ જશે.’ ‘પફર્યૂમની વાત પછી, પહેલાં પરણવાની વાત કર! મારા પપ્પાને મળવા કયારે આવે છે?’ અવિષાએ રોમેન્ટિક વાતને ગંભીર વળાંક આપતાં પૂછ્યું.

‘તું કહેતી હોય તો આજે જ.’

‘ના, આજે નહીં, પણ આવતી કાલે. ’ અવિષાને યાદ આવ્યું, ‘આજે તો પપ્પા બેંગલોરમાં બેઠા છે. રાતની ફલાઇટમાં પાછા આવશે. પણ મારે તને કેટલીક સૂચનાઓ આપવાની છે, આહ્લાદ!’

‘બોલવા માંડ! બંદા તારી દરેક સૂચનાનો અમલ કરવા તૈયાર છે.’ આહ્લાદે તો આજ્ઞાપાલનની તૈયારી દર્શાવી દીધી, પણ અવિષા અવઢવમાં પડી ગઇ. કહેવું કે ન કહેવું તેની ગડમથલમાં થોડી ક્ષણો વિતાવ્યા બાદ એણે બોલવાનું શરૂ કર્યું.

‘આહ્લાદ, તું માઠું ન લગાડતો. મારા પપ્પાની ઇરછા મારા લગ્ન ખૂબ ધનવાન કુટુંબના છોકરા સાથે કરવાની છે. પપ્પા પોતે પણ કરોડોપતિ છે. મને ખાતરી છે કે એ તને કયારેય પસંદ નહીં કરે.’

‘આ વાત તારે મને આજે કરવાની હોય? જો આવું જ હતું તો તું મારી સાથે પ્રેમમાં શા માટે પડી? તને તો શરૂઆતથી જ ખબર હતી કે હું મિડલકલાસ મેન છું.’

‘હા, પણ એ વાતનો વાંધો મને ત્યારેય નહોતો અને અત્યારે પણ નથી. એટલે તો હું તને સૂચના આપી રહી છું. આહ્લાદ, પ્લીઝ! મારા માટે, આપણાં પ્રેમ ખાતર તું થોડુંક નાટક ન કરે?’

‘નાટક?! જા, કર્યું! બસ? આમેય મને નાટકનો તો જબરો શોખ છે એ તું પણ જાણે છે. છેલ્લાં ત્રણ-ત્રણ વર્ષથી કોલેજની નાટયસ્પર્ધાઓમાં બેસ્ટ એકટરનો એવોર્ડ તો હું જ લઇ જાઉ છું ને? આ એક નાટક વધારે.’

અવિષા ખુશ થઇ ગઇ, ‘તારે આવતી કાલે મારા પપ્પાને આંજી નાખવાના છે. તું અબજોપતિ બાપાનો નબીરો છે એવું એમના મન ઉપર ઠસાવી દેવાનું છે. સ્ક્રિપ્ટ બી તારી, દિગ્દર્શન પણ તારું અને અભિનય પણ તારો! કબુલ?’

‘કબુલ.’ પ્રાચીન કાળના રાજાના દરબારમાં ફરતું પાનનું બીડું ઊઠાવતાં શૂરવીરની અદાથી આહ્લાદે પ્રેમિકાએ આપેલો પડકાર ઉપાડી લીધો. અવિષાએ રજા લીધી. આહ્લાદ હોમવર્કમાં પરોવાઇ ગયો. જિંદગીનો તખ્તો સૌથી મહત્ત્વનું નાટક ખેલવા માટે એને આમંત્રી રહ્યો હતો અને એની પાસે સમય બહુ ઓછો હતો.

ખ્ખ્ખ્

‘કેવી રીતે આવ્યા અહીં? બંગલો આસાનીથી જડી ગયો ને તમને? કશી તકલીફ તો નથી પડીને?’ શેઠ હીરાચંદે ભાવિ જમાઇની ઊલટતપાસ શરૂ કરી. હીરાચંદ બહુ ચતુર વાણિયા વેપારી હતા. એમના દરેક પ્રશ્નની પાછળ ઊડો આશય સમાયેલો હતો. ‘કેવી રીતે આવ્યા?’ એવું પૂછીને તેઓ મુરતિયાની આર્થિક હેસિયત જાણી લેવા માગતા હતા. પણ એમનો પનારો આજે એક ઉત્તમ અભિનેતાની સાથે પડયો હતો. ‘હું બી.એમ. ડબલ્યૂ. કારમાં આવ્યો. મારો ડ્રાઇવર નજીકના ચાર રસ્તા આગળ મને ઉતારી ગયો. ત્યાંથી આ બંગલા સુધી હું ચાલીને આવ્યો. એમાં જરા તકલીફ પડી, પણ… ઇટ્સ ઓ.કે! આવા મિડલકલાસ એરિયામાં આવું તો ચાલ્યા કરે. આપણે સહન કરી લેવાનું.’ શેઠ હલી ગયા. એમનો બંગલો જુહુ વિસ્તારમાં હતો.

‘પણ ડ્રાઇવર અહીં સુધી કેમ ન આવ્યો?’

‘એને શોપિંગ કરવા જવું હતું. મને દયા આવી ગઇ. ખિસ્સામાંથી વીસ હજાર રૂપિયા કાઢીને આપી દીધા. જા ઐશ કર!’

‘વીસ હજાર? શોપિંગના?!’ શેઠ હીરાચંદને હેડકી આવવા માંડી.

‘ડ્રાઇવર માટે! હું પાંચ લાખથી ઓછું શોપિંગ નથી કરતો.’ આહ્લાદ સોળે કળાએ ખીલી રહ્યો હતો. વાતચીત પૂરો એક કલાક ચાલી. હીરાચંદ એ જાણીને અંજાઇ ગયા કે આહ્લાદના પિતાને અમદાવાદમાં આઠ અને આણંદમાં અઢાર બંગલાઓ હતા. બરોડામાં બે હતા કે બાવીસ એ એને બરાબર યાદ ન હતું. ખેતરો, કારખાનાં, ગાડીઓ, કર્મચારીઓ, બેન્ક લોકર્સ હવે એક જુવાન છોકરો કોલેજમાં ભણતાં-ભણતાં યાદ પણ કેટલું રાખે?!

‘વાહ! મારા તરફથી તો લગ્ન માટે લીલી ઝંડી છે, પણ તમારા પપ્પા મારા જેવા સામાન્ય માણસની દીકરી માટે સંમતિ આપશે ખરા?’ હીરાચંદ શેઠ લઘુતાગ્રંથીમાં આવી ગયા. લગ્ન કયારે કરવા, કેવી રીતે કરવા એની ચર્ચા માટે હવે પછીની મુદત પાડીને આહ્લાદ ઊભો થયો. હીરાચંદ શેઠે સૂચન કર્યું. ‘તમે પાછાં કેવી રીતે જશો? મારી ગાડી મોકલાવું?’

‘ના રે ના! ડ્રાઇવરને પાંસઠ હજારનો સેલફોન અપાવ્યો છે એ શાના માટે? હમણાં બોલાવી લઉ છું. ત્યાં સુધીમાં ચલાય તેટલું ચાલી નાખું. એ બહાને પગ છૂટો થાય.’ આહ્લાદ અબજપતિની અદાથી બહાર નીકળ્યો. ખાસ્સી વાર સુધી ચાલ્યા પછી એણે લોકલ ટ્રામ પકડી લીધી. ‘હાશ! એક જંગ તો જીતી લીધો. હવે બીજા જંગમાં શું કરવું એ અવિષાને પૂછીને નક્કી કરવું પડશે.’ આહ્લાદ બબડયો. એ સાથે જ કાનના પડદા ફાડી નાખે એવો અવાજ આવ્યો. પછી એ બેહોશ થઇ ગયો. મુંબઇની ટ્રેનોમાં સિલસિલાબંધ બોમ્બ વિસ્ફોટો થયા હતા એ દિવસની સાંજની આ વાત. આહ્લાદ એક સારો અભિનેતા હતો એટલે જ કદાચ બચી ગયો. મરી ગયો છે એવા અદ્ભુત અભિનય સાથે એ બેહોશીની અવસ્થામાં પડી રહ્યો અને યમદૂતો એના પ્રાણ લીધા વગર પાછા વળી ગયા.

પણ એ સાવ બચી ગયો એમ થોડું કહી શકાય? છાપામાં એના વિશેના સમાચાર જાણ્યા પછી શેઠ હીરાચંદે દીકરીને સંભળાવી દીધું, ‘એ નાલાયકનું મારી પાસે નામ પણ ન લઇશ, બેટી! જે માણસ ટ્રામમાં ઊભો -ઊભો ઠેબાં ખાય છે એ મારી આગળ આવીને બી.એમ.ડબલ્યૂ.ના બણગાં ફૂંકી ગયો?! હવે જયાં હું કહું ત્યાં જ તારાં લગ્ન થશે.’ બહુ નાટકીય લાગે એવો ઘટનાક્રમ બની ગયો, પણ ઘટનાક્રમ સાવ ખાતરીબંધ છે કેમ કે મેં જાતે જોયેલો-સાંભળેલો છે. અકસ્માત પછીનાં એક જ મહિના પછી શેઠ હીરાચંદની સુંદર પુત્રી અવિષા લગ્ન કરીને ઊડી ગઇ, ઇંગ્લેન્ડના મુરતિયા જેકી શાહના શયનખંડની શોભા બનવા માટે રવાના થઇ ગઇ. મનચાહ્યા પ્રેમીની મધુર યાદોની લાશ પર અણગમતા દામ્પત્યની કડવી દીવાલો ઊભી કરવા માટે એ ચાલી ગઇ.

પૂરા આઠ મહિના પછી જેકી શાહ એક મહેમાનને લઇને ઘરે આવ્યો. ઊતરતી સાંજ હતી અને ઊગતી રાત હતી. બિઝનેસ ટૂર પર આવેલા ઇન્ડિયન અતિથિએ બંગલામાં પગ મૂકયો એ સાથે જ એની ઘ્રાણેન્દ્રિય રાતરાણીની સુગંધથી ભરાઇ ગઇ.

‘તમારા ઘરમાં કોઇ ‘ડેઇઝી ફ્રેગરન્સ’નું શોખીન લાગે છે.’ મહેમાને પૂછ્યું.

જેકી હસી પડયો, ‘ના રે! આ તો રાતરાણીની વેલ છે એની સુગંધ છે. બાકી ‘ડેઇઝી’નું મોંઘુંદાટ પફર્યૂમ તે વપરાતું હશે? અફકોર્સ, આઇ એમ એ મિલિયોનેર! પણ હું પૈસા વાપરવામાં માનું છું, ઉડાવવામાં નહીં.’ આટલું કહીને જેકીએ બારણું ઊઘાડયું. સામે ઊભેલી પત્નીને સાથે આવેલા મહેમાનનો પરિચય કરાવ્યો, ‘અવિષા ડાર્લિંગ! મીટ માય બિઝનેસ ફ્રેન્ડ મિ..! ઓહ્, હું નામ ભૂલી ગયો. સોરી, શું નામ છે તમારું?’ કહીને એ આહ્લાદ તરફ ફર્યો. અવિષાના હોઠો ઉપર આવી ગયું : ‘આહ્લાદ!’ પણ એણે માંડ-માંડ સંયમ જાળવ્યો. એની જિંદગીનું અતિ પ્રિય અને અતિ પરિચિત નામ એ ગળી ગઇ. આહ્લાદનો પરિચય પૂરો થઇ ગયો હતો, એક સ્ત્રીનો અભિનય હવે શરૂ થઇ રહ્યો હતો. રાતરાણી ખીલી ઊઠી હતી અને એક રૂપની રાણી મૂરઝાઇ રહી હતી.

(શીર્ષક પંકિત : બેફામ)

Advertisements

One Response

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: