ચાલ સાચું શોધીએ ઇશ્વરનું ઘર, દોસ્ત! મંદિર હોય છે પથ્થરનું ઘર

કેટલાં વર્ષ થયા હશે એ વાતને? વીસ, બાવીસ કે પચીસ? ના, એનાથી પણ વધારે. સાલ ભૂલાઇ ગઇ છે, પણ ઘટનાની વિગત રજે-રજ જેટલી મને યાદ છે. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા હતા. હું ગાયનેકોલોજિસ્ટ તરીકે જનરલ હોસ્પિટલમાં નોકરી કરતો હતો. આગલા દિવસે જ અમે એટલે કે હોસ્પિટલમાં કામ કરતાં તમામ ડોકટરો અગત્યની ચર્ચા માટે ભેગા થયા હતા. વાતની શરૂઆત ડો. મહેતાએ કરી, ‘તમારે જે કરવું હોય તે કરો, પણ હું તો દસ દિવસની રજાઓ પાડવાનો જ છું.’ હું હસ્યો, ‘ધારો કે તમારી રજા અરજી ફગાવી દેવામાં આવી, તો તમે શું કરશો?’ ‘તો હું નોકરીમાંથી રાજીનામું આપી દઇશ. દિવાળી પછી પાછો નવેસરથી આ જ દવાખાનામાં નોકરી માટે ઉમેદવારી નોંધાવીશ.’ ડો. મહેતાના જવાબ પરથી એટલું તો સાબિત થઇ ગયું કે પોતાના ઇરાદાઓમાં એ પર્વત જેવાં અવિચળ હતા. આ તહેવારોમાં દર્દીઓએ એમની સેવા વગર ચલાવવું જ રહ્યું. મેં હવે ડો. પરીખ સામે જોયું. એ જનરલ સર્જન હતા. એમણે અંગ્રેજી મીડિયમમાં ભણેલી ચીબાવલી છોકરીઓની જેમ ખભા ઉછાળ્યા, ‘મારી વાઇફ એનાં પિયરમાં છે. ડિલિવરી માટે ગઇ છે. તારીખ નજીકમાં જ છે. દિવાલી ઓર નો દિવાલી, આઇ વિલ હેવ ટુ બી ધેર વિથ હર. આવતી કાલે સવારે હું નીકળું છું.’ એક પછી એક પાંચ ડોકટરોએ મિનિ વેકેશનની જાહેરાત કરી દીધી. મારે નોકરીમાં જોડાયાને માંડ એક મહિનો થયો હતો, એટલે હું બહાનું બતાવવાની ધૃષ્ટતા ન કરી શકયો. ખાલી દબાયેલા સ્વરમાં એટલું પૂછી શકયો, ‘જો તમે બધાં ચાલ્યા જશો, તો હોસ્પિટલ આખીનાં તમામ વિભાગો કોણ સંભાળશે?’

સવાલ સોલો સ્વરૂપે પુછાયો હતો, જવાબ કોરસમાં ઊઠયો, ‘તમે.’ અને બીજા દિવસથી મારી ચોવીસ કલાકની ડયુટી ચાલુ થઇ ગઇ. જનરલ આઉટ ડોર ઉપરાંત મેડિસિન, સર્જરી, ગાયનેક આ તમામ વિભાગનાં દર્દીઓ તપાસવાની જવાબદારી મારા માથે આવી પડી. હું બીજી શાખાના ઓપરેશનો ભલે ન કરું, પણ નિદાન કરીને દવાઓ લખી આપવાનું કામ તો કરવું જ પડે. એમાં એક વાત મારી તરફેણમાં રહી, તમામ વિભાગોનો લોઅર સ્ટાફ અને ખૂબ જ મદદકર્તા સાબિત થયો. ‘લવજી, તારો ખૂબ-ખૂબ આભાર, દોસ્ત! તે સ્ફૂર્તિ બતાવી, એટલે જ હું સર્જિકલ આઉટડોર આટલી ઝડપથી પતાવી શકયો. ‘મેં બપોરે દોઢ વાગ્યે એક નંબરની ઓ.પી.ડી.ના વોર્ડબોયને કહ્યું. લવજી શરમાઇ ગયો. એ પચીસેક વર્ષનો દલિત યુવાન હતો. એસ.એસ.સી. પાસ હતો, પણ એ ખરેખર ગરીબ મા-બાપનો દીકરો હતો એટલે એને અનામતનો ફાયદો મળ્યો ન હતો. સરકારી નોકરીને બદલે આ ખાનગી સાર્વજનિક હોસ્પિટલમાં મામૂલી પગારની નોકરી કરતો હતો, પણ મહેનતુ અને પ્રમાણિક માણસ હતો. મેં ઘડિયાળમાં જોયું. દોઢ વાગ્યો હતો. જમવાને તો હજુ ઘણી બધી વાર હતી. મારી પાસે વેડફવા માટે થોડોક સમય હતો, કારણ કે ઉપર લેબર રૂમમાં એક પેશન્ટની ડિલિવરી કરાવવાની હજુ બાકી હતી. એનો સમય થાય ત્યાં સુધી ‘કોલ’ની રાહ જોઇને મારે બેસી રહેવાનું હતું. મેં લવજી સાથે સંવાદ સાઘ્યો, ‘તને પગારમાં શું મળે છે?’

‘પાંચસો રૂપિયા, સાહેબ!’ ‘એટલામાં તારુ ગુજરાન ચાલી જાય છે?’ ‘આમ તો ન જ ચાલે, પણ મારી ઘરવાળીએ આ જ દવાખાનામાં નોકરી કરે છે ને? એટલે વાંધો નથી આવતો. પાંચસો રૂપિયા એ પણ…’ ‘તારી ઘરવાળી? આ જ હોસ્પિટલમાં? ત્યારે તો નક્કી એ ગાયનેક વિભાગમાં જ કામ કરતી હોવી જોઇએ.’ ‘હા, સાહેબ! મારી લતા ઉપર લેબર રૂમમાં કામ કરે છે.’ પત્નીનું નામ બોલતાંમાં તો લવજીનું મોં જાણે ગોળનું દડબું ખાધું હોય તેવું થઇ ગયું. ‘અરે! લતા તારી ઘરવાળી છે? મને તો આ વાતની ખબર જ ન હતી. વાહ! શું સુંદર જોડી બનાવી છે ભગવાને!’ મારા મોંમાંથી સહજતાપૂર્વક સાચી વાત સરી પડી. મારી આંખો સમક્ષ રોજ મારી આજુબાજુ લેબર રૂમમાં પતંગિયાની જેમ ઉડાઉડ કરતી અને પ્રમાણિકતાપૂર્વક પોતાની ફરજ નિભાવતી લતા તરવરી ઊઠી. સહેજ ભીને વાન હોવાં છતાં નાક-નકરો એ સ્ત્રી બહુ નમણી દેખાતી હતી. ‘દિવાળીમાં કયાંય બહારગામ જવાના છો કે નહીં?’ મેં ટાઇમપાસ માટે નવાં પ્રશ્નો નવેસરથી પૂછવા માંડયા. લવજી શરમાઇ ગયો, ‘હા, આ વખતે લતાથી ખાનગીમાં મેં પંદરસો રૂપિયા બચાવ્યા છે. એ કેટલાંયે દા’ડાથી પાવાગઢ ફરવા જવાની જીદ કરે છે. હું ના પાડતો રહું છું, પણ એને બેસતાં વર્ષે હું પાવાગઢના દર્શને લઇ જવાનો છું. એનાં માટે ચાંદીની હાંસડી પણ લઇ આલવાનો છું.’ પછી અચાનક એને યાદ આવ્યું, ‘જોજો, હોં સાહેબ, આ વાત એનાંથી ખાનગી રાખવાની છે. લેબર રૂમમાં લતા મળે તો તમે એને કહેશો નહીં.’ ત્યાં જ રૂખી હાથમાં કોલ બુક લઇને આવ્યાં. અંદર ઇન્ચાર્જ નર્સે લખ્યું હતું: લેબર રૂમમાં જે પ્રથમ પ્રસૂતિનો કેસ દાખલ થયેલ છે એનું સર્વિકસ પૂરેપૂરું ખૂલી ગયું છે. આપ સાહેબ પધારો…’ મેં સહી કરીને ચોપડો રૂખીનાં હાથમાં મૂકયો. એ ગઇ, પછી હું પણ જવા માટે ઊભો થયો.

‘‘‘

બરાબર ચાર વાગે હું પ્રસૂતિ પછીના ટાંકા લઇને પરવાર્યો. ત્યાં મારી નજર લતા ઉપર પડી. એ પણ મારી જેમ જ થાકેલી હતી, પણ તેમ છતાં હસતાં મુખે મારો હવે પછીનો આદેશ સાંભળવાની તૈયારી સાથે લતા ઊભી હતી. મેં અચાનક કેસપેપરમાંથી નજર ઉઠાવીને તેની સામે જોયું, ‘લતા, તું લવજીની ઘરવાળી છે? મને તો આજે જ ખબર પડી.’ જવાબમાં લતા શરમાઇ ગઇ. મને લાગ્યું કે ગોળનું જે દડબું લવજીના મોંમાં હતું એ અત્યારે લાડવો બનીને લતાનાં મુખમાં આવી ગયું છે! ‘આ દિવાળીમાં શું કરવાનાં છો તમે લોકો?’ મેં જાણી-જોઇને વાત કાઢી. ‘સાહેબ, આ લવજીડો ભલે તમને સારો લાગતો હોય, પણ એના જેવો ભૂંડો બીજો કોઇ આદમી નહીં હોય!’

‘કેમ એવું તે એણે શું કર્યું?’ ‘અમારા લગનને ચરચાર વરસ થયાં પણ એ મને કયાંય ફરવા નથી લઇ ગયો. હવે તો મેંય જીદ કરવાનું છોડી દીધું છે, પણ એક વાત કરું, સાહેબ? મને ઇ બહુ ગમે છે. આ વખતે તો હું જ એને લઇને મેળામાં ઘૂમવા જવાની છું. છેલ્લાં બે વરસથી હું ઇને ખબર ન પડે એમ પૈસા બચાવતી આવી છું. પૂરા બારસો રૂપિયા ભેગા કર્યા છે મેં! એમાંથી મારા લવજીડા માટે એક જોડી કપડાં અને અમારા એક વરસના દીકરા માટે…’ લતા બોલતી જ રહી, હું સાંભળતો રહ્યો. મારો લંચ ટાઇમ તો કયારનોય વીતી ગયો હતો, હવે તો છેક રાતે જ ભોજન લેવાનું હતું, પણ અત્યારે તો હું આ ‘મેડ ફોર ઇચ અધર’ એવા ગરીબ પતિ-પત્નીનાં પ્રસન્ન દામ્પત્યની સોડમથી મારુ પેટ ભરતો રહ્યો.

‘પણ સાહેબ, જોજો હોં! આ વાત લવજીને કહેતા નહીં. મારે છેક છેલ્લી ઘડીએ એને ખબર પડવા દેવી છે. અત્યારે તો હું જાણે રિસાયેલી હોઉ એમ મોં ફુલાવીને ઘરમાં ફર્યા કરું છું. તમને લવજી મળી જાય, તો પણ એને…’ ‘તું ચિંતા ન કર, બે’ન! હું આ કાવતરાંની જાણ લવજીને તો ઠીક, પણ ભગવાનનેય નહીં કરું, બસ?’ મેં કહ્યું, એ વખતે મને કયાં ખબર હતી કે જો ભગવાનને આ દંપતીના મીઠા કાવતરાં વિશે ખબર પડી ગઇ હોત તો કેટલું સારું થાત!

‘‘‘

બરાબર ધનતેરસની રાતે લતા અને લવજી એમનાં એક માત્ર દીકરાને ગંભીર હાલતમાં લઇને દવાખાનામાં આવ્યા, ‘સાહેબ,અમારા મુન્નાને બચાવો!’ મુન્નાને ગેસ્ટ્રોએન્ટરાઇટિસ થયો હતો. પંદર-વીસ ઝાડાં અને પેટમાં તો પાણી પણ ન ટકે. પિડિયાટ્રિશિયન તો હતા જ કયાં? માંડ-માંડ મેં મુન્નાના હાથની નસ પકડી. બાટલા ચડાવ્યા, પછી દવાનો કાગળ લવજીની સામે ધર્યો, ‘મોંઘાં ઇન્જેકશનો લખી આપ્યા છે. બહારથી લાવવા પડશે. તો જ મુન્નાનો જીવ બચશે.’ લવજીએ પત્નીથી છુપાવીને રાખેલાં પંદરસો રૂપિયા બહાર કાઢયા. લતા પણ રડી પડી. બ્લાઉઝમાં સંતાડેલો પરસેવો ગણી આપ્યો. ત્રણ દિવસમાં અઢી હજારની ચટણી થઇ ગઇ. પણ મુન્નો હસતો થઇ ગયો.

મેં લવજીના ખભા પર હાથ મૂકયો, કશા જ પૂર્વ આયોજન વિના મારાથી બોલાઇ ગયું, ‘ચિંતા ન કરશો. પાંચમ આવી જવા દો, છુટ્ટી પર ગયેલા ડોકટરો પાછા આવી જાય એટલે હું હોસ્પિટલની જીપ લઇને પાવાગઢ જવાનો છું. તમારે આવવું હોય તો આવી શકો છો, નહીંતર આ મુન્નો તો આવવાનો જ છે.’ આ સાંભળીને લવજી અને લતાનાં ચહેરાઓ ખીલી ઊઠયા એ જોઇને મને એવું લાગ્યું કે ગોળનું મોટું દડબું જાણે મારા મોંમાં ઓગળી રહ્યું હોય!

(શીર્ષક પંકિત: ઉર્વીશ વસાવડા)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: