આપણો સંબંધ કવિતા-પ્રાસ છે, જેવી રીતે પર્ણમાં લીલાશ છે

નિહારિકા અને નિર્મિત આ બંને પતિ-પત્નીએ જે દિવસે મારા નર્સિંગ હોમમાં પહેલી વાર પગ મૂકયા, ત્યારે મને કયાં ખબર હતી કે અમારો સંબંધ અજીબો-ગરીબ બની રહેવાનો છે! આટલો દીઘર્કાલીન નાતો અને એ પણ આટલો બધો ઘટનાસભર ભાગ્યે જ કોઇ એક પેશન્ટ સાથે રહેતો હોય છે. મારી સમગ્ર તબીબી કારકિર્દીમાં આવું માત્ર નૂરબાનું વિશે બન્યું છે, એ પછી આ નિહારિકાનો ક્રમ આવે.

‘બોલો, શા માટે આવવું પડયું?’ આજથી દસ વર્ષ પહેલાં બોલાયેલો મારો પ્રશ્ન. દરેક નવા દરદીને પૂછવામાં આવતો મારો આ કાયમી સવાલ. ‘સર, ચાર મહિના પૂરા થવા આવ્યા છે. પહેલી વાર ચેક અપ માટે આવ્યાં છીએ. ડિલિવરી તમારા હાથે જ કરાવવાની છે.’ નર્મિિતની આંખોમાં મારા પ્રત્યેનો આદર છલકાતો હતો અને નિહારિકાનાં મોં ઉપર આછી-આછી લજજા. હું સમજી ગયો કે એ બંને મારી કોલમનાં વાચકો હોવાં જોઇએ.

એક સરેરાશ ડૉકટરમાં હોવી જોઇએ એના કરતાં મારા પ્રત્યેની એ બંનેની લાગણી અનેકગણી વધારે છે એ હું એમની બોડી લેંગ્વેજમાં વાંચી શકતો હતો. મેં જરૂરી વિગતો પૂછીને નિહારિકાને તપાસ માટેના ટેબલ પર લીધી. પહેલાં પગથિયે જ મને આંચકો લાગ્યો, ‘આર યુ સ્યોર કે તને ચાર મહિનાની પ્રેગ્નન્સી છે?’ ‘હા, સર! હું તમને મારી છેલ્લી તારીખ જણાવી ચૂકી છું.’ નિહારિકાનાં ચહેરા પર ચિંતાના વાદળો ધેરાયા, ‘કંઇ ગરબડ જેવું છે, સર?’

‘હા, બહાર આવો, તમને બંનેને એક સાથે સમજાવું.’ કહીને હું પાછો ખુરશીમાં ગોઠવાયો. જે સમજાવવા જેવું હતું તે સમજાવી દીધું, ‘ગર્ભનો વિકાસ અટકી ગયો છે. ગર્ભાશયનું કદ બે મહિના જેટલું જ લાગે છે. સોનોગ્રાફી કરાવવી પડશે. આજે જ અને અત્યારે જ!’ સોનોગ્રાફીના રિપોટર્ મારી શંકાને સાબિત કરી આપી. નિહારિકાનો ગર્ભ લગભગ દોઢ-બે માસ પહેલાં જ મરી ગયો હતો. એ છેક ચાર મહિના સુધી ચેક અપ કે સારવાર વગર બેસી રહી એ એની ગફલત. ‘હવે? શું કરવાનું, સાહેબ?’ નિર્મિતે પૂછ્યું.

‘મરેલો ગર્ભ પાછો જીવતો ન થઇ શકે. માટે એને કાઢી નાખવો એ એક માત્ર ઉપાય છે. કયુરેટિંગ કરવું પડશે. આવતી કાલે સવારે અગિયાર વાગે આવી જાવ. ખાવા-પીવાનું સવારથી જ બંધ. ઠીક છે?’ મેં કહ્યું, એમણે હા પાડી. બીજે દિવસે મેં એમના મૃત ગર્ભનો નિકાલ કરી આપ્યો. એક નકારાત્મક ઘટના સાથે અમારા હકારાત્મક સંબંધની શરૂઆત થઇ.

‘હમણાં છ એક મહિના એમ ને એમ ખેંચી કાઢો. ત્યાં સુધીમાં હું જે કહું એ સારવાર લેતાં રહેજો. જયારે હું લીલી ઝંડી ફરકાવું ત્યારે જ પ્રેગ્નન્સીનું આયોજન કરજો.’ મેં ગંભીરતાથી કહ્યું, જે એમણે ગંભીરતાથી સ્વીકાર્યું. છ મહિના પછી ફરીથી નિહારિકા ગર્ભવતી બની. આ વખતે શરૂઆતથી જ એ મારી પાસે ‘ચેક એપ’ માટે આવતી હતી. સારવાર પણ લેતી રહી. સાતમા મહિને એનો ખોળો ભરવાનો સમય આવ્યો. મેં પૂછ્યું, ‘સીમંત વિધિ પછી સુવાવડ માટે પિયરમાં જવાનું છે?’

એ હસી, ‘પિયરમાં જવાનું છે, પણ સુવાવડ તો અહીં જ કરાવવાની છે. મારું પિયર મોડાસામાં છે. તમે ડિલિવરીની જે તારીખ કાઢી આપી છે એના એક મહિના પહેલાં હું પાછી અહીં આવી જઇશ. મને આશીર્વાદ આપો કે આ વખતે બધું સરસ રીતે પાર ઊતરે!’ ‘નિહારિકા, આશીર્વાદ આપવા જેટલો હું મોટો નથી અને પ્રાર્થના કરવા જેટલો આસ્તિક નથી. હું તને શુભેરછા આપી શકું છું. વહેલી જા અને વહેલી પાછી આવજે.’

નિહારિકા પાછી ન આવી, એનાં સમાચાર આવ્યા, જે બહુ માઠાં હતાં. નિર્મિત રડતાં-રડતાં માહિતી આપી ગયો, ‘ત્યાંના ડૉકટરે બરાબર ઘ્યાન ન આપ્યું. આઠમા મહિને નિહારિકાનું બ્લડપ્રેશર વધી ગયું. આખા શરીરમાં સોજા જ સોજા ચડી ગયા. ડિલિવરીની તારીખને હજુ દોઢ મહિનાની વાર હતી, ત્યાં અચાનક એનું બ્લડપ્રેશર બસોની ઉપર પહોંચી ગયું અને ડફોળ ડૉકટરે…’

‘એક મિનિટ, નિર્મિત! આગળ શું થયું તે તું ન જણાવીશ, મને જ બોલવા દે! નિહારિકનાં પેટ ઉપર તાત્કાલિક ઓપરેશન કરીને બાળક કાઢી લેવું પડયું. જો સિઝેરિયન ન કર્યું હોત તો નિહારિકાનો જીવ બચી ન શકયો હોત.’ ‘આ બધી વાતની તમને શી રીતે ખબર પડી?’ ‘એટલા માટે કે અમારું મેડિકલ સાયન્સ આખાં જગતમાં એક સરખું છે. અને બીજી ખાસ વાત. મોડાસાના ડૉકટરને તું ડફોળ કહે છે ને! એ માણસ ડફોળ નથી, પણ હોશિયાર છે. નિહારિકાનું બ્લડપ્રેશર જો બસોની ઉપર પહોંચી જાય, તો એનો જીવ બચાવવા આમ જ કરવું પડે. હવે ફકત એટલું જણાવ કે બાળકનું શું થયું?’

‘દીકરી હતી. માત્ર ચોંત્રીસ અઠવાડિયાની મેરયોરિટી હતી. વજન ફકત એક કિલો ને બસો ગ્રામ. ચોવીસ કલાકમાં જ મૃત્યુ પામી. નિર્મિત રડતો હતો, હું અમારી અનંત સફરના આ બીજા ગમગીન પડાવને જોતો રાો. એ પછી ફરી બીજા છ મહિનાનો વિરામ. નિહારિકા પાછી ગર્ભવતી બની. પછી ચોથી વાર, પાંચમી વાર, છઠ્ઠી વાર અને સાતમી વાર. ચાર-ચાર વાર નિહારિકાને ગર્ભ રાો, દરેક વખતે કસુવાવડ થઇ ગઇ. જોવાની ખૂબી એ હતી કે ચારેય વાર કસુવાવડ થવા પાછળના કારણો એકબીજાથી તદ્દન જુદાં હતા.

આખરે આઠમી વારની સફર કસુવાવડનો ‘બમ્પ’ વટાવીને આગળ ધપી. આ વખતે બીજું બધું બરાબર હતું, પણ ઓળ એટલે કે પ્લેસેન્ટા ગર્ભાશયના મુખ ઉપર ગોઠવાયેલી હતી. તબીબી ભાષામાં જેને પ્લેસેન્ટા પ્રીવિયા કહેવામાં આવે છે એવી સ્થિતિ નિહારિકાની આઠમી પ્રેગ્નન્સીમાં રહેલી હતી.

અમારી દ્રષ્ટિએ આ સ્થિતિ જીવતા બોમ્બ જેવી ગણાય છે, જે ગમે તે ક્ષણે ફાટી શકે છે. નિહારિકા સંપૂર્ણ આરામ કરી રહી હોવાં છતાં એનાં ગર્ભાશયમાં ‘ટીક-ટીક’ કરતો આ બોમ્બ આખરે એક ક્ષણે ફાટયો. રાત્રે બે વાગે એ બાથરૂમમાં ગઇ, ત્યારે લોહીનો ફુવારો છૂટી પડયો. મરણતોલ દશામાં ત્રણ વાગે એને મારા નર્સિંગ હોમમાં લાવવામાં આવી. ચાર બાટલા લોહી, પાંચ કલાકની મહેનત અને વીસ મિનિટમાં સંપન્ન કરાયેલા સિઝેરિયન પછી નિહારિકાનો જીવ બચાવવામાં મને સફળતા મળી, પણ અફસોસ, સવા કિલોગ્રામ વજનની બાળકી જન્મી જે દસ મિનિટમાં તરફડાટ બાદ મૃત્યુ પામી.

‘સર, અમારી હાલત તો વસુદેવ અને દેવકી કરતાં પણ ખરાબ છે, એમનું આઠમું સંતાન તો જીવી ગયું હતું…’ નિર્મિત હતાશ હતો અને નિહારિકા ડૂસકાંમાં ડૂબેલી. ‘હું તમારું દુ:ખ સમજી શકું છું, પણ વિધાતાની ક્રૂર રમતને સમજી નથી શકતો. અમારી ટેકસ્ટ બુકમાં નોંધાયેલી સ્ત્રી-જગતનાં તમામ કોમ્પ્લિકેશન્સ એક જ દરદીમાં શી રીતે જોવા મળી શકે? હવે હું જે કહું તે માનશો?’‘અત્યાર સુધી એ જ તો કરતાં આવ્યાં છીએ.’ ‘હવે તમારું ખુદનું બાળક મેળવવાનો વિચાર પડતો મૂકી દો! આમ પણ આટલાં વર્ષોમાં આટલી બધી ગર્ભાવસ્થાઓને લીધે નિહારિકાની શારીરિક હાલત સાવ જ ખલાસ થઇ ગઇ છે. તમે બાળક દત્તક લેવાનું શા માટે ન વિચારી શકો?’ મારું સૂચન હિંમતભર્યું હતું.

‘આજથી વિચારીએ છીએ, તમે મદદ કરશો?’ નિર્મિત અને નિહારિકા એક ક્ષણમાં મારી વાત સાથે સંમત થઇ ગયાં. એમની ફાઇલ મેં જ તૈયાર કરી આપી. છ મહિના પછી એક જાણીતા અનાથાશ્રમમાંથી સંદેશો આવ્યો. હું પણ એ બંનેની સાથે ગયો. બાળકની જાતિ પસંદગીના ખાનામાં એમણે, ‘દીકરી લેવી છે’ એવું લખ્યું હતું. મેં આનું કારણ પૂછ્યું ત્યારે જવાબ મળ્યો, ‘સાહેબ, અમને ભગવાને આઠ-આઠ વાર ગર્ભાવસ્થા આપી અને છીનવી લીધી, પણ જેટલી વાર મૃત ગર્ભની જાતિ જાણી શકાઇ, એ તમામ વખતે અમારું સંતાન છોકરી જ હતું.’

એક સુંદર, નાની ઢીંગલીને દત્તક લઇને પતિ-પત્ની ઘરે આવ્યાં. અમારો સંબંધ એક અણધારી રીતે, પણ તેમ છતાં, હવે એક સુખભરી કેડી ઉપર આગળ ધપી રાો.દીકરી બે વર્ષની થવા આવી, ત્યાં નિહારિકા અચાનક મને મળવા માટે આવી, ‘સર, લગભગ ચાર મહિનાથી મને…! ઊલટી-ઊબકા જેવી કોઇ તકલીફ નથી. લાગે છે કે મારું મેનોપોઝ ધાર્યા કરતાં વહેલું…’ મેં તપાસ કરી અને પછી સુખદ સમાચાર જાહેર કયાô,

‘મેનોપોઝ વહેલું નથી બેસી ગયું, પણ નવમી વારની પ્રેગ્નન્સી મોડે-મોડે મ્હોરી ઊઠી છે. આ પહેલાંના બબ્બે સિઝેરિયનને ઘ્યાનમાં લેતાં આ વખતે બાળકને પડાવી નાખવું એ હિતાવહ નથી. માટે ચાલુ રાખો!’ અમારાં ત્રણેયના આશ્ચર્ય વરચે નવ મહિના દરમિયાન એક પણ કોમ્પ્લિકેશન ન નડી. પૂરા મહિને ત્રીજું સિઝેરિયન કર્યું. નિહારિકાએ સાડા ત્રણ કિલો વજનના તંદુરસ્ત બાબાને જન્મ આપ્યો. અમારો સંબંધ સંતોષના એક નવા શિખરને આંબી ગયો. નિહારિકા આજે પણ ઘણી વાર મને પૂછી બેસે છે, ‘સર, આ કાનુડો છેલ્લે આવવાને બદલે પહેલી વારમાં જ જન્મી ગયો હોત તો?’ હું ફિલસૂફી ભર્યોઉત્તર આપી બેસું છું, જો એવું થયું હોત તો તમે આ મહામાયાને દત્તક તરીકે ન લાવ્યાં હોત ને?

Advertisements

3 Responses

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: