જળ નથી, મૃગજળ નથી, ઝાકળ નથી, છે બધું ભીનું અને વાદળ નથી

‘શમા…’ શનિવારની સાંજે ઓફિસમાંથી છૂટીને ઘરે આવેલા શકુને પત્નીના નામની બૂમ પાડી. એમ કરતી વખતે એણે એક ભીની નજર બંગલાની બહાર રમતા પાંચ વર્ષના દીકરા તરફ ફેંકી લીધી. નાનકડો શર્મન મમ્મી-પપ્પા ઉપર આવી રહેલા ઝંઝાવાતથી તદ્દન બેખબર અને પોતાનાં રમકડાં સાથે એકાકાર હાલતમાં રમી રહ્યો હતો.

‘શું છે?’ રસોડામાંથી શમાનો અવાજ સંભળાયો. આ એ અવાજ હતો જે સાંભળીને આજથી સાત વર્ષ પહેલાં શકુન એના પ્રેમમાં પડી ગયો હતો. આ એ અવાજ હતો જેની મીઠાશમાં સંસારની તમામ કટુતા ઓગળી જતી હતી. આ અવાજ માટે એક વાર શકુને શમાને કહ્યું હતું, ‘શમા, તું જો આટલી ખૂબસૂરત ન હોત ને, તો પણ તારા આ અવાજને કારણે હું તને પરણવા માટે રાજી થઇ ગયો હોત! માય ગૉડ, બેડરૂમમાં કોયલને પાળવાનું કોને ન ગમે?’

‘જરા આવજે તો! મહત્ત્વની ચર્ચા કરવી છે.’ શકુનના અવાજમાં તાકીદ હતી અને શબ્દોમાં ચોંકાવી દે તેવું ગાંભીર્ય હતું. શમા કામ પડતું મૂકીને ડ્રોઇંગરૂમમાં દોડી આવી. શકુન ભારે ભરખમ ચહેરા સાથે બેઠેલો હતો, એના હાથમાં પંદર-વીસ નાની-નાની ચબરખીઓ હતી, દસ-બાર લાંબા કાગળો હતા અને એક લાંબો છાપેલો સરકારી કાગળ હતો.

‘આ બધું શું છે, શકુન?’ શમાએ પૂછવા ખાતર પૂછ્યું તો ખરું, પણ એની છાતી જોર-જોરથી થડકી રહી હતી.

‘એ સવાલ મારે તને પૂછવાનો છે, આ બધું શું છે, શમા?’ શકુનના અવાજમાં પચાસ પ્રતિશત આઘાત હતો, પચાસ પ્રતિશત કરડાકી. શમા આંખો ઝુકાવી ગઇ. હવે એની પાસે કશું જ બોલવાપણું રહ્યું ન હતું. એને ખબર હતી કે એના પતિના હાથમાં એના પ્રેમીએ લખેલા પત્રો અને ચબરખીઓનો વિસ્ફોટક જથ્થો હતો.

આ એવો વિસ્ફોટક દારૂગોળો હતો જે દુનિયાના કોઇ પણ પતિને ઘ્વસ્ત કરી મૂકવા માટે સક્ષમ હતો, જયારે શકુન તો માત્ર પતિ નહીં, પણ શમાનો પ્રેમી-પતિ હતો. જાન હથેળીમાં લઇને એ શમાને એના બાપના ઘરમાંથી ભગાડીને લઇ ગયો હતો. મોતને પડકાર આપીને એને પરણી ગયો હતો. શમાના માથાભારે પપ્પાની સામે ત્રણ-ત્રણ વર્ષ સુધી એણે ઝીંક ઝીલી હતી, એ પછી બધું માંડ થાળે પડયું હતું. આવી પ્રેમિકા, આવી પત્ની કોઇ બીજા પુરુષના પ્રેમમાં પડે?! એની સાથે ગુલછરાર્ ઉડાવે? છાનાછપના પ્રેમપત્રો લખે? ચિઠ્ઠી-ચપાટી દ્વારા ગુપ્ત મિલનના સંદેશાઓ પાઠવે?

‘શમા, આ બધું શું છે એ તું બરાબર જાણે છે. હવે તો હું પણ જાણું છું. વાસ્તવમાં મને આ વાતની કયારેય ખબર ન પડી હોત, પણ છેલ્લા મહિનાના જંગી ટેલિફોન બિલે મારા મનમાં સવાલોની સાથે સાથે શંકા પણ જન્માવી દીધી. મેં ટેલિફોન ખાતામાં જઇને વિરોધ નોંધાવ્યો, એમણે મારા હાથમાં આ યાદી થમાવી દીધી. શમા, હું મૂઢ જેવો બની ગયો.

ગયા મહિને આપણી લેન્ડ લાઇન પરથી બારસો જેટલા આઉટગોઇંગ ફોનકોલ્સ થયા છે, બધા એક જ નંબર ઉપર! અને એ નંબર મારી ઓફિસમાં કામ કરતા મારા જ મિત્ર નીલ ચોકસીનો છે. એ પછી મેં તારા કબાટમાં ખાંખાંખોળા કયાર્ં. અને પરિણામ મારા હાથમાં છે. શમા, આ પ્રેમપત્રો..!?’

‘હા, એ પણ નીલ ચોકસીએ લખેલા છે.’ ‘ઓહ શમા! ભગવાનને ખાતર કહી દે કે આ બધું જુઠ્ઠéં છે. હું તને માફ કરી દેવાની માનસકિ તત્પરતા સાથે બેઠો છું. તું કહી દે કે તને એના માટે કોઇ લાગણી નથી, નીલ જ તારી પાછળ પડયો છે. કહી દે, કે આ ફકત તમે ભેગા મળીને કરેલી મજાક છે.’ ‘ના, શકુન, હું કબૂલું છું કે આ બધું સત્ય છે. હું અને નીલ એક બીજાના ગળાડૂબ પ્રેમમાં છીએ. તું એમ ન માનીશ કે તેં અમને પકડી પાડયાં છે. આમ પણ હું તને ગમે ત્યારે કહેવાની જ હતી.’ ‘શું?’

‘હું નીલ સાથે લગ્ન કરવા માગું છું. તું આપણાં છૂટાછેડા માટેની તૈયારી શરૂ કરી દે, શકુન! મને ખબર છે કે તને મારી વાતથી ભયંકર આઘાત લાગશે, પણ હું મજબૂર છું. હું નીલ વગર જીવી શકું તેમ નથી.’

શકુન પથ્થરની મૂર્તિ જેવો બની ગયો. માનવીનું મન આટલી હદે અકળ હોઇ શકે ખરું? શમાને એણે કઇ વાતમાં ખોટ રહેવા દીધી હતી? દર મહિનાની પહેલી તારીખે મળતો તગડી રકમનો પગાર શકુન પત્નીના હાથમાં મૂકી દેતો હતો. જગતનો શ્રેષ્ઠ પ્રેમી આપી શકે એટલો પ્રેમ એ શમાને આપતો હતો. દિવસનું દુન્યવી સુખ અને રાતનું શરીરસુખ, બંનેની માત્રા ધૂંવાધાર હતી.

સ્વભાવમાં શકુન હિમાલય કરતાંય ઠંડો અને સાગર કરતાંયે વધારે ઉદાર હતો. નીલ તો એની આગળ સાવ તુરછ, વામણો અને મગતરા જેવો લાગે. તેમ છતાં શમા એના પ્રત્યે આકર્ષાઇ?! એને પતિનો તો ઠીક પણ શર્મન જેવા પુત્રના ભવિષ્યનો પણ વિચાર ન આવ્યો?’

‘શકુન, હું જોઇ શકું છું કે તને કેવડો મોટો આઘાત પહોંરયો છે, પણ હું મારી વાતમાં અડગ છું. તું આખીયે વાતને બહુ ફિલસૂફીપૂર્વક લેવાની કોશિશ કર. તારામાં એક જ વાતની ખોટ મને લાગી છે. તારી સાથેની જિંદગી સાવ એકધારી, ખાડા-ટેકરા વગરની સડક જેવી, નિર્વિઘ્ન અને નિરસ રહી છે. હું પળે પળે રોમાંચ ઝંખતી સ્ત્રી છું. જીવનમાં રોજ કંઇક નવું બનવું જોઇએ. તારી સાથે હું સો વરસ પસાર કરી નાખું, તો પણ કશું જ નવું નહીં બને.’

‘અને નીલ તને એવો રોમાંચ આપી શકશે?’

‘હા, નીલ તો નીલ છે. એની જિંદગી ઘટનાસભર છે. અમે તારાથી ખાનગીમાં હજારો વાર મળ્યાં છીએ. ઘરમાં અને ઘરની બહાર પણ. એ રોજ કંઇ ને કંઇ નવાં ગતકડાં ઊભો કરતો રહે છે. એને મન જિંદગી એટલે બે કાંઠે છલકાતી નદી! જેટલા વળાંકો નદીના પ્રવાહને હોય છે એટલા જ વળાંકો જિંદગીના પ્રવાહને પણ હોય છે. એ પુરુષ મને રોજ ઊઠીને એક નવો આંચકો આપી શકશે એની મને ખાતરી છે, શકુન!’

શકુને સમજાવટના પ્રયત્નો છોડી દીધા. એને પહોંચેલો આઘાત ભયાનક હતો અને બેવડો હતો. એક તો એ જેને હજુ પણ પ્રગાઢ પ્રેમ કરતો હતો એવી પત્નીને ગુમાવવાનો આઘાત અને બીજું, શર્મન જેવા દીકરાને ગુમાવવાનો આઘાત. બાપ-દીકરા બંનેને એકમેક સાથે ફેવિકોલ કરતાંયે વધારે મજબૂત જોડાણ હતું. પણ શમાએ કહી દીધું હતું, ‘શર્મન મારી સાથે આવશે.’

શમા, તને ખૂબ સારી રીતે ખબર છે કે શર્મન મારા વગર એક ક્ષણ પણ રહી શકતો નથી. રાત્રે સૂતી વખતે તો એને પપ્પા જોઇએ, જોઇએ ને જોઇએ જ.’

‘જાણું છું. શર્મનને પપ્પા જોઇએ છે, પણ તું ભૂલી જાય છે કે બાળકનો પપ્પા એટલે એ પુરુષ જે એની મમ્મીનો પતિ છે. શર્મન હજુ નાનો છે, એ બહુ આસાનીથી નીલને એના પપ્પા તરીકે અપનાવી લેશે. તંે હજુ સુધી ડિવોર્સ-પેપર્સની તૈયારી શરૂ નથી કરી?’ શમાના અવાજમાં સુપ્રીમ કોર્ટનો ફેંસલો સંભળાઇ રહ્યો હતો.

………..

શકુને છૂટાછેડાની તૈયારી શરૂ જ નહીં, પૂર્ણ પણ કરી દીધી. આખરે એ દિવસ આવી પહોંરયો જયારે શમા પોતાના દીકરાને લઇને માત્ર એક બેગ સાથે ઘર છોડી જવાની હતી.સવારે આખરી વાર ત્રણેય જણાએ સાથે બેસીને બ્રેકફાસ્ટ કર્યો. ચા પીતાં-પીતાં શકુને ધીમે અવાજે પૂછી લીધું, ‘નીલ તને લેવા આવવાનો છે કે મારે તને મૂકી જવાની છે?’ ‘નીલ આવવાનો છે. બરાબર નવ વાગે. બસ, દસેક મિનિટમાં એ આવતો જ હશે.’ શમાએ દીવાલ પરની ઘડિયાળ તરફ જોઇને જવાબ આપ્યો.

‘ઠીક છે. તો પછી હું જરા ઘરની બહાર ચક્કર મારી આવું. જયારે નીલ તને લેવા માટે આવે, ત્યારે હું ઘરમાં હાજર નથી રહેવા ઇરછતો. તમને કદાચ ક્ષોભ થશે અને… હું તને અને શર્મનને ઘર છોડતાં જોઇ નહીં શકું. બાય, શમા, ઓલ ધી બેસ્ટ! ઘરને તાળું મારીને જજે. મારી પાસે બીજી ચાવી છે.’ આટલું કહીને શકુન નીકળી ગયો. દીકરાને આખરી વાર ચૂમીને નીકળી ગયો. ગાડીમાં બેસીને ઇધર-ઉધર ચક્કર કાપતો રહ્યો.

અચાનક એનો સેલફોન રણકયો. એ ચોંકયો, ‘ફોન એના ઘરેથી જ હતો. સામે છેડે શમાનો જ અવાજ હતો, ‘શકુન, તું કયાં છે? પ્લીઝ, જયાં હોય ત્યાંથી તાત્કાલિક ઘરે આવી જા ને?’

‘કેમ, શું થયું છે?’

‘હમણાં જ મારા ઉપર ફોન આવ્યો. નીલ મૃત્યુ પામ્યો છે! આજે સવારે ઊઘમાં જ એને હૃદયરોગનો હુમલો આવ્યો અને..! શકુન, આજે નીલ મારી જિંદગીને છેલ્લો વળાંક આપીને ચાલ્યો ગયો છે. તું આવે છે ને?’ શમા રડી રહી હતી.

‘હા, હું આવું છું. મારા શર્મન ખાતર… અને તારી પ્રત્યેના મારા પ્રેમ ખાતર પણ હું આવું છું.’ શકુને ગાડીને વળાંક આપ્યો.

(શીર્ષક પંકિત : બી.કે.રાઠોડ)

Advertisements

3 Responses

  1. awesome command on the language and the style of narrating..

  2. Wah wah wah….. Premi hoy to shakun jevo. Bahu maja aavi gayi. Hi friends im keyur sharad thakar na chahnaro pls mane facebook par contact karo my email id is keyurrpunjani@gmail.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: