પ્રણયનો કાયદો પાળે નહીં તે કેમ ચાલે? હું બોલાવું ને તું આવે નહીં તે કેમ ચાલે?

ધુળેટીનો તહેવાર હતો. શહેર આખું રંગોમાં રગદોળાઇ રહ્યું હતું. સવારના દસ-સાડા દસ વાગ્યા હશે. એક ક્રીમ રંગની ટોયોટા કોરોલા કાર એક ભવ્ય બંગલાના ઝાંપા આગળ ઊભી રહી. અંદરથી પચીસેક વર્ષનો હેન્ડસમ યુવાન નીચે ઊતર્યો. સૌજન્ય સેવંતીલાલ શાહ એનું નામ.

‘મારે હોટલ રેડ ડાયમન્ડમાં જવું છે. તમે કહી શકશો કે એ કયાં આવી?’ એણે એક શાકભાજીની લારીવાળાને પૂછ્યું. ખોટા માણસને પુછાઇ ગયેલો ખોટો પ્રશ્ન. ભિખારીને કેસીનો કયાં છે એવું ન પુછાય. પણ સૌજન્યે પૂછી નાખ્યું. લારીવાળો લાળા ચાવવા મંડયો.

ત્યાં જ એક અણધારેલી ઘટના ધારેલી રીતે બની ગઇ. પાંચેક વર્ષનો એક તોફાની બારકસ બાજુના બંગલાના ઝાંપામાંથી બહાર નીકળ્યો અને એના હાથમાંની રંગની પિચકારી સૌજન્યના કીમતી વસ્ત્રો ઉપર ખાલી કરી ગયો. અને પછી તરત જ આંખના પલકારામાં પાછો બંગલામાં અદ્દશ્ય થઇ ગયો. ‘ઊભો રહેજે, બદમાશ! પાજી! તને સીધો કરું છું.’ કહેતો સૌજન્ય એની પાછળ દોડયો. ગાડી ગાડીને ઠેકાણે રહી ગઇ અને અહીં સો મીટરની ઓલિમ્પિક દોડ શરૂ થઇ ગઇ.

ટેણિયો ચપળ હતો, દોડવામાં તેજ હતો, પણ સહેજ કમનસીબ સાબિત થયો. બંગલાનું વિશાળ કમ્પાઉન્ડ તો એણે વટાવી નાખ્યું, પણ જયાં પગથિયાં ચડીને ઘરમાં અદ્દશ્ય થવા જાય ત્યાં જ એ પગથિયું ચૂકી ગયો. પડી ગયો. હાથે, પગે છોલાઇ ગયો. અને ત્યાં જ ઝંઝાવાતની જેમ ધસી રહેલો સૌજન્ય એને આંબી ગયો.

છોકરો રડવા માંડયો. સૌજન્યને દયા આવી ગઇ. એનો હાથ ઝાલીને એણે છોકરાને ઊભો કર્યો. ત્યાં જ બંગલાના પ્રવેશદ્વારમાંથી એક નમણાશના અવતાર જેવી યુવતી પ્રગટ થઇ. ‘શું થયું, પપ્પુ? કેમ રડે છે?’ લોહીથી ખરડાયેલા પપ્પુને જોઇને એ ગભરાઇ ગઇ હતી. એનો અવાજ પણ તરડાઇ ગયો હતો. પણ તેમ છતાં એનું રૂપ જોઇને સૌજન્ય વશીભૂત થઇ ગયો. એ અવાજ એને ઉસ્તાદ અમજદઅલીખાં સાહેબના સરોદવાદન જેવો દિવ્ય અને મધુર લાગ્યો. પણ પપ્પુએ બાજી બગાડી નાખી, રડતાં-રડતાં એણે સૌજન્યની સામે આંગળી ચીંધી, ‘રાધિકા ફોઇ! આ ભાઇએ મને માર્યું! એં… એં… એં…’

સૌજન્ય એટલું તો સમજી ગયો કે એ રૂપસુંદરીનું નામ રાધિકા હતું અને એ આ તોફાની ટાબરિયાની ફોઇ થતી હતી, પણ એને એ ન સમજાયું કે નાનાં બાળકો આટલું બધું જૂઠું શા માટે બોલતાં હશે!

‘એ…ઇ.., મિસ્ટર! શરમ નથી આવતી આવડા બાળક ઉપર હાથ ઉપાડતાં? એને આટલો બધો મારવાનો? જોતાં નથી કે એને લોહી નીકળી આવ્યું છે?’

‘જ…જ…જુઓ… મિસ રાધિકા..! મેં તો પપ્પુને હાથ પણ લગાડયો નથી. એ જાતે જ પડી ગયો છે.’

‘શા માટે ગાંડા જેવી વાતો કરો છો? કોઇ એમ ને એમ પોતાની મેળે પડી જતું હશે? એમ કેમ નથી કહેતા કે તમે એને પકડવા દોડયા એટલે પપ્પુને ઠેસ વાગી અને એ?’

રાધિકાનો તર્ક સાંભળ્યા પછી સૌજન્યને યાદ આવ્યું કે ઘટનાક્રમ ખરેખર એ જ પ્રમાણે બન્યો હતો. પોતે પપ્પુની પાછળ દોડયો હતો. શા માટે એ પણ યાદ આવી ગયું.

હવે એણે ખોંખારીને જવાબ આપ્યો, ‘તમારો પપ્પુ કંઇ નિર્દોષ નથી. એણે મારાં નવાં નક્કોર કપડાં ઉપર રંગ છાંટયો છે. મારે એક અગત્યની મિટિંગમાં જવાનું હતું, પણ એણે મારાં કપડાં બગાડી નાખ્યાં!’

‘આજે ધુળેટી છે એનું તમને ભાન નહોતું? દૂધ જેવાં સફેદ કપડાં પહેરીને બહાર નીકળતાં પહેલાં સમજુ માણસો બે વાર વિચાર કરે!’ રાધિકાએ વાત-વાતમાં સૌજન્યને અણસમજુ કહી દીધો.

‘ત…તમે… તમારા ભત્રીજાનો જ બચાવ કરશો? મારા ખરડાયેલા શર્ટની તમને સહેજ પણ ફિકર નથી?’

‘એમાં આટલું બધું ગર્જો છો શા માટે? લાવો, ઉતારી આપો શર્ટ! હું ધોઇ આપું! શર્ટ ઉપરનો રંગ તો નીકળી જશે, પણ મારા પપ્પુના શરીર ઉપરના આ લોહીના ડાઘ.’

રાધિકા બોલતી રહી. બોલતી રહી. બોલતી રહી. અને સૌજન્ય મંત્રમુગ્ધ બનીને એને જોતો રહ્યો, સાંભળતો રહ્યો. ભગવાન પણ કેવી કેવી સૌંદર્યમૂર્તિઓ પેદા કરે છે! જો ગુસ્સામાં રાધિકા આટલી સુંદર લાગે છે, તો પ્રેમમાં એ કેવી લાગતી હશે?!

અવશપણે સૌજન્ય બોલી ગયો, ‘મારું શર્ટ એક દિવસ પૂરતું તો તમે ધોઇ આપશો, પણ આખી જિંદગીનું શું?’ અને પછી તરત જ એ પીઠ ફેરવીને ચાલતો થયો. રાધિકા એના વાકયને સાંભળે, એનો મર્મ સમજે, એના સવાલનો વળતો જવાબ આપે, એની પહેલાં જ એ સડસડાટ ચાલતો ઝાંપાની બહાર નીકળી ગયો. ગાડીમાં બેસીને પાછો ઘરભેગો થઇ ગયો. હવે એને ન તો મિટિંગમાં રસ રહ્યો હતો, ન ઇટિંગમાં, ન સિટિંગમાં!

એની મમ્મીએ ત્રણ વાર નોકરને દોડાવ્યો, બે વાર એ પોતે આવીને મળી ગઇ, પણ સૌજન્ય એના બેડરૂમમાંથી બહાર ન નીકળ્યો. જમવા માટે પણ નહીં. આખરે શેઠ સેવંતીલાલ શાહ પોતે દીકરાને બોલાવવા માટે ધસી ગયા, ‘ચાલ, દીકરા! જમી લે હવે. ચાર વાગવા આવ્યા.’ ‘મારે નથી જમવું.’ રાધિકાનાં દર્શનમાત્રથી દેવદાસ બની ગયેલા દીકરાએ દેવદાસને શોભે એવો જવાબ આપ્યો.‘જમાશે નહીં, તો જિવાશે કેમ?’

‘મારે જીવવું પણ નથી.’

‘તો પછી મરવા માટેનાં કારણો જણાવ. આ સેવંતીલાલ પાસે હર એક કારણનું મારણ હાજર છે.’ સૌજન્યે ખામોશી પકડી લીધી. થોડી ક્ષણો માટે બાપની સામે જોઇ રહ્યો. પછી લાગ્યું કે એના પપ્પા સાચું બોલી રહ્યા છે, એટલે એણે કારણ જણાવ્યું, ‘કુમકુમ બંગલોઝ. હોટલ બ્લૂ ડાયમન્ડની પાસેનો વિસ્તાર. બંગલા નંબર : એક. એની અંદર મારા અન્નત્યાગનું કારણ રહે છે.’ ‘બસ? આટલી જ વાત છે? એમાં તું ચાર વાગ્યા સુધી ખાધા-પીધા વગર બેસી રહ્યો છે? વહેલાં ભસવું હતું ને? અત્યાર સુધીમાં તો એ ગેંડાલાલની છોડી સાથે તારા ચાર ફેરા પણ ફેરવાવી દીધા હોત.’ ‘ગેંડાલાલ?’

‘હા, મારો બચપણનો દોસ્ત. સાવ ગેંડા જેવો જ છે. એની ચામડી પણ જાડી છે અને બુદ્ધિ પણ. એ કયારે શું કરશે એનું કંઇ ઠેકાણું નહીં. પણ હું પ્રયત્ન કરી જોઉ. તેં જે સરનામું કહ્યું એ તો એ ગેંડાનું જ છે.’ સેવંતીલાલ આટલું કહીને ઊભા થયા. જતાં-જતાં પત્નીને કહેતા ગયા, ‘કલાકમાં આવું છું. કુંવર માટે બીજી તાજી રસોઇ બનાવવાની વ્યવસ્થા કરી રાખ.’ અને પછી ડ્રાઇવરની દિશામાં વળી ગયા.

…………….

સેવંતીલાલ અને ગેંડાલાલ વર્ષોપછી મળ્યા. એક જ શહેરમાં હોવા છતાં અલગ અલગ ધંધાને કારણે ભેગા થવાનું બનતું ન હતું. પ્રસંગોપાત ફોન ઉપર વાતો કરી લેતા હતા. આજે અચાનક જૂના મિત્રને આંગણે આવેલો જોઇને ગેંડાલાલ ગાંડા ગાંડા બની ગયા. બંને જણા જૂના જમાનાનાં સંભારણાં તાજાં કરી રહ્યા. ‘ગેંડા, તને યાદ છે? આપણે જામનગરની હોસ્ટેલમાં સાથે રહેતા હતા.’‘યાદ જ હોય ને? પણ એ સમય ચાલ્યો ગયો. હવે માણસો બદલાઇ ગયા.’

‘તને યાદ છે? આપણે કલ્યાણપુર ગયા હતા. મારા દૂરના મામાના દીકરાની જાનમાં. મેં તને પણ મારી સાથે લીધો હતો.’

‘હા, યાદ છે.કેવી મજા આવેલી! પણ હવે સમય બદલાઇ ગયો.’

‘ત્યાં કલ્યાણપુરમાં કન્યાપક્ષની એક છોકરી તારી આંખમાં વસી ગઇ હતી. એને અને તારે કશોક ઝઘડો થઇ ગયેલો. પછી તારાથી કંઇક બોલાઇ ગયેલું. અને આખું ગામ તને મારવા ઊમટયું હતું. યાદ છે ને?’

‘અરે, છોડ ને, યાર! એ સમય ચાલ્યો ગયો. પછી તેં જ વચ્ચે પડીને મામલો થાળે પાડેલો. અને એ કાંતુડી પછી તો મારી પત્ની પણ બની શકી એમાં પણ તારી જ મદદ. પણ જવા દે એ વાત! એ સમય જ….’

સેવંતીલાલે તક ઝડપી લીધી, ‘સમય પણ નથી બદલાયો અને માણસો પણ નથી બદલાયા, ગેંડા! જે બદલાયા છે એ ફકત ચહેરાઓ છે, ચિત્ત નહીં. એ વખતે મેં કાંતાભાભીનો હાથ તારા હાથમાં મુકાવી આપ્યો હતો, આજે તારે એનું સાટું વાળી આપવાનું છે. તારી રાધિકાનો હાથ મારા સૌજન્ય માટે.’

‘પણ હવે સમય બદલાઇ ચૂકયો છે, છોકરી-છોકરો એકબીજાને જુએ એ પછી જ નિર્ણય લઇ શકાય. બાકી મને શો વાંધો હોય?’ ગેંડાલાલે કહ્યું, ત્યાં બારણા પાછળથી અવાજ આવ્યો, ‘મેં છોકરો જોઇ લીધો છે, પપ્પા! મને વાંધો નથી. રાધિકાએ લીલી ઝંડી ફરકાવી દીધી. ત્યાં નાનકડો પપ્પુ ધસી આવ્યો, ‘મેં પણ છોકરાને જોઇ લીધો છે અને મને સખત વાંધો છે.’ એના તેવર જોઇને બધાં હસી પડયાં. (શીર્ષક પંકિત : દિલીપ વ્યાસ)

(ફિડબેક આવકાર્ય)

Advertisements

One Response

  1. ‘મેં પણ છોકરાને જોઇ લીધો છે અને મને સખત વાંધો છે.’

    ha ha ha ha ha………

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: