મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી, જયારે શરમભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે

‘વિશ્રામ મહેતાની ત્રણ ટપાલ છે.’ આટલું બોલીને ‘રેપીડ કુરિયર સર્વિસ’માંથી આવેલો છોકરો ‘ઓનેસ્ટી ફાઇનાન્સ કંપની’ના રિસેપ્શન કાઉન્ટર ઉપર ત્રણ પરબિડીયા મૂકી ગયો. ચાંપલી રિસેપ્શનિસ્ટ સોનિયા સ્ત્રી -જાતિની હોવા છતાં મૂછમાં હસી, પછી પટાવાળા દેવજીને બોલાવીને હુકમ કર્યો, ‘આ ત્રણેય કવરો આઠ નંબરના ટેબલ પર પહોંચાડી આવ!’

દેવજી નારણ સોલંકી પટાવાળો હોવા છતાં દેવાનંદના વહેમમાં હતો. ત્રણ કટકે હલતો, હાલતો, ડોલતો, લચકાતો ને ઝટકાતો એ ત્રણ ટપાલો સાથે વિશ્રામ મહેતા સુધી પહોંચી ગયો અને ગરદન ઝૂકાવીને બોલ્યો, ‘યે આપકે લિયે હૈ, સર, ઔર એક બાત યાદ રખના, કલ પહલી તારીખ હૈ. એપ્રિલ મહિને કી..!’

આખી ઓફિસ તોફાની હતી. પાંસઠ વર્ષના લાભુકાકાથી લઇને પાંત્રીસ વર્ષના પ્રદીપભાઇ, નાક વગરનો નરેશ, ગુરુદીપ, પોતાની જાતને આર.કે. તરીકે ઓળખાવતો રમણ કાંતિલાલ અને સામેના કાઉન્ટર પર કામ કરતી ચાલીસ વર્ષની નર્મદાને નરગિસ બનવા માટેનું પ્રોત્સાહન આપતો સુબ્રમણ્યમ ઊર્ફે સુબ્બુ.

આખી ઓફિસમાં આંખ ઠરે એવી એક જ ચીજ હતી, વિનસ રૂપારેલ. ચોવીસ વર્ષની સૌંદર્યમૂર્તિ વિનસને જોઇને વિશ્રામને કાળઝાળ ગરમીમાં વગડા વચ્ચે ઊભેલી મીઠા જળની પરબ યાદ આવી જતી હતી. અદ્ભુત કાયાની માલિકી ધરાવતી એ કુંવારી યુવતી બહુ સંકોચપૂર્ણ અને શાલીનતાપૂર્ણ રીતભાત ધરાવતી હતી. વિશ્રામ સાથે પણ એ કામથી કામ જેવો વહેવાર રાખતી હતી. એને જોઇને વિશ્રામ શ્વાસ લેવાનું પણ ભૂલી જતો હતો એ વાતની ખબર વિનસને હશે કે કેમ એની ખબર કોઇનેય ન હતી.

દેવાનંદ પહેલી એપ્રિલની ચેતવણી આપીને ગયો, એ પછી તરત વિશ્રામે પેપર કટર વડે એક પછી એક પરબીડિયું ફોડવાની શરૂઆત કરી. પહેલો પત્ર મુંબઇથી હતો. ટેલિગ્રામ જેવું ટૂકું આદેશાત્મક લખાણ હતું : ‘કંપનીના બોસ રવિવારે બપોરે અઢી વાગે ત્યાં પહોંચી રહ્યા છે. એમને રિસીવ કરવા માટે વિશ્રામ મહેતાએ રેલવે સ્ટેશને હાજર રહેવું.’

લખાણ વાંચીને વિશ્રામ સાવધ થઇ ગયો. એના કાનોમાં ‘એપ્રિલફૂલ’નો ધમધમાટ ચાલુ થઇ ગયો. એણે બીજું પરબીડિયું ખોલ્યું. અંદરથી કાગળ સરી પડયો : ‘મિ.વિશ્રામ મહેતા, ઓફિસના તમામ કર્મચારીઓ તરફથી તમને આગોતરા પડકાર સાથે સામૂહિક ચેતવણી આપવામાં આવે છે, આવતી કાલે એપ્રિલની પહેલી તારીખ છે. અમે તમને બોકડો બનાવવાનું નક્કી કરી નાખ્યું છે.

તમે તમારી જાતને બહુ ચાલાક સમજો છો, માટે અમે તમને એક નહીં, પણ બબ્બે વાર ‘ફૂલ’ બનાવવાના છીએ. લાગી શરત? જો અમે નિષ્ફળ જઇશું તો સાંજે સાત વાગે શહેરની બહાર આવેલી ‘હોટલ અન્નપૂર્ણા’માં અમે તમને ડિનર જમાડીશું. જો તમે મૂર્ખ બની ગયા, તો ડિનરનો ખર્ચોતમારે ભોગવવો પડશે.’ લખાણની નીચે લાભુકાકાથી લઇને સોનિયા સુધીના તમામ સળીબાજોની સહીઓ હતી. અલબત્ત, વિનસ એમાંથી બાકાત હતી. એ સંસ્કારી છોકરી ભાગ્યે જ આવાં કાવતરાઓમાં ભળતી હતી.

વિશ્રામ વિમાસણમાં પડી ગયો. પહેલા પત્રનો છેદ આ બીજા પત્રથી ઊડી જતો હતો. મુંબઇથી આવી રહેલા બોસને રિસીવ કરવા માટે બપોરની સળગતી ધૂપમાં સ્ટેશને જઇને ઊભા રહેવું એટલે એપ્રિલફૂલ નંબર વન બની જવું. પણ ન જવામાંયે જોખમ હતું. કંપનીના કડક બોસ બે-ચાર મહિને જયારે પણ આ શહેરમાં પધારતા હતા, ત્યારે એમને લેવા જવાની જવાબદારી વિશ્રામના ભાગે જ આવતી હતી. આ વખતે મજાક માનીને જો પોતે ન જાય, તો કદાચ આ નોકરી જતી રહે એવી શકયતા હતી. ટૂંકમાં એક વાર તો ‘એપ્રિલફૂલ’ બનવાનું નક્કી જ થઇ ગયું!

‘બીજી વારની શકયતા આ ત્રીજી ટપાલમાં કેદ હોવી જોઇએ’ એવું બબડીને વિશ્રામે કવર ફોડયું. એના આશ્ચર્ય વચ્ચે અંદરથી સુગંધનો દરિયો નીકળી પડયો. કાગળના રંગઢંગ જ કહી આપતા હતા કે એ પ્રેમપત્ર હોવો જોઇએ. ધડકતી છાતી સાથે વિશ્રામે લખાણ વાંચવાનું શરૂ કર્યું, ‘મારી ઝંખનાની સફરના એક માત્ર સરનામા જેવા વિશ્રામ, હું મારી ભગવદ્ગીતા જેવી પવિત્ર છાતી ઉપર હાથ મૂકીને જાહેર કરું છું કે હું તમને પ્રેમ કરું છું. તમારું નામ ભલે વિશ્રામ હોય, પણ મારા માટે તમે વિસામો માત્ર નથી, તમે તો મારું ગંતવ્ય છો, પડાવ નહીં, પણ મંજિલ છો.

મકાનને તો છત હોય, તમે તો મારું આકાશ છો. હું જાણું છું કે તમને પણ હું ગમું છું. પણ તમે સારા છો, સંસ્કારી છો અને આજના યુવાનોમાં જોવા ન મળે તેટલા સંકોચશીલ છો. તમારી સજજનતા તમારા પ્રેમની કબૂલાત કરવામાં તમને આડે આવી રહી છે. પણ હું તમને ગુમાવવા નથી માગતી. મારે તમારા જેવો જ પુરુષ પતિ તરીકે જોઇએ છે. આપણે એક જ ઓફિસમાં સાથે કામ કરતાં હોવા છતાં હું તમને ‘આઇ લવ યુ’ કહી શકતી નથી.

એટલી હિંમત કયાંથી લાવું? છેવટે જીભનું કામ આ કાગળ પાસેથી લેવાનું નક્કી કર્યું છે. આવતી કાલે સાંજે સાત વાગે ‘હોટલ અન્નપૂર્ણા’ માં મળી શકાય? જો તમે મને ચાહતા હશો તો જરૂર આવી જજો. ત્યાં સાંજના સમયે ખાસ ભીડ નથી હોતી. પચીસમા વર્ષના પડાવ ઉપર ઊભેલું એક અબોટ યૌવન એની ચાહતનો અઘ્ર્ય હાથને બદલે હૈયામાં ધરીને તમારી પ્રતીક્ષા કરી રહ્યું હશે. જો તમે નહીં આવો તો હું સમજીશ કે લખચોરાશીમાંનો એક ફેરો ખાલી ગયો છે.’

sharad_thakarપત્ર વાંચીને એક ક્ષણ માટે તો વિશ્વાસ પાગલ-પાગલ થઇ ગયો. એના રૂંવે-રૂંવે ‘વિનસ-વિનસ’નો નામોચ્ચાર ફૂટી નીકળ્યો. એનું ચાલે તો એ અત્યારે જ વિનસના ટેબલ પાસે દોડી જાય અને એને આલિંગનમાં જકડી લે. પણ… પણ… એક-બે મુદ્દા બેડી બનીને એના પગને જકડી રહ્યા હતા. એક તો પત્રમાં કયાંય ‘વિનસ’નું નામ ન હતું અને બીજું, આવતી કાલે પહેલી એપ્રિલ હતી. એપ્રિલફૂલ નંબર ટુની તમામ શકયતાઓ આ પ્રેમપત્રમાંથી ઊગી રહી હતી.

માથે હાથ દઇને વિશ્રામ વિચારી રહ્યો : ‘શી દશા કરી છે મારા બેટા આ બદમાશોએ! જાણું છું કે હું એપ્રિલફૂલ બનવાનો છું, તેમ છતાં બેમાંથી એક પણ કામ ટાળી શકાય તેવું નથી. જો બોસને લેવા ન જાઉ તો નોકરી જાય છે અને સાંજે ‘હોટલ અન્નપૂર્ણા’ પર ન પહોચું તો છોકરી ચાલી જાય છે. શું કરું? બબ્બે વાર સામે ચાલીને મૂર્ખ બનવાનું અને ઉપરથી આ દસ જણાને જમાડવાનો ખર્ચ ભોગવવાનો!’

જિંદગીમાં કયારેક આવી દુવિધાપૂર્ણ પરિસ્થિતિ આવતી જ હોય છે, એક તરફ સિંહ અને બીજી તરફ વાઘ! ગમે તે દિશામાં જાવ, મરવું ફરજિયાત. વિશ્રામે વધુ સારું અને વધારે સલામત મોત પસંદ કર્યું. એણે નક્કી કર્યું કે એ બપોરે રેલવે સ્ટેશને પણ જશે અને સાંજે ‘હોટલ અન્નપૂર્ણા’ પર પણ જશે.

…………..

રેલવે સ્ટેશને એક કલાક તપ કર્યું. ગાડી આવી, પણ બોસ ન આવ્યા. ગાડી ઊપડી ગયા પછી એક કૂલી આવીને વિશ્રામના હાથમાં કાગળની ચબરખી પકડાવી ગયો, ‘કોઇ સા’બ આકર દે ગયે હૈ.’ વિશ્રામે કાગળ હાથમાં લીધો. એમાં એક ગધેડો ચિતરેલો હતો, જેનો ચહેરો વિશ્રામના જેવો હતો. ગધેડાના પેટ ઉપર લખેલું હતું : હું એપ્રિલફૂલ છું. હા…હા…હા…હા..!

એક વાર તો મૂર્ખ બની ગયો. હવે સાંજનો વારો હતો. પણ ગયા વિના છૂટકો જ કયાં હતો? બરાબર નિર્ધારિત સમયે વિશ્રામ ‘હોટલ અન્નપૂર્ણા’ પર જઇ પહોંરયો. ત્યાં માણસોની ભીડ તો હતી, પણ એનું પરિચિત હોય એવું કોઇ જ ત્યાં હાજર ન હતું. એ કંટાળીને એક ખાલી ટેબલ પાસેની ખુરશીમાં બેસી ગયો. ત્યાં વેઇટર આવ્યો, ‘સર, તમારું જ નામ વિશ્રામ છે?’ ‘હા, કેમ?’

‘લો, આ ચિઠ્ઠી. તમારા માટે છે. કલાક પહેલાં જ પાંચ જણાં આપી ગયા.’

વિશ્રામે વાંરયું, ‘દોસ્ત વિશ્રામ, તારા જેવા ગધેડાઓ દુનિયામાં કેટલા હશે? એક જ દિવસમાં બબ્બે વાર મૂર્ખ બની ગયો ને? એક વાર રેલવે સ્ટેશને અને બીજી વાર અહીં. ‘હોટલ અન્નપૂર્ણા’માં વિનસ પણ નથી અને અમે પણ નથી. હવે અમને જમાડવા માટે ‘હોટલ ડાન્સ એન્ડ ડાઇન’ પર આવી જાવ. વી ઓલ આર વેઇટિંગ ફોર યૂ. હા…હા…હા…હા..!’

અને ત્યાં જ સામેથી વિનસ આવતી નજરે પડી. જોગાનુજોગ જ હશે! પણ એ સીધી જ વિશ્રામના ટેબલ પાસે આવીને ઊભી રહી, ‘વિશ્રામ, તમે? તમે અહીં કયાંથી? હું તો અવાર-નવાર અહીં આવતી હોઉ છું. મારી આ ફેવરિટ જગ્યા છે. પણ તમને કયારેય અહીં જોયા નથી. વ્હોટ એ સરપ્રાઇઝ!’ ‘આમાં સરપ્રાઇઝ જેવું કશું નથી, દેવીજી! હું આજે માણસ નહીં, પણ ગધેડો બનીને આવ્યો છું. લો, વાંચો આ પ્રેમપત્ર, એટલે બધુંય સમજાઇ જશે. કો’કે તમારા નામે મને..! જોકે એમાં તમારું પણ નામ નથી, પણ મને ભ્રમ થયો કે આ રૂપસુંદરી તમે જ હોવાં જોઇએ. એટલે હું ગધેડો બની ગયો, બાકી.’

વિશ્રામ હતાશાગ્રસ્ત બનીને બકવાસ પર ચડી ગયો હતો અને એ દરમિયાન વિનસ પેલો પ્રેમપત્ર વાંચી રહી હતી. જયારે વિશ્રામે બંધ કર્યું, ત્યારે વિનસે બોલવાનું શરૂ કર્યું, ‘વિશ્રામ, આ પત્ર ભલે મેં નથી લખ્યો, પણ એની એક-એક લીટી સાચી છે. કોઇએ પોતાના શબ્દોમાં મારી લાગણીને વાચા આપી છે. તમે ગધેડા નથી, વિશ્રામ! તમે મારા સપનાના રાજકુમાર છો, થનગનતા ઘોડા ઉપર બેઠેલા હણહણતા અસવાર.’ અહીં પ્રેમીઓનું તારામૈત્રક રચાઇ રહ્યું હતું, ત્યારે ‘હોટલ ડાન્સ એન્ડ ડાઇન’માં બેઠેલા કાવતરાખોરો ઊચા-નીચા થઇ રહ્યા હતા. આખરે, સુબ્બુથી ન રહેવાયું, ‘અય્યોયો! કોઇ જાકર તપાસ તો કરો. વો ગઘ્ધા અબ્બી તક આયા કયું નહીં? વો હમકુ તો ફૂલ નહીં બના રહા હૈ ના?’

(શીર્ષકં પંકિત : આદિલ મન્સૂરી)

(ફિડબેક આવકાર્ય)

Advertisements

4 Responses

  1. bahu j mast story Dr Saheb……. jetli var vanchi etli var eva vichar aavya ke kash mari sathe pan kaik aavu thai jay…….. awesome

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: