હાથતાળી દઇ શકું છું કાળને, શ્વાસ લેવાનો ય જો મોકો મળે

સુરેન્દ્રનગર જિલ્લાનું એક ગામ. એક મઘ્યમવર્ગીય પતિ-પત્નીનો બે વર્ષનો દીકરો. અચાનક રડવા પર ચડી ગયો. મા દોડી આવી, ‘શું થયું, બેટા? પડી ગયો?’ દીકરાએ માથું ધૂણાવ્યું અને પેટ તરફ આંગળી ચીંધી. એનાથી બોલી શકાય એવું તો હતું નહીં, કારણ કે બોલવા માટે રડવાનું મોકૂફ રાખવું પડે.

એણે ચાલુ રાખ્યું એટલે એના પપ્પા દોડી આવ્યા, ‘બેટા, આટલું બધું કેમ રડે છે? મમ્મીએ માર્યું?’ જવાબમાં શબ્દો નહીં, માત્ર રડવાનું. સામાન્ય મા-બાપ કેટલા નુસખા કરે? થાકયા. દીકરાને ઊચકીને ડૉકટરની શોધમાં નીકળી પડયા. પણ નસીબ ફૂટેલા. એ દિવસે રવિવાર હતો.

આખા શહેરમાં એક પણ ખાનગી દવાખાનું ખુલ્લું ન હતું. ત્યાં પતિ બોલી ઊઠયો, ‘મુન્નાનું શરીર જરાક ગરમ લાગે છે. રડી-રડીને થાકી ગયો હશે એટલે તાવ ચડયો હશે? કે પછી તાવને કારણે રડતો હશે?’ ત્યાં તો પત્ની ચીસ પાડી ઊઠી, ‘જુઓ! જુઓ! એને ખેંચ આવતી લાગે છે. એને સરખી રીતે પકડો, કયાંક એ પડી ન જાય. હાય! હાય! મારો મુન્નો તો ઢળી પડયો…’ કહેતાંમાં તો બાઇએ પોક મૂકી.

મુન્નાનો બાપ પણ ગભરાઇ ગયો હતો. દીકરો તો બધાંનો લાડકવાયો જ હોય ને! એની જગ્યાએ દીકરી હોય તો પણ મા-બાપ ભાંગી પડે. દીકરાના મોંમાંથી ફીણ નીકળી રહ્યા હતા. એના મમ્મી-પપ્પા દોડયા સરકારી જનરલ હોસ્પિટલ તરફ. ત્યાં પણ રજાનો માહોલ હતો, પણ ફરજ ઉપર એક એમ.બી.બી.એસ. ડૉકટર હાજર હતા.

એમણે મુન્નાને તપાસીને કહી દીધું, ‘આમાં મારું કામ નહીં. પણ હું એટલું કહી શકું છું કે તમારો દીકરો ભાગ્યે જ બચે! હું તાવનું એક સામાન્ય ઇન્જેકશન આપું છું. પણ આને અહીં ન રાખશો. એને અમદાવાદ લઇ જાવ. બચવાની એક ટકા જેટલીયે સંભાવના ત્યાં રહેશે.’

મા-બાપ અડધા કલાક પછી અમદાવાદ તરફ જતી સડક પર હતા. બસનું ઠેકાણું ન હોય. એટલે ખાનગી ટેકસી જ કરવી પડી. અમદાવાદ આવી ગયું. પત્નીએ પૂછ્યું, ‘કયાં જઇશું? વાડીલાલમાં કે સિવિલમાં?’ પતિએ રિક્ષા રોકી. અંદર બેઠાં. પછી સૂચના આપી, ‘શહેરની સૌથી સારી હોસ્પિટલ તરફ લઇ લે.’

‘રિક્ષાવાળાએ ઊડવાનું શરૂ કરતાં પહેલાં પૂછી લીધું, ‘લઇ તો લઉ, સાહેબ, પણ પછી ત્યાંનું બિલ ભરવું પોસાશે ને?’

આ જ પ્રશ્ન મુન્નાની મા પણ બોલ્યા વગર પૂછી રહી હતી. પતિએ જોયું પત્નીની તરફ પણ જવાબ આપ્યો રિક્ષાવાળાને, ‘હા, દીકરાથી વધીને કોઇ દોલત નથી.’

રિક્ષા અમદાવાદની સૌથી મોટી અને સૌથી મોંઘી એવી કોર્પોરેટ હોસ્પિટલના દરવાજા પાસે જઇને ઊભી રહી. પતિ-પત્ની દીકરાને લઇને રિસેપ્શન કાઉન્ટર પાસે ગયા. કેસ પેપર કઢાવવાથી માંડીને આગોતરી રકમ જમા કરવાની ઔપચારિકતા પૂરી કરી. ત્યાં સુધીમાં એક ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોકટર આવી ગયા.

ડો. શાહે (આ એમનું બદલાવેલું નામ છે) છોકરાને તપાસ્યો. બધો ઇતિહાસ પૂછ્યો. પછી એને વોર્ડમાં એડમિટ કરી દીધો. કહ્યું, ‘બાળક સિરિયસ છે. અત્યારે તો એને સંભવિત નિદાન પ્રમાણે ગ્લુકોઝનો બાટલો અને તાવના ઇન્જેકશનો ચાલુ કરાવી દઉ છું પણ એના લોહી-પેશાબની તેમજ બીજી જરૂરી જાંચ કરાવી લેવી પડશે. એ પછી જ ખબર પડે કે તાવનું અને ખેંચનું કારણ શું હોઇ શકે?’

સોમવારે મુન્નાનું લોહી અને પેશાબ લઇને પેથોલોજી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું. એની કરોડરજજુના બે મણકા વચ્ચે સોય મારીને મગજની આસપાસનું પાણી ખેંચવામાં આવ્યું. એને પણ તપાસ માટે મોકલી આપવામાં આવ્યું.

સાંજ સુધીમાં રિપોર્ટ્સ આવી ગયા. ડો. શાહના આશ્ચર્ય અને આઘાત વચ્ચે બધાં જ રિપોર્ટ્સ નોર્મલ હતા. મુન્નો બેભાન જ હતો. તાવનું કારણ પકડાતું નહતું. મંગળવારે ડો. શાહ મુંઝાયા, ‘આપણે એના બ્રેઇનની એમ.આર.આઇ. તપાસ કરાવી લઇએ. એને ખેંચ આવી હતી, માટે મગજમાં કંઇક તો બીમારી હશેજ.’ ખોબો ભરીને રૂપિયા ઠલવાયા, એમઆરઆઇની તપાસ થઇ ગઇ. રિપોર્ટ તદ્દન નોર્મલ આવ્યો! ડો. શાહે માથે હાથ દીધો.

ડૉ. શાહે બીજા નિષ્ણાત ડૉકટરો સાથે મસલત કરી. એકનો અભિપ્રાય હતો, ‘આ બાળકને તાવ છે એનું કારણ બેકિટરિયલ ઇન્ફેકશન હોવું જોઇએ. માટે એને ભારેમાં ભારે એન્ટિબાયોટિકસના ઇન્જેકશનો આપવા જોઇએ.’ જે ચાલતી હતી એ દવા બંધ કરીને વધુ ભારે, વધુ કિંમતી ઇન્જેકશનો એ જ ક્ષણથી ચાલુ કરી દેવાયા.

બીજા ડૉકટરનો મત પડયો, ‘આ બાળકને ખેંચ આવી એનું કારણ સેરેબ્રલ મેલેરિયા હોવું જોઇએ.’ તરત જ સૂચનને સ્વીકારી લેવામાં આવ્યું. મગજના મેલેરિયાને નાથવા માટેના ઇન્જેકશનો શરૂ કરી દેવામાં આવ્યા. ત્રીજા ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટે કહ્યું, ‘આ બધું તો સમજયા, પણ બાળકને બીજી વાર ખેંચ ન આવે એ માટે કંઇ આપો છો કે નહીં?’ તાત્કાલિક પણે એન્ટિકન્વલ્ઝન્ટ દવા શરૂ થઇ ગઇ.

બાળકનાં પેટનો એકસ-રે પાડવામાં આવ્યો, એ પણ નિર્ણાયક સાબિત ન થયો. બુધવાર સુધીમાં તો મુન્નાની તબિયત કરુણાજનક બની ગઇ. એનાં નાક વાટે રાયલ્સ ટયૂબ નામની નળી એની હોજરીમાં ઉતારવામાં આવી. એનું પેટ પણ હવે ફૂલવા માંડયું હતું.

ડૉ. શાહ વિચારવા બેઠા, ‘મારાથી થઇ શકે તે બધું કરી લીધું. હવે કંઇ બાકી રહી જાય છે?’ એમની ભીતરેથી જવાબ ઊઠયો, ‘તમે જેટલા અભિપ્રાયો ઉઘરાવ્યા એ બધાં પિડિયાટિ્રશિયનોના હતા, પણ એકાદ સર્જનનો મત પણ મેળવી લો ને!’

સર્જન એટલે પાછા સામાન્ય સર્જન ન ચાલે. આમાં તો બાળકોના ખાસ નિષ્ણાત એવા પિડિયાટ્રીક સર્જન જ ચાલી શકે. એવું એક જાણીતું નામ અમદાવાદમાં છે એ ડો. શાહ જાણતા હતા. એમણે ફોન લગાડયો, ‘ડો. પટેલ, વિલ યુ બી કાઇન્ડ ઇનફ ટુ કમ એન્ડ એકઝામીન વન ઓફ માય પેશન્ટ્સ? હી ઇઝ ટુ યર્સ ઓલ્ડ એન્ડ. વી આર લૂઝિંગ હોપ્સ. યુ અન્ડરસ્ટેન્ડ વ્હોટ આઇ મીન…’

‘હા, સમજી શકું છું. ડો. શાહ, હું આવું છું. તમે એને ઝાલી રાખજો. આપણે એને પાછો લાવવાનો છે.’ ડો. પટેલ એટલે ડો. ધીરેન પટેલ. અમદાવાદના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉકટરોમાં બહુ ઝડપથી ઊભરેલું અને છવાઇ ગયેલું નામ. વી.એસ. હોસ્પિટલમાં પણ તેઓ સેવા આપે છે. તમે એમને મેડિકલ જિનિયસ કહી શકો.

આમંત્રણ આવ્યું એ સાથે જ હજાર કામ પડતાં મૂકીને ડો. ધીરેન પટેલ મુન્નાની પાસે પહોંચી ગયા. ડો. શાહ પાસેથી તબીબી જાણકારી મેળવી અને મુન્નાના મા-બાપ પાસેથી રોગના ક્રમિક વિકાસની માહિતી પ્રાપ્ત કરી. પછી મુન્નાને ચીવટપૂર્વક તપાસ્યો. ડો. પટેલની અનુભવી ખોપરીમાં ખળભળાટ મચી ગયો, ‘ડો. શાહ, આ બાળકના પેટનું ઓપરેશન કરવું પડશે.’ ‘આવી હાલતમાં? તમારું નિદાન શું છે?’

ડો. ધીરેનની આંખોમાં વીજળી ચમકી, ‘મારું નિદાન બહુ ભયંકર છે અને ‘રેર’ પણ! પરંતુ એક વાત ચોક્કસ કે બેભાન થતાં પહેલાં મુન્નો રડતાં-રડતાં પેટ તરફ આંગળી ચીંધતો હતો. એનો યમદૂત એનાં મગજમાં નહીં પણ એના પેટમાં બેઠો છે.

ઓપરેશન વગર બીજો ઉપાય નથી.’ પછી તેઓ છોકરાના મા-બાપ તરફ ફર્યો, ‘દીકરો ઓપરેશન પછી બચી જશે એની હું ખાતરી નથી આપતો, પણ તમારું બાળક ઓપરેશન વગર તો સો ટકા મરી જશે એ વાતની હું ખાતરી આપું છું. ’

મુન્નાના મા-બાપે સંમતિ આપવા માટે પૂરા ત્રણ કલાકનો સમય લીધો. સગાંવહાલાંને બોલાવી લીધાં. ઓપરેશન થિયેટરમાં જતાં મુન્નાને છેલ્લી વાર જોતાં હોય એમ જોઇ લીધો, પછી બારણાં બંધ થઇ ગયા અને લાલ બત્તી ચાલુ!

ડો. ધીરેન પટેલે પેટ ખોલ્યું. મુન્નાના આંતરડાના ચોક્કસ ભાગ પર નજર પડતાંની સાથે જ એમની આંખોમાં સાચા પડયાની ચમક ઊપસી આવી. દુનિયામાં જવલ્લે જોવા મળે તેવો આ કેસ હતો. આંતરડામાં મેકલ્સ ડાઇવર્ટીકયુલમનો એક બેન્ડ નાનાં આંતરડાને વિંટાળાઇને ટૂંપો થઇ રહ્યો હતો.

આને કારણે લગભગ સો સે.મી. જેટલું નાનું આંતરડું ગેન્ગ્રીનનો ભોગ બની ચૂકયું હતું. મુન્નાના પેટનો દુખાવો, એનું અતિશય રડવું અને પછી તાવ આવવો અને શરીરમાં ખેંચ આવવી આ બધું હવે સમજાઇ રહ્યું હતું. ડો. ધીરેને આંતરડાનો સડેલો ભાગ કાપીને કાઢી નાખ્યો, બાકીના બે ભાગો પુન: જોડી દીધાં.

શસ્ત્રક્રિયા પૂરી ત્રણ કલાક ચાલી. સર્જિકલ જિનિયસના કામ ઉપર ઇશ્વરના આશીર્વાદ ઊતર્યા. સોળ કલાક પછી મુન્નો ભાનમાં આવ્યો, સોળમા દિવસે ઘરે ગયો. પૂરા સો વરસ જીવવાની અભિલાષા લઇને ગયો.

અને એનાં મમ્મી-પપ્પા? દીકરાને બચી ગયેલો જોઇને બંને જણાં ડૉ. ધીરેન સાહેબના પગમાં પડી ગયાં. લાકડીની જેમ પડી ગયાં. ધીરેનભાઇએ હાથ ઝાલીને ઊભાં કર્યા ત્યારે એમને ખબર પડી કે એ લોકો લાકડીની જેવા નિર્જિવ નહીં, પણ સજીવો હતા.

લાકડીની આંખમાં આંસુઓ થોડાં ફૂટે છે? એ આંસુઓ કહી રહ્યા હતા, ‘તમને સલામ છે, સાહેબ! એક હોશિયાર ડોકટરનું નિદાન ફકત શૈક્ષણિક કવાયત નથી હોતું, પણ એમાં તો કોઇક માસૂમની જિંદગી સમાયેલી હોય છે. (સત્ય ઘટના, શીર્ષક પંકિત: ભગવતીકુમાર શર્મા)

 

Advertisements

2 Responses

  1. very nice story.Dhiren Patel is really a geneous doctor.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: