એક જગાએ દર્દ હો તો થાય કંઇ એની દવા, હોય જો રગરગ મહીં અંગાર, કોઇ શું કરે?

છવ્વીસ વર્ષની સ્વીટી પટેલ ખરેખર સ્વીટ યુવતી લાગી રહી હતી. એ જયારે પહેલી વાર મને મળવા માટે આવી, ત્યારે પીળા રંગના સલવાર-કમીઝમાં અત્યંત સુંદર દેખાઇ રહી હતી. સાથે એનો પતિ પુલકીત પણ હતો.

મેં કેસપેપરમાં જરૂરી વિગત નોંઘ્યા પછી કામની વાતનો પ્રારંભ કર્યો, ‘બોલો, શી તકલીફ છે? શેના માટે આવવું પડયું?’ જવાબ સ્વીટીએ જ આપ્યો, ‘સર, આઇ એમ પ્રેગ્નન્ટ.’ ‘તમને શી રીતે ખબર પડી કે તમે…?’ ‘ખબર નહીં, પણ ખાતરી છે, સર! આજે સવારે મેં જાતે જ યુરીન ટેસ્ટ કરી લીધો. છે. પરિણામ પોઝિટિવ છે.’

‘ઓ.કે.’ કહીને મેં કેસપેપરમાં આ વાતની પણ નોંધ કરી. પછી આગળના સવાલો પૂછવાનું શરૂ કર્યું, ‘આ પ્રથમ વાર જ..? આની પહેલાં એક પણ બાળક..?’ ‘ના, સર! આ પહેલી વારની જ પ્રેગ્નન્સી છે.’ ‘કયારેય ગર્ભપાત થઇ ગયો હોય… કે તમે જાતે કરાવ્યો હોય…?’ આ સવાલ પણ મારા માટે રૂટિન હતો. પણ એનો જવાબ આપતાં પહેલાં સ્વીટીએ એનાં પતિની સામે જોયું. પુલકીતે આંખો કાઢી, પછી માથું નકારમાં હલાવીને સાંકેતિક ઇશારો કર્યો. સ્વીટીનાં મોં ઉપર કચવાટ ઉપસી આવ્યો. પછી એ મારી સામે જોઇને બોલી ગઇ, ‘ના, સર!’

‘ઠીક છે.’ બોલીને મેં કેસપેપરમાં સ્વીટીએ જે કંઇ કહ્યું હતું એની નોંધ કરી અને મારા દિમાગમાં એ બંને જે વાત છુપાવી રહ્યાં હતાં એની નોંધ કરી. પછી મેં સ્વીટીને શારીરિક તપાસ માટે ટેબલ પર લીધી. દરદીઓને એ વાતની ખબર નથી હોતી કે એ લોકો ભલે જૂઠ બોલે, પણ એમનું શરીર સત્ય બોલી નાખતું હોય છે. સ્વીટીની આંતરિક તપાસે મારી આગળ ઘણાં બધાં રહસ્યો ખોલી નાખ્યા.

‘બહેન, સાચું કહેજે, તેં એબોર્શન્સ કરાવ્યા છે કે નહીં?’ ‘નો, નેવર, સર!’ એનો અવાજ બોદો હતો. એમાં સત્યનું વજન ન હતું. એની કાળી સુંદર આંખો કહી આપતી હતી કે સ્વીટીને જૂઠ્ઠું બોલવાનો મહાવરો ન હતો. એ પકડાઇ જતી હતી.

‘ઠીક છે. મારી ફરજ પૂરી થઇ. હું તમને સાચા પ્રશ્નો પૂછી શકું. મારી એટલી જ સત્તા છે. પણ હું તમારી પાસેથી સાચા જવાબો ન કઢાવી શકું. હું ડૉકટર છું, પોલીસ નથી. પણ સ્વીટી, મારું વિજ્ઞાન અને મારો અનુભવ મને પોકારી-પોકારીને કહી રહ્યો છે કે તેં ઓછામાં ઓછો એક વાર તો ગર્ભપાત કરાવ્યો છે જ. ગર્ભાશયનું મુખ એની ઉપર થયેલા તબીબી જુલમની ચાડી ફૂંકી રહ્યું છે.

ગર્ભાવસ્થાનો પ્રારંભિક તબક્કો ચાલી રહ્યો હતો. એ સમયે જે ગોળીઓ ગળવી આવશ્યક હોય છે તે મેં ઉતારી આપી. મારી ફી ચૂકવીને બંને જણાં ચાલ્યાં ગયાં. એ પછીના પેશન્ટને અંદર બોલાવતાં પહેલાં મેં ઇશ્વર સાથે વાત કરી લીધી, ‘પ્રભુ, આ લોકોને ખબર નથી કે તેઓ શું કરી રહ્યાં છે! અસત્ય બોલીને એમનું પોતાનું જ નુકસાન વહોરી રહ્યાં છે. આ યુવતીને કશી તકલીફ ન નડે તો સારું!’

તકલીફ થઇ જ. એક અઠવાડિયા પછી સ્વીટીનો ફોન આવ્યો, ‘સર, મને પેટમાં નાભિની નીચે ખૂબ ભયંકર દુ:ખાવો ઉપડયો છે. થોડું બ્લિડિંગ પણ દેખાયું છે. હું શું કરું? મારા પતિ પણ અત્યારે ઘરે હાજર નથી.’

‘ઇટ ડઝ નોટ મેટર. ધીસ ઇઝ રીઅલ ઇમરજન્સી. તું જેમ બને તેમ જલદી આવી જા!’ સ્વીટી આવી ગઇ. આ વખતે મેં ફરી પાછો એ સવાલ બીજી વાર પૂછી લીધો, ‘સ્વીટી, તેં ખરેખર કયારેય ગર્ભપાત નથી કરાવ્યો?’ એ રડી પડી, ‘હા, મેં ગર્ભપાત કરાવ્યો છે. એક વાર નહીં, પણ ચાર-ચાર વાર મેં એબોર્શન્સ કરાવ્યા છે. હું તમારી આગળ જૂઠ્ઠું બોલી હતી.’

‘શા માટે?’ ‘કારણ કે પુલકીત આંખો કાઢી રહ્યો હતો. એને સાચી વાત કબૂલ કરતાં થોડો ડર લાગતો હતો અને ઘણો બધો સંકોચ થઇ રહ્યો હતો.’ ‘પણ તો પછી ચાર વાર ગર્ભ પડાવી શા માટે નાખ્યા?’ મારો સવાલ અને જવાબમાં એક ખૂબસૂરત, સંસ્કારી, નિર્દોષ યુવતીની બદકિસ્મતીની વ્યથામય દાસ્તાન.

………

પુલકીત અને સ્વીટીનું મેરેજ પૂર્વઆયોજિત, સામાજિક સ્તર પર ગોઠવાયેલું લગ્ન હતું. એ પ્રેમલગ્ન ન હતું. પુલકીત પૈસાદાર બાપનો બગડેલો, બદમિજાજ દીકરો હતો. સ્વીટી એક સંવદેનશીલ, સંસ્કારી અને આદર્શવાદી યુવતી હતી. એ ખૂબસૂરત હતી એનું મહત્ત્વ તો એને ભોગવનાર પતિ માટે હોઇ શકે, ખરું મહત્ત્વ એ વાતનું હતું કે સ્વીટીનો સ્વભાવ ખૂબ સારો હતો. એની આંતરિક સુંદરતા એની બાહ્ય ખૂબસૂરતી કરતાં અનેક ગણી ચડિયાતી હતી.

લગ્નના બે જ મહિના પછી એણે પહેલી વાર પતિ આગળ સારા સમાચાર વિશે સંકેત રજૂ કર્યો, ‘પુલકીત, મને સવાર-સવારમાં ઉલટી, ઊબકા અને ચક્કર જેવું લાગ્યા કરે છે. આ મહિને હું…! લાગે છે કે મારે ગાયનેકોલોજિસ્ટ પાસે ચેક અપ માટે જવું પડશે.’

પુલકીત ભડકી ઉઠયો, ‘આજે જ જઇ આવ! અને સાંભળ, જો પ્રેગ્નન્સી જેવું હોય તો પડાવતી આવજે. સ્વીટી આંચકો ખાઇ ગઇ, ‘પુલકીત, તું શું બોલે છે એનું તને ભાન છે? કોઇ પણ પતિ-પત્ની માટે પ્રેગ્નન્સીથી વધારે સારા સમાચાર બીજા કયા હોઇ શકે? અને તું એબોર્શનની સલાહ આપી રહ્યો છે?’

પુલકીતે પરિસ્થિતિને સાચવી લીધી. સ્વીટીનાં ગાલ થપથપાવીને એણે શાંતિથી કહ્યું, ‘ડાર્લિંગ, તું સમજતી કેમ નથી? બાળક કોને ન ગમે! પણ આપણાં લગ્નને તો હજુ બે જ મહિના થયા છે. હજુ તો આપણે હરવા-ફરવાનું બાકી છે, મોજમસ્તી કરવાની બાકી છે. એકબીજાના સ્વભાવ સાથે અનુકૂળ થવાનું બાકી છે. અત્યારથી આ પળોજણ આપણને ન પોસાય. પ્લીઝ, મારી વાત માની જા ને! જીદ ન કર…’

પહેલી ગર્ભાવસ્થા અકાળે ખતમ કરી નાખવામાં આવી. છ મહિના પછી બીજી વાર, પછી ત્રીજી વાર અને બે વર્ષમાં કુલ ચાર વાર સ્વીટી ગર્ભવતી બનતી ગઇ અને પતિની નાલાયકીના કારણે ગર્ભ પડાવતી રહી. હવે તો પુલકીતે પ્રેમ કે સમજાવટના નાટકો કરવાનું પણ બંધ કરી દીધું હતું. હવે એ સ્પષ્ટપણે કહી દેતો હતો કે, ‘સ્વીટી, સાચું કહું? તું મને ગમતી નથી. મને તો હિન્દી ફિલ્મોની હિરોઇનો જેવી સ્માર્ટ અને સેકસી છોકરી જ ગમે. તું સુંદર તો છે, પણ ગરમ નથી. મારી ઇરછા તારી સાથે છુટાછેડા લઇને બીજી વાર લગ્ન કરવાની છે. માટે જ મને આ પ્રેગ્નન્સી પરવડે તેમ નથી.’

ટૂંકમાં આ હતી સ્વીટીને મળેલી સંસ્કારીતાની સજા. પુલકીતમાં એવી વૈજ્ઞાનિક સમજ ન હતી કે એ પ્રેગ્નન્સીને ટાળી શકે. એટલે જ સ્વીટી વારંવાર ગર્ભવતી બનતી રહી અને દરેક વખતે પુલકીતની નફરત ઝીલતી રહી, ‘પડાવી નાખ આ ગર્ભને! આજે ને આજે જ! હું સહી કરવા માટે દવાખાનામાં આવી જઇશ.’

પૂરા પાંચ વર્ષ પછી એમનો સંસાર થાળે પડયો. પુલકીતને અંદરખાનેથી ખાતરી થઇ ગઇ કે સ્વીટીથી છુટકારો પામવો શકય નથી. બંનેના પરિવારો દ્વારા ગોઠવાયેલું આ લગ્ન હતું. ડિવોર્સ માટે, રજુ કરી શકાય એવું કોઇ વજનદાર કારણ પણ એની પાસે ન હતું. એણે આ જ સંસાર નભાવી લેવાનું મન બનાવી લીધું. હવે સ્વીટી પ્રેગ્નન્ટ થાય એની સામે પુલકીતને કશો જ વાંધો ન હતો.

જયારે સ્વીટીએ રડતાં-રડતાં આ બધી વાત પૂરી કરી, ત્યારે પહેલું કામ મેં એની અલટ્રાસાઉન્ડ દ્વારા તપાસ કરાવવાનું સંપન્ન કર્યું. સ્વીટીનાં સદ્ભાગ્યે ગર્ભ હજુ સલામત હતો. મેં દવાઓ ઊતારી આપી, ‘જો સ્વીટી! આ ઇન્જેકશનો મોંઘા છે, પણ લેવા પડશે. પથારીમાં સંપૂર્ણ આરામ કરવો પડશે. આગળ જતાં ગર્ભાશયના મુખ ફરતે ટાંકા પણ મારવા પડશે. ટૂંકમાં, નવ મહિના પૂરા થાય ત્યાં સુધી સખત કેદની સજા ભોગવવી પડશે.’

સ્વીટીએ હસતાં મુખે સજાનો સ્વીકાર કરી લીધો. પુલકીતને તો શું હોય! આરામની વાત આવી એટલે એણે પત્નીને એનાં પિયરમાં મોકલી દીધી, ‘હવે ત્યાં જ રહેજે. સુવાવડ પતાવીને પછી જ પાછી આવજે!’

પિયરમાં સ્વીટીની બે બહેનો, એક ભાભી અને મા સ્વીટીની સાર-સંભાળમાં જોતરાઇ ગયાં. એનો આરામ, એનો પૌષ્ટિક ખોરાક, એની દવાઓ આ બધું એમની જવાબદારી બની ગયું, પણ નવ મહિનાની કઠોર તપસ્યા પછી વિધાતા આખરે પ્રસન્ન થયાં ખરાં. સ્વીટીએ સુંદર, તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો. પુલકીતને સમાચાર મળ્યા એટલે તે પણ મારા નર્સિંગ હોમમાં આવીને દીકરાને રમાડી ગયો. સ્વીટીને બંધબારણે મળી ગયો. શી વાત થઇ એ રામ જાણે! પણ પુલકીતના ગયા પછી હું જયારે સ્વીટીનું બ્લડપ્રેશર માપવા ગયો, ત્યારે એ રડી રહી હતી. મેં પૂછ્યું, ‘શું થયું, સ્વીટી? કેમ રડે છે?’

‘રડું નહીં તો બીજું શું કરું? પુલકીત દીકરાને જોઇને રાજી થઇ ગયો. મને કહી ગયો કે- ‘હાશ! હવે મારી સાથે ડિ્રન્કસ લેવામાં કંપની આપે એવો દીકરો આવી ગયો! મારો દીકરો એની મા જેવો ‘સંસ્કારી’ ન થાય તો સારું!’ સર, તમે શું માનો છો? મારો દીકરો પણ મોટો થઇને બીજો પુલકીત જ બનશે? ભવિષ્યમાં ફરીથી કોઇ છોકરીની જિંદગી બગાડશે? બોલો ને સર, તમે ચૂપ કેમ છો?’ ‘ (શીર્ષક પંકિત: ઘાયલ)

Source: દિવ્યભાસ્કર

Advertisements

3 Responses

  1. Dr. Sharad Thakar
    jivan ma eva gana manaso male chhe jemani manasikta kadi badali shakati nathi . ane e j VIDHI ni VAKRATA chhe.
    darek dukh ni dava manas ni potani paase j chhe.

  2. jivan ma dard ane dukh ae mansna be hath che pan apana sarir thi ane alag nathi karta amag jare tame jara bijana dukhama sahbhigi thaso to tamne lagseki are apanane to koych dard nathi apana mate badha jiveche jara bija mate jivin ta juwo na tamane dard ase bas hasatach rahso

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: