જિંદગીની સાંજ ઢળતી જાય છે, મીણબત્તી રોજ બળતી જાય છે

ડૉ. અતુલ કડકિયાને મળવાનું સાવ અચાનક જ થયું. સાંજનો સમય હતો અને એ કોઇ દરદીને લઇને મારી પાસે ‘ચેક અપ’ માટે આવ્યા હતા. હું તે સમયે એક હોસ્પિટલમાં ફુલટાઇમ ગાયનેકોલોજિસ્ટ તરીકે તાજો જ જોડાયો હતો. ડૉ. કડકિયા આવીને સીધા જ મને મળ્યા. ન કોઇ ઇગો, ન કોઇ વચેટિયાની આવશ્યકતા. હાથ લંબાવીને મારો હાથ થામી લીધો, ‘ગુડ ઇવનિંગ, ડૉકટર! માય નેઇમ ઇઝ અતુલ કડકિયા.
આઇ એમ એ જનરલ પ્રેકિટશનર ઇન ધીસ ટાઉન. અટક ભલે કડકિયા હોય, પણ હું છું સાવ ઢીલો ને ઢફ. નરમ ધેંસ જેવો માણસ. એક પેશન્ટ લઇને આવ્યો છું. ગાયનેકની તકલીફ છે. મારા સગામાં છે એટલે છોકરી શરમાય છે. નહીંતર આટલી સુંદર અને યુવાન સ્ત્રીને સામે ચાલીને તમારા હાથમાં સોંપવા માટે હું ન જ આવ્યો હોત! હા… હા… હા…!’ હું જોઇ જ રહ્યો. કોઇ માણસ પ્રથમ જ મુલાકાતમાં આટલી નિખાલસ રીતે વર્તી શકે ખરો? અને એનું છાતી ફાડીને આમ હસવું! અલબત્ત, એમની ‘હ્યુમર’ જરા મને રુચિ નહીં, પણ બે ડૉકટરો વચ્ચે આપસમાં આવી શંગારિક રમૂજો ચાલતી રહેતી હોય છે. મને વાંધો એ વાતનો હતો કે ડૉ. કડકિયાએ આ રમૂજ પેલી યુવતીની હાજરીમાં કરી હતી. એ યુવતી ડૉ. કડકિયાએ કરેલા વર્ણન કરતાં પણ હજારગણી વધારે સુંદર હતી અને શરમને કારણે દસ હજાર ગણી વધુ સુંદર લાગી રહી હતી. ખેર, મેં મારો ધર્મ બજાવ્યો. કેસ હિસ્ટરી, બોડી ચેક-અપ, ડાયગ્નોસસિ અને ટ્રીટમેન્ટ પતાવીને મેં એ અપ્સરાને મુકત કરી. ડૉ. કડકિયા સમય જોઇને આવ્યા હતા. મારી ઓ.પી.ડી. ખતમ થવા આવી હતી. એમની સાથે આવેલી યુવતી એ દિવસ માટે મારી અંતિમ પેશન્ટ હતી. એ ડૉ. કડકિયાની સાળી હતી.
‘હું પણ દુકાન બંધ કરીને જ આવ્યો છું. ઇરછા હતી કે તમારી સાથે અડધોએક કલાક બેસું. તમને વાંધો તો નથી ને?’ ડૉ. કડકિયાએ મારી સામેની ખુરશીમાં જમાવટ કરતાં મને પૂછી લીધું, અલબત્ત, સાળીને એમણે વિદાય કરી દીધી. ‘નોટ એટ ઓલ! મને શા માટે વાંધો હોય? હું તો સોબત માટે ઝંખતો માણસ છું. ઘર-ખાટલો અમદાવાદમાં છોડીને આવ્યો છું. મહેલ જેવડા કવાર્ટરમાં એકલો જ ભટકતો હોઉ છું. ‘દિન ઢલ જાયે, હાયે, રાત ન જાયે’ જેવો મામલો છે. તમ તમારે નિરાંતે જમાવો, દોસ્ત!’ મેં કહ્યું અને ડૉ. કડકિયાએ જમાવી દીધી. એ પુરબહારમાં ખીલી ઊઠયા. એમની જીભ ઉપરથી એક પછી એક જોકસ નોન-સ્ટોપ ગતિથી ટપકતાં રહ્યા. સર્વદેશીય, સર્વજાતીય, સર્વધર્મના, વેજ તથા નોન-વેજ જોકસનો એમની પાસે અખૂટ ખજાનો હતો.
એ સાંજે અમે એક કલાક સાથે બેઠાં અને હું પૂરી સાઠ મિનિટ સુધી સતત હસતો રહ્યો. મને લાગ્યું કે અમે જાણે પંદર-વીસ વરસથી મિત્રો હતા! ‘બે જણાં દિલથી મળે તો એક મજલિસ છે ‘મરીઝ’ એવું મરીઝ સાહેબે લખ્યું છે, પણ આ પંકિત હું જીવ્યો છું. આજથી છવ્વીસ વર્ષ પહેલાંની એ સાંજે ડૉ. કડકિયા સાથે ગાળેલા એ કલાકે મને આ પંકિતનો મર્મ સમજાવી દીધો. મને એ અજાણ્યા શહેરમાં એક નવો મિત્ર મળી ગયો.
ચાર-પાંચ દિવસ માંડ થયા હશે, ત્યાં ડૉ. કડકિયાનો ફોન આવ્યો, ‘આજે સાંજે મારે ઘરે આવો. કેટલાક પસંદગીના મિત્રો સાથે બેસવાનો મૂડ છે. આઠેક વાગતામાં આવી પહોંચજો. જમવાનું પણ સાથે જ છે.’
મને ‘હાશ’ થઇ, ટિફિનની કચરાપટીથી એક ટંક પૂરતો છુટકારો મળશે એ વાતની ‘હાશ’ હતી. હું તો બરાબર આઠના ટકોરે ડૉ. અતુલ કડકિયાના સરનામે પહોંચી ગયો. બેઠા ઘાટનો સુંદર બંગલો હતો. બહાર ચાર-પાંચ વાહનો પડેલા હતા. મને એમના પત્નીએ આવકાર્યો. મેં નોંઘ્યું કે ડૉ. કડકિયાની પત્ની એમની સાળી કરતાંયે વધારે સુંદર અને ઘાટીલી હતી. એ સંસ્કારી સ્ત્રીએ મને ભાવપૂર્વક ઘરમાં લીધો અને પછી છેક અંદરના ઓરડામાં દોરી ગઇ.
હું ઓરડાના બારણાં પાસે જ ડઘાઇ ગયેલી હાલતમાં ઊભો રહી ગયો. અંદર શરાબની તીવ્ર, મીઠી ગંધ વચ્ચે ચારેક પુરુષો બેઠેલા હતા. જમીન પર પલાંઠી વાળીને બેઠેલા દરેક ‘મહાનુભાવ’ના એક-એક હાથમાં શરાબનો જામ હતો અને બીજા હાથમાં બળતી સગિારેટ હતી. બારીઓ બંધ હતી. એટલે ધુમાડાનાં વાદળો ઓરડામાં જ ઘૂમરાયા કરતા હતા.
ડૉ. કડકિયા મારો અણગમો પારખી ગયા. ઊભા થઇને મને ખેંચી ગયા, ‘મેં કહ્યું તો હતું કે આજે રાત્રે ‘બેસવાના’ છીએ! તમે સમજયા નહીં?’ ‘ના, મને આ કોડવર્ડની જાણકારી નથી. હું પીતો નથી અને જયાં સુધી કાયદો જાણું છું ત્યાં સુધી મને એ વાતની પણ ખબર છે કે કોઇ બીજું પીતું હોય ત્યાં બેસવું એ પણ કાયદાનો ભંગ કરવા સમાન છે. લેટ મી ગો, પ્લીઝ!’
‘અરે, જવાય છે! બેસો, આ મિત્રોનો પરિચય કરાવું. આ છે કટારા સાહેબ. અહીંના મામલતદાર. એટલે કે ફસ્ર્ટ કલાસ મેજિસ્ટ્રેટ પણ ખરા. અને આ છે મિ.શેખ. આ શહેરના નંબર વન એડવોકેટ. અને આ વ્હીસ્કીની બોટલ કોણ લાવ્યું છે, ખબર છે? મીટ મિ. રાણા સાહેબ. અહીંના પોલીસ ઇન્સ્પેકટર પોતે. યાર, કયાં સુધી આવા ચીકણા રહેશો તમે? એન્જોય ધી લાઇફ!’ હું બેઠો તો ખરો, પણ મહેફિલમાં સક્રિય ન થઇ શકયો. મારી દલીલ એક જ હતી અને આટલી જ હતી, ‘જે ચીજ-વસ્તુઓ લેવાની આપણે દરદીઓને ના કહેતા હોઇએ તે આપણે શી રીતે લઇ શકીએ? અને શરાબ-સગિારેટથી શરીરની જે ખાના-ખરાબી થાય છે તે…’ ‘અરે, યાર, લેકચરબાજી છોડો ને! દારૂ, તમાકુ, ભાંગ, ગાંજો, ચરસ આ બધું ઇશ્વરે જ બનાવ્યું છે ને? હું તો દ્દઢપણે માનું છું કે પૂનર્જન્મ કે પૂર્વજન્મ, પાપ કે પુણ્ય, સ્વર્ગ કે નરક જેવું કશું હોતું જ નથી. જિંદગીનો અર્થ છે મજા કરવી. જગતમાં ઉપલબ્ધ તમામ વસ્તુઓનો ઉપભોગ કરવો. ખૂબ ભણ્યા, ખૂબ મહેનત કરી, સારું એવું કમાઇ લીધું! હવે જિંદગી માણી લેવા દો ને, ભ’ઇ સા’બ!’ થોડી વારમાં ભોજન પીરસાયું. ત્યારે ખબર પડી કે એડવોકેટ શેખ સાહેબ એમના ઘરેથી રોસ્ટેડ ચિકન અને તળેલી માછલી પણ સાથે લઇને આવ્યા હતા. હું ફળો જમીને ઊભો થઇ ગયો. મોડી રાત સુધી ચાલેલી એ મહેફિલમાં ડૉ. કડકિયા હસતા રહેતા હતા, હસાવતા રહેતા હતા અને દારૂના નશામાં બોલ્યે જતા હતા, ‘તમે યાર, જિંદગીને બહુ સિરિયસલી લેતાં હો એવુંલાગે છે. હું તો બધું આયોજન ગોઠવીને બેઠો છું. પાંચ-સાત દુકાનો ખરીદીને ભાડે આપી રાખી છે. પાંચ-સાત લાખનું સોનું પડયુ છે બેન્ક-લોકરમાં. બાકીના ઇન્દિરા વિકાસ પત્રો છે. રોકડ જેવું ખાસ કશુંયે હાથ ઉપર રાખ્યું જ નથી. દસ-બાર લાખ વ્યાજ પર ફેરવું છું. હાથમાં બસ, આ જામ છે અને… આ… સિગારેટ છે…! એન્જોય ધી લાઇફ… યાર…!’
………
એ અમારી છેલ્લી મુલાકાત. અમારી દોસ્તી તૂટી પણ નહીં, જામી પણ નહીં. ડૉ. કડકિયાએ મને જાજો સમય પણ ન આપ્યો. એકાદ મહિનામાં જ એ ચાલ્યા ગયા. મારી ઉપર એમના કમ્પાઉન્ડરનો ફોન આવ્યો, ‘સર, જલદી આવો! અમારા સાહેબને કશુંક થઇ ગયું છે.’ હું પહોંરયો ત્યારે ડૉ. કડકિયા એમની ખુરશીમાં હતા અને એમનું માથું ટેબલ પર ઢળેલું હતું. સિગારેટ અને દારૂના વધુ પડતાં સેવને એક તેજસ્વી, ખુશમિજાજ ડૉકટરનો ફકત પાંત્રીસ વર્ષની વયે ભોગ લઇ લીધો હતો. એમને દવાખાનામાં બેઠાં બેઠાં, દરદીઓ તપાસતાં જ મેસીવ હાર્ટ એટેક આવ્યો હતો. દવાઓ હાજર હતી, જીવન રક્ષક ઇન્જેકશનો હાજર હતા, ઓકિસજનનો સલિિન્ડર પણ હાથવગો હતો, બસ, એક માત્ર આવરદા ખૂટી ગઇ હતી.
મેં તો પછી થોડાંક જ મહિના બાદ એ શહેર છોડી દીધું. અમદાવાદમાં આવી ગયો. પણ ત્યાંના સમાચાર મને મળતા રહેતા હતા. એક દિવસ ત્યાંથી આવેલા એક પરિચિતે સમાચાર આપ્યા, ‘ડૉ. કડકિયાના ફેમિલીની ખરી દશા થઇ ગઇ! એમણે સલામત મૂડીરોકાણ કરેલું નહીં, તમામ કમાણી દુકાનોમાં અને બેન્કના લોકરમાં તેમજ ઉધાર આપવામાં રોકી નાખેલી. એ મરી ગયા, એટલે બધાંએ ભાડું ચૂકવવામાં અને પૈસા પાછા આપવામાં ઠાગાઠૈયા કરવા માંડયા. ના છુટકે એમનાં પત્નીએ અદાલતનો આશરો લેવો પડયો.’ ‘પછી?’
‘પછી શું? ભૂત ગયું, તો પલિત આવ્યું! ડૉ. કડકિયાનો એડવોકેટ મિત્ર મદદના બહાને બાઇનાં પડખે ચડી ગયો. વધારે શું કામ બોલાવો છો? સમજી જાવને, સાહેબ? અત્યારે ડૉકટરની રૂપાઇ વિધવા પેલા વકીલની રખાત બનીને જીવી રહી છે. આખું ગામ જુએ છે અને બંને જણાં જલસા કરી રહ્યા છે!’
હું બબડી ઊઠયો, ‘વગર વિચાર્યે, વગર આયોજને જિંદગીને માત્ર માણી લેવાના આશય સાથે જીવતાં રહેતાં માણસની આ સિવાય બીજી શી દશા થાય? લેટ ધેમ એન્જોય! ડૉકટરની પત્ની અને વકીલમિત્રને એન્જોય કરવા દો! બીજું થઇ પણ શું શકે?” (શીર્ષક પંકિત બાબુ પટેલ)

Source: દિવ્યભાસ્કર

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: