કોણ જાણે કેમ સાંભળતાં જ દિલ દુ:ખતું હશે, આમ હું માનું છું તારું નામ પ્યારું નામ છે

રિષભ છત્રપતિ સાયન્ટિસ્ટ હતો. જુવાન હતો, જિનિયસ હતો અને એટલે જ થોડોક અભિમાની પણ હતો. સાંજનાં પાંચ વાગ્યા હતા. રિષભ કેમિસ્ટ્રીની પ્રયોગશાળામાં એક મહત્ત્વના ગુપ્ત પ્રોજેકટમાં વ્યસ્ત હતો, ત્યાં કોઇએ અંદર પ્રવેશ કર્યો. રિષભ આમ ‘સ્ટાઇલીશ’ નહોતો, પણ કોઇને આંજી દેવા માટે જરૂર પડે તો એ સ્ટાઇલીશ બની શકતો હતો. એણે માથું ઊચુ કર્યા વગર કે ગરદન ઘૂમાવીને પાછળ જોયા વગર જ આવનારનું સ્વાગત કર્યું, ‘વેલકમ ટુ માય લેબ, પંકિત! પિકચર જોવા જવાનો પ્રોગ્રામ બનાવીને આવી છે ને?’

‘માય ગોડ! રિષભ, તને કેવી રીતે ખબર પડી કે? તેં તો હજુ મારી સામે પણ જોયું નથી, તને મારા પર્સની અંદર પડેલી ટિકિટો શી રીતે દેખાઇ ગઇ?!’ પંકિતનાં રૂપાળા મોં ઉપર મોટી સાઇઝનો પ્રશ્નાર્થ હતો. ‘વેરી સમ્પિલ, યુ સી! પહેલો સવાલ તો એ પૂછ કે તારી સામે જોયા વગર મને એ વાતની ખબર કેવી રીતે પડી ગઇ કે તું જ આવી હશે?’ ‘પૂછ્યું.’

‘તો સાંભળ! તારા પેન્સિલ હિલવાળા ચંપલનો ‘ટપ-ટપ’ કરતો તાલબદ્ધ અવાજ અને તારા દેહમાંથી ઊઠતા પફર્યૂમની જાણીતી સુગંધ. આ ‘લા હેવન’ બ્રાન્ડનું જ પફર્યૂમ છે ને? તારા બર્થ-ડે ઉપર મેં જ તો આપ્યું હતું! સિલી ગર્લ!’ ‘અને સિનેમાનો પ્રોગ્રામ?’

‘એકડો મળી જાય એ પછી મીંડાં શોધવામાં વાર કેટલી? મને ખબર છે કે આ સેન્ડલ અને આ પફર્યૂમ તું રોજ નથી વાપરતી. ખાસ પ્રસંગે જ એનો ઉપયોગ કરે છે. આજે ખાસ પ્રસંગમાં શું હોઇ શકે? શુક્રવાર, સાંજના પાંચ વાગ્યાનો સમય અને તારા ફેવરિટ હીરો રીતિકની ફિલ્મનું આજે રિલીઝ થવું! સમ્પિલ લોજીક, માય ડાર્લિંગ!’ રિષભે એવી છટાથી વાતની રજૂઆત કરી કે પંકિત અંજાઇ ગઇ.

‘યુ આર રાઇટ, રિષભ! છથી નવના શોમાં આપણે ફિલ્મ જોઇશું. પછી ‘પ્લેઝન્ટ’માં ડિનર. અને પછી અગિયાર વાગ્યે હોસ્ટેલનો દરવાજો બંધ થાય તે પહેલાં તું મને મૂકવા માટે આવીશ. ઓ.કે.? પૂરું ટાઇમટેબલ હું તૈયાર કરીને આવી છું.’

‘અને હું અહીં લોગ-ટેબલમાં ખૂંપેલો છું! સોરી, પંકિત, નો ફિલ્મ! નો ડિનર! તું જાણે છે કે હું એક મિલ્ટનેશનલ ફાર્મા કંપનીમાં રિસર્ચ વર્ક કરી રહ્યો છું.’ રિષભે બાજુમાં પડેલા પાંજરામાંથી એક નાનકડું સસલું બહાર કાઢયું. પછી હાથમાં ઇન્જેકશનની સીરિંજ પકડી, ‘વી આર એકસપેરીમેન્ટિંગ ઓન એ ન્યૂ ડ્રગ. ત્રણ મહિના પહેલાં મેં આ રેબીટને એક નવી દવા આપી હતી. એ દવાથી એના શ્વેતકણોમાં કેવો અને કેટલો ફેરફાર થયો એ મારે હવે તપાસવાનું છે. એ કામ મારે જ કરવાનું છે. અને આજે જ કરવાનું છે.’

રિષભના બોલવામાં સહેજ અભિમાન હતું, અગત્યનું કામ કરતાં હોવાનું અભિમાન! અને ઘણી બધી સખતાઇ હતી, એક પ્રેમીને ન છાજે તેવી સખતાઇ! પંકિતનો ચહેરો ઉનાળાના તાપથી મૂરઝાયેલા ફૂલ જેવો બની ગયો. એણે કોઇ દલીલ ન કરી. પર્સમાંથી બે ટિકિટો કાઢીને, એની ઝીણી-ઝીણી કરચો કરીને એણે પેલા પાંજરામાં ફેંકી અને પછી એકીશ્વાસે બોલી ગઇ, ‘જિંદગી માત્ર કામ માટે નથી હોતી, કેરિયર માટે નથી હોતી, કયારેક થોડો સમય રોમાન્સ માટે પણ કાઢવો પડે! તને રકતકણો અને શ્વેતકણોની જ ચિંતા છે, રિષભ, તારી પ્રેમિકાની નસોમાં દોડતાં પ્રેમના ગુલાબી કણોની જરા પણ ફિકર નથી. તારી લેબોરેટરીના વાસ મારતાં આ કેમિકલ્સ આગળ મેં છાંટેલું પરફર્યૂમ ફિક્કું પડી જાય છે. તારું ઘ્યાન સસલામાં છે, મારી સાંજમાં નહીં. બાય, હું જઉ છું. તું જયારે નવરો હોય ત્યારે ફોન કરજે. હું તો નવરી જ છું ને! દોડી આવીશ.’

નવરી તો જો કે પંકિત પણ ન હતી. એણે પણ બી.એસ.સી. વીથ કેમિસ્ટ્રી કર્યું હતું. પછી તરત બી.એડ્. કરીને એણે એક હાઇસ્કૂલમાં નોકરી લઇ લીધી હતી. વર્કિંગ વૂમન હોસ્ટેલમાં રહેતી હતી અને ટિફિન મગાવીને જમી લેતી હતી. રિષભે બી.એસ.સી. પાસ કર્યા પછી એમ.એસ.સી. પણ ગોલ્ડ મેડલ સાથે પૂરું કર્યું હતું. એને પંકિત ગમતી હતી, પણ રિષભના જીવનમાં સૌથી મોટી પ્રાથમિકતા એની કારકિર્દી હતી. પંકિત એટલે આજની પ્રેમિકા અને આવતી કાલની પત્ની. પછી સંબંધનો વિકાસ અટકી જવાનો હતો. લગ્ન નામનું જળાશય બંધિયાર ખાબોચિયું બનીને રહી જવાનું હતું. જયારે કારકિર્દી એટલે તો એવરેસ્ટના શિખર કરતાંયે ઊચે લઇ જનારી નીસરણી હતી. સુંદર પ્રેમિકાને નારાજ કરવી પોસાય, પણ આ સસલાની અવગણના કરવી મોંઘી પડે!

નારાજ પ્રેમિકા બાપડી કયાં સુધી નારાજ રહી શકે? ચાર-પાંચ દિવસ પછી એણે જ નમતું જોખવું પડયું. મજબૂરી હતી. રિષભનો જન્મ-દિવસ હતો. ગમે તેવું મનદુ:ખ ચાલતું હોય પણ પ્રેમીના પ્રાગટય દિને પ્રેમિકા અબોલ કેવી રીતે રહી શકે?

‘હેલ્લો, પંકિત હિયર!’ એણે ફોન લગાડયો.

sharad_thakar‘શું છે?’ રિષભના પ્રશ્નમાં ઉતાવળ ઝલકતી હતી. એક ક્ષણ પૂરતી તો પંકિત ડઘાઇ ગઇ. ન કોઇ ઉષ્મા, ન કશી મનામણાની કોશિશ. તેમ છતાં એણે ગમ ખાઇને કહી નાખ્યું, ‘હેપ્પી બર્થ-ડે, રિષભ! મને ખબર છે કે તું ‘બિઝી’ હોઇશ, પણ આજે ના ન પાડીશ! ડિનરનું બિલ હું આપવાની છું, તારે તો માત્ર સમય જ આપવાનો છે. સાંજે કેટલા વાગે..?’

‘ઓહ્ નો! પંકિત, તું આવી બધી બબાલમાંથી બહાર કયારે આવીશ? હું હવે બર્થ-ડે ઊજવવા જેવડો કિકલો થોડો છું? ડૉન્ટ બી એ સેન્ટીમેન્ટલ ફૂલ! આજે તો અમારી કંપનીના ચેરમેન સાહેબ આવ્યા છે. મારે એમને મળીને પૂરા રિસર્ચ વર્ક વિશે ચર્ચા કરવાની છે. પાંચ વર્ષનો પ્રોજેકટ છે અને કંપની મારા પર વિશ્વાસ મૂકીને ત્રીસ કરોડ રૂપિયાનો જુગાર ખેલી રહી છે. સોરી, નો ડિનર પાર્ટી! નો સેલિબ્રેશન! ડૉન્ટ કોલ મી અગેઇન ટુ ડે. જયારે નવરાશ મળશે ત્યારે હું જ સામેથી ફોન કરીશ. ઓ.કે.? બાય!’

ચાવ્યા વગરના કોળિયા ગળતો હોય એટલી ઉતાવળથી રિષભે ફોન પરની વાત પતાવી દીધી. પંકિતને માઠું તો લાગ્યું પણ એ શું કરી શકે તેમ હતી! પ્રેમ નામનાં પાશમાં એક કોમળ પ્રેમિકા પરવશ બનીને બંધાયેલી હતી અને પોતાની મર્યાદાઓને કારણે એ મજબૂર હતી. એ ધીરજ ધરીને બેસી રહી. રિષભ નવરો પડે અને સામેથી એનો ફોન આવે એની પ્રતીક્ષા કરતી રહી. બરાબર એક મહિના પછી રિષભનો ફોન આવ્યો, ‘હાય, પંકિત! એક ખૂબ જ સારા સમાચાર છે. સૌથી પહેલાં તને જણાવું છું.’

પંકિત ઝૂમી ઊઠી, ‘તારું રિસર્ચ-વર્ક પૂરું થયું? તારા કામમાં તને સફળતા મળી? તારા ચેરમેન ખુશ થયા? તને પ્રમોશન મળ્યું?’‘બસ! બસ! બસ! તારી જીભની મશીનગન ચલાવવી બંધ કર, ડાર્લિંગ. તારી બાકીની તમામ કલ્પનાઓ સાચી છે. મારા બોસ ખુશ પણ થયા છે અને મને પ્રમોશન પણ મળ્યું છે. બસ, એક વાતમાં તું ખોટી પડે છે. મારું રિસર્ચવર્ક પૂરું નથી થયું, પણ મારું ખરું કામ હવે જ શરૂ થઇ રહ્યું છે.’

‘હું સમજી નહીં.’

‘મારી સફળતા જોઇને મારા ચેરમેન સાહેબે આ પ્રોજેકટ ત્રીસ કરોડમાંથી ત્રણસો કરોડ રૂપિયાનો કરી નાખ્યો છે. હું ચાર વર્ષ માટે બેંગ્લોર જઇ રહ્યો છું. ત્યાં અમારી હેડ ઓફિસ છે.મારા તો નસીબ ઊઘડી ગયા, પંકિત! વર્ષે વીસ લાખનું પેકેજ. હોન્ડા સિટી કાર. રહેવા માટે ફૂલ્લી ફર્નિશ્ડ ફલેટ. અને જો હું મારા સંશોધનમાં સફળ થઇશ તો… બસ, આગળ કશું પૂછીશ જ નહીં.’

‘અત્યારે એક સવાલ તો પૂછવો જ પડશે, રિષભ! આપણાં મેરેજનું કયારે..?’

‘ઓહ્, શીટ! લગ્ન માટે તો આખી જિંદગી પડી છે. તમને સ્ત્રીઓને લગ્નથી આગળ બીજું કંઇ દેખાતું જ નથી? હું પુરુષ છું, પંકિત, અને પુરુષો માટે એમનું કામ, એમની કારકિર્દી, સફળતા, સિદ્ધિઓ અને કમાણી આ બધું પરણવા કરતાં વધારે અગત્યનું હોય છે. તું રાહ જોજે, હું ગમે ત્યારે પાછો આવીશ. બાય..! મને અફસોસ છે કે હું તને મળી નહીં શકું. મારે આજે સાંજે તો નીકળી જવું પડશે. સી યુ..!’ રિષભને ખબર નહોતી કે પંકિતએ તો કયારનોયે ફોન કાપી નાખ્યો હતો. એ બેંગ્લોર જવા માટે નીકળી પડે એની પહેલાં જ પંકિત એની જિંદગીમાંથી નીકળી ચૂકી હતી.

………

કામ ધાર્યા કરતાં વધારે ખેંચાયું. ચાર વર્ષનો પ્રોજેકટ સાત વર્ષે માંડ પૂરો થયો. કાર્યસિદ્ધિના ઉમંગથી થનગનતા રિષભે જયારે પોતાના સંશોધનની ફાઇલ ‘બોસ’ ના ટેબલ ઉપર મૂકી, ત્યારે બોસનો ચહેરો ચાર ચમચા દિવેલ પી ગયા હોય તેવો હતો. એમણે એ દિવસનું અખબાર રિષભના મોં ઉપર ફેંકયું, ‘વી આર રુઇન્ડ, મિ.રિષભ! તમે વધારે પડતું મોડું કરીને કંપનીને બરબાદ કરી નાખી. આપણો પ્રોજેકટ ચોરાઇ ગયો! આપણી હરીફ કંપનીએ ગઇકાલે જ નવી મેડિસીનની પેટન્ટ મેળવી લીધી.’ ‘હેં?! કોણે કર્યોએમનો પ્રોજેકટ?’

‘કોઇ સ્ત્રી-વૈજ્ઞાનિકે! સાંભળ્યું છે કે એ છોકરી તમારા કરતાં પણ વધારે જિનિયસ છે. શરૂઆતમાં એ કોઇના પ્રેમમાં હતી ત્યાં સુધી સામાન્ય હતી, પણ પછી કોણ જાણે એને કેવી ચોટ લાગી ગઇ કે એ બધું છોડીને એક ફાર્મા કંપનીમાં જોડાઇ ગઇ! અને…’ ‘સર! એક મિનિટ! શું હું એનું નામ જાણી શકું?’ રિષભ માની શકતો ન હતો કોઇ છોકરી દુનિયામાં એનાથી પણ વધારે તેજસ્વી હોઇ શકે! બોસે તિરસ્કારથી કહ્યું, ‘નામ શા માટે, ફોટો જ જોઇ લો ને! આ રહ્યો છાપામાં!’ રિષભે કંપતા હાથે અખબાર ઉપાડયું. પ્રથમ પાને એ જ ચહેરો મલકી રહ્યો હતો, જેને સાત વર્ષ પહેલાં એ રડતો મેલીને ચાલ્યો ગયો હતો. (શીર્ષક પંકિત : મરીઝ)

Source: દિવ્યભાસ્કર

Advertisements

3 Responses

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: