માણસ ગજબ ગમી ગયો કારણ વગર મને, ગુણદોષનું એ ત્રાજવું કરમાં રહી ગયું

ઘટનાનું વર્ષ યાદ છે, તારીખ, વાર કે મહિનો યાદ નથી. અને યાદ છે એ આદિવાસી સ્ત્રીનાં ગામડિયાં પતિના ઉટપટાંગ જવાબો.
મેં એને પૂછ્યું હતું: ‘નામ શું છે?’ એનો જવાબ હતો: ‘નથ્થુ.’ મેં ચિડાઇને કહ્યું હતું, ‘હું તારું નહીં, તારી ઘરવાળીનું નામ પૂછી રહ્યો છું. દર્દી કોણ છે, તું કે તારી પત્ની?’
‘દરદી તો… હોવ્વે… ઇ તો મારી બૈરી હે…’ એના જવાબમાં ભોળપણ હતું અને ચહેરા ઉપર ગભરાટ. પચીસેક વર્ષ પહેલાંની ઘટના. હું નાનકડા શહેરમાં તાજો જ નોકરીમાં જોડાયો હતો. એ સ્થળ આમ તો પડતું હતું ખેડા જિલ્લામાં, પણ ભૌગોલિક રીતે એનું સ્થાન પંચમહાલ જિલ્લાની સરહદને અડીને આવેલું હતું.
એટલે મારા દરદીઓમાંથી મોટા ભાગના ચરોતરના સુખી અને સમૃદ્ધ પાટીદારો નહીં, પણ પંચમહાલના અભણ અને ગરીબ આદિવાસીઓ હતા. મારા માટે એમનો પહેરવેશ, અજ્ઞાનતા અને ભોટપણું નવી અજાયબીના વિષયો હતા. જો કે ધીમે-ધીમે હું એમની આદિવાસી જાનપદી બોલીથી ટેવાતો જતો હતો.
‘એનું નામ?’
‘લીલી.’ નથ્થુએ પત્નીનું નામ લખાવ્યું. મારી પેન પળવાર માટે અટકી ગઇ. મેં પૂછ્યું, ‘એ તો તું એને લીલી કહેતો હઇશ, પણ સાચું નામ શું છે? લીલાવતી? કે લીલાબહેન? કેસપેપરમાં ‘લીલી’ ન લખાય.’ ‘ચ્યમ નો લખાય?’ એનું નોંમ લીલી જ હે! ને મારું નોંમ નથ્થુ!’ એ જીદ ઉપર આવી ગયો.
મેં જોયું કે એ જયારે-જયારે ‘લીલી’ નામનું ઉચ્ચારણ કરતો હતો, ત્યારે લીલી શરમની મારી લીલી મટીને લાલ બની જતી હતી. બંને કંઇ સાવ તાજા પરણ્યા હોય એવા જુવાન નહોતા લાગતા, મને આનંદ થયો કે દસેક વર્ષના દામ્પત્ય જીવન પછી પણ એક ગ્રામીણ સ્ત્રી શરમાવાની શકિત ગુમાવી બેઠી ન હતી.
નથ્થુએ થેપાડું અને અડધી બાંયવાળુ બાંડિયું પહેરેલું હતું. લીલી મોટા-મોટા પીળા ફૂલની ભાતવાળો લાલચટ્ટાક ઘાઘરો અને લાલ રંગનું બ્લાઉઝ પહેર્યું હતું. એની ઉપર વાદળી રંગની ઓઢણી ધારણ કરેલી હતી.
‘શું તકલીફ છે?’ મારી પૂછપરછ મેં આગળ ધપાવી.
‘તકલીફમાં તો ચંઇયે નોં મલે! અમે તો સોકરા હાટુ આયા સીયેં!’
‘બાળકો નથી થતાં?’
‘હે ને! તંઇણ હે! પણ સોડીયું હે.’ નથ્થુએ ત્રણ-ત્રણ દીકરીઓ હોવાની માહિતી સાવ સહજ ભાવે આપી દીધી, એમાં કયાંય કશો વસવસો ઝલકતો મને ન દેખાયો, પણ આપણાં દેશમાં પ્રવર્તતી પુત્રેષણા એના દિમાગમાં પણ ભારોભાર છલકાઇ રહી હતી, ‘સાયેબ, એક સોકરો તો જોઇયે નેં! મીં હાંભળ્યું હે કે તમે સોકરો જલ્મે એવી દવા આલો હો…’
‘તે ખોટું સાંભળ્યું છે, ભાઇ! હું ડોકટર છું, દેવ નથી કે દીકરી-દીકરાનું આગમન નક્કી કરી શકું. અને આવી કોઇ દવા વિશ્વભરમાં કયાંય હોતી પણ નથી. મારા કેટલાંયે હોશિયાર, અનુભવી, અલગ-અલગ તબીબી શાસ્ત્રોના નિષ્ણાતો યુગોથી ગવાયેલા ઔષધિય પ્રયોગો કરી કરીને થાકી ગયા, પણ એમાંથી એક પણ ચિકિત્સા પદ્ધતિ સો ટકા જેવું અચૂક પરિણામ મેળવી શકી નથી.
જો દવાથી દીકરાઓ જન્મતા હોત તો આ પૃથ્વી અત્યારે સ્ત્રી-વિહોણી થઇ ચૂકી હોત! હું બહુ બહુ તો તમને કેટલાંક બિનતબીબી પ્રયોગો સૂચવી શકું. તને શ્રદ્ધા પડે તો અજમાવી જો, ફળ આપવું ઇશ્વરના હાથમાં છે.’ મેં આ વાત બની શકે એટલી તળપદી ભાષામાં, એને સમજાય એ રીતે કહી હતી. ઉપરના વાકયો તો વાંચકોને સમજાતી ભાષામાં લખેલા છે.
નથ્થુ અને લીલી સંમત થઇ ગયા. મેં કેસપેપર માટે પૂછપરછ આગળ વધારી, ‘તમારી ત્રણેય દીકરીઓની ઉંમર જણાવો, સુવાવડો ઘરે થઇ હતી કે દવાખાનામાં? ડોકટરના હાથે કે દાયણ દ્વારા? કંઇ તકલીફ પડી હતી?’
નથ્થુ વિચારમાં પડી ગયો, ‘ઉમરમાં તો ચેવું હે સાયેબ… કે હૌથી મોટી મંગુ જલ્મી ત્યારે અમારા ગોંમમાં ભવાયા ખેલ લઇને આવ્યા’તા!’ એનો જવાબ સાંભળીને હું મૂંઝાઇ ગયો. એના ગામમાં ભવાયા કયારે રમવા માટે આયા હશે એ હું શી રીતે નક્કી કરી શકું? ‘વર્ષ કયું હતું?’
‘ઇ મું થી જાણતો.’ નથ્થુએ હાથ, અઘ્ધર કરી દીધા. ‘અને બીજી દીકરી કેવડી થઇ છે?’
‘વચેટ ચંપાડી જલ્મી ત્યારે ખેતરોમાં મકાઇ ઊભી હતી. ચેટલે હુધી કઉ? એ… મારી કેડય સુધી…!’ નથ્થુએ જમણો હાથ એની કમર ઉપર મૂકયો. હું શહેરનો જીવ. વેકેશનોમાં ગામડામાં અવાર-નવાર ગયેલો, પણ મકાઇનો છોડ કઇ ઋતુમાં કેટલો ઊચો થાય એનું જ્ઞાન મને કયાંથી હોય? અને મકાઇ તો દર વરસે પાકતી હોય! એમાં ચંપા કુંવરીની ઉમરનો મેળ કયા વર્ષની મકાઇ સાથે બેસાડવો?
સૌથી નાની દીકરી લખુડીની બાબતમાં પણ આવું જ હતું. નથ્થુને બરાબર યાદ હતું કે જયારે ગામના સરપંચના જુવાનજોધ દીકરાને ખેતરમાં ‘વેંછી’ કરડયો’ તો, બરાબર એ દિવસે સાંજે લખમીનો ‘જલમ’ થયો હતો.
એક તરફ મારા કેસપેપરની વિગતો અધૂરી રહેવાને કારણે મારી મૂંઝવણ વધતી જતી હતી, તો બીજી તરફ આ નખશિખ ભારતીય ભોળપણના પ્રતિનિધિ જેવા બે ગામડિયા પતિ-પત્ની મને વધુ ને વધુ ગમ્યે જતાં હતાં.
હું વિચારી રહ્યો હતો: દુનિયા અત્યારે કયાં જઇ પહોંચી છે! અને આ લોકો હજુ ઘડિયાળ કે કેલેન્ડર સુધી પણ પહોંચ્યા નથી! આ વાત ઓગણીસ સો બ્યાંશીની છે, એ વખતે આપણો દેશ હજુ કમ્પ્યૂટર-યુગમાં પ્રવેશ્યો ન હતો, પણ માનવી ચંદ્રમા ઉપર પગલાં પાડી ચૂકયો હતો. સમયની ગણતરી ક્ષણના કેટલામાં ભાગમાંથી થતી હશે ત્યારે અવકાશયાનના મિશનમાં સફળતા પ્રાપ્ત થતી હશે?
આઇન્સ્ટાઇનના પ્રતાપે અત્યાર સુધી ચાલતા આવેલા થ્રી-ડાઇમેન્શનનાં વિશ્વમાં ‘સમય’ નામનું ચોથું પરિણામ ઉમેરાઇ ચૂકયું હતું, જયારે આ દેશની મોટા ભાગની પ્રજા હજુ પણ પોતાના જીવનની મહત્ત્વપૂર્ણ તવારીખને ભવાયા, મકાઇ કે વિંછી કરડવાની ક્ષુલ્લક ઘટનાઓ સાથે જોડી રહી હતી! (આજે પણ આ બાબતમાં ઝાઝો ફેરફાર થયો નથી. ઇ-ગવર્નન્સ માત્ર પાટનગરના કેન્દ્ર સુધી જ સીમિત રહેલું હોય છે. અમદાવાદથી ફકત પચાસ કિ.મી. દૂરના ગામડાઓની હાલત પ્રધાનો કરતાં આપણે વધારે જાણીએ છીએ!)
મેં થોડીક દવાઓ આપી, બે-ચાર દેશી નુસખા બતાવ્યા. નથ્થુ અને લીલી વિદાય થયાં. બે મહિના પછી લીલી બુન ગર્ભવતી થઇને મારી સારવાર માટે પાછા આવ્યાં. અભણ હોવાં છતાં એ દંપતી દર મહિને એક વાર અચૂક મારી પાસે ચેક-અપ માટે આવતું રહ્યું. આ વખતે તો સુવાવડ પણ એમણે હોસ્પિટલમાં જ કરાવવાનું નક્કી કર્યું હતું.
એક દિવસ વરસાદી બપોરે લીલી લેબરરૂમમાં દાખલ થઇ. ધોધમાર વરસાદ ચાલુ હતો, વચ્ચે મહીસાગર બે કાંઠે વહેતી હતી, તો પણ નથ્થુ એની ‘બૈરી’ને લઇને આવી પહોંરયો! બે કલાકમાં તો સુવાવડ થઇ ગઇ. મેં અંધારામાં તાકેલું નિશાન સાચું પડયું. લીલીને દીકરો જન્મ્યો.
હું એની પ્રસૂતિમાં રોકાયેલો હતો, ત્યાં વોર્ડ બોય કાળુ અચાનક રૂમમાં ધસી આવ્યો, ‘સાહેબ! સાહેબ! વરસાદ તો ભારે જામ્યો છે! ઉપરવાસમાં આભ ફાટયું છે. ગામનું તળાવ ફાટવાની તૈયારીમાં છે.
પૂરનાં પાણીમાં એક દસ હાથ લાંબો મગર તણાઇ આવ્યો છે. આખું ગામ એને જોવા માટે ઊમટી પડયું છે. તમારે નથી જાવું?’ ‘ના, એવા મગરો બહુ જોઇ લીધા! મને મારું કામ કરવા દે!’ મેં કડક અવાજે કહ્યું, કાળુ સરકી ગયો.
નથ્થુ ખુશ હતો, એના કરતાં વધારે ખુશ લીલી હતી.દીકરો જન્મ્યો એટલે હવે પાંચમી પ્રસૂતિની પળોજણમાંથી બાપડી છૂટી ગઇ હતી. એ બેયની ખુશી જોઇને હુંયે ખુશ હતો.
આજે પણ એ ભોળિયા નથ્થુ અને લીલીનાં ચહેરાઓ મને યાદ છે. અને યાદ છે એ ઘટનાનું વર્ષ. પણ મહિનો, તારીખ અને વાર હું ભૂલી ગયો છું.
અલબત્ત, એટલું મને ચોક્કસ યાદ છે કે લીલીનો દીકરો ત્યારે જન્મ્યો હતો, જયારે ગામનાં તળાવમાં મગર તણાઇ આવ્યો હતો! લીલીનાં રાજકુંવરની ઊંમર નક્કી કરવાનું સહેલું કામ હું મારા વાંચકો ઉપર છોડું છું.’
(શીર્ષક પંકિત:- હેમેન શાહ)

Source: દિવ્યભાસ્કર

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: