‘નાઝિર’ મળી ગયાં એ સ્વયં માર્ગમાં મને, ના જાણ, ના પિછાણ, મુકદ્દરની વાત છે

મેં ઘડિયાળમાં જોયું. સાડા ચાર વાગ્યા હતા. મેં મુસ્લિમ ડ્રાઇરને કહ્યું, ‘ચાચા, જીપ નિકાલો! દસ મિનટમેં નિકલના હૈ.’
‘કિધર જાના હૈ, સા’બ? મંદિરકી તરફ? કિ બગીચે કી ઓર?’ બુઢ્ઢા ઇસ્માઇલ ચાચાનું બોખું મોઢું દરેક વાતમાં સવાલો બહુ પૂછતું હતું. બીજો કોઇ સામાન્ય દિવસ હોત તો હું અવશ્ય ચીડાઇ ઊઠયો હોત, પણ એ દિવસ સામાન્ય ન હતો, બીજા બધાં માટે હોઇ શકે, પણ મારા માટે ન હતો, અને હું મારી જિંદગીના આ ખાસ દિવસે કોઇને દુભવવા કે દુ:ખી કરવા માગતો ન હતો. ઇસ્માઇલ ચાચા ડાંટ ખાવામાંથી બચી ગયા.
મેં ફટાફટ હાથ ઉપરના દર્દીઓને પતાવતાં ટૂંકો ને ટચ ઉત્તર આપ્યો, ‘ચાચા, સ્ટેશન જાના હૈ. પાંચ બજે કી બસ પકડની હૈ.’
‘અમદાવાદ જાણેકા હૈ?’ ઇસ્માઇલચાચાની દાઢી હલી. ‘હા, અમદાવાદ જાના હૈ. ચાચા, હમારે પાસ વકત બહુત કમ હૈ. મૈં અપના બેગ તૈયાર કરકે સાથ લેકર હી આયા હૂં. આપ જાઇએ ઔર જીપ નિકાલિયે, તબ તક મૈં યે ઓ.પી.ડી. ખત્મ કર લૂં.’
મારી પચીસ વર્ષની ઉમર હતી અને નોકરીની શરૂઆતના દિવસો હતા. મારી નવી-નવેલી પરણેતરને મારા માતા-પિતાની સાથે અમદાવાદમાં છોડીને હું આ નાનકડાં શહેરની જનરલ હોસ્પિટલમાં આવી ગયો હતો. આજુબાજુનો વિસ્તાર તદ્દન પછાત હતો અને બસો-અઢીસો ગામોમાં કવોલિફાઇડ ગાયનેકોલોજિસ્ટની સેવાઓ ઉપલ્બધ ન હતી. એટલે કામનો બોજો સતત મારી ઉપર મંડરાતો રહેતો હતો. મારી મૂળ પ્રકતિ છે સિંહની જેમ આરામ ફરમાવવાની, પણ અહીં મારે ગધેડાની જેમ કામ ખેંચવું પડતું હતું.
આમ કહેવા પૂરતું શહેર હતું, પણ સગવડોની બાબતે એ ગામડું જ હતું. નાસ્તા માટે પાર્લેના બિસ્કિટ પણ મળતા ન હતા, આઇસક્રીમનો તો સ્પેલિંગ પણ ભૂલાવા આવ્યો હતો. પણ એ દિવસ મારા માટે ખાસ હતો. અમદાવાદ જવું જ છે એવો અંતર્નાદ સવારથી જ મનની ભીતરે ગૂંજવા માંડયો હતો. મેં ક્ષણે-ક્ષણનું પાકું આયોજન વિચારી લીધું. બપોરે એક વાગ્યે જ આર.એમ.ઓ. ડૉ. કાપડિયા સાથે વાત કરીને એમને પટાવી લીધા હતા. ડૉ. કાપડિયા આમ ગભરાટિયા માણસ, પણ આમ મારા મિત્ર પણ ખરાં. એમની સાથે મેં કરેલો શબ્દશ: સંવાદ કંઇક આ પ્રમાણે હતો: ‘મહેતા સાહેબ, વિચારું છું કે આજે અમદાવાદ જાઉ.’ ‘કેમ, રજા પાડવી છે?’
‘ના, રજા બગાડવી પાલવે તેમ નથી, આજ સાંજ સુધીમાં કામ કરું અને પછી… પાંચ વાગ્યાની બસમાં… અનઓફિશિયલી… યુ નો? અને આવતી કાલે મારો ‘વીકલી ડે ઓફ’ આવે છે. એટલે આજનો અડધો દિવસ ગુલ્લી મારવાનો વિચાર છે.’ મેં આંખ મીંચકારતાં મારો ‘એકશન પ્લાન’ રજૂ કર્યો. આ વાતની આમ જુઓ તો નવાઇ ન હતી. બીજા ડૉકટરો તો અવાર-નવાર આવો ગેરલાભ લેતા હતા. હવે મને જાણ થઇ કે આખા દેશનું સરકારીતંત્ર આવી ગોઠવણો અને ગુપ્ત સમજૂતીઓ ઉપર જ ચાલે છે.
ડૉ. મહેતાએ લાલ બત્તી ધરી દીધી, ‘ધારો કે તમે ગયા, પાંચની બસમાં બેસીને રવાના થયા, હું આ વાત બધાંથી ખાનગી રાખું, પણ પછી અચાનક રાતનાં બાર વાગે ઇમરજન્સી કેસ આવી ચડે તો પોલ ખૂલી જાય એનું શું? તમે ચીફ મેડિકલ ઓફિસરના કાને વાત…’
‘ના, સી.એમ.ઓ. ડૉ. કોઠારી બહુ જટિલ અને અટપટો માણસ છે. એ પોતાનાં બૈરી-છોકરાં સાથે અહીં રહે છે એટલે એને મારા જેવા એકલા માણસની મુશ્કેલીઓ સમજાતી નથી. એને પૂછવા કરતાં તો હું અમદાવાદ જવાનું રદ કરી નાખવું વધારે પસંદ કરું.’
‘તો બીજી કોઇ છટકબારી બતાવો!’
‘છે. છટકબારી છે. હું તો આજે સાંજે અદ્દશ્ય થઇ જાઉ છું. મારા ગયા પછી અચાનક કોઇ કેસ આવે અને મારી ગેરહાજરી પકડાઇ જાય તો તમારે કહી દેવાનું કે હું ‘કેઝ્યુઅલ લીવ’ની અરજી મૂકીને ગયો છું. પછી ભલે મારી એક સી.એલ.નો ભોગ લેવાઇ જતો!’ ‘પણ તમારા હાથની લખેલી સી.એલ.ની અરજી હોવી જોઇએ ને?’
‘હોવી જોઇએ નહીં, આ રહી…!’ મેં અંગ્રેજીમાં ડ્રાફટ કરેલી અધિકત અરજીનો પત્ર ડૉ. મહેતાના હાથમાં મૂકી દીધો, પછી ઉમેર્યું, ‘આજ રાત પૂરતી જ વાત છે. કાલે સવારથી તો મારો અઠવાડિક ડે-ઓફ શરૂ થઇ જાય છે. જો રાત સહીસલામત રીતે વીતી જાય તો કાલે સવારે આ કાગળ તમે ફાડી નાખજો.’
ડૉ. મહેતાએ પૂરેપૂરા સહકારનું વચન આપ્યું એ પછી હું ઉપર મારા રાજમહેલ જેવડા વિશાળ કવાર્ટરમાં ગયો. વાસ મારતું ભોજન જમ્યો. બેગ તૈયાર કરી. બપોરે ચાર વાગે ઓ.પી.ડી.માં આવ્યો. બે કલાકમાં તપાસી શકાય એટલા દર્દીઓ અડધા કલાકમાં પતાવી દીધા. સાડા ચારે જયારે હાથમાં બેગ પકડીને હું બિલ્લી પગલે હોસ્પિટલની કોરિડોર વટાવી રહ્યો હતો, ત્યારે બે નંબરની રૂમમાં બેઠેલ ડૉ. મહેતા મને જોઇ ગયા.
શર્ટના ખિસ્સામાં સંતાડેલો રિપોર્ટ બતાવીને એમમે બે આંગળી ‘વી ફોર વિકટરી’ની મુદ્રામાં ઊચી કરી, પછી અચાનક એમને શું સૂઝ્યું તે એ ઊભા થઇને બહાર આવ્યા. હું જીપમાં બેસી ચૂકયો હતો, ત્યાં આવીને ધીમા સાદે પૂછવા માંડયા, ‘બસ, જાવ છો? પણ એક વાત પૂછવાની રહી જ ગઇ. આમ અચાનક અડધા દિવસની ગાપચી મારીને અમદાવાદ નાસી જવા માટેનું કારણ શું એ તો કહેતા જાવ!’ એમની આંખોમાં એજ પ્રશ્નપત્ર તબકી રહ્યું હતું, જે મારી બાજુમાં બેઠેલા ઇસ્માઇલ ચાચાની આંખોમાં હતું. ‘ડૉ. મહેતા, ટુડે ઇઝ એ સ્પેશિયલ ડે ઇન માય લાઇફ. આજે મારો જન્મ દિવસ છે. મારો પરિવાર અને મારા મિત્રો પાર્ટીની તૈયારી સાથે મારી વાટ જોઇ રહ્યા હશે. મારી જિંદગીની સિલ્વર જયુબિલી હું ટિફિનના ભાખરી-શાક ખાઇને ઊજવવા નથી માગતો. બાય… એન્ડ ટેક કેર!’
”’ બરાબર પાંચ વાગે બસ આવી. અંદરના આદિવાસી વિસ્તારને ચીરીને એક ખખડેલ એસ.ટી.બસ આવી હતી. ઇસ્માઇલ ચાચા જીપને થોડેક દૂર પાર્ક કરીને મારી બેગ પકડીને ઊભા હતા.
મેં એમને આદેશ આપ્યો, ‘અબ આપ જાઇએ, મૈં બસમેં ચઢ જાઉગા.’
‘નહીં, સા’બ! મૈં નહીં જાઉગા. જબ તક બસ ઊપડેગી નહીં, મૈં યહાં ખડા રહૂંગા. મેરા બિસ સાલોં કા તજુર્બા હૈ, કઇ બાર ઐસા હુવા હૈ કિ બસ કે ટાયરમેં પંકચર પડ ગયા ઔર ડૉકટર કો વાપસ લે જાના પડા…’ ઇસ્માઇલ ચાચા બોલતા રહ્યા. અંદરથી આદિવાસી સ્ત્રી-પુરુષોનો સમૂહ બહાર ઠલવાતો રહ્યો. ‘સાહેબ!’ અચાનક મારા કાન પર એક અવાજ અથડાયો. એક ગામડિયો પુરુષ મને પૂછી રહ્યો હતો, ‘દવાખાનું કઇ તરફ આયું? અમે અજાણ્યા છીએ એટલે પૂછવું પડે. ‘કેમ, દવાખાનાનું શું કામ પડયું?’
‘સાહેબ, મારી છોકરી બે દા’ડાથી કહટાય સે. અમારા મુવાડાના દાયણે હાથ અઘ્ધર કરી દીધાં કે બચ્ચું આડું સે એટલે ઓપરેશન કરવું પડશે. શહેરમાં લઇ જાવ. સાંભળ્યું સે કે દવાખાનામાં કોઇ જુવાન દાગતર નવા-નવા આયા સે. હારા સે એમ કે’વાય સે! સાહેબ, જરા દવાખાનાની દશ્ય ચીંધી આલો ને, બાપ! નંઇતર મારી સોકરીનો જીવ નેંકળી જાહેં!’ એણે જેની તરફ આંગળી ચીંધી એ પ્રસૂતા યુવતીનો પ્રાણ ત્યાં જ નીકળી જાય તેવું લાગતું હતું. આ બાઇ દવાખાના સુધી ચાલતાં કેવી રીતે પહોંચશે? રિક્ષા તો ત્યાં હતી જ નહીં.
‘ઇસ્માઇલ ચાચા, ઇન લોગોં કો જીપ મેં બિઠા લો. મૈં ભી વાપસ ચલતા હૂં.’ મેં સૂચના આપી.’
ઇસ્માઇલ ચાચો જબરો નીકળ્યો. દાઢી પર હાથ ફેરવતાં ફેરવતાં એક એવો સવાલ એ પૂછી બેઠો જેનો જવાબ એ જાણતો હતો, ‘સા’બ, આપ કો તો અહમદાબાદ જાના થા ના? મહેતા સા’બ કે પાસ આપ કા સી.એલ. રિપોર્ટ ભી પડા હૈ. વો ઇન લોગોં કો કહીં દૂસરે શહરમેં રિફર કર દેંગે. આપ કયું રૂક ગયે? આપકા તો આજ જનમ દિન હૈ…?’ ‘ચાચા, જયાદા સવાલ મત કરો! મેરા તો જનમદિન હૈ લૈકિન એક નન્હીં જાનકા તો આજ જનમ હોને વાલા હૈ. એક ડૉકટર અપને જનમ દિવસ કો કિસીકા મૃત્યુ દિવસ કૈસે બના સકતા હૈ?’ મારો જવાબ સાંભળીને ચાચો દોડયો, જીપ ચાલુ કરીને છેક બસ સ્ટેશનની અંદર લઇ આવવા માટે.’ (શીર્ષક પંકિત: ‘નાઝિર’.)

Source: દિવ્યભાસ્કર

Advertisements

One Response

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: