પાણી જ કયાં વર્તાય છે દરિયાથી રણ સુધી, લીલી તરસ સૂકાય છે દરિયાથી રણ સુધી

ત્રીસ વર્ષથી મિજાજ જયારે પહેલી વાર ‘ચેક અપ’ માટે આવી, ત્યારે એની સાથે એક પંચાવનેક વર્ષની દેખાતી સ્ત્રી પણ હતી અને મિજાજનો પતિ હોય એવો લાગતો એક યુવાન પણ હતો.
‘સર, મારું નામ મિજાજ પટેલ છે. આ મારો હસબન્ડ મંદાર છે અને આ મારાં…’
‘એક મિનિટ! એ કોણ છે તે મને કહેવા દો! એ તમારાં સાસુ નહીં, પણ મમ્મી છે, બરાબર ને?’
મા-દીકરી બંને હસી પડયાં. મંદાર આશ્ચર્યમાં પડી ગયો, ‘તમને કેવી રીતે ખબર પડી ગઇ કે એ મારા નહીં, પણ મિજાજનાં મમ્મી છે?’
‘કૌટુંબિક સગપણો ક્રોકરીના સેટ જેવા હોય છે, પ્લેટ અને બાઉલના કદ અને આકાર ભલે જુદા હોય, પણ એની બનાવટમાં વપરાયેલો કાચ એક જ હોય છે.
મિજાજ અને એનાં મમ્મીની મોં-કળા કહી આપે છે કે એ બેયની વચ્ચે ઘડો અને ઠીકરીનો સંબંધ છે.’ મેં ખુલાસો કર્યો.
કયારેક ડૉકટર અને દરદીની વચ્ચે આવી નાની-નાની વાતો એક ખુલ્લું વાતાવરણ રચી આપે છે. તદ્દન અજાણ્યા લોકો એકાદ-બે મિનિટની આવી અનૌપચારિક વાતચીતથી અચાનક નિકટ આવી જાય છે. દરદીનો ડર પણ નીકળી જાય છે અને સંકોચ પણ.
‘બોલો, શા માટે આવવું પડયું?’ મેં હવે મુદ્દાની વાત છેડી. ‘પ્રેગ્નન્સી છે કે નહીં એ નક્કી કરાવવા માટે આવ્યા છીએ.’ મિજાજનાં મમ્મી મધુબહેને કહ્યું. મેં કેસ પેપરમાં વિગતો નોંધવાની શરૂઆત કરી: નામ: મિજાજ મંદાર પટેલ. ઉમર: ત્રીસ વર્ષ પૂરા. રહેઠાણ: આનંદનગર પાસેની એક સોસાયટીમાં આવેલો છ નંબરનો બંગલો. મને આશ્ચર્ય થયું, ‘આનંદનગર તો છેક પ્રહ્લાદ પાર્ક તરફ આવેલું છે.
ત્યાં તો મારા ઘણાં બધાં ડૉકટર મિત્રો પ્રેકિટસ કરે છે. આટલી અમથી મામૂલી વાત માટે તમે છેક નદીની આ બાજુ શા માટે આવ્યાં?’ મારો સવાલ સાવ સહજ રીતે પૂછાયેલો હતો, પણ મને શી ખબર કે એમાં છુપાયેલું તીર ત્રણમાંથી બે વ્યકિતઓનાં મર્મસ્થાને વાગી જશે? મધુબહેન ખામોશ થઇ ગયા અને મિજાજ નીચું જોઇ ગઇ.
જવાબ મંદારે આપ્યો, ‘આનંદ નગરમાં મારો બંગલો છે. પણ મિજાજનાં મમ્મી-પપ્પાનું ઘર કાંકરિયા વિસ્તારમાં છે. અમારામાં એવો રિવાજ છે કે પહેલી સુવાવડ પિયરમાં જ થાય. એટલે મેં તો મારા સાસુને કહી દીધું કે શરૂઆતથી જ તમારી દીકરીને તમારા વિસ્તારના ડૉકટર પાસે લઇ જાવ, જેથી કરીને પાછળથી ડૉકટર બદલવાની કડાકૂટ ન કરવી પડે.’
વાત તર્કબદ્ધ હતી, પોચા શીરાની જેમ ગળે ઊતરી જાય એવી. પણ મારા ગળે ન ઊતરી. મંદારના બોલવામાં, એની રજૂઆતમાં, એની આંખોમાં, એના હાવભાવમાં કશુંક એવું હતું જે મને ખૂંચી ગયું. સૌથી વધારે ખૂંચે એવી વાત એ હતી કે આ ખુલાસો મધુબહેનની જીભેથી ટપકવો જોઇતો હતો, મંદારના મુખેથી નહીં! મેં મિજાજનું ‘ચેક અપ’ કરીને વધામણી ખાધી, ‘કોંગ્રેરયુલેશન્સ! શી ઇઝ પ્રેગ્નન્ટ…’ એ સાંભળીને ત્રણ ખૂણેથી ત્રણ પ્રતિક્રિયાઓ જોવા મળી.
મિજાજનો રૂપાળો ચહેરો ખુશીથી ખીલી ઊઠયો. મધુબહેનનાં મોં પર પ્રસન્નતા પણ આંખોમાં દીકરીની તબિયત સાચવવી પડશે એ વાતની ચિંતા ઊપસી આવી. અને મંદાર? મંદાર કશું જ બોલ્યા વગર ‘હું જરા ગાડી ર્ટન કરીને તમારા માટે વેઇટ કરું છું.’ એમ બબડતો બહાર નીકળી ગયો.
હું સમજી ગયો. એ મારી કન્સિલ્ટંગ ફી ચૂકવવાની જવાબદારી સાસુમા ઉપર ઢોળી દેવા માગતો હતો. પેંડા ખાવાના સમાચાર સાંભળી લીધા, હવે પેંડાનું બિલ કોણ ભરે? મધુબહેને એમનાં ટચૂકડાં પાકીટમાંથી પૈસા કાઢીને મને આપ્યાં, પછી મા-દીકરી જવા માટે ઊભાં થયાં. જતાં-જતાં મધુબહેન ઊતરેલા ચહેરે બોલતાં ગયાં, ‘અમારા જમાઇ જરા… કંજૂસ છે… એમના વર્તન તરફ ન જોશો, સાહેબ! હવે દર મહિને હું જ મારી દીકરીને લઇને આવીશ… અમારામાં પહેલી સુવાવડ પિયરમાં કરાવવાનો રિવાજ …’
મા-દીકરી ગયાં. કયાંય સુધી મંદારનું ગણતરીબાજ વર્તન મારા દિમાગમાં ઘૂમરાતું રહ્યું. રિવાજ… રિવાજ… રિવાજ…! આ ‘રિવાજ’ નામનાં રૂક્ષ, કટુ અને અસભ્ય શબ્દ આગળ ‘મિજાજ’ નામની નમણી, રૂપાળી અને યુવાન સ્ત્રીનું કશું જ મહત્ત્વ નહીં?
એ પછી મિજાજ નિયમિતપણે મારી પાસે ‘ચેક-અપ’ માટે આવતી રહી. જયારે ગર્ભાવસ્થાની મુદત અઢી-ત્રણ મહિનાની થઇ ત્યારે એક દિવસ એને રકતસ્રાવ થયો. સોનોગ્રાફીની તપાસમાં જાણવા મળ્યું કે એની પ્લેસેન્ટા ગર્ભાશયમાં નીચેના ભાગે છેક મુખ ઉપર રહેલી છે. મેં એને ‘કમ્પ્લિટ બેડ રેસ્ટ’ કરવાની સલાહ આપી.
‘આરામ કરવાથી સારું થઇ જશે ને?’ મિજાજ પૂછતી હતી. ‘હા, પણ જો તું કોઇ જોખમ લેવા ન માગતી હોય તો કેટલાંક અઠવાડિયા સુધી મોંઘા ઠંડકના ઇન્જેકશનો પણ લેવા પડશે.’ મેં સલાહ આપી. એણે સંમતિ આપી. મેં પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું. એણે મારે ત્યાંથી જ સેલફોન પર મંદાર સાથે વાત કરી. મોંઘી દવા વિશે સાંભળીને મંદાર ભડકયો, ‘આ બધો ખર્ચોતો તારાં પિયરવાળાએ કરવાનો હોય. તું એક કામ કર, હમણાં એકાદ મહિના માટે તારી મમ્મીનાં ઘરે જ ચાલી જા. ત્યાં તને આરામ પણ મળશે… અને આપણો રિવાજ પણ સચવાશે…’
મધુબહેનની આંખોમાં કચવાટ હતો, મિજાજની આંખોમાં આંસુ અને મારા મન પર આઘાત. એ પછીનો પૂરો સમયગાળો મિજાજે પિયરમાં જ પસાર કરવો પડયો. મધુબહેન દર મહિને એને લઇને ‘ચેક અપ’ માટે આવતાં રહ્યાં. લોહીની અને પેશાબની તપાસ, જરૂર પડે ત્યારે સોનોગ્રાફી દ્વારા પરીક્ષણ, મોંઘીદાટ દવાઓ, આરામ અને પૌષ્ટિક આહાર આ બધું જ એમની ઉપર આવી પડયું.
આ તમામ ફરજો બજાવવામાં એમને કોઇ વાંધો ન હતો, માત્ર એક જ બાબત એમને ખૂંચતી હતી, જમાઇને એમની કદર ન હતી. મંદાર ભાગ્યે જ પત્નીને ખબર પૂછવા માટે એમનાં ઘરે જતો હતો. ફોન પણ જવલ્લે જ કરતો અને દરેક વખતે આટલું કહેવાનું તો એ ચૂકતો જ નહીં, ‘તને એ વાતની જાણ છે ને કે ડિલિવરીનો બધો જ ખર્ચ તારાં પપ્પાએ કાઢવાનો છે?’
મંદારની આર્થિક સ્થિતિ તગડી હતી. મિજાજ પાસેથી ટુકડે ટુકડે માહિતી મારા કાનોમાં ઠલવાતી રહી: શહેરના સૌથી મોંઘા વિસ્તારમાં એક હજાર વારનો પ્લોટ હતો. વિશાળ બંગલો હતો. બંગલાની કિંમત ત્રણેક કરોડથી ઓછી નહીં હોય. ગાડી, દાગીના, બેન્ક બેલેન્સ બધું જ હતું. જો કમી હતી તો માત્ર સ્વભાવની, ઉદારતાની, સ્ત્રી-સન્માનની અને લાગણીની ભીનાશની હતી. મંદાર બંગલામાં એકલો જ હતો.
એના મમ્મી-પપ્પા નાનાં દીકરાની સાથે મુંબઇમાં રહેતા હતા. એમના તરફથી પણ કયારેય મિજાજ ઉપર ફોન આવતા ન હતા. નવ મહિના પૂરા થયા. મિજાજને પ્રસૂતિ માટે દાખલ કરવામાં આવી. ગર્ભસ્થ બાળકનું વજન વધારે હતું અને પ્રસૂતિનો માર્ગ સાંકડો. એટલે સિઝેરિયન કરવાનો નિર્ણય લેવો પડયો. મંદાર જરાક મોડો પડયો. એને કહેવામાં આવ્યું હોવા છતાં પણ એ મોડો પડયો. ત્યાં સુધીમાં મારે ઓપરેશન શરૂ કરી દેવું પડયું. મિજાજે તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો.
આયા બહેન બાબાને લઇને વધામણી ખાવા માટે બહાર ગયાં, ‘લો, મંદારભાઇ! તમે પપ્પા બન્યા! દીકરાને હાથમાં ઊચકો…’ ત્યાં તો મંદાર ભડકીને ભાગ્યો. ‘હું કામ છે એટલે જાઉ છું. બાબાને મારા સાસુના હાથમાં મૂકો!’ જો આ ઘટના નજરોનજર જોઇન ન હોય તો માનવા માટે અઘરી પડે.
જગતનો આ પહેલો બાપ હતો જે અગિયાર, એકવીસ કે એકાવન રૂપિયાની બચત માટે પોતાના પ્રથમ સંતાનને હાથમાં ઊચકવાથી દૂર ભાગી રહ્યો હતો. મધુબહેને છોકરાને ખોળામાં સુવાડયો, પછી નાનકડાં પાકીટમાંથી મોટી રકમ બહાર કાઢી. એનેસ્થેસિયા, દવાના પૈસા, હોસ્પિટલનું બિલ બધું મિજાજનાં પપ્પાએ ભર્યું. બાળકોનાં ડૉકટરની ફી, વેકિસનનો ખર્ચ પણ મિજાજનાં પિયરપક્ષે ભોગવ્યો.
દરેક પ્રસંગે મંદાર ભૂત જોયું હોય તે રીતે ભાગતો રહ્યો. ””નામ શું પાડીશું બાબાનું?’ એક સાંજે મિજાજે વાત કાઢી, ‘એની રાશિ તુલા આવે છે. ‘ર’ અને ‘ત’ અક્ષર પરથી નામ પાડી શકાય. મંદાર, મને તીર્થ નામ ગમ્યું છે. આપણે દીકરાનું નામ તીર્થ રાખીશું?’ ‘છટ્! તીર્થ તો સાવ જૂનું અને ધાર્મિક નામ લાગે છે. મારે તો એનું નામ રોની પાડવું છે.’ ‘રોની? પણ મંદાર…’ ‘શટ અપ! મારે તારી એક પણ દલીલ નથી સાંભળવી. આ મારો દીકરો છે અને એનું નામ પાડવાનો અધિકાર ફકત મારો જ છે. હું એનો બાપ છું, સમજી?’ જાડા, હટ્ટાકટ્ટા મંદારની આંખોમાં અંગારા ઝબૂકી રહ્યા.
મિજાજે ઘણી કોશિશ કરી, પણ આંખોના કૂવાઓમાં ફૂટતાં ખારા જળનાં પ્રવાહને એ ખાવી ન શકી, આ દેશમાં, આ પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીની હાલત આવી જ રહેવાની! નવ-નવ મહિના સુધી સતત ‘રિવાજ-રિવાજ’નું રટણ કરતો રહેલો મંદાર અત્યારે અચાનક બાપ તરીકેના અધિકારની વાતો કરવા માંડયો? મિજાજ પોતાનાં મિજાજ પરનો કાબૂ ખોઇ બેઠી, ‘મંદાર, તું એનો બાપ છે, પણ આ દીકરો મારો પણ છે. હું એનું નામ તીર્થ જ રાખવાની છું. જો તું સહેજ પણ આડો ફાટવાની કોશિશ કરીશ તો અમને બંનેને ગુમાવી બેસીશ!’ (શીર્ષક પંકિત: બાબુ પટેલ)

Source: દિવ્યભાસ્કર

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: