છાતીમાં ઘુમરાતી ખાંસી જેવો કયારેક, કયારેક બેગમ અખ્તર જેવો માણસ છે આ

રાજુ સરવૈયા નામનો માસૂમ છોકરો. ફકત આઠ જ વર્ષની ઉમર. સૌરાષ્ટ્રના સાવ નાનકડાં ગામનાં ગરીબ પરિવારનું ફૂલ. પ્રથમ નજરે જ ગમી જાય એવો રૂપાળો ચહેરો. ઇશ્વરને પણ ગમી ગયો.
કદાય એટલે જ એણે બ્લડ કેન્સર નામની બીમારી આ નાનકડા જીવનાં સરનામે મોકલી આપી. સાથે સંદેશ પણ, ‘તારા વિના સ્વર્ગ ખાલી-ખાલી લાગે છે. આ કેન્સર નામની ટપાલ મળે કે તરત જ રૂબરૂ આવી જજે.’
રાજુના પરિવારમાં ખળભળાટ વ્યાપી ગયો. ડોકટરના મુખેથી નીકળેલું નિદાન સાંભળીને સૌથી પહેલી પ્રતિક્રિયા આઘાતરૂપે જન્મી. પછી આક્રંદ. અને પછી લાડકા દીકરાના પ્રાણ બચાવવા માટેની દોડધામ શરૂ થઇ ગઇ.
ડૉકટરોએ સ્પષ્ટ રીતે જણાવી દીધું, ‘દીકરાના બુઝાતા દીપકમાં તેલસિંચન કરવું હોય તો આમતેમ, આડાઅવળા કયાંય પણ જવાને બદલે સીધા અને કેન્સર હોસ્પિટલમાં લઇ જાવ.’
‘એ કયાં આવી?’ રાજુના પિતા લક્ષ્મણભાઇએ પૂછ્યું.
‘અમદાવાદમાં. સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં. હોસ્પિટલ નથી, પણ મંદિર છે અને ત્યાંના ડિરેકટર ડૉ. પકંજ શાહ મુખ્ય પૂજારી છે. જો તમારા રાજુના કિસ્મતમાં વધારે જીવવાનું લખાયું હશે તો એની સારવાર માત્ર ત્યાં જ કરાવવી પડશે.’
જૂનાગઢ જિલ્લાના અંતરિયાળ ગામડાંમાંથી ગરીબ મા-બાપ નાનકડા રાજુને લઇને અમદાવાદના સ્ટેશને ઊતર્યા. સાથે એક-બે સગાં સંબંધીઓને પણ લીધા હતા. આવડું મોટું શહેર. એમાં કેન્સર હોસ્પિટલ શી રીતે જડે?
ડૉકટરોએ રાજુને નવેસરથી તપાસ્યો. જૂનું નિદાન પાક્કું થયું. પછી એમણે સલાહ આપી, ‘આને ખાસ પ્રકારની સારવાર આપવી પડશે. એ માટે રાજુને અહીંના વોર્ડમાં ‘એડમિટ’ કરવો પડશે. એના શરીરમાં લોહીનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું છે. એના માટે લોહીની જરૂર પડશે.’
‘લોહીના બાટલા ચડાવવા પડશે, સાહેબ? કેટલા?’ લક્ષ્મણભાઇએ પૂછ્યું.
‘કંઇ કહેવાય નહીં. હાલ પૂરતું તો એક યુનિટ. પણ પછી વધારેની જરૂર પડશે એ નક્કી.’
‘ભલે. અત્યારે તો અમે ચાર જણાં હાજર છીએ. અમારા શરીરમાંથી જેટલું લોહી કાઢવું હોય એટલું કાઢી લો. બધે બધું ખેંચી લો તોયે ના નહીં પાડીએ. દીકરા માટે તો જિંદગીયે કુરબાન…’ પિતા ઇમોશનલ થઇ ગયા. પણ ડૉકટરને આવા લાગણીના પ્રવાહમાં ડૂબી જવું પાલવે નહીં.
‘જુઓ, લક્ષ્મણભાઇ! એમ તમે માનો છો એ પ્રમાણે ગમે તેના શરીરમાંથી ગમે તેટલું લોહી ખેંચી ન શકાય. અને ગમે તેને આંખો મીંચીને ચડાવી પણ ન દેવાય. પહેલાં તો લેનાર અને દેનારનું બ્લડગ્રૂપે તપાસવું પડે.’
રાજુના રકતગ્રૂપનું પરીક્ષણ જ ચોંકાવનારું સાબિત થયું. એનું બ્લડગ્રૂપ હતું ‘ઓ-નેગેટિવ.’ આમાં ‘ઓ’નું મહત્ત્વ એટલું બધું ચિંતાજનક ન ગણાય, જેટલું ‘નેગેટિવ’નું ગણાય. બ્લડગ્રૂપ ગમે તે હોય, પણ જો એ પોઝિટિવને બદલે નેગેટિવ હોય તો અને મેચ થતું લોહી મળવું મુશ્કેલ હોય છે.
રાજુની કમનસીબી કે એના માતા-પિતા બંને ‘ઓ-પોઝિટિવ’ નીકળ્યાં.
‘હવે શું કરીશું, સાહેબ?’ રાજુના બાપની આંખોમાં ચિંતાના વાદળો જામ્યા. આ પ્રશ્ન ડૉકટરોને પણ સતાવી રહ્યો. હોસ્પિટલની પોતાની બ્લડ બેન્કમાં ‘ઓ-નેગેટિવ’ ગૂ્રપનું બ્લડ હતું એ તો રાજુને ચડાવી દીધું, પણ પછી શું? ફરી વાર જરૂર પડે ત્યારે લોહી કયાંથી કાઢવું?
ડૉકટરે બ્લડ બેન્કનો ચોપડો ઊઘાડયો. અંદરના પાનાંઓમાં જે-જે રકતદાતાઓ ભૂતકાળમાં લોહીનું દાન કરી ગયા હતા એમના નામો સરનામા, ટેલિફોન નંબર્સ અને દરેકના રકતનું ગ્રૂપ પણ નોંધાયેલા હતા. એમાંથી ‘ઓ-નેગેટિવ’ ગ્રૂપવાળા નામો જુદા તારવ્યા. બહુ ઓછા નામો નીકળ્યા. ડૉકટરે નર્સને સૂચના આપી, ‘આ બધાં દાતાઓનો સંપર્ક કરો. એમને બોલાવો. જો એમણે તાજેતરમાં જ રકતદાન ન કરેલું હોય તો એમને વિનંતી કરો કે આ બાળક માટે એક બોટલ જેટલું ખૂન આપવાની મહેરબાની કરે.’
સસ્ટિરે સહર્ષ કામ ઉપાડી લીધું. ફોનના ચકરડા ઘૂમાવવાનું શરૂ કર્યું. કયાંય હકારાત્મક પ્રતિસાદ ન મળ્યો. કયાંય ફોન નંબર લાગ્યો નહીં. કોઇકનો નંબર જ બદલાઇ ગયો હતો. તો કોઇક દાતા વળી એ સમયે બહારગામ હતો.
એક ફોન નંબર લાગી ગયો. એ રવિ નામનો ત્રીસેક વર્ષનો જુવાન હતો. પૈસાદાર મા-બાપનો એકનો એક પુત્ર. બાપદાદાના ધંધા પર બેસતો હતો. આમ સીધો હતો, પણ તેમ જોવા બેસીએ તો ફાટેલી ખોપડીનો માણસ. સેલફોન વાગ્યો એ સાથે જ એ બરાડી ઉઠયો.
‘હેલ્લો! કોણ છે? કોનું કામ છે?’
‘જી, હું સસ્ટિર બોલુ છું…’
‘કોણ સસ્ટિર? કોની સસ્ટિર? મારે બે જ બહેન છે અને બંને પરણી ગઇ છે. તમારો અવાજ એ બેયમાંથી કોઇના જેવો લાગતો નથી. અત્યારે ઘરાકીનો સમય છે. ખાલી-પીલી ખપાવવાનું બંધ કરો!’
‘હું ખપાવતી નથી, ભાઇ! મેં તો તમને દયાળુ સજજન માનીને ફોન કર્યોહતો.’ ‘એ તો હું છું જ.’
‘તો એક મિનિટ માટે ઘ્યાન દઇને મને સાંભળો. હું સસ્ટિર બોલું છું. તમારી એકલાની બહેન નહીં, જગતના તમામ બીમાર ભાઇઓ અને બહેનોની સસ્ટિર. કેન્સર હોસ્પિટલમાં નર્સિંગ વિભાગમાં સેવા આપું છું. અમારો ચોપડો બોલે છે કે તમારું બ્લડગ્રૂપ ‘ઓ-નેગેટિવ છે.’
‘હા, છે જ. અને એ તમારા કીધે કંઇ બદલાઇ નથી જવાનું.’
‘ભગવાન ન કરે કે એ બદલાય, ભાઇ! એક નાનકડા જીવને અત્યારે એની જરૂર છે. રાજુ નામનો દીકરો બ્લડ કેન્સરને કારણે…’ ‘બસ, બસ. આગળ કંઇ બોલવાની જરૂર નથી. કયારે આવું, બોલો?’ ‘આજે જ… શકય હોય તો અત્યારે જ…’ ‘અત્યારે તો વડાપ્રધાન મનમોહનસિંહ બોલાવે તોય જઇ શકું એમ નથી. ઘરાકી સોળ કળાએ ખીલી છે. પાંચ વાગ્યા પછી આવી શકું.’
‘પાંચ વાગે તો લેબોરેટરી બંધ થઇ જશે. એક મિનિટ, પ્લીઝ! તમે પેશન્ટના પિતાની સાથે વાત કરો.’ નર્સે આટલું કહીને ફોન લક્ષ્મણભાઇને પકડાવી દીધો. હકીકતમાં એ સેલફોન હતો. લક્ષ્મણભાઇનો પોતાનો હતો. સસ્તા ભાવનું રમકડું હતું. શોખ નહીં, પણ જરૂરિયાત હતું. ગમે ત્યારે દીકરાના કામ માટે જરૂરી હતું માટે રાખ્યું હતું.
રવિ મોટા અવાજે કંઇક બોલવા ગયો, પણ અજાણ્યા અવાજમાં રહેલી કરુણાએ એને અટકાવી દીધો, ‘ભાઇ, તમે કોણ છો એ તમે જાણો, પણ અમારા માટે ભગવાન છો. કયારે આવશો?’
‘બસ, આવું છું. જેટલો બને એટલો વહેલો. આ નંબર તમારો જ છે ને? હું હોસ્પિટલ પહોંચીને તમને ખોળી કાઢું છું.’ રવિએ વાત પૂરી કરી. ઘરાકી પૂરી કરવામાં બે કલાક નીકળી ગયા. પછી એ પોતે નીકળી પડયો. હોસ્પિટલમાં પહોંચીને એણે લક્ષ્મણભાઇનો નંબર લગાડયો. આશ્ચર્ય! સેલફોન બંધ હતો.
રવિની ખોપડી હટી ગઇ. આ તે કેવી બેદરકારી? કહ્યું હતું કે ફોન જીવંત રાખજો તો પણ? રવિની એક ખાસયિત હતી. કોઇને એક વાર ફોન કરે અને જો ન લાગે, તો બીજી વાર નહીં કરવાનો. પડે ખાડામાં. એને પોતાને ગરજ હોય તોયે ન કરે. આવી જીદમાં ને જીદમાં કંઇક વાર તો એણે ધંધોયે ગુમાવેલો અને ઉઘરાણી પણ જતી કરેલી. મિત્રો સાથે ફિલ્મ જોવાના કે ડિનર પર જવાના કાર્યક્રમો બનાવ્યા હોય એ પણ ફોન ન લાગવાને કારણે બગાડી નાખ્યા હતા.
એક ક્ષણ માટે એના મનમાં પાછા ફરી જવાનો વિચાર ઝબકી ગયો. ત્યાં જ કો’ક બાળકનો દયામણો ચહેરો એની આંખો સામે તરવરી ઉઠયો. એણે ફરી વાર ફોન લગાડયો. પાંચ-સાત વારની નિષ્ફળતા પછી એ કેન્સરના વોર્ડમાં દાખલ થયો. રિસેપ્શન પર બેઠેલી સ્ત્રીને મળ્યો. પોતાની ઓળખાણ આપી. હેતુ કહ્યો. પછી વિનંતી કરી, ‘મને દર્દીનું નામ ખબર નથી. એના બાપે મારી સાથે વાત કરી હતી, એનું નામ પણ હું જાણતો નથી. બસ, એટલું જાણું છું કે એ છોકરાને બ્લડ કેન્સર છે અને એનું પણ બ્લડ ગ્રૂપ ‘ઓ-નેગેટિવ છે.’
રિસેપ્શનિસ્ટે અડધા કલાકની મહેનત પછી ચોપડામાંથી રાજુ સરવૈયાને વીણી કાઢયો. ‘ગો સ્ટ્રેઇટ… ધેન લેફટ… વોર્ડ નંબર… પથારી નંબર… થેન્કસ…!’ અને રવિ એની મંઝિલે પહોંચી ગયો. રાજુના પિતાને મળ્યો, ત્યારે એ ગામડાના માણસને ફાળ પડી, ‘બાપ રે! સાહેબ, મારા ફોનની તો બેટરી જ ડાઉન છે. ચાર્જર શોધવામાં ટાઇમ નીકળી ગયો. પછીયે હું ફોનની સ્વીચ ‘ઓન’ કરવાનું ભૂલી ગયો.
અમને શોધવામાં તમને તકલીફ તો બહુ પડી હશે, નહીં? મને માફ કરો, સાહેબ!’ રવિ એંગ્રી યંગ મેન હતો, પણ આદ્ર બની ગયો. રાજુના કપાળ ઉપર હાથ ફેરવીને બોલી ઉઠયો, ‘તકલીફ? ના રે, એમાં શી મોટી વાત છે! ફોન તો એક વાર નહીં, હજાર વાર પણ જોડવો પડે! કોઇ બીજાના માટે થોડો કરીએ છીએ? આપણાં પોતાના માટે…’ અને પછી એ બુલંદ બરાડાનો માણસ ખામોશ થઇ ગયો. થોડી વાર પછી બોલ્યો તે પણ બબડવા જેવું, ‘ચાલો, સસ્ટિર! લોહી આપવા માટે કયાં જવાનું છે?’ શીર્ષક પંકિત: લલિત ત્રિવેદી

Source: દિવ્યભાસ્કર

Advertisements

2 Responses

  1. Hello Mr Sharad…
    I read your book named “Vagada Vachhe Tahuko”, actualy it is in my hand right now. I am going through it. Only last chapter I left.

    I cant describe in a word that how I enjoyed your book… I was crazy to read that. i finish it only in 4 days.. When i wake up in the morning 1st work I was doing to read that. In a lunch break, in a train and many more place…s.

    Amazing work. I really appreciate for whatever you have written in that book. This is the way to make people sp. girls to make them awake.

    Thanks for giving a gift of that book to Gujarat.

  2. Yes there are still so many REAL HUMAN BEING in the world….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: