લીલછોયા સ્પર્શને પાળ્યો અમે, ભોળપણમાં થોર પંપાળ્યો અમે

રાત્રે આઠ વાગ્યે હું મારા મિત્ર સતીષના ઘરે ગયો, ત્યારે ત્યાં ગંભીર વાતાવરણ જામેલું હતું. મારી ઉમર એ વખતે સત્તર વર્ષની. સતીષ પણ સત્તરનો. અમને બંનેને તાજું-તાજું જ મેડકિલમાં એડમિશન મળ્યું હતું. એ જમાનો સોંઘવારીનો હતો અને મારા પિતા શિક્ષક હતા, એટલે મારા માટે ભણવાના ખર્ચની ચિંતા ન હતી. પણ સતીષના કુટુંબમાં આવક કરતાં જાવક બમણી હતી. સતીષ ઉપરાંત એના બે મોટા ભાઇઓ, બે ભાભીઓ, એક જુવાન બહેન, ભત્રીજો-ભત્રીજી અને વૃદ્ધ મા-બાપ. બે રૂમનું ભાડાનું મકાન. બે છેડા ભેગા કરવા એ સામાન્ય રીતે પણ મુશ્કેલ બાબત હતી, એમાં સતીષના ભણવાનો ખર્ચ ઉમેરાયો.
હું ગયો ત્યારે આખું કુટંુબ જાણે પાર્લામેન્ટમાં દેશનાં બજેટ પર ચર્ચા કરી રહ્યું હોય એમ ઉપર-તળે થઇ રહ્યું હતું. ‘મારે ઓછામાં ઓછા ત્રણ હજાર રૂપિયા તો જોઇશે જ.’ સતીષ બોલ્યો.
‘ત્રણ હજાર? દર મહિને?’ એની માનો અવાજ ફાટી ગયો.
‘ના, આખા વરસના. હું જાણું છું કે આપણા ઘરની આર્થિક હાલત કેવી છે! એટલે સનિેમા, રિક્ષાભાડું, સવારનું દૂધ કે ગરમ નાસ્તો તો મેં ગણ્યો જ નથી. આ ત્રણ હજાર રૂપિયામાં બંને ટમ્ર્સની ફી, પાઠયપુસ્તકો, મેસબિલ, તેલ, સાબુ અને ટૂથપેસ્ટ જેવા ફરજિયાત ખર્ચાઓ જ ગણેલા છે. મહિનાના અઢીસો રૂપિયામાં એક પાળેલો કૂતરો પણ જીવી ન શકે. હું તો ગમે તેવો તો પણ માણસ છું.’
‘અરે, બેટા! એમાં રડવા શું બેઠો? તું તો આપણા કુટુંબનો હીરો છે, દીકરા! આ તો ત્રણ હજારનો આંકડો સાંભળીને મારું હૃદય બેસી ગયું, એટલે મારાથી પૂછાઇ ગયું. જો કે અઢીસો રૂપિયા પણ…! એય પાછાં દર મહિને! અને આવા તો સાડા ચાર વરસ કાઢવાના! કયાંથી લાવીશું આટલા બધાં રૂપિયા?’
બંને મોટા ભાઇઓ ખાનગી ફેકટરીમાં દોઢસો-બસો રૂપરડીમાં કામ કરતા હતા. પિતા નિવૃત્ત કારકુન હતા. થોડુંક પેન્શન આવતું હતું, થોડુંક પરચુરણ કામ કરી લેતા હતા. બંને ભાભીઓ આજુબાજુના બાળકોને દસ-દસ રૂપિયામાં ટયૂશન આપતી હતી. અને પચાસની ઉપર પહોંચી ગયેલી મા આથમેલી આંખો સાથે ચૂલો ફૂંકતી હતી. જુવાન બહેન કોલેજમાં ભણતી હતી. દારીદ્રયના રણમેદાનમાં ઊભેલી અભાવોની કૌરવસેના ખર્ચાઓનાં અસ્ત્ર-શસ્ત્ર ધારીને ખડી હતી અને સામે પક્ષે લાડકા તેજસ્વી દીકરાને ડોકટર બનાવવા માટેનું ધર્મયુદ્ધ આદરી બેઠેલો પરિવાર હતો.
શરૂ થઇ પૈસાની જોગવાઇ કરવા માટેની મથામણ. સૌથી પહેલી દરખાસ્ત મોટા ભાઇએ મૂકી, ‘મારી ફેકટરી આપણા ઘરથી આઠ કિલોમીટર દૂર આવેલી છે. હું વિચારતો હતો કે આવતી પહેલી તારીખે એક સાઇકલ ખરીદી લઉ. પણ હવે એ વિચાર પડતો મૂકું છું. અઢીસો રૂપિયા પણ બચી જશે અને પગને એટલું ચાલવાની કસરત મળશે. આમેય તે વહેલા ઘરે આવીને મારે કામ પણ શું છે?’
ઘરમાં શાંતિ પ્રસરી ગઇ. બધાંને ખબર હતી કે મોટા ભાઇને હાથીપગાનો રોગ હતો અને ડોકટરે એમને વધારે ચાલવાની મનાઇ કરી હતી. સાઇકલ એ મોટા ભાઇ માટે લકઝરી નહીં, પણ જરૂરિયાત હતી. છતાં કોઇ કશું બોલ્યું નહીં. સતિયાને ડોકટર બનાવવો એ પણ એક જરૂરિયાત જ હતી ને?
મોટી ભાભી છેલ્લાં ચાર મહિનાથી નવાં ચંપલ ખરીદવા માટે પૈસા ભેગા કરતાં હતાં, પણ એમને અચાનક યાદ આવી ગયું, ‘હું તો ભૂલી જ ગઇ કે હમણાં પંદરેક દિવસમાં તો ચોમાસું બેસી જશે. ચામડાનાં ચંપલ વરસાદમાં બગડી જ જાય ને! નથી લેવા ચંપલ! છ મહિના ઊઘાડા પગે કાઢી નાખીશ.’
વચેટ ભાઇ ઊભો થઇને દીવાલ પર લટકતી થેલી લઇ આવ્યો, ‘લે આ કાપડ લઇ આવ્યો છું તારા માટે. મેડિકલ કોલેજમાં બે જોડી સારા કપડાં તો જોઇશે ને તારે!’
સતીષથી બોલાઇ ગયું, ‘પણ ભાઇ, આ તો તમારા પેન્ટ-શર્ટ માટેનું કાપડ છે. હું જાણું છું કે છેલ્લાં ત્રણ વર્ષથી તમે નવાં કપડાં સવિડાવ્યા નથી. આ કાપડાં માટે તો તમે બબ્બે મહિનાથી ઓવર ટાઇમ….?’
વચેટ ભાઇએ એના વાંસા ઉપર ધબ્બો માર્યો,’એ બધી ચિંતા છોડો, ડોકટર સાહેબ! અમે રહ્યા કારખાનાનાં મજૂર. અમારે તો ફાટેલા શર્ટ-પેન્ટ પણ ચાલે. અને તું એક વાર ડોકટર બની જાય, પછી બંદાના ખેલ જોજે ને! દર મહિને બે નવી જોડ ન સવિડાવું તો કે’જે!’ છાતીમાંથી ઊઠતા છાના ડૂસકાને વચેટ ભાઇએ ઊમળકાના અવાજમાં દબાવી દીધું.
વચેટ ભાભીએ પતરાંના ડબલામાંથી સો-સો રૂપિયાની બે નોટ કાઢી આપી, ‘લો, ભાઇ આ પણ તમારા માટે જ છે. ગયા મહિને હું પિયરમાં ગઇ હતી ત્યાં બટાકાની કાતરી બનાવીને વેંચી એમાંથી મળ્યા છે. મારા બાપુએ કીધું કે તારી કમાણી છે એટલે તું જ લઇ જા!’ ‘પણ મને ખબર છે, ભાભી! આમાંથી તમારે બે નવી સાડીઓ લેવાની હતી.’ સતીષ આગળ કશું બોલી ન શકયો. ભાભીએ પોતે પહેરેલા જૂના સાડલા પરનાં થીગડાંને સંતાડવાનો મિથ્યા પ્રયત્ન કરી લીધો.
વૃદ્ધ પિતાએ દાંતનું ચોકઠું બનાવવાનું મુલતવી રાખ્યું તો માતાએ ચશ્માં લેવાનો કાર્યક્રમ મોકૂફ કર્યો. જુવાન બહેન કોલેજની ટૂર માટે બચાવેલાં અઢીસો રૂપિયા કાઢી આપ્યા. ભત્રીજા ટીનુએ નક્કી કરી નાખ્યું કે આ વરસે નવું દફતર ખરીદવાનો કંઇ અર્થ નથી અને છેલ્લાં બે વર્ષથી ત્રણ પૈડાંવાળી સાઇકલ માટે જીદ કરતી રહેલી મીનુ (ભત્રીજી)ને અનાયાસ બ્રહ્મજ્ઞાન થયું કે એટલા રૂપિયામાં તો ‘ચાચુ’ના એક મહિનાનો ભોજનખર્ચ નીકળી જશે.
એક યજ્ઞ શરૂ થઇ રહ્યો હતો. પરિવારના સૌથી નાના પણ તેજસ્વી દીકરાને ડોકટર બનાવવા માટેનો પવિત્ર યજ્ઞ. અને એ ગરીબ કુટુંબના તમામ સભ્યો દિલદાર પુરવાર થવા માટેની હોડમાં ઊતર્યા હતા. આટલા મોટા આર્થિક યોગદાનો ટાટા, બિરલા કે અંબાણી આપી શકતાં હશે? આંકડાની સરખામણીનો સવાલ નથી, સવાલ કમાણીના આંકડાઓનો છે!
આટલી બધી જરૂરિયાતોને બાળી નાખ્યા પછી જે રાખ જમા થઇ એ રકમ હતી પંદરસો રૂપિયા. સતીષની એક ર્ટમનો ખર્ચો. આવી તો કૂલ નવ-નવ ટમ્ર્સ પસાર કરવાની બાકી હતી. એ પણ જો સતીષ એકેય વાર ‘ફેઇલ’ ન થાય તો.
સતીષ નપાસ ન થયો. એ તેજસ્વી હીરા જેવો હતો. એ અર્થથી ગરીબ હતો, પણ દિમાગથી ધનવાન હતો. મેડિકલ શાખાના ત્રણેય વર્ષના કુલ મળીને જેટલા વિષયો હતા એ તમામમાં સતીષે સુવર્ણચંદ્રકો જીત્યા. અને સાથે સાથે જીતી લીધું એની સાથે ભણતી એક સુંદર કન્યાનું દિલ પણ. સોનલ ઝવેરી આ જિનિયસ છોકરાના પ્રેમમાં પડી ગઇ, ‘સતીષ, મેં મારા ડેડીને કહી દીધું છે, એમ.બી.બી.એસ. પતે એ સાથે જ આપણે મેરેજ કરી લેવાના છીએ.’ ‘પણ સોનલ, કયાં તું અને કયાં હું! મારા રાજકોટના ઘર આગળ તો તારા ડેડીની ગાડી પાર્ક કરવા જેટલી પણ જગ્યા નથી. તું કેવી રીતે અમારા ઘરમાં રહી શકીશ?’ સતીષનો પ્રશ્ન અને સોનલનું હસી પડવું.
સોનલનાં ડેડી બહુ મોટી જવેલરી શોપના માલિક હતા. કરોડપતિ હતા, પણ અસલી હીરાની એમને પરખ હતી. ઇન્ર્ટનશીપમાં એમણે સોનલ-સતીષનાં લગ્ન યોજી લીધા. લગ્નનો પૂરો ખર્ચ જાતે ઉપાડયો. રાજકોટ જઇને જમાઇના ભાડાના ઘરમાં જરૂરી ફેરફારો કરાવી આપ્યા. દીકરીને સમજાવી લીધી, ‘બેટા, તારે અને જમાઇએ આ ઘરમાં બે-ચાર મહિના જ કાઢવાના છે ને? પછી તો આગળના અભ્યાસ માટે પાછા બરોડા આવી જવાનું છે. વધારે તરખડ કરવાની જરૂર નથી. તારા સસરાના મકાનમાં બે ઓરડા છે, એમાંથી તમારો એક ઓરડો હું વ્યવસ્થિત કરાવી આપું છું.’
કરાવી અપ્યો. દીકરીનો ઓરડો વેલ ફર્નિશ્ડ અને એરકન્ડિશન્ડ કરાવી આપ્યો. બીજા ગોડાઉન જેવા રૂમમાં નવ જણાં સૂવે અને આ રંગમહેલમાં સોનલ સુંદરી અને સતીશ રાજા એશ કરે. માતા-પિતા, ભાઇઓ-ભાભીઓ સ્તબ્ધ. પણ ‘સતિયા’ પ્રત્યેના પ્રેમે એ બધાંને ચૂપ કરી રાખ્યા. ઇન્ર્ટનશીપ પૂરી થઇ. સોનલનાં પપ્પાએ મોકલેલા માણસો પેલા સજાવેલા ઓરડામાંથી ખીલી સહિતની વસ્તુઓ કાઢીને લઇ ગયા. સોનલ, અલબત્ત, બની શકે તેટલા મૃદુ સ્વરમાં કહેતી ગઇ, ‘પપ્પા, મમ્મી! ગૂડ બાય! હવે અમે તો અમદાવાદ કે મુંબઇમાં જ ‘સેટલ’ થઇશું. ત્રણ-ચાર વર્ષ તો ભણવામાં પસાર થઇ જશે.
ભવિષ્યમાં અમારાથી રાજકોટમાં અવાય કે નહીં એ હું નથી જાણતી. તમે પણ અમારે ત્યાં નહીં આવી શકો. પણ આ ત્રણ-ચાર મહિના તમારી સાથે રહેવા મળ્યું એ મને કાયમ યાદ રહેશે. ચાલો, બાય! ભવિષ્યમાં પૈસા-બૈસાની જરૂર પડે તો પત્ર લખજો.’ બંને જણાં ઝવેરી શેઠની ગાડીમાં બેસીને ઊપડી ગયા. પાછળ ઊડેલા કાર્બનના વાદળ વચ્ચે ઊભેલાં નવ જણાં પોતાની હથેળીઓ તરફ જોઇ રહ્યાં. એ હથેળીઓ તરફ જેમાં રેખાઓ કરતાં છાલાઓની સંખ્યા વધારે હતી. ‘

(શીર્ષક પંકિત: ધૂની માંડલિયા)

Source: દિવ્યભાસ્કર

Advertisements

3 Responses

  1. sir,i read your book of named “koi kare prem koi kare prem”.this bok is masterpiece of you.thank you for writing this book.i am student of mechanical engineers.

  2. Oh!!!Terrible i just can’t imagine…..THE REALITY!!!!!

  3. koi manso ae je balidan aapna pachal didhu hoy ene aam no bhulay

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: