કયાંક મળો તો રોકી લેજો બીજું શું? તબિયત બબિયત પૂછી લેજો બીજું શું?

‘આ રીતે પત્ર લખવો જોઇએ કે નહીં એ મેં કોઇને પૂછ્યું નથી. લોકો મારા પર હસે એવી બીકથી. મારી સમસ્યાના ઉકેલની આશા રહી-રહીને તમારી પાસે દેખાતી હતી એટલે હિંમત કરું છું. કયાંય કશું અયોગ્ય લાગે તો નાની બહેન સમજીને માફ કરશો.’ લિ. રાખીનાં સાદર-સપ્રેમ નમસ્કાર.

માર્ચના આખરી દિવસોમાં લખાયેલો આ પત્ર. બનાસકાંઠાના ધાનેરાની એક શિક્ષિત યુવતી એની અંગત વેદનાનું સરવૈયું પરબિડીયામાં બીડીને મારા સરનામે પોસ્ટ કરી રહી હતી. લખતી હતી- ‘કેટલાંય દિવસોના મનોમંથન બાદ આ પત્ર લખી રહી છું.’ રાખીબે’ન ધાનેરાની હાઇસ્કૂલમાં શિક્ષીકા હતાં. રાખીબે’ન આગળ લખતાં હતાં, ‘હું સાડત્રીસ વર્ષની છું. મને આઠમો મહિનો જાય છે. મારે બે દીકરાઓ હતા, પણ મોટા પુત્રનું થોડાં સમય પહેલાં કરૂણ અવસાન થયું છે. નાનો પુત્ર પણ ત્રણ વર્ષનો છે. મારી બે આંખોમાંથી એક ફૂટી ગઇ છે એને ફરીથી જીવતી કરવા માટે જ અમે આ પ્રેગ્નન્સીને આવકારી છે.’ હું સમજી ગયો. જેમ પોતાની ઢીંગલી તૂટી જાય એ પછી રડતું બાળક બીજી ઢીંગલી માગે એના જેવી જ આ વાત હતી.

‘ચોથા મહિનાથી જ દર મહિને મારી સોનોગ્રાફી થતી રહેતી હતી. બધું જ નોર્મલ હતું. પણ સાતમા મહિને સોનોગ્રાફી કર્યા પછી મારાં ડોકટરે મને કહ્યું કે બાળકનાં ફેફસામાં પાણીની ગાંઠ છે. એ પછી ડીસામાં ખાનગી રેડિયોલોજિસ્ટો પાસે બે વાર સોનોગ્રાફી કરાવી. થ્રી-ડી કલર ડોપલર સોનોગ્રાફી કરાવી. પછી સલાહ મળી કે અમદાવાદમાં જઇને ડો. પટેલ પાસે ફોર-ડી સોનોગ્રાફી કરાવો. અમે એક ઊબરેથી બીજા ઊબરે ધક્કા ખાતાં રહ્યાં. પૈસાનો સોથ નીકળી ગયો. અને જવાબમાં માત્ર અટકળ, આગાહી અને માયૂસી. ડો. પટેલે એક મોંઘાદાટ બાળકોના સજર્યનનું સરનામું આપ્યું. એ ડા”કટરે તો અમને વધુ બિવડાવી દીધા- ‘બાળકના ફેફસામાં પાણી વધતું જાય છે. સોય દ્વારા ખેંચી કાઢવું પડશે.’ અમે બીજા સજર્યન પાસે ગયાં.

એમણે કંઇક વાજબી સલાહ આપી, ‘બાળકમાં તકલીફ તો છે જ. જન્મ બાદ ખબર પડે કે એ બચશે કે નહીં. તમે એમ કરો, ડીલીવરી અમદાવાદમાં જ કરાવો. નોર્મલ ડીલીવરીનું દર્દ ઊઠે એ પછી છેક ધાનેરાથી અમદાવાદ સુધી તમે આવી નહીં શકો. માટે સીઝેરીઅનનો વિકલ્પ બહેતર રહેશે. જન્મ પછી તરત જ બાળકનું ઓપરેશન કરવું પડશે.’ અમે પૂછ્યું- ‘ખર્ચ કેટલું થશે?’ જવાબ મળ્યો- ‘પચાસ હજારથી બે લાખ.’ અમે તૈયાર થઇ ગયાં હોત, પણ બીજા પ્રશ્ન અને એમના ઉત્તરે અમને ધ્રૂજાવી દીધા. ‘બાળક બચી તો જશે ને?’ અમે પૂછ્યું. જવાબ મળ્યો, ‘કોઇ ગેરંટી નહીં. ફિફટી-ફિફટી જેવી ખાતરી આપી શકાય. અને અમે કિલનિકનો ઊબરો ઓળંગી ગયાં.’

એક જનેતાને મને એનું બાળક પચાસ-પચાસ ટકા કેવી રીતે હોઇ શકે? વાત્સલ્યના ખેતરમાં તો વરસાદ હંમેશાં સોળ આની જ હોવો જોઇએ. રાખીબેન અને એમનાં પતિ કૌશિકભાઇએ સ્વજનો અને મિત્રો જોડે મંત્રણા કરી. બધાંએ એક જ સલાહ આપી- ‘આ બાળક મોટા ભાગે તો નહીં જ બચે, કદાચ બચે તો પણ એબનોર્મલ રહે તો જિંદગીભર એને જોઇ- જોઇને તમારે નિ:સાસા નાખવા પડશે. એના કરતાં એબોર્શન કરાવી લો.’

રાખીબે’ન ગાયનેકોલોજિસ્ટ પાસે ગયાં. ડોકટર શાણા હતા અને સારા હતા. એમણે સાચી સલાહ આપી, ‘ડીલીવરી આડે હવે એક જ મહિનો બરયો છે. એબોર્શન માટેની કાનૂની સમયમર્યાદા પૂરી થઇ ગઇ છે. આ પાપ હું નહીં કરું. તમારા નસીબમાં જો બીજું બાળક નહીં જ લખાયું હોય, તો જે બાળક આજે ગુમાવવા બેઠા છો તેને એક મહિના છી ગુમાવશો.’

આટલે સુધી આવ્યા પછી રાખીબે’ને મને પત્ર લખવાનું ખરું કારણ રજુ કર્યું, ‘હવે અમે થાકી ગયાં છીએ, ડોકટર સાહેબ! અમે અમદાવાદના પણ બે-ત્રણ ગાયનેકોલોજિસ્ટને મળી ચૂકયાં છીએ. પણ એકેય ડોકટરમાં ‘માનવી’ના દર્શન થયા નથી. તગડી ફી અને દોઢ-બે કલાક પ્રતીક્ષાખંડમાં બેસાડી રાખ્યા પછી ફકત પાંચ જ મિનિટમાં વાત પૂરી કરી નાખે છે. આવી સગર્ભા હાલતમાં ચાર-ચાર કલાક બસની મુસાફરી કરવી, ઊનાળાના ધોમધખતા તાપમાં અમદાવાદની અજાણી સડકો ઉપર ભટકતાં રહેવું અને માનવની તલાશમાં દાનવ જેવા ડોકટરોના ઊબરા ટોચવા, અમારી સહનશકિતની અંતિમ હદ આવી ગઇ છે. સાહેબ! હવે એક જ માગણી છે- તમે મારો કેસ હાથમાં લો! પ્લીઝ, તમે….’

બહુ જ ટૂંકાવીને મેં લખ્યું છે આ બધું. સાડા છ-સાત ફૂલસ્કેપ પાનાં ભરેલા એ પત્રમાંથી તમે એક પ્રસૂતાની ઝંખના, તડપ અને લાચારી વાંચી શકો છો. મેં તરત જ કહી દીધું, ‘રાખીબે’ન, તમામ ડોકટરો રાક્ષસો નથી હોતા. આ જ બુધવારની કળશ પૂર્તિમાં મેં ડો. ધીરેન પટેલ વિશે બહુ સુંદર અને સાચો લેખ લખેલો છે, એ તમે વાંચી જજો. સુરેન્દ્રનગરના એક નાનકડાં બાળકનું સચોટ નિદાન કરીને એના આંતરડાનું મેજર ઓપરેશન કર્યું હોવાની સત્ય ઘટના મેં એમાં આલેખી છે. તમે નચિંત બનીને આવી જાવ. અમારાં પ્રાણની જવાબદારી મારા શિર ઉપર અને તમારા બાળકની જવાબદારી ડો. ધીરેનના માથા પર!’

રાખીબે’ન આવી ગયાં. ડો. ધીરેનને પણ કન્સલ્ટ કરી લીધા. ડો. ધીરેન બાળકોના સજર્યન છે. એમણે એક રૂપિયાનો પણ વધારે ખર્ચ ન કરાવ્યો. સાદી સોનોગ્રાફી પણ નહીં. મેં શુભ ચોઘડીયું જોઇને (જોવડાવીને નહીં, મેં જાતે જ જોઇને) રાખીબહેનનું સીઝેરીયન કર્યું. રૂપ રૂપના અંબાર જેવી લક્ષ્મીનો જન્મ થયો. તરત જ એને આઇ.સી.યુ.માં મોકલી આપી. ડો. ધીરેન ધંધે લાગી ગયા.

બીજા દિવસે ડો. ધીરેનનો ફોન આવ્યો, ‘મામલો ચિંતાજનક છે, શરદભાઇ! બેબીનું જમણું ફેફસું પાણીની ગાંઠથી ભરાઇ ગયું છે. એ બાજુ જરા પણ ઓકિસજન પ્રવેશી શકતો નથી. ઓપરેશન તો કરવું જ પડશે, પણ…’

હું બેબાકળો બની ગયો, ‘ભાઇ! જે કરવું હોય તે કરો, પણ દીકરીને બચાવી લો. એની મા મારા ઉપર ભરોસો મૂકીને આવી છે. જો દીકરી બચશે નહીં, તો મારાથી જિંદગીભર રાખીબહેનને મોં દેખાડી નહીં શકાય.’

ડો. ધીરેનની ઉપાધી જુદી જ હતી, ‘સર, તકલીફ એ છે કે બેબીનાં જન્મ પહેલાંના તમામ સોનોગ્રાફી રિપોટ્ર્સ જે નિદાન તરફ ઇશારો કરતા હતા, એ બધાં જ ખોટા પડી રહ્યા હોય તેવું લાગે છે. મને લાગે છે કે…’

જો હું એમ કહું કે નવજાત ઢીંગલીની છાતીમાં ‘રાઇટ સાઇડેડ ઇન્ટ્રાથોરેસિક સિસ્ટ વિથ એકટોપીક હિપેટીક ટીસ્યુ નામની બીમારી હતી, તો એની સાથે મારા વાચકોને કશી જ લેવાદેવા ન હોઇ શકે. એવી જ કશીક લેવા-દેવા મારે પણ ન હતી. મારી આંખો સામે તો મારા વોર્ડના ખાટલામાં પડેલી સીઝેરીયનની પીડા વેંઢારતી રાખીનો ચહેરો હતો, જે વગર બોલ્યે મને પૂછતો હતો, ‘મારી દીકરીને કેમ છે? એનું ઓપરેશન કરવું પડશે? કયારે? ડો. ધીરેન સાહેબ શું કહે છે? મારી દીકરી બચી તો જશે ને?’ સો સવાલો હતા, જવાબ એક પણ ન હતો.

ત્રીજા દિવસે ડો. ધીરેન પટેલે સમય નક્કી કર્યો. દીકરીને ઓપરેશન ટેબલ પર લીધી. એમના જ પત્ની ડો. માર્ગી પટેલે એનેસ્થેસિયા આપ્યું. ઓપરેશન શરૂ થયું. હુ અઘ્ધર જીવે ડો. ધીરેન તરફથી સમાચાર આવે એની વાટ જોતો હતો. બહારથી તો હું પણ મારું કામ કરી રહ્યો હતો, પણ મારા કાન ટેલિફોનની દિશામાં હતા. એક નહીં, બે નહીં, પણ પૂરા ત્રણ કલાક નીકળી ગયા.

પછી ઘંટડી વાગી. ડો. ધીરેનનો જ અવાજ હતો, ‘સર, છાતી ઉપર ઇન્સિઝન મૂકયો, પણ અંદરની સ્થિતિ બહુ જટીલ હતી. પેટમાં રહેલા લીવરનો થોડોક ભાગ ઉદરપટલમાં થઇને જમણા ફેફસામાં ગોઠવાઇ ગયો હતો. પાણની ગાંઠ તો કાઢવી જ પડી, પણ લીવરની ટીસ્યુને યથાસ્થાને મૂકીને ડાયાફ્રામને રીપેર કરવામાં ખાસ્સો એવો સમય…’

‘એ બધું હું સમજી ગયો, દોસ્ત, હવે જે નથી સમજયો એ જણાવો. ઢીંગલી…?’

‘બચી ગઇ છે! અને બચી જશે!’

‘મારા તમને ખૂબ-ખૂબ અભિનંદન! તમારા પત્નીને પણ અભિનંદન કહેશો.’

‘ના, એ તો તમારે જ એને આપવા પડશે. હું અને માર્ગી આજે રાત્રે તમારા ઘરે આવીએ છીએ.’ ડો. ધીરેને વાત પૂરી કરી.

રાખીબહેનનો પરિવાર પણ પૂર્ણ થયો. પથારીમાં ત્રિકોણ થઇ ગયો હતો એ ફરીથી ચતુષ્કોણ બની ગયો. લઘુત્તમ ખર્ચ થવાનો હતો એ તો થયો જ, પણ એક વાતનો રાખીબે’ન અને એમનાં પતિને સંતોષ હતો, ‘સર, ડોકટરો જો આવડતની સાથે-સાથે જરાક જેટલી લાગણી પણ ઉમેરે તો સારવારમાં સો ગણો ફરક પડી જાય. મહત્ત્વ એ વાતનું નથી કે અમારી દીકરી જીવી ગઇ, આટલી બધી ગડમથલ, યાતના અને સારવારના અંતે બચી ગઇ, પણ મહત્ત્વ એ વાતનું છે કે મારો કેસ હાથમાં લેતાં પહેલાં જ તમે અને ડો. ધીરેનભાઇએ છાતી ઠોકીને કહ્યું હતું કે એ જરૂર બચીજશે. આભાર, સાહેબ!’

આઠ દિવસ પછી તે લોકો ગયા. ધાનેરાથી ત્રણ જીવો આવ્યા હતા, ચાર બનીને પરત ગયા. રાખીબહેનની ઇરછા હતી કે જતાં પહેલાં મારી સાથે એક ફોટો ખેંચાવી લેવો. આ વખતે પણ તેઓ કેમેરા સાથે લઇને આવ્યા હતા. પણ વિદાય વખતે હું ત્યાં હાજર ન હતો, એટલે થોડોક વસવસો રાખીબહેનનાં મનમાં રહી ગયો, જે એમે ફોનમાં વ્યકત પણ કર્યો.

મેં એમને વચન આપ્યું, ‘આપણે ફરીથી મળીશું, બહેન! અને મારા જેવા એક પારકા ડોકટરના ફોટાનું મુલ્ય પણ શું છે? તમારી જિંદગીના આખાયે આલબમને સેંકડો-હજારો તસવીરોથી છલકાવી દેવા માટે એક સુંદર ‘મોડલ’ તો ભગવાને મોકલી આપી છે!’

(શીર્ષક પંકિત: ખલીલ ધનતેજવી)

Source: દિવ્યભાસ્કર

Advertisements

3 Responses

  1. khub j saras chai,very sensetive!

  2. its reality in india today most of doctors want to earn money they dont think of pation. money orinted, rud doctors and they dont have inough skill, and knowlage, many pediatricion dont have skill to operat ventelator or dont have degree but then also they confidently use it, doing experiment on kids. i have not only lisen about this but i have passed from those problems. i know every doctors who gave wrong advice. i would like to advice everyone plese before going to docto pls check their degree and their knowlage.

  3. tamara fan banva mate aa story purti chhe….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: