ખુદા કરે કે તને ન લાગે પ્યાર વ્યારની ચોટ કદી, એમાં જખ્મ રુઝાયા પછી પણ થાય છે કળતર છેક લગી

કરોડપતિ શેઠ અમુભાઇના બંગલાની બાજુમાં જ વિશાળ ખુલ્લું મેદાન હતું. સાંજનો સમય હતો. છોકરાઓ ત્યાં ક્રિકેટ રમી રહ્યા હતા. બોલરે બોલ ફેંકયો. બેટ્સમેને ફટકો માર્યો. દડો રોકેટની જેમ હવામાં ઊડયો. અમુકાકાના બંગલાની દીવાલ સાથે અથડાઇને એમના માથા ઉપર પડયો. અમુકાકાએ દીવાલ સામે જોયું, દડા સામે જોયું, પછી છોકરાઓ સામે જોયું.

‘કાકા, બોલ પાછો આપો ને!’ દોડી આવેલા ફિલ્ડરે વિનંતી કરી. ‘નહીં આપું, જા! તારાથી થાય તે કરી લે! હમણાં બારીનો કાચ ફૂટી ગયો હોત તો..?’ અમુકાકાના દિમાગની તપેલી ધીરે ધીરે તપવા માંડી હતી. ‘સોરી, કાકા, પણ કાચ ફૂટયો તો નથી ને?”એટલે? તું કહેવા શું માગે છે, હેં?! કાચ ફૂટે ત્યાં સુધી મારે રાહ જોવાની, હેં? નાલાયક! તારા બાપને લઇને આવ, પછી હું બોલ પાછો આપીશ.’

બંને ટીમના મળીને બાવીસ છોકરાઓ ભેગા થઇ ગયા, ‘કાકા આવું શું કરો છો? આવી નાની અમથી વાતમાં અમારા બાપને વચ્ચે લાવવાની શી જરૂર છે? કાકા મોંઘો દડો છે. પાછો આપોને, પ્લીઝ?’ કેપ્ટને વાટાઘાટો આદરી. પણ અમુકાકા સાવ છેલ્લા પાટલે બેસી ગયા, ‘બોલ મોંઘો છે, ત્યારે આ બારીનો કાચ સસ્તો આવે છે, એમ ને? હું તો કહું છું આ બેટ-બોલની રમત જ બંધ કરી દો! આ શું? આખો દિવસ ધોકો લઇને દડાને કૂટ-કૂટ કરવાનું? બીજો કંઇ કામધંધો છે કે નહીં? આજ પછી જો આ મેદાનમાં નજરે ચડયા છો તો એક એકની ટાંગ તોડી નાખીશ. કહી દઉ છું, હા!’ અમુકાકાએ અમેરિકા જેવી ધમકી આપી દીધી, છોકરાઓ વિખેરાઇ ગયા. અમુકાકા એકલા પડયા એટલે હાથમાં રહેલા દડાને જોઇ રહ્યા. ચહેરા પરની તંગ રેખાઓ જરા ઢીલી પડી.

આંખોમાં ઉનાળો હતો એને બદલે અષાઢ ધેરાયો. કશુંક યાદ આવ્યું, છાતીના પોલાણમાં કંઇક ઘુમરાયું, ઘમ્મર વલોણામાંથી માખણનો બનેલો કોઇ આકાર ઊપસ્યો- ન ઉપસ્યો અને પછી એક પળમાં બધું આથમી ગયું. ચહેરા ઉપર ભયંકર કટુતાનો મેકઅપ છવાઇ ગયો. અમુકાકા ઘરમાં જતા રહ્યા. દડો ટેબલના ખાનામાં સંતાડી દીધો. સંતાડી એટલા માટે દીધો કે જેથી બહારના તો ઠીક, પણ ઘરના છોકરા પણ બોલ-બેટ રમી ન શકે. દીકરાનો દીકરો ટીનુ પણ ક્રિકેટનો દીવાનો હતો.

બે-ચાર દિવસ પછીની ઘટના. અમુકાકા એમના પૌત્ર ટીનિયાને લઇને સાંજના સમયે બંગલાની અગાસી ઉપર ઊભા હતા. ત્યાં ‘ટપ્પ’ અવાજ સાથે કશુંક પડયું. પછી ઊછળ્યું. પછી પાછું પડયું. જોયું તો ક્રિકેટનો દડો. આ વખતે ટેનિસ દડો હતો, પણ ટીનુંની તદ્દન પાસે જ પટકાયો હતો. સહેજ માટે છોકરો બચી ગયો. અમુકાકા વિફર્યા. આ વખતે એમને જ દડાના માલિકોની શોધખોળ આરંભી દીધી. બહુ દૂર જવું ન પડયું. બંગલાની પાછળ થોડેક દૂર ‘ક્રિષ્ના એપાર્ટમેન્ટ્સ’ આવેલા હતા. એની મોટી લાંબી ટેરેસ ઉપર કેટલાક છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા. એમાંથી એક જણે ફટકારેલો છગ્ગો એટલે ટીનુના માથા પર ત્રાટકતું મોત બનતાં સહેજ માટે ચૂકી ગયેલો ઘા.

‘અંકલ! અંકલ! પ્લીઝ, બોલ આપોને?’ એક નાનું ટાબરિયું પાળી પાસે દોડી આવ્યું. ‘નહીં આપું, જા, તારાથી થાય તે કરી લે! આ તે કંઇ ક્રિકેટ રમવાનું મેદાન છે?’

‘સોરી, અંકલ! તમે બોલ પાછો આપો, હવેથી અમે તમારા બંગલાની સામે આવેલા મેદાનમાં રમીશું, બસ? પ્રોમિસ!’ ‘અરે, જા રે જા, પ્રોમિસવાળી!’ મેદાનની વાત સાંભળીને કાકા વધારે ભડકયા, ‘હું તો કહું છું આ ક્રિકેટ ટીચવાની જરૂર જ શી છે? આ તો ધોળિયાવની રમત છે. આપણે ત્યાં તો સંતાકૂકડી, પકડદાવ, કબી અને ખો-ખો જેવી રમતો રમાતી હતી. એ બધું રમોને?’

‘કાકા, એમ તો આપણા દેશમાં ગેડી-દડાની રમત પણ ખૂબ રમાતી હતી, એ રમીએ?’ એક ટાબરિયાએ નિર્દોષ ભાવે પૂછ્યું. ગેડી-દડામાં દડો આવતો હતો, એટલે અમુકાકાની ‘સ્પ્રિંગ’ છટકી, ‘એમ કે’ને કે તારે ગમે તે બહાને મારા કાચ ફોડવા છે! કાં તો મારું માથું ભાંગવું છે! ખબરદાર, હવે પછી જો કયારેય તારો દડો મારા બંગલામાં આવ્યો છે તો હું તારી ચી ફાડી નાખીશ! અને આ દડો તો પાછો નહીં જ આપું! થાય તે કરી લે!’

ટીનુ વિસ્મિત ભાવે દાદાજીને જોઇ રહ્યો હતો અને દાદાજી હાથમાં પકડેલા ટેનિસ બોલ તરફ. અચાનક એમના હાવભાવમાં પલટો આવી ગયો. આંખોમાં ઝબૂકતા લાલચોળ અંગારા બુઝાવા લાગ્યા. ચહેરા પર સમી સાંજની શીતળ હવાનો ફરકાટ રેલાઇ ગયો. કોઇક યાદ આવી ગયું. દડાની જેવો જ ગોળાકાર સુંદર ચહેરો હવામાં ઊપસ્યો, ન ઊપસ્યો અને વિલાઇ ગયો.

સમયની સાથે સાથે અમુકાકાનો આતંકવાદ વકરતો ગયો. આજુબાજુની એક ડઝન સોસાયટીઓમાં એમના નામની ધાક પ્રસરી ગઇ. ‘ક્રિકેટ’ શબ્દ પ્રત્યેની એમની નફરતે સારાસારના વિવેકની તમામ સરહદો વટાવી નાખી. છોકરાઓ એમના બંગલાથી દૂર પેલા મેદાનના છેક આધેના ખૂણામાં ક્રિકેટ રમતાં હોય, તો પણ અમુકાકાથી એ વાત સહન ન થાય. દડો એમના બંગલા સુધી ન આવે તો એ પોતે સામે ચાલીને દડા સુધી જાય. ‘પીચ’ ઉપર જઇને ઊભા રહી જાય. છોકરાઓ આજીજી કરે તો માને નહીં. વિરોધ કરે તો કાકા દલીલ કરે, ‘કેમ? આ મેદાન તમારા પિતાશ્રીએ બંધાવ્યું છે? આ મ્યુનિસપિાલિટીની જમીન છે. મારે જયાં ઊભા રહેવું હોય ત્યાં ઊભો રહું! તમારાથી થાય તે કરી લો!’

ધીમે-ધીમે છોકરાઓ બીજી રમતો તરફ વળી ગયા. દુકાનમાં ન જોવા મળે એટલી સંખ્યામાં દડાઓ અમુકાકાના ખજાનામાં જમા થઇ ગયા. અમુકાકા કયારેક નમતી બપોરે કે ઢળતી સાંજે બાલ્કનીમાં બેઠાં-બેઠાં ખાલી, ખુલ્લા મેદાન તરફ જોઇને બબડી લેતા, ‘હાશ, કાયમની શાંતિ થઇ ગઇ. બારીના કાચ ફૂટવાની બીક ન રહી. મારા બેટાઓ, સચિનના વહેમમાંથી બહાર નો’તા આવતા, સીધા દોર કરી દીધા કે નહીં?’

અમુકાકાને ખરેખર છુટકારો મળી ગયો, બારીના કાચ ફૂટવાના ડરમાંથી પણ, અને કોઇનો ગોળ રૂપાળો ચહેરો યાદ કરવામાંથી પણ.

………..

એક મહિના પછીની ઘટના. બપોરના બાર વાગ્યા હતા. અમુકાકા ગાડીની પાછલી સીટ પર બેઠા હતા. ડ્રાઇવર ગાડી ચલાવતો હતો. શહેરના મુખ્ય માર્ગ પરથી ગાડી મંદ ગતિએ દોડી રહી હતી. ટ્રાફિક વધારે હતો. ત્યાં ફૂટપાથ પરથી કોઇએ બૂમ મારી, ‘અમન..! સ્ટોપ ફોર એ વ્હાઇલ, પ્લીઝ.., અમન..!’ ડ્રાઇવરને આ ‘અમન’ નામનાં સંબોધનમાં શું સમજ પડે? એ તો ગાડી ચલાવતો રહ્યો. પણ અમુકાકા ચમકી ગયા. પાછળના કાચમાંથી જોયું તો પિસ્તાલીસ-પચાસની આસપાસ દેખાતી એક સ્ત્રી ગાડીની પાછળ દોડી રહી હતી. અમુકાકાએ ડ્રાઇવરના ખભા પર હાથ મૂકીને દબાવ્યો, ‘ગાડી બાજુ પર લઇ લે! ઊભી રાખ! જા, તારે પાન-બાન ખાવું હોય તો સામેના ગલ્લે આંટો મારી આવ!’

ડ્રાઇવર દૂર ગયો ત્યાં સુધીમાં પેલી સ્ત્રી પાસે આવી પહોંચી. બારીમાંથી અડધું શરીર અંદર ઘુસાડી દીધું, ‘અમન! મને ઓળખી ગયો કે નહીં?’ ‘અરે, હું તને ન ઓળખું એ કેવી રીતે શકય છે? તું… તું…’ ‘બોલ ને! અટકી શા માટે ગયો?’

‘તું મારી અંતરા છે ને? સોરી, મારી થઇ ન શકી, પણ જેને મારી બનાવવાના ઓરતા મારા મનમાં ઊઠતા હતા, તે અંતરા!’

‘તો પછી તેં કયારેય તારા દિલની વાત મને જણાવી કેમ નહીં?’ અંતરાએ કારનું બારણું ઉઘાડીને સીટ ઉપર બેસતાં પૂછ્યું.

‘તારા બાપે એવો મોકો જ કયાં આપ્યો મને કે હું તારા સુધી પહોંચી શકું.’ અમુકાકાના અવાજમાં કિસ્મત સામેની ફરિયાદ આવીને બેસી ગઇ. ‘કંઇ સમજાય એમ વાત કર.’

‘જિંદગીમાં એક જ વાત મને સમજાઇ છે, અંતરા! એ વાત છે તને ચાહવાની. તું મને ગમતી હતી. તને યાદ છે, અંતુ? હું તારા ઘરવાળી શેરીમાં રોજ ક્રિકેટ રમ્યા કરતો હતો. વાસ્તવમાં મને ક્રિકેટમાં જેટલો રસ ન હતો, એટલો તને જોવામાં રસ હતો. બે કલાકના બેટ-બોલમાં બે મિનિટ માટે પણ તારું રૂપાળું મોં જોવા મળી જાય તો મારો દિવસ સુધરી જતો હતો. એક દિવસ એવો આવ્યો જયારે હૃદયમાં પડેલો પ્રેમનો તણખો વધીને ભડકો થઇ ગયો, ત્યારે મેં તને ઉદ્દેશીને એક પ્રેમપત્ર લખ્યો. રમતાં-રમતાં દડો લેવાના બહાને હું તારા ઘર પાસે દોડી ગયો અને પત્રના કાગળમાં નાનો પથ્થર મૂકીને દોરો બાંધેલું એ પડીકું તારી બાલ્કનીમાં ફેકયું.

‘પણ મારા હાથમાં તો એવો કોઇ જ પ્રેમપત્ર આવ્યો જ ન હતો.’ ‘તારા હાથમાં ન આવ્યો, પણ એ પ્રેમપત્ર તારા પપ્પાના હાથમાં જઇ ચડયો. બીજા દિવસે હું કોલેજમાં જતો હતો, ત્યારે એમણે મને રસ્તામાં આંતર્યો. જબરદસ્ત ખખડાવ્યો. કહ્યું કે ‘શું જોઇને મારી પરી જેવી દીકરીનાં સપનાં જોઇ રહ્યો છે? આખો દા’ડો ક્રિકેટ રમ્યા કરે છે, બે પૈસાય કમાવા જેટલી તો આવડત નથી તારામાં! ખબરદાર! જો કયારેય મારી શેરીમાં પગ મૂકયો છે તો! ટાંટિયો તોડી નાખીશ તારો!’ એ પછી મેં તારી શેરી તરફ કયારેય નજર કરી નથી. તું પણ છૂટી ગઇ, તારી શેરી પણ છૂટી ગઇ અને ક્રિકેટની રમત પણ છૂટી ગઇ. જે રમતે મારી પ્રેમિકા છીનવી લીધી એને હું નફરત કરવા માંડયો. આજે પણ કોઇને બેટ-બોલ સાથે જોઉ છું ત્યારે હું ઉશ્કેરાઇ બેસું છું, અંતરા! પણ જવા દે એ વાતો. તું કેમ છે એ કહે.’

‘હું પણ શું કહું, અમન? તને ખબર છે? હુંયે મનોમન તને ચાહતી હતી. હું તારા વ્યકિતત્વ પાછળ ગાંડી ન હતી, પણ ક્રિકેટ રમવાની તારી છટા પાછળ હું પાગલ હતી. શું તારી રમત હતી! તું જયારે ચોગ્ગા-છગ્ગાની તડાફડી બોલાવતો, ત્યારે હું બાલ્કનીના બારણા પાછળ સંતાઇને તને જોયા કરતી હતી. મનોમન પ્રાર્થના કરતી કે હે ઈશ્વર, હું તો સામે ચાલીને કહી નહીં શકું, પણ તું મારા અમનને એવી પ્રેરણા આપ કે જેથી એ મને પ્રેમપત્ર લખે! પણ તેં કયારેય મને પત્ર ન લખ્યો, અમન! આજે તો હું પરણીને અમેરિકામાં ‘સેટલ’ થઇ ગઇ છું, પણ તને હું ભૂલી શકતી નથી. જયારે પણ ટી.વી. સ્ક્રીન ઉપર કોઇ ક્રિકેટની મેચ ચાલતી હોય છે, ત્યારે હું સામે ગોઠવાઇ જઉ છું. આપણા જમાનામાં હું તને સન્ની ગાવસ્કરમાં જોતી હતી. હવે ,સચિનમાં જોઉ છું.’

‘અને હું તારા ચાંદ જેવા મુખડાને દડાની ગોળાઇમાં શોધતો હતો. આવ, પેલી રેસ્ટોરાંમાં બેસીએ. સાથે કોફી માણીએ અને બાથમાંથી સરકી ગયેલાં સુખને હાથમાં સમાવવાની કોશિશ કરીએ.’ અમુકાકા વીસ વર્ષનો અમન બની ગયા, એમની અઢાર વર્ષની અંતરાનો હાથ પકડીને ભીડથી ઊભરાતા માર્ગ પર ચાલવા લાગ્યા. યૂં હી કોઇ મિલ ગયા થા, સરેરાહ ચલતે-ચલતે.

એ સાંજે બંગલાની સામેના મેદાનમાં કબી રમતાં છોકરાઓને અમુકાકાએ પ્રેમથી ધમકાવ્યા, ‘આ શું માંડયું છે? કબીનો જમાનો પૂરો થઇ ગયો. ક્રિકેટ રમો ક્રિકેટ! છ મહિના લગી ચાલે એટલા દડાઓ તો હું તમને આપીશ. અને બારીના કાચ ફૂટો તો એ બદલાવી આપવાની જવાબદારી મારી. તમને કોઇ વઢે તો કહી દેજો કે અમન અંકલે છૂટ આપી છે.’

છોકરાઓ વિચારમાં પડી ગયા, આ અમુકાકા બોલી રહ્યા છે કે એમની અંદર રહેલો અમન?!

(શીર્ષક પંકિત: ખલીલ ધનતેજવી)

Source: દિવ્યભાસ્કર

Advertisements

One Response

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: