મેં વસંતને સાવ લીલીછમ લચોલચ ડાળ આપી, ને વસંતે આગઝરતી પાનખરની ગાળ આપી.

કે.કે.કોઠાવાલા કોમર્સ કોલેજના આખા કેમ્પસમાં ધમાલ મચી ગઇ. જે છોકરો કે છોકરી બીજા છોકરા-છોકરીને મળે, તે એક જ સવાલ પૂછે : ‘આજે વોલ મેગેઝિન પર કવિ આવારાની કવિતા મુકાઇ છે તે વાંચી? મને તો લાગે છે કે એ કવિતા નથી, પણ કવિની આત્મકથા જ છે. ખરેખર પાંખડી નસીબદાર છે.’ ચારેબાજુ આવારા, કવિતા અને પાંખડીની જ ચર્ચા હતી. આગની જેમ ફેલાતી વાત ખુદ પાંખડીનાં કાન સુધી ન પહોંચે એવું શી રીતે બને? અડધા કલાકમાં અઢીસો જણાં આવી આવીને એને કહી ગયાં, ‘વાહ! પાંખડી, તારું તો કિસ્મત ઊઘડી ગયું. આટલો બધો પ્રેમ તે કોઇ કોઇને કરતું હશે? યુ લકી ગર્લ!’

છેવટે પાંખડીની આતુરતાને અવધિ આવી ગઇ. બપોરની રિસેસમાં એ કેન્ટિનમાં જવાને બદલે પ્રિન્સિપાલની ઓફિસ તરફ ગઇ. ઓફિસની બહાર જ દીવાલ ઉપર એક નોટિસ બોર્ડના કદનું વોલ મેગેઝિન મૂકવામાં આવ્યું હતું. અંદર મોટા ચોરસ સફેદ પૂંઠા જેવા કાગળ ઉપર કોલેજિયનો દ્વારા લખાયેલી મૌલિક રચનાઓ પ્રદર્શિત કરવામાં આવતી હતી. દરેક ભીંતપત્રની મુદત પંદર દિવસની રહેતી હતી.

પાંખડીએ થડકતા દિલે વાંચવાનું શરૂ કર્યું. એની સાથે ભણતા કોઇ સંવેદનશીલ યુવાને અછાંદસ કાવ્યમાં પોતાના હૃદયને આમ નિચોવી દીધું હતું : ‘પાંખડી, તું મને ગમે છે, તને જોઉ છું ને… મારા પૌરુષી શમણાં ફરીથી સજીવન થઇ જાય છે. સુરખાબની ડોકને પંપાળવાની ઇરછા સાપણ બનીને મનમાં સળવળવા માંડે છે. તને સાંભળું છું અને … જલતરંગના ઘ્વનિને એક અર્થ સાંપડે છે. તું પાસેથી પસાર થાય છે અને… જગતભરના બગીચાઓને એક વજૂદ પ્રાપ્ત થાય છે. તને જોઉ છું ને મને સમજાય છે… ઈશ્વર નિર્ગુણ, નિરાકાર નથી. તારા સ્વરૂપમાં મને બ્રહ્માંડનું સગુણ, સાકાર, ચૈતન્ય કળાય છે. આવું બધું થાય છે, કારણ કે… મારી પાંખડી, તું મને ગમે છે.

પાંખડી જાણતી હતી કે ‘આવારા’એ કવિનું તખલ્લુસ હતું, એનું સાચું નામ તપોવન ત્રિવેદી હતું. આવારા નામથી એ ગઝલો, અછાંદસ, હાઇકૂ અને ગીત જેવા કાવ્યપ્રકારો લખતો રહેતો હતો. સારો છોકરો હતો. કમ સે કમ સારો હોય એવો લાગતો તો હતો. ગરીબ મા-બાપનો સાહિત્યપ્રિય દીકરો હતો. કોલેજના ઇતિહાસમાં ઝભ્ભો-લેંઘો પહેરીને આવનાર એ પહેલો વિધાર્થી હતો, કદાચ છેલ્લો પણ હશે. કયારેય પાંખડીને જોઇને એણે નાની-મોટી એક પણ શરારત કરી ન હતી. પ્રોફેસર લેકચર આપતા હોય ત્યારે તપોવન છેલ્લી બેંચ ઉપર બેસીને કવિતા લખી રહ્યો હોય.

આજ સુધી એની એક પણ કવિતાએ વિવાદ જન્માવ્યો ન હતો. આજે પહેલી વાર એની કવિતા વાવાઝોડું બનીને આવી હતી. પાંખડી ધૂંધવાઇ ઊઠી. આવા આવારા છોકરાને તો પાઠ ભણાવવો જ જોઇએ. એ સીધી જ પ્રિન્સિપાલની ઓફિસમાં પ્રવેશી ગઇ. પ્રિ.શેલતને ખબર હતી કે આ વિધાર્થિનીનાં પપ્પા શહેરનું મોટું માથું હતા, એટલે એમણે પાંખડીને હસીને આવકાર આપ્યો, ‘આવને, દીકરી! શું કરે છે તારા પપ્પા,મઝામાં છે ને?’

‘પપ્પા મઝામાં હશે ,પણ હું નથી.’ પાંખડીએ મોં ફુલાવીને શરૂઆત કરી.

‘કેમ, શી તકલીફ છે તને? પ્રોફેસરો બરાબર ભણાવતા નથી? કે પછી ઇન્ર્ટનલ પરીક્ષામાં ઓછા માક્ર્સ આવ્યા છે? આજકાલના સાહેબો બેદરકાર થઇ ગયા છે, પેપર તપાસ્યા વગર જ માક્ર્સ મૂકી દે છે.’

‘અને તમે શું કરો છો? પ્રિન્સિપાલ થઇને વાંરયા વગર જ વોલ મેગેઝિનમાં કવિતાઓ મૂકવા દો છો. ભલેને પછી એને કારણે કોઇ છોકરીની ઇજજત ઉપર કાદવ ઉછાળવામાં આવ્યો હોય!’
પ્રિ.શેલતની ટાલ ઉપર ત્રણ-ચાર વાળ હતા એ પણ ઊભા થઇ ગયા. પાંખડી જેવી યુવતી જો આવી ફરિયાદ લઇને આવે તો એ ગંભીર કહેવાય. એમણે દસ જ મિનિટમાં વાતનો નિચોડ જાણી લીધો. પટાવાળા દ્વારા પેલું ભીંતપત્ર મંગાવી લીધું. આ હરકત કરનાર કવિ આવારા એ બીજો કોઇ નહીં પણ તપોવન જેવો સંસ્કારી વિધાર્થી છે એ જાણીને શેલત સાહેબ દુવિધામાં પડી ગયા. મનમાં વિચારી રહ્યા : ‘મામલો સાચવી લેવો પડશે. આ છોકરીને એવું લાગવું જોઇએ કે એને ન્યાય મળી ગયો અને પેલા તપોવનને પણ મારે બચાવી લેવો પડશે.’

એમણે પટાવાળાને આદેશ આપ્યો, ‘જા, તપોવન ત્રિવેદીને પકડી લાવ!’ પટાવાળાએ બહુ મહેનત કરવાની જરૂર ન પડી. કદંબના વૃક્ષની ઝૂકેલી ડાળ પકડીને શૂન્ય નજરે આસમાનમાં તાકતો એક જ જુવાન ઊભો હતો. મુઝરિમ ઝડપાઇ ગયો.

‘કમ ઇન, તપોવન!’ પ્રિ.શેલતે અવાજમાં કઠોરતા લાવવાનો અભિનય કર્યો, ‘બેસ, જો ને, આ પાંખડીનું કહેવું એવું છે કે ‘આવારા’ ના ઉપનામથી કવિતાઓ લખનાર તું જ છે. હું તો માનું છું કે એ કોઇ બીજાનું કામ હોવું જોઇએ.’

‘ના, સર! મારું જ તખલ્લુસ આવારા છે.’ તપોવને શાંતિથી કહ્યું.

‘આઇ સી! સરસ કવિતાઓ હોય છે તારી. યુ નો… પણ મિસ પાંખડીની ફરિયાદ છે કે … આઇ મીન, આજની કવિતામાં તે એનાં નામનો ઉલ્લેખ કર્યોછે એ એને જરા પણ નથી ગમ્યું. પણ હું તો માનું છું કે પાંખડી નામની બીજી હજારો છોકરીઓ હોઇ શકે છે. અરે, એ એક કાલ્પનિક વ્યકિતનું નામ પણ હોઇ શકે ને? કવિ રમેશ પારેખની સોનલની જેવું!’

‘ના, સર! મારી બાબતમાં એવું નથી. આજની કવિતામાં જે પાંખડી છે એ આ જ પાંખડી છે.’ તપોવનના બોલવામાં સંસ્કારી કબૂલાત હતી. પ્રિ.શેતલે કપાળે હાથ માર્યો. બબડયા પણ ખરાં : ‘લે, ત્યારે મર હવે! સત્યના પ્રયોગો કરવા બેઠો છે, પણ તું ગાંધીજી નથી એ કેમ ભૂલી જાય છે?’

હવે પાંખડી મેદાને પડી, ‘સર, આ માણસ દેખાય છે એટલો સજજન નથી. આવારા નામ એણે સમજી-વિચારીને જ અપનાવ્યું છે. તમે એને કોલેજમાંથી ડિસમિસ કરો, નહીંતર મારે એને ફટકારવો પડશે.’

તપોવન ઊભો થઇ ગયો, ‘હોલ્ડ ઓન, પાંખડી! મને સજા આપવાની વાત કરતાં પહેલાં એટલું જણાવીશ કે મારો અપરાધ શો છે? ઇન્ડિયન પીનલ કોડમાં કયાંય એવું લખ્યું હોય તો મને બતાવ કે એક પુખ્ત વયનો અપરિણીત યુવાન એક પુખ્ત ઉમરની કન્યાને જરા પણ આછકલાઇ વગર એવું ન કહી શકે કે ‘તું મને ગમે છે.’ મેં તો માત્ર કવિતા લખી છે, બાકી સંસ્કારી ભાષામાં આ જ વાત હું પ્રેમપત્રના સ્વરૂપે તારા હાથમાં મૂકું ને તો પણ કોઇ ગુનો બનતો નથી. અત્યારે ફરીથી કહું છું : કવિતામાં મેં લખેલો શબ્દેશબ્દ સાચો છે.’

પાંખડી ફૂંકાડો મારતી ઊભી થઇ ગઇ, ‘તો તું પણ મારા શબ્દો ઘ્યાનથી સાંભળી લે! મારા જેવી અપ્સરાને પામવા માટે પાત્રતા મેળવવી પડે. આમ ચોળાયેલો ઝભ્ભો, મેલો ધેલો બગલથેલો અને પોચટ કવિતાઓ ઘસડી મારવાથી પાંખડીનો પ્રેમ પામી ન શકાય. રૂપાળી સ્ત્રીઓ માત્ર ધનવાનોના નસીબમાં જ લખાયેલી હોય છે. ગૂડ બાય!’ અને પાંખડી પગ પછાડતી ચાલી ગઇ. પ્રિ.શેતલે ડઘાઇ ગયેલા તપોવનના ખભે હાથ મૂકયો, ‘દીકરા! ભૂલી જા આ તુંડમિજાજી છોકરીને. અને તું જરા પણ ચિંતા ના કરીશ. હું તને કશીયે સજા નહીં કરું.’

‘સર, પાંખડીએ મારા પ્રેમને લાત મારીને ઠુકરાવી દીધો એ ઓછી સજા લાગે છે તમને? એનાથી મોટી સજા તો ફાંસી પણ ન હોઇ શકે.’ તપોવન મરેલા અવાજે આટલું બોલીને ચાલ્યો ગયો. એ પછી એ કોલેજમાં કયારેય દેખાયો નહીં. દસ વર્ષ તૂટેલાં સ્વપ્નની જેમ ઊડી ગયા. પ્રિ.શેલત નિવૃત્ત થઇને પોતાના વતનના શહેરમાં ચાલ્યા ગયા. એક દિવસ ઘર માટે કેરીઓ ખરીદવા બજારમાં ગયા હતા, ત્યાં એક જાણીતા ચહેરાવાળી સ્ત્રી મળી ગઇ. સાદા કપડામાં એનું નિચોવાઇ ગયેલું યૌવન અને મૂરઝાયેલું રૂપ ઢંકાઇ જતું હતું. શેલત સાહેબ પરિચયતા ઝાંખા-પાંખા અણસારે એની સામે જરા-તરા મલકી ગયા. પેલી સ્ત્રી ફિક્કું હસી પડી, ‘સર, મારી ઓળખાણ પડી? હું પાંખડી.’

શેલત સાહેબના ગળામાં ચીસ નીકળી ગઇ, ‘અરે! હોય નહીં? તારી આ દશા? તું તો કોઇ પૈસાદાર નબીરાની સાથે પરણી હતી ને!’

‘હા, સર! સંકલ્પ મારા જ કલાસમાં ભણતો હતો. ધનવાન બાપનો દીકરો હતો. પણ લગ્ન પછી એ મારા સૌંદર્ય પાછળ એવો તો લટ્ટé બની ગયો કે આખો દિવસ મારી આગળ પાછળ જ ફર્યા કરે! ધંધામાં એણે ઘ્યાન જ ન આપ્યું. જયાં સુધી મારા સસરા જીવતા હતા, ત્યાં સુધી વાંધો ન આવ્યો, પણ એમના અવસાન બાદ ધંધો ચોપટ થઇ ગયો.’

‘અત્યારે સંકલ્પ શું કરે છે?’ ‘મને જોઇ જોઇને કવિતાઓ રચે છે. એને મારા સિવાય દુનિયામાં બીજું કંઇ દેખાતું જ નથી. છેલ્લાં એક વર્ષમાં તો ધંધો વેચાઇ ગયો, બંગલો ને ગાડી પણ વેચાઇ ગયા, મારે આછી-પાતળી નોકરીએ લાગી જવું પડયું, પણ સંકલ્પને કશાનુંય ભાન નથી. એ ભલા અને એમની કવિતા ભલી!’ પાંખડીનાં મોં ઉપર વિષાદ ઊભરી આવ્યો. ‘એમાં તું આટલી બધી નારાજ શા માટે થાય છે? પૈસો તો આવે ને જાય! કવિતા લખવી એ કંઇ હલકું કામ નથી. તારો પતિ સારી કવિતા લખે છે ને?’

‘અરે, શેની કવિતા? જોડકણાં લખે છે જોડકણાં! મારી પાછળ ધેલા કાઢતો ફરે છે. કવિતા તો… સાચું કહું? કવિતા તો તપોવન લખતો હતો, સર! આજે મને એનો એક-એક શબ્દ સાંભરે છે. ખરેખર એ સાચો પ્રેમી હતો અને ઉત્તમ કવિ પણ! જો મેં એને તરછોડવાની ભૂલ ન કરી હોત તો હું કેટલી બધી સુખી હોત! કયારેય મનમાં વિચાર ઝબકી જાય છે કે તપોવન અત્યારે કયાં હશે? શું કરતો હશે? સાહિત્યની દુનિયામાં એણે કેવા-કેવા શિખરો સર કર્યા હશે? હું તો મારી પળોજણમાં કોઇ સામયિકો વાંચી શકતી નથી, એટલે જાણતી પણ નથી કે મારો ‘આવારા’ કવિ આજે કયા મુકામ ઉપર બેઠેલો છે!’

શેલત સાહેબ મર્માળુ હસ્યા, ‘તારે જાણવું છે કે એક જમાનાનો તારો પાગલ પ્રેમી અત્યારે કયાં છે અને શું કરે છે? તો સાંભળ. આવારા હવે આવારા નથી રહ્યો. જે દિવસે તેં એને તરછોડી દીધો, એ દિવસે એણે કવિતાને છોડી દીધી. એણે કોલેજ છોડી, સાત્ત્વિકતાની કેડી છોડી, ભીની ભીની લાગણીઓની દુનિયા છોડી દીધી. એને સમજાઇ ગયું કે રૂપાળી અપ્સરાઓને શું ગમે છે. અને એ સુખ-ચૈન, પૈસો, ગાડી-બંગલા અને વૈભવના સપનાં સાકાર કરવામાં ડૂબી ગયો. હોશિયાર તો એ હતો જ! ધંધામાં એ ઝળકી ઊઠયો. આજે એની ગણના અમદાવાદના જાણીતા ઉધોગપતિઓમાં થાય છે. હું ગયા મહિને જ એને મળી ચૂકયો છું.’

‘એ મને યાદ કરે છે?’ ‘ના, એ તારાથી પણ જોજનો દૂર નીકળી ગયો છે અને કવિતાથી પણ. સાચું કહું તો તપોવન હવે કવિતાને ધિક્કારે છે. એની પત્ની તારા કરતાંયે સો ગણી સુંદર છે. તું સાચું જ કહેતી હતી, પાંખડી કે અપ્સરાઓ હંમેશાં ધનવાનોના નસીબમાં લખાયેલી હોય છે. પણ તું એક વાત નહોતી જાણતી એ હવે જાણી લે.’ ‘શું?’

‘અપ્સરાઓનાં નસીબમાં કાયમ ધનવાનો જ લખાયેલા નથી હોતા!’ શેલત સાહેબ બહુ ઓછા શબ્દોમાં ખૂબ જોરદાર આંચકો આપીને ચાલવા માંડયા.

(શીર્ષક પંકિત : ખલીલ ધનતેજવી)

Source: દિવ્યભાસ્કર

Advertisements

One Response

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: