આજ રોકાય નહીં આસુંઓ, આજ તારા સ્મરણોની હેલી છે.

“મમ્મી, હું પાલીતાણા જઉં છું.” એકવીસ વરસના જુવાનજોધ દીકરા શ્યામલે મમ્મીને જાણ કરી. આ જાણમાં જાહેરાત અને મંજૂરી બંનેનો સમાવેશ થઈ જતો હતો.

“ભલે, બેટા ! પણ અચાનક કેમ… ?” જયશ્રીબેન શાક સમારતા હતાં એ અટકી ગયા. ઘરમાં ત્રણ જ સભ્યો હતાં. શ્યામલ જો પાલીતાણા જવાનો હોય તો પછી રાત્રિ-ભોજનમાં શાક બનાવવાની જરૂર પણ ક્યાં હતી ? પતિ-પત્ની તો એકલી ખીચડીથી ચલાવી લે એવા હતાં. આમે ય તે દીકરા વગર દુનિયામાં રસ પણ શેમાં રહે એમ હતું !

“ખાલી અમસ્તા જ મમ્મી ! ધરતીકંપ પછી કૉલેજો બંધ છે અને…” શ્યામલે સ્પોર્ટ્સ શૂઝની દોરી બાંધતા કહ્યું: “મિત્રો સાથે જરા ‘ફ્રેશ’ થઈ જવાય, જાત્રાની જાત્રા અને મસ્તીની મસ્તી.”

નાનકડા બગલથેલામાં ટૂથ-બ્રશ, ટુવાલ અને એક જોડી કપડાં ભરીને શ્યામલ ઘરનાં પગથિયા ઉતરી ગયો. જયશ્રીબેન દાળ-ચોખા વીણવામાં પરોવાયા એ પછીના બે દિવસ એમના માટે ખીચડી અને દૂધના ભોજન જેવા બેસ્વાદ વિત્યા. એમના પતિ જનકભાઈની પણ એવી જ હાલત હતી.

એમ તો શ્યામલથી નાનો બીજો દીકરો પણ હતો, દિપક. પણ એ સૂરતમાં ભણતો હતો. શ્યામલ અમદાવાદની એન્જિનિયરીંગ કૉલેજના છેલ્લા વરસમાં ભણતો હતો. બે મહિના પછી એનું ભણવાનું પૂરું થવાનું હતું. પછી…? પછી શું ? જુવાન દીકરો ભણી રહે એ પછીના સવાલ-જવાબ સોનેરી હોય છે. નોકરી, પગાર, ધંધો, કમાણી, સગાઈ, લગ્ન અને રૂપાળી રૂમઝુમતી વહુ ! અને એકાદ-બે વરના અંતરાલ પછી પુત્રની મૂડી ઉપર પૌત્ર નામનું વ્યાજ ! એ પછીનો પ્રત્યેક દિવસ મીઠા ઓડકારનો દિવસ હોય છે અને દરેક રાત રૂપેરી સપનાની રાત હોય છે.

બે દિવસ પછી પૂરા થઈ ગયા. શ્યામલ આવી ગયો પણ જેવો એ ગયો હતો એવો ને એવો પાછો ન આવ્યો. સફર ઉપર ઉપડેલો હણહણતો તોખાર થાક્યો-પાક્યો પાછો આવે એની હાલત હતી. આવીને તરત એ પથારીમાં સૂઈ ગયો.

“બેટા, શું થાય છે ?” જયશ્રીબેનના વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન ન હતું, પણ એક માની મમતા હતી. “શું થાય છે ?”ના જવાબમાં શ્યામલને એક ઉલટી થઈ અને પછી એ ખાધા-પીધા વગર ઊંઘી ગયો.

જનકભાઈ એક શાળામાં આચાર્ય છે. સાંજે એ ઘરે આવ્યા હકીકત જાણીને એમણે પત્નીને હિંમત આપી: “એમાં ઢીલી શું પડી ગઈ, ગાંડી ! શ્યામલની તો આ તાસીર છે. સહેજ તાવ જેવું આવવાનું હોય એટલે પહેલાં ઊલ્ટી થાય. જો એના હાથને અડ ગરમ લાગે છે કે નહીં ?”

ખરેખર શ્યામલને તાવ ચડયો હતો. મઘ્યાહ્નના તાપ જેવો આકરો નહીં પણ સવારના તડકા જેવો કૂણો તાવ. જનકભાઈ દોડીને એમના ફેમિલી ડૉક્ટરને બોલાવી આવ્યા. ડૉક્ટર એમ.બી.બી.એસ. હતા. શ્યામલને તપાસીને એમને આવડતું હતું એટલું કર્યું. તાવ માટે ઇન્જેક્શન આપ્યું અને ઊલ્ટી માટે પેરીનોર્મ અને રેન્ટેક (ઈન્જેક્શન્સ) આપ્યા. એ રાત અજંપાગ્રસ્ત આરામમાં વીતી.

બીજે દિવસે ઈન્જેક્શનોની અસર પૂરી થઈ એટલે શ્યામલની તકલીફો પાછી શરૂ થઈ ગઈ. ભૂખ ન લાગવી, ઊલ્ટી થવી, તાવ ચડવો, થાક લાગવો…! ફેમિલી ડૉક્ટરે લેબોરેટરીમાં કેટલાક પરીક્ષણો કરાવ્યા. ભૂતકાળમાં શ્યામલને સાત-આઠ વરસ પહેલા એપેન્ડીસાઇટીસની તકલીફ થઈ હતી. એ વખતે ઓપરેશન પણ કરાવવું પડેલું. આજથી બે વરસ પહેલાં એને કમળો પણ થયેલો, જે સારવારથી મટી ગયો હતો.

લેબોરેટરીનો રીપોર્ટ ફિકરનો નાશ કરનારા આવ્યા; હિમોગ્લોબિન તેર ગ્રામ પ્રતિશતથી પણ વધારે હતું. ટી.સી., ડી.સી. પણ તદ્દન નોર્મલ હતા. મેલેરિયા, યુરીન રીપોર્ટ બઘું જ નોર્મલ હતું લીવરની તપાસ પણ સામાન્ય હતી.

ખોરાકની પરેજી અને કેટલીક સામાન્ય દવાઓથી શ્યામલને સારું થવા માંડયું કે પછી એ ખાલી આભાસ હતો ? એનાથી હજુ પેટ ભરીને જમાતું ન હતું. રોજ સાંજે મિત્રો જોડે એ ક્રિકેટ રમવા માટે જતો પણ આવીને તરત જ પથારી પકડતો.

“બેટા, શું થાય છે ?” જયશ્રીબેન છ ફીટ લાંબા દીકરાના શરીર ઉપર ચિંતાતુર નજર પીંછાની જેમ ફેરવીને પૂછતાં

“કંઈ નહીં, મમ્મી, થાક લાગે છે.”

“તેરમી એપ્રિલે ફેમિલી ડૉક્ટરે ફરીથી એને તપાસ્યો. ફરીથી કેટલાક રિપોર્ટ્સ કઢાવ્યા. હિમોગ્લોબીન આ વખતે પંદર ગ્રામ પ્રતિશતથી પણ વધારે હતું. શ્વેતકણો ખાસ્સા વધારે હતા. ટી.બી., મેલેરિયા, ટાઇફોઇડ બઘું જ ગેરહાજર હતું.”

ફેમિલી ડૉક્ટરે સાચી સલાહ આપી: “જનકભાઈ, તમારા દીકરાને હૉસ્પિટલાઇઝ કરવો પડશે. ઘરે રહીને સારવાર આપવામાં જોખમ છે. એના શરીરમાં ક્યાંક ઇન્ફેક્શન છે. શ્વેતકણોનું પ્રમાણ સૂચક છે. હૉસ્પિટલમાં એની તબિયત ઉપર ચોવીસ કલાકનો પહેરો રહેશે. ગ્લુકોઝના બાટલા વગેરે પણ આપી શકાશે. ફિઝિશિયન જેવા નિષ્ણાત ડૉક્ટરોનો અભિપ્રાય પણ મેળવી શકાશે.”

જનકભાઈ જીવરાજપાર્કની આસપાસમાં રહેતા હતા. એટલે શ્યામલને એ જ વિસ્તારની એક મોટી ટ્રસ્ટની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. એની સારવાર એક હોશિયાર પરંતુ અતિશય વ્યસ્ત ફિઝિશિયનના હાથમાં હતી. એમના પોતાના બે સ્થળોએ ખાનગી નર્સંિગહોમ હતા, એ ઉપરાંત આવી જનરલ હૉસ્પિટલોમાં પણ એ ઊડતી મુલાકાતે આવતા હતા. આ મુલાકાતો ખરેખર ઊડતી મુલાકાતો જ હતી. નિર્ધારિત સમય કરતાં ખાસ્સા મોડા આવવું, દરદીઓને તપાસવાને બદલે જોવા, હાથ નીચેના જુવાન ડૉક્ટરોને આંશિક સૂચનાઓ આપવી અને એક ચૂંટણીસભામાંથી બીજી ચૂંટણી સભાને સંબોધવા માટે ઉપડી જતા રાજકીય નેતાની જેમ અદ્રશ્ય થઈ જવું.

“લેબોરેટરીના નવા ટેસ્ટ્સ કરાવો. કમળો લાગે છે સાથે ન્યૂમોનિયા પણ છે.” ફિઝિશિયને નિદાન જાહેર કર્યું. ઢગલો એક પરીક્ષણો સૂચવ્યા. સારવારની લાઇનદોરી નક્કી કરી આપી. પણ આ બઘું તો જુનિયર ડોક્ટરો સાથેની વાતચીતમાં કર્યું. નિદાન પણ કેઇસ-પેપર ઉપર તબીબી પરિભાષામાં ચિતરાયું. રાઉન્ડ પૂરો કરીને જ્યારે બહાર નીકળ્યા ત્યારે શ્યામલના મમ્મી-પપ્પા સામે જ ઊભા હતાં.

“ડૉક્ટર સાહેબ, મારા દીકરાને…”

“કશું જ નથી, નિદાન હજુ પકડાતું નથી. રિપોર્ટ્સ આવે પછી કંઈક ખબર પડે.” આટલું કહીને ‘ભગવાન’ અંતર્ઘ્યાન થઈ ગયા.

તા. ૧૫-૪-‘૦૧ના કાગળો બોલે છે: શ્યામલને કમળો છે. એનો ઈ.એસ.આર. જે અત્યાર સુધી સાવ નોર્મલ હતો તે હવે વધવા માંડ્યો છે. ન્યૂમોનિયાના નિદાન છતાં આશ્ચર્ય એ વાતનું છે કે એના લોહીમાં શ્વેતકણોનું પ્રમાણ ઘટીને સાવ સામાન્ય થઈ ગયું છે. ત્રણ દિવસની સારવાર પછી આશ્ચર્ય વધે છે: લોહીના રિપોર્ટમાંથી કમળો પણ ગાયબ છે !

“તમારો દીકરો હવે સાજો છે. ઘરે લઈ જાવ.” ફિઝિશિયનના મોં ઉપર સફળતા સ્મિત બનીને ચમકી રહી છે. જનકભાઈ અને જયશ્રીબેન રાહતનો શ્વાસ લે છે. શ્યામલને ઘરે લઈ આવે છે. પણ એ રાત્રે જ બાથરૂમ જવા માટે ઉઠેલો શ્યામલ જમીન પર પછડાય છે. લગભગ બેહોશ બની જાય છે.

ફરી ફેમિલી ડૉક્ટર, ઘરમાં જ ગ્લુકોઝના બાટલા, ઇન્જેક્શન અને બીજા દિવસની સારવાર પડ્યે આગળની વિચારણા.

“હવે એક કામ કરો. એને શ્વાસ ચડે છે ને ? એટલે આપણે કાર્ડિયોલીજીસ્ટને મળીયે.” ફેમિલી ડૉક્ટરનું સૂચન. શહેરના એક અતિશય નામાંકિત કાર્ડિયોલોજીસ્ટને કન્સલ્ટ કરવામાં આવ્યા. આ ડૉક્ટરની પણ તકલીફ એ જ હતી; જેટલા હોંશિયાર હતા એટલા જ વ્યસ્ત હતાં.

પૂરેપૂરી ગંભીર મુખમુદ્રા સાથે એમણે શ્યામલને તપાસ્યો. જૂના કેઇસ-પેપર્સ જોયા શ્યામલની સારવાર કરનાર ફિઝિશિયન સાથે વાત કરી. લેબોરેટરીમાં નવેસરથી તમામ ઇન્વેસ્ટીગેશન્સ કરાવ્યા અને સી.જી. રોડ પરની એક જંગી ઈમારતમાં આવેલી ધંધાદારી જનરલ હૉસ્પિટલમાં શ્યામલને દાખલ કરી દીધો.

શ્યામલના રોગનું નિદાન પારખવા માટે એના દેહ ઉપર તમામ જાતના તબીબોને છોડી મૂકવામાં આવ્યા. નેફ્રોલોજીસ્ટ, કાર્ડિયોલોજીસ્ટ, પેથોલોજીસ્ટ ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ…! આ બધાએ શંકાપ્રેરક એકે-એક ઈંટને તપાસી લીધી, પણ ઈમારતમાં ક્યાં તિરાડ પડી છે એ ન પકડાયું.

એક નિદાન રજુ થયું: “કાર્ડાઈટીસ ?” (હૃદય ઉપરનો સોજો ?) રિપોર્ટ્સ નોર્મલ આવ્યા. શંકા સળગી ગઈ.

બીજી શંકા જન્મી: “ઇન્ફેક્ટીવ હિપેટાઇટીસ વિથ પેન્ક્રિએટાઇટિસ ?” પણ કમળો વધઘટ થઈ રહ્યો હતો. પેટનું દર્દ ચાલુ હતું એ વાત સાચી, પણ લીવરની સોનોગ્રાફી ઊંઘુ-ચત્તુ બતાવતી હતી.

ત્યાં પેશાબનું પ્રમાણ ઘટી ગયું. નેફ્રોલોજીસ્ટે કહ્યં: “કિડની નિષ્ફળ થઈ રહી છે એને ખૂબ પ્રવાહી આપો. પેશાબનું પ્રમાણ માપતા રહો.”

સાંજે દાખલ કરાયેલા શ્યામલની સ્થિતિ ડૉક્ટરોની નજરમાં અત્યંત કથળી રહી હતી. લોહીમાં એસ.જી.પી.ટી. ત્રણથી માંડીને ચાલીસ યુનિટ જેટલું હોવું જોઈએ એના બદલે ચારસો યુનિટ થઈ ગયું અને છતાં ડૉક્ટર કહેતા હતા: “ડૉન્ટ વરી ! તમારા દીકરાને કશું જ થવાનું નથી. બીજાની ક્યાં વાત કરો છો ? મારો જ દાખલો લો ને ! મારું એસ.જી.પી.ટી. એક વાર પાંચસો યુનિટ થઈ ગયું હતું. અત્યારે ઊભો છું ને તમારી સામે ! ઘોડા જેવો !”

ડૉક્ટર હસ્યા. જનકભાઈ અને જયશ્રીબેને હસવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાં નજર પથારીમાં કણસી રહેલા દીકરા ઉપર પડી એટલે હસી ન શકાયું.

“સાહેબ, કંઈ નિદાન થયું ?” પિતાએ પૂછયું.

“એ જ તકલીફ છે ને ! નિદાન પકડાતું નથી પણ તમે ચિંતા ન કરો. વિજ્ઞાને આટલી બધી તરક્કી કરી છે, પછી રોગ ક્યાં સુધી સંતાતો રહેશે ?”

જનકભાઈને હિંમત બંધાવીને ડૉક્ટર ગયા. એમની વાત સાંભળનાર બધાના ગળે ઉતરી જાય એવી હતી. શ્યામલની સારવાર કરનાર એકેએક ડૉક્ટર માસ્ટર ડિગ્રી કરતા પણ વઘું જ્ઞાન ધરાવતા હતા. એમના ક્ષેત્રમાં એ સુપર સ્પેશ્યલાઇઝેશન કરીને આવેલા હતા. એમના નામની પાછળ લાંબી લાંબી ડીગ્રીઓના ન સાંભળેલા પૂંછડા હતા. અને કાગળ ઉપર એમના હસ્તાક્ષરોમાં ભયંકરમાં ભયંકર નિદાનો ચીતરાતા જતા પણ જ્યારે દરદીના માવતર પૂછપરછ કરતા હતા ત્યારે એમના જવાબો સાવ પીંછા જેવા હળવા હતા: “શ્યામલને કશું જ નથી; એને સારું થઈ જશે, તમે સહેજ પણ ચિંતા ન કરો.”

પણ ચિંતા શું ન કરે ? રોગ કોઈ ડૉક્ટરની કે એની ડિગ્રીની શરમ રાખતો નથી. એકવીસમી એપ્રિલે જે એસ.જી.પી.ટી. ચારસો યુનિટ હતું, એ તમામ સારવાર અને તમામ આશ્વાસનોના ઓવરડોઝ પછી વધીને બે હજાર એકસો યુનિટ થઈ ગયું.

પરિણામ ? જનકભાઈ અને જયશ્રીબેનની નજર સામે એમનો છ ફીટ લાંબો, પહોળો, કદાવર, દીકરો ફાટી પડ્યો. પથારીમાં અમળાતો, પછડાતો, કરાંજતો પુત્ર થાકી-હારીને મમ્મીના ખોળામાં માથુ ઢાળીને ઊંઘી ગયો. એને ‘સારું’ થઈ ગયું.

(સાવ સત્ય ઘટના. શ્યામલના અવસાનને માંડ દસેક દિવસ થયા હશે, ત્યારે એક બપોરે જયશ્રીબેન અને જનકભાઈ ‘એપોઇન્ટમેન્ટ’ લઈને મને મળવા આવ્યા. દીકરાના અવસાન પછી માથે મૂંડન કરાવેલા બાપને જોવા જેવું અઘરું કામ દુનિયામાં બીજું એક પણ નથી. જનકભાઈ ભાગ્યે જ કશું બોલી શક્યા. દીકરો ગુમાવી બેઠેલી જનેતાની અસ્ખલિત વાણીમાં ઊગ્ર આક્રોશ હતો: “સાહેબ, અમારી એક જ ફરિયાદ છે; અમારો શ્યામલ મૃત્યુ પામ્યો ત્યાં સુધી કોઈ ડૉક્ટર એનો રોગ પારખી ન શક્યા ? અમે પાણીની જેમ પૈસા ખર્ચ્યા અને હજુ પણ વઘુ ખરચવા માટે તૈયાર હતા પણ કોઈએ અમને માર્ગદર્શન જ ન આપ્યું. શ્યામલની સ્થિતિ કથળી રહી છે એ પણ અમને ન કહ્યું ! એ જે કહેતા હતા એ આશ્વાસન હતું કે છળ ?”

હું કેઇસ પેપરના જંગી થોકડાના અંતિમ પૃષ્ઠ ઉપર લખાયેલું શ્યામલના અવસાન પછીનું ડેથ સર્ટિફિકેટ વાંચુ છું. એમાં મૃત્યુનું કારણ લખેલું છે ‘નામ: શ્યામલ પટેલ, ઉંમર: એકવીસ વરસ, જાતિ: પુરૂષ, ધર્મ: હિંદુ, દાખલ થયા તા. ૨૧-૪-૨૦૦૧, મૃત્યુની તારીખ ૨૨-૪-૨૦૦૧ અને છેલ્લે લખ્યું છ, મૃત્યુનું કારણ: સેપ્ટિસિમિયા વિથ મલ્ટીઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ વિથ એક્યુટ રેનલ ફેઇલ્યોર વિથ કાર્ડિઆક એરેસ્ટ.’

આ છેલ્લી બે લીટીઓનો અર્થ કોઈ પણ ડૉક્ટર સમજી શકશે માત્ર આટલો અર્થ બે દિવસ પહેલાં સમજી શકાયો હોત તો ? શ્યામલના મમ્મી-પપ્પા સાથે વિતાવેલી ક્ષણો મારી જિંદગીની અત્યંત વ્યથાપૂર્ણ ક્ષણો હતી અને છતાં તબીબ મિત્રોના નામ, સંલગ્ન હૉસ્પિટલોની ઓળખ મેં જાણી જોઈને બદલાવી છે. તબીબ મિત્રોને એક જ વિનંતી: દરદીઓને થોડો સમય આપો, નિષ્ઠા આપો અને આશ્વાસન આપવું હોય તો સાચું આપો.)

Source: ગુજરાત સમાચાર

Advertisements

2 Responses

  1. Hriday Dravak!! Doctors should practicize their profession with at least professional ethics.

  2. sir , what is the meaning of the last words??

    plz tell

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: