दो तेहझीबोंका संगम है, दुनिया इसे भारत कहती है, तुलसीके दोहोंके संग संग, गालिबकी गझल भी रहती है

મોહમ્મદ ગુલામનબી પીપાળવાળા ફરી એકવાર કામ કરતાં કરતાં થાકી ગયા. કામમાં તો બીજું શું હતું? કાપડના તાકા વાળવાના હતા. તોયે હાંફી જવાયું. છેલ્લાં એકાદ-બે વરસથી શરીરે સાથ આપવાનું બંધ કર્યું હતું. થોડા વરસ પહેલાં હજ પઢી આવ્યા હતા એટલે જીવનમાં બીજી કોઇ અબળખા બાકી રહી ન હતી, પણ માલીક ઉપર બોલાવી લેવા માગતો હોય તો બોલાવી લે, સાજા-સારા બોલાવી લે, આમ રીબાવી રીબાવીને જીવાડવાનો શો અર્થ હતો!

બે ઘડી શ્વાસ લઇને ફરી પાછા એ તાકા વાળવાના કામમાં જોતરાઇ ગયા. આમ તો એમણે જિંદગી આખી છુટક મજુરીમાં જ કાઢી નાખી હતી, પણ હમણાં હમણાંથી શરીરે દગો દેવાનું શરૂ કર્યું હતું. આખા શરીરે સોજા આવતા હતા, પેશાબ બંધ થઇ જતો હતો. ડોક્ટરને બતાવ્યું તો કહે, ‘બંને કિડની ‘ફેઇલ’ થઇ રહી છે. નવી કિડની બેસાડવી પડશે.’

‘બહોત જરૂરી હૈ?’ છેંતાલીસ વરસના મોહમ્મદભાઇએ દાઢી પસવારતા પૂછ્યું.

‘હા, જરૂરી છે, જો જીવવું હોય તો! નહીંતર ઘરવાળી બા સેવા કરીને થાકી જશે.’

‘ઘરવાલી હૈ હી નહીં, સા’બ! ફિર સેવા કરનેકી ઔર થક જાનેકી બાત હી કહાં રહી?’ મોહમ્મદભાઇ દર્દીલું હસ્યા. પછી સાવ નિર્દોષ બાળક જેવો સવાલ પૂછી બેઠા: ‘કિડની તો આપ લોગ દેંગે ના, સા’બ?’

‘અરે, ભાઇ! તમને ઓપરેશનની કશી જ સમજ નથી?’ જુવાન ડોક્ટરે સમભાવપૂર્વક દર્દીના ખભે હાથ મૂક્યો: ‘અમે તમારા રોગનું નિદાન કરી આપીએ. કિડની પ્રત્યારોપણનું ઓપરેશન કરી આપીએ. બાકી કિડની તો તમારે જ મેળવવી પડે. મા-બાપ, ભાઇ-બહેન, મિત્ર કે પછી બહારના કોઇ દાતા પાસેથી..!’ જીવવું હોય તો વ્યવસ્થા કરીને આવજો, નહીંતર..!’

અઘૂરા વાક્યે ડોક્ટર શાંત થઇ ગયા. પણ મોહમ્મદભાઇ એ અઘૂરા વાક્યનો ઉત્તરાર્ધ સૂંઘી શકતા હતા.

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સૈયદવાડામાં આવેલા એમના જર્જરીત ઘર તરફ પાછા ફરતા એમણે ઉપર આસમાન તરફ જોયું.

‘યા અલ્લા! માલીક! મેં કિડની કહાંસે લઉંગા?’ પછી એક ક્ષણ માટે થંભીને એ ઉભા રહ્યા. આસમાન ચૂપ હતું. પણ મોહમ્મદભાઇને લાગ્યું કે અલ્લાતાલા હસી રહ્યા છે. આ સત્ય હશે કે ભ્રમ?! સવાલ સરળ હતો અને એનો જવાબ અકળ હતો.

આ જ સમયે પૃથ્વીનાં પટ ઉપર બીજા એક સ્થળે આવી જ ઘટના ભજવાઇ રહી હતી. મોરબી શહેરમાં મીઠાના ડહેલા પાછળ આવેલી કાલિકા પ્લોટની શેરી નંબર ત્રણમાં બચુભાઇ વીસાભાઇ રાઠોડ પણ આસમાનની દિશામાં ત્રાટક કરીને સૂતા હતા. એમની પણ મુંઝવણ મોહમ્મદભાઇના જેવી જ હતી. બાઇલેટ્રલ કિડની ફેઇલ્યોર! સંતાનમાં એક દીકરી હતી જે સાસરે હતી અને બે દીકરા હતા જે હજી નાના હતા. ધંધામાં ચાની લારી હતી. પચાસ વરસની ઉંમરે શરીર તૂટી ગયું હતું. પેશાબ બંધ હતો, મોં ઉપર સોજા રહેતા હતા અને ડોક્ટર કહેતા હતા કે જીવતા રહેવું હોય તો કિડનીની વ્યવસ્થા કરીને આવો.

ક્યાંથી લાવવી કિડની? આ કંઇ બે અડધી અમીરી ચાનો ઓર્ડર ન હતો જે એમણે જિંદગી આખી ઉઠાવ્યા કર્યો હતો. અફસોસ એક જ વાતનો હતો. ભગવાને મોત જો દસેક વરસ પાછું ઠેલ્યું હોત તો સારૂં હતું. બેય દીકરા મોટા થઇ જાત. આ તો અડધે દરિયે વહાણ ડૂબે એવી વ્યથા હતી. શું કરવું? હે ભગવાન, તું કંઇક કર!

બચુભાઇએ પથારીમાં પડ્યા પડ્યા છત તરફ જોયું. નજર છત સુધી પહોંચી અને પ્રાર્થના છતને વીંધીને આરપાર નીકળી ગઇ. છેક આકાશ લગી પહોંચી. બચુભાઇને લાગ્યું કે આકાશમાં કોઇ હસી રહ્યું છે. ભગવાન જ હોવા જોઇએ, પણ એમનું હાસ્ય એ શાનું સૂચક હતું? મજાકનું કે મંજુરીનું? આ વખતે પણ જવાબ અકળ હતો.

જુદા જુદા માપના કપાયેલા કાપડના ટુકડાઓનો કોઇ અર્થ નથી હોતો, પણ કુશળ દરજીના હાથે માપસર કપાયેલા ટુકડાઓને સીલાઇથી જોડવામાં આવે તો સુંદર વસ્ત્ર બની જાય છે અને કુદરતથી મોટો અને વઘુ કુશળ દરજી બીજો ક્યાં હોય છે?

અમદાવાદના મોહમ્મદભાઇ અને મોરબીના બચુભાઇ નામના બે કપાયેલા કટકા જિંદગીનું વસ્ત્ર નવેસરથી સીવવાની મથામણ કરી રહ્યા હતા ત્યારે ઇશ્વર એની સોગઠાબાજી ગોઠવી રહ્યો હતો. એ માટે એણે તારીખ પણ કેવી મઝાની પસંદ કરી?

એપ્રિલ મહીનાની પહેલી તારીખ હતી. મૂળ વિરમગામ પાસેના માંડલના વતની પણ નોકરીને કારણે અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા સુડતાલીસ વરસના ઉસ્માનગની ઇબ્રાહિમભાઇ સાલાર ચાલતા ચાલતા જઇ રહ્યા હતા, ત્યાં એક બેફામ ગતિથી જઇ રહેલા ટેમ્પોએ એમને ટક્કર મારી દીધી. ઉસ્માનગની પોતે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર હતા, પણ ક્યારેક અકસ્માત કર્યો ન હતો. એમનું ભાવિ આ રીતે નિર્માયું હશે. માથામાં સખ્ત ચોટ લાગવાથી તાત્કાલિક એમને અમદાવાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સંતાનમાં એમને ત્રણ બેબી અને એક બાબો છે. બાબો લકવાગ્રસ્ત છે.

ઉસ્માનગનીની હાલત ગંભીર હતી. એમના કુટુંબીજનો ્રડોકટરને કરગરી પડ્યા: ‘સા’બ, કુછ ભી કરો, મગર ગનીભાઇકો બચા લો.’

ડો.વિપુલભાઇ કુશળ સર્જન છે. એમના હાથમાં હોય તો એ દરદીને ચોક્કસ બચાવી લે છે. પણ જ્યારે પતંગનો દોર તૂટી જાય છે ત્યારે એ પતંગને બેકાબુ બની જતી હોય છે. વિપુલભાઇએ ગનીભાઇના ઘરવાળાઓને કડવી વાસ્તવિક્તાની સમજ આપી.

દરદીના ભાઇએ પૂછ્યું: ‘કોઇ ચાન્સ નહીં હૈ?’

‘ના, કોઇ જ શક્યતા નતી. ગનીભાઇનું બ્રેઇન-ડેથ થઇ ચૂક્યું છે. વેન્ટીલેટરના સહારે એ જીવી રહ્યા છે. જેવું મશીન બંધ થશે એટલે એમનો શ્વાસ વિરામ લેશે. પણ તમે એક નેક કામ કરી શકો..’

‘ક્યા કરના હૈ?’ ગનીભાઇના ઘરવાળા સમજ્યા કે ડોક્ટર સાહેબ હોસ્પિટલ માટે કંઇ ડોનેશનની માગણી કરી રહ્યા છે.

‘દરદીનું જ્યારે બ્રેઇન-ડેથ થાય છે, ત્યારે અમે ડોક્ટરો એને મૃત જાહેર કરી શકીએ છીએ. એ પછી જે કંઇ થતું હોય છે એ માત્ર સગાં સંબંધીઓને જીદને કારણે જ કરવું પડતું હોય છે. એમાં સારવારને બદલે દેખાડો વઘુ હોય છે. સાચી સમજદારી તો એમાં રહેલી છે કે આપણા સ્વજનના કરૂણ અંજામનો સ્વિકાર કરી લો અને એના દેહમાં હજુ સુધી જીવંત રહેલા અવયવોનો સદુપયોગ કરો, જેમ કે બે કિડની કોઇ બે જણની જિંદગી બચાવી શકે છે. એમના પેન્ક્રિયાસમાંથી કાઢેલા કોષો કોઇ ડાયાબિટિસના દરદીને નિરોગી જીવન અર્પી શકે છે.’

ઉસ્માનગનીના દેહની આસપાસ ઉભેલા મોટા ટોળામાં ચણભણાટ પ્રસરી ગયો. ડોક્ટર આપણને અવળે માર્ગે તો નથી દોરી રહ્યા ને? આમ શ્વાસ ધબકતો હોય એવા સ્વજન સામે ચાલીને મૃત્યુને હવાલે શી રીતે કરી દેવાય? આમાં કંઇ પૈસાની રમત તો નથી રમાતી ને?

‘ના, આમાં મારૂં એકલાનું કંઇ નહીં ચાલે. હું ન્યુરોસર્જન છું. મારા ઉપરાંત એક ફિઝીશિયન પણ એનો નિસ્વાર્થ અભિપ્રાય આપશે. આ સંસ્થાના વડા તબીબની મંજુરી પણ આવશ્યક છે. એની સારવારમાં જોડાયેલા અન્ય તબીબો પણ સંમતિ આપે એ કાયદાની દ્રષ્ટિએ જરૂરી છે.’

‘કાયદો? કાયદો પણ આમ કરવાની હા પાડે છે?’ એક સજ્જનને સવાલ ઉઠ્યો.

‘હા, આપણી ધારાસભામાં મૃત વ્યક્તિના અંગેના પ્રત્યારોપણનો કાયદો ઠરાવરૂપે પસાર થઇ ચૂક્યો છે.’ ડોક્ટરે માહિતી આપી. અને એ માહિતી સંપુર્ણપણે સાચી હતી.

‘વો કાયદા હમ નહીં માનતે. હમ તો શરીઅતકા કાનૂન માનેગેં.’ વાત પાછી ઘોંચમાં પડી. પણ આ વખતે ગનીભાઇના ભાઇ અને ભત્રીજો વહારે આવ્યા. ભાઇએ ચોખ્ખું કહી દીઘું: ‘સવાલ યહાં એક હી મઝહબકા હૈ, ઔર વો માનવતા કા મઝહબ હૈ. હમ રાજીખુશી સે આપકો ઇઝાઝત દેતે હૈ કિ..’

આગળના શબ્દો ડૂસકામાં ડૂબી ગયા. ઉસ્માનગનીને તાબડતોબ અમદાવાદની કિડની ઇન્સ્ટીટ્યુટમાં ખસેડવામાં આવ્યા. ત્યાં ડો.ત્રિવેદી સાહેબ સાથે વાત થઇ ચૂકી હતી. ત્યાં દરદીને છ કલાક વેન્ટીલેટર ઉપર રાખ્યા પછી ઓપરેશન ટેબલ પર લઇ જવામાં આવ્યા. ત્યાંના કુશળ જવાન સર્જને શસ્ત્રક્રિયા દ્વારા તંદુરસ્ત કિડનીઓ પ્રાપ્ત કરી.

ઓપરેશશન થિયેટરની બહાર વળી જુદી જ ઘટના ઘટી રહી હતી. ડો. ત્રિવેદી મર્માળુ સ્મિત સાથે ગનીભાઇના ઘરવાળાને પૂછી રહ્યા હતા: ‘અમારી પાસે કિડનીની જરૂરિયાતવાળા અસંખ્ય દરદીઓ છે. એમાં તમામ ધર્મો અને તમામ જાતિઓનો સમાવેશ થઇ જાય છે. એક ડોક્ટર તરીકે હું માનું છું કે બિમારીનો કોઇ ધર્મ કે ઇલાજની કોઇ જાતી હોતી નથી. છતાં પણ તમે નક્કી કરો કે ગનીભાઇની કિડનીઓ કોને-કોને દાનમાં આપવી છે?’

ઉસ્માનગનીના ભાઇ. ફરી એકવાર સમજદાર સાબિત થયા: ‘સાબ, એક જિંદગી હિંદુ મરીઝકો દે દો, એક જિંદગી મુસલમાનકો બખ્શ દો.’

સાંજના છ વાગ્યે શરૂ થયેલી શસ્ત્રક્રિયા મધરાતે બાર વાગ્યે ખતમ થઇ. જમાલપુરના મોહમ્મદભાઇ અને મોરબીના બચુભાઇ અત્યારે સાવ સાજા-તાજા બનીને હરી-ફરી રહ્યા છે.

અને મૃત્યુ તો ઉસ્માનગની ઇબ્રાહિમભાઇનું પણ ક્યાં થયું છે? એ પોતાના જ દેહના એક અંશ એવી એક એક કિડનીના ભાગરૂપે હજીયે જીવીત છે. એક શખ્સ ખામોશ બનીને સચવાઇ ગયો છે. એક હિંદુ અને એક મુસ્લિમ એ પાક ઇન્સાનની કિડનીને પોતાના ઉદરમાં જીવની જેમ જાળવીને જીવી રહ્યા છે. એમની હૃદયની સાવ નજીક, બરાબર નીચેની બાજુએ..!

Source: ગુજરાત સમાચાર

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: