છે અમાસી રાત ને ઠંડી હવા, ઘ્રુજતા દીપક સળગશે ક્યાં સુધી?

પૂરી પાંત્રીસ મિનિટ થવા આવી, છતાં બાળકીના રડવાનો અવાજ ન સંભળાયો. અવાજની વાત તો દૂર રહી, પણ નવજાત શરીરના હલનચલનની જરા સરખી ચેષ્ટા પણ જોવા ન મળી. મેં એનો હાથ ઉઠાવ્યો અને પછી હવામાં જ છોડી દીધો. હાથ રબ્બરનો હોય એમ નિર્જીવપણે નીચે પછડાયો
હવે કશું ય બાકી રહે છે ? ક્ષણના સોમાં ભાગમાં મેં વિચારી લીઘું. તબીબી પુસ્તકોમાં ચીંધેલી તમામ પ્રક્રિયાઓ પૂરી થઈ ગઈ હતી અને છતાં બાળકીનો શ્વાસ શરૂ થયો ન હતો એની મા માંડ ઓગણીસેક વરસની હશે. લેબરરૂમના ટેબલ ઉપર થાકેલી હાલતમાં પડી હતી. એની ત્રસ્ત નજર મારી દિશામાં સ્થિર હતી એની તરફ મારી પીઠ હતી છતાં હું જાણતો હતો કે એની આંખો મારી હર એક ચેષ્ટાને અપલકપણે નોંધી રહી હતી.
એ જાણતી જ હોવી જોઈએ કે એનું બાળક જોખમમાં છે મેં એને બંને પગ પકડીને ઉઠાવ્યું અને હવામાં ઊંધે માથે લટકાવ્યું ત્યારે જ એને સમજાઈ ગયું હોવું જોઈએ કે એ ઢીંગલીનો દેહ લગભગ નિર્જીવ હતો. આખું શરીર લીલા ઘાટા પ્રવાહીથી લીંપાયેલું હતું. છાતીનું હલનચલન બંધ હતું. ચામડીનો રંગ ગુલાબી હોવો જોઈએ એને બદલે ભૂરો પડી રહ્યો હતો.
આવી સ્થિતિમાં સૌથી પહેલી નજર નિઓનેટોલોજીસ્ટની પડે છે. આ અટપટું નામ એવા ડૉક્ટરનું છે જે બાળકોના ખાસ નિષ્ણાત હોય છે અને એમાં પણ નવજાત શિશુને બચાવી લેવાની ખાસ તાલીમ ધરાવનાર હોય છે. પણ એ ડૉક્ટર આવે ત્યાં સુધી મારાથી હાથ જોડીને બેસી ન રહેવાય. એટલે મેં સૌથી પહેલું કામ એ બાળકીનો શ્વસનમાર્ગ સાફ કરવાનું કર્યું. ગર્ભાશયમાં લાલ રંગનું ગંદુ પાણી એના પેટમાં અને ફેફસામાં ઉતરી ગયું હોવાની પૂરેપૂરી શક્યતા હતી. મારાથી બની શકે એટલું પ્રવાહી મેં સક્શન કરીને ખેંચી કાઢયું પણ મને લાગે છે કે મોડું થઈ ગયું હતું એની મા જો જરાક વહેલી આવી હોત તો બાળકની આ હાલત ન થઈ હોત.
પછી તો પરાપૂર્વથી ચાલ્યા આવતા તમામ ઉપાયો મેં એક પછી એક અજમાવવા માંડ્યા. એનું શરીર થપથપાવ્યું પીઠ ઉપર હળવી થપાટો મારી. પગ ઉપર ટકોરા માર્યા. ઠંડુ પાણી હથેળીમાં લઈને એની છાતી ઉપર છાલકની જેમ માર્યું, ઘણીવાર આમાંની એકાદ ક્રિયા બાળકના પ્રથમ શ્વાસને જન્માવી શકતી હોય છે પછી બાળકના ફેફસાં ખૂલી જતા હોય છે અને એ રડી ઊઠતું હોય છે. પણ અહીં ફેફસા કંજૂસની તિજોરીની જેમ બંધ જ હતા. છેવટે તદ્દન અવૈજ્ઞાનિક કહેવાય તેમ છતાં મેં ઓક્સિજનનો સિલિન્ડર નજીક ખેંચીને એના છેડે ભરાવેલી નાની નળીને બાળકીના નસકોરામાં ખોસી દીધી.
આ ક્રિયાને અવૈજ્ઞાનિક એટલા માટે ગણું છું કેમ કે, શ્વસનમાર્ગ ખુલ્લો હોય તો જ ઓક્સિજન ફેફસા સુધી જઈ શકે. અહી તો ફેફસાની સાથોસાથ શ્વસનનળી પણ જામ થયેલી હતી. ટૂંકમાં આ પથ્થર ઉપર પાણી હતું, નિર્જીવ લાશ ઉપર પ્રાણવાયુ ફેંકવાની ઘટના હતી. હું જાણતો હતો કે આ પ્રાણવાયુ એના નસકોરામાંથી જ બંધ સપાટી ઉપર અથડાઈને પાછો ફેંકાવાનો હતો. અને છતાં મેં ઓક્સિજન આપવાનું ચાલુ રાખ્યું.
“સાહેબ, શું આવ્યું ? બાબો કે બેબી ?” ટેબલ ઉપર સૂતેલી એની માએ પૂછયું. પૂછતી વખતે એનો અવાજ દબાયેલો હતો, પણ એમાં છુપાયેલી જિજ્ઞાસા મુખર હતી.
“ગંગા, આભાર માન ભગવાનનો કે છોકરી જન્મી છે” મારાથી બોલતા બોલાઈ જવાયું પછી મેં વાક્યમાં રહેલા ભાવની દિશા પલટી નાંખી: “બાકી દીકરો જન્મ્યો હોત તો તું વધારે રડત ! દીકરી ગૂમાવવાના આઘાત કરતા દીકરો ખોવાનો આઘાત અનેકગણો મોટો હોય છે.”
મેં ન કહેવા છતાં કહી દીઘું કે ગંગાને દીકરી જન્મી છે અને એના બચવાની શક્યતા નહીવત છે. એ મોં ફેરવીને ચૂપચાપ છત સામે તાકતી પડી રહી.
હવે સમય થયો હતો ગંગાના સગાને બાળકની સ્થિતિ વિષે જાણ કરી દેવાનો.
મેં ગંગાની મા ચંપાને અંદર બોલાવી. એ હશે તો પચાસની આસપાસની પણ જીવનભરની મજૂરીએ એની ઉંમરને દસેક વરસ જેટલી વધારી મૂકી હતી.
“ચંપાબેન, અંદર આવો.” મેં સ્વસ્થ અવાજે એને આવકારી, “મેં આ કેઇસ હાથમાં લેતા પહેલા જ તમને સમજાવ્યું હતું ને કે મોટો જીવ બચી જશે, પણ નાના જીવનું કંઈ કહેવાય નહીં ! બસ, એમ જ થયું છે. ગંગાની હાલત તો સારી છે પણ એની છોકરી જીવી શકે એવી કોઈ જ શક્યતા નથી. છેલ્લા અડધા કલાકથી હું પ્રયત્ન કરી રહ્યો છું, પણ…”
અને મેં એ અભણ છતાં ભલી વૃદ્ધાને બાળકની નજીક જવાનો ઇશારો કર્યો. બાળકી ખલાસ છે એવું બતાવવા માટે એના દેહ ઉપર ઢાંકેલું કપડું હટાવ્યું અને હું અવાક થઈ ગયો. રબરની નિર્જીવ ઢીંગલી એનો એક હાથ સહેજસાજ હલાવી રહી હતી !
“વેઇટ એ મિનિટ !” ઊભા રહો. આપણે બાળકોના ડોક્ટરને એકવાર બોલાવી જોઈએ મારા હૃદયમાં આશા જાગી.
ચંપાબેને હાથ જોડ્યા: “તમને સૂઝે એમ કરો. ભૂલ તો અમારી જ છે, સાહેબ ! ઘરે દાયણ બોલાવી એને બદલે વહેલાસર અહીં આવી ગયા હોત તો ઠીક હતું, પણ ધાર્યું ધણીનું થાય.”
પાંચમી મિનિટે નિઓનેટોલોજીસ્ટ આવી પહોંચ્યા. આઘુનિક શસ્ત્ર-સરંજામથી સજ્જ થઈને આવ્યા હતા એમણે ઝીણવટભરી રીતે બાળકીને તપાસી પછી માથુ ઘુણાવ્યું.
“કોઈ આશા નથી. મસલટોન થોડા પ્રમાણમાં પાછો ફર્યો છે પણ અપગર સ્કોર તદ્દન નિરાશાજનક છે. આને રેસ્પીરેટર ઉપર મૂકવી પડે બચવાની આશા છે માટે નહીં, પણ એ મરે નહીં ત્યાં સુધી આપણે કંઈક તો કરવું પડે એ એકમાત્ર કારણથી.”
“તમે તમારા નર્સંિગ હોમમાં એને લઈ જઈ શકો ?” મેં એનો અભિપ્રાય જાણવા કોશિષ કરી.
“ના, બહુ જ પ્રમાણિકપણે કહીશ કે સારવારનો ખર્ચ આ લોકો ઉપાડી નહીં શકે. મારા પોતાના બિલની વાત હું ભૂલી જાઉં તો પણ શું ? સિલાઈ મફતમાં થઈ શકે, બાકી કાપડ તો માટે તો પૈસા ખરચવા જ પડે ! અને ધારો કે બાળક બચી જવાનું હોય તો બરાબર છે; ખરચ લેખે લાગે…”
“તો ?”
“એને જનરલ હૉસ્પિટલમાં મોકલી દો. ખર્ચ નહીં થાય અને બાળકી…” એમણે બાકીના શબ્દો ગળી જવાનું યોગ્ય માન્યું. હું સમજી ગયો કે એ શું કહેવા માંગતા હતા. ક્યારેક બોલાયેલા કરતા ન બોલાયેલા શબ્દો સૂચક હોય છે !
નિઓનેટોલોજીસ્ટે જે મને સમજાવ્યું એ મેં ચંપાબેનને સમજાવ્યું એ ભલી સ્ત્રી તરત જ અમારી વાત સાથે સંમત થઈ ગઈ: “તમારી વાત હાચી છે, સાહેબ ! ચિઠ્ઠી કરી આલો.”
મેં મારા જ વિસ્તારની એક જનરલ હૉસ્પિટલ ઉપર રેફરન્સ નોટ લખી આપી. ચંપાબેન એના જુવાન દીકરાને સાથે લઈને ડચકા ખાતી ઢીંગલી સાથે રીક્ષામાં ગોઠવાયા રીક્ષા ઉપડી. મેં ચિંતાભરી ‘હાશ’ ખેંચી.
પણ રીક્ષાની ઘરઘરાટી અડધા જ કલાકમાં પાછી આવીને મારા દરવાજે અટકી. મેં જોયું ચંપાબેન બાળકીને લઈને પાછા ફર્યા હતાં. રીક્ષામાં બેઠાબેઠા જ એમણે પૂછ્યું: “સાહેબ, આજે રવિવાર છે. ડોક્ટર હાજર નહોતા. નર્સે છોકરીને જોઈને જ ના પાડી દીધી. કીઘું કે આમાં કાંઈ છે નહીં, પાછા જાવ, ખાલી અહીં ખાટલો રોકવાની જરૂર નથી. બીજે ક્યાં જઈએ, સાહેબ ?”
મેં સહેજ દૂરની પણ વઘુ મોટી અને વઘુ પ્રખ્યાત જનરલ હૉસ્પિટલમાં બાળકીને લઈ જવાની સૂચના આપી. રીક્ષા ઉપડી.
આ વખતે રીક્ષાને પાછી ફરતાં અડધાને બદલે એક કલાક લાગ્યો. જવાબ એનો એ જ હતો: “આ છોકરીમાં બચવા જેવું શું છે ? એને બદલે બીજા કોઈ બાળક માટે ખાટલો ખાલી રાખવા દો ને ! અને આમ પણ હૉસ્પિટલમાં એક બાળક માટે જગ્યા જ ક્યાં છે ?”
સિનેમા હોલ હાઉસફૂલ હોય છે એવું તો ઘણીવાર જોયું હતું, હૉસ્પિટલો વિષે જિંદગીમાં પહેલીવાર સાંભળ્યું હતું.
“સાહેબ હવે ?” ચંપાબેનની સુરત દયામણી હતી.
“હવે કંઈ નહીં. તમારી દીકરીને મરવા માટે પણ જગ્યા મળે એમ નથી. એક કામ કરો, આપણે ત્યાં જ રાખો એને ઓક્સિજન આપીશું અને સવાર-સાંજ એન્ટિબાયોટિક્સના ઇન્જેક્શનો આપીશું. પણ…”
“પણ શું ?”
“એ લાંબુ નહીં ખેચે. તમે ઘ્યાનથી સાંભળી લો. હું એનું ડેથ સર્ટિફિકેટ લખીને તૈયાર રાખું છું તમને નથી આપતો, પણ મારી ઑફિસમાં મૂકી રાખું છું. આ છોકરી કાલ સવારનો સૂરજ નહીં ભાળે. રાતવરત કંઈ થઈ જાય, તો સીધી સાબરમતીને કિનારે લઈ જજો. આ સર્ટિફિકેટની જરૂર પડશે. મને જગાડવાની જરૂર નથી કાગળ લઈને સીધા સ્મશાને જ પહોંચી જજો.”
મેં સાવ અઘૂરા મને છોકરીન ઇન્જેક્શનો આપ્યા. એણે સોય વાગી તો ય પગ પાછો ન ખેંચ્યો. જાણે ઇન્જેક્શન ઘોંચાવાની વેદના એના દિમાગ સુધી પહોંચી જ નહીં.
સોમવારની વહેલી સવારે છોકરીને ખેંચ આવી. મારે દોડવું પડયું. પરિસ્થિતિ ગંભીર હતી. જન્મ પછી તરત જ મગજના કોષોને જરૂરી પ્રાણવાયુ ન મળ્યો હોય ત્યારે આ જ પ્રકારની આંચકી આવતી હોય છે આવું બાળક ન બચે એ જ એના માટે સારું હોય છે. ભવિષ્યમાં એ મંદબુદ્ધિવાળું થાય એવી તમામ શક્યતા રહે છે.
મેં તાત્કાલીક આંચકી બંધ થાય એ માટેનું ઇન્જેક્શન આપ્યું પણ એ દિવસે વઘુ ત્રણવાર આંચકી આવી. પછી બંધ થઈ ગઈ એ રાત્રે સૂતા પહેલાં મેં ડેથ સર્ટિફિકેટની તારીખ બદલી નાંખી કદાચ આજની રાત એની જિંદગીની છેલ્લી રાત હશે.
ત્રીજા દિવસે સવારે ઊઠીને મેં જોયું તો બાળકી જીવિત હતી. એની ચામડીનો રંગ ભૂરાને બદલે ધીમે ધીમે ગુલાબી થઈ રહ્યો હતો. કબૂતરી જેવી એની નિર્દોષ આંખો હવે ચકળ-વકળ થઈ રહી એણે મારી સામે જોઈને એના નાનકડા કોમળ-હાથપગ ઉછાળ્યા.
એ પછીના દિવસોમાં મારી સારવારમાં નવી આશા ભળી. ધીમે ધીમે એને દૂધ પીવડાવવાનું શરુ થયું એની નાની ચંપાબેન આખો દિવસ એને ખોળામાં લઈને બેસી રહેતી. પૂરા સાત દિવસ પછી મેં ગંગાને ઘેર જવા માટે રજા આપી ત્યારે કોઈ માની ન શકે એની દીકરી જન્મી ત્યારે કેવી સ્થિતિમાં હતી !
પંદરેક દિવસ પછી પેલા નિઓનેટોલોજીસ્ટ મિત્રનો ફૉન આવ્યો કામ તો બીજું જ કંઈક હતું. પણ અચાનક એમને ગંગાની દીકરી યાદ આવી ગઈ: “અરે હા ! એનું તો પૂછવાનું જ રહી ગયું. શું થુયં એનું ? ક્યારે મરી ગઈ ?”
“ખબર નથી કે ક્યારે મરવાની છે !” મેં કટાક્ષમાં કહ્યું: “હજુ સુધી તો જીવે છે.”
“બહુ કે’વાય ! જો કે એમાં ખાસ હરખાવા જેવું નથી એના મગજને થયેલું નુકસાન કાયમી હોય છે એને ખેંચ આવવાનું ચાલુ જ રહેશે.”
આજે એક વરસ થઈ ગયું છે એ વાતને. બેબી હયાત છે. જબરદસ્ત રીતે સક્રિય છે. એ પછી ક્યારેય ખેંચનો ‘ખ’ પણ આવ્યો નથી. એની નાની એને લઈને અનેકવાર મારી પાસે આવે છે. કોઈ પણ યુરોપિયનનું બાળક હોય એવી રૂપાળી એની ત્વચા છે. મીઠું મધ જેવું બોલે છે. નોર્મલ બાળક કરતાં પણ વઘુ હોય એટલો બુદ્ધિ-આંક છે અને મારી સામે જોઈને હસે છે, ધૂઘવાટા કરે છે!
સવાલ એ છે કે પેલા ડેથ સર્ટિફિકેટનું શું થયું ? કંઈ નહીં ચાર-પાંચ દિવસ સુધી એ એમને એમ પડ્યું રહ્યું. મારા કન્સલ્ટીંગ રૂમમાં ટેલિફૉન નીચે દબાયેલા પડેલા એ મૃત્ય પત્રને ઈંતઝાર હતો એક કાળરાત્રિનો જેમાં એક કુમળી જિંદગી એ કાગળની હોડીમાં બેસીને વૈતરણી પાર કરી જાય ! એ કાગળ મેં જ્યાં દબાવેલો હતો, ત્યાં બાજુમાં જ મારા ઇષ્ટદેવ ભગવાન શંકરની કાચમાં મઢેલી તસ્વીર પણ મોજુદ હતી. કદાચ ઈશ્વર મનોમન હસતા હશે કે જિંદગી અને મોતનો ફેંસલો માનવી ક્યારથી કરવા માંડ્યો ?? પાંચમા દિવસે એ કાગળ ફાડીને મેં કચરા ટોપલીમાં ફેંકી દીધો.
અમદાવાદ જેવા શહેરમાં તમામ આઘુનિક સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં એ તમામથી વંચિત રહી જવા પામેલી અને એ બધાંની પૂર્ણપણે હકદાર એક ગરીબ જિંદગી કયા વૈજ્ઞાનિક ‘ચમત્કાર’થી બચી જવા પામી ? કદાચ… શી વોઢ ડેસ્ટીન્ડ ટુ સર્વાઇવ ! બાકી એનાથી ઘણી ઓછી ગંભીર હાલતવાળા બાળકો અદ્યતન નિઓનેટલ વિભાગમાં રોજ-બ-રોજ મોતને ભેટી જતા હોય છે.

Source: ગુજરાત સમાચાર

Advertisements

One Response

  1. miracle of my great god…
    such a nice story…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: