કેટલા રંગો બદલતી હોય છે, જિંદગી છળથી છલકતી હોય છે.

કોઈ રોમેન્ટિક શાયરની ગઝલ જેવી પત્ની અને કોઈ છકેલ મવાલીની અશ્વ્લિલતા જેવો પતિ ! એ બંને મારા કન્સલ્ટીંગ રૂમમાં પ્રવેશ્યા, ત્યાં જ એમની વચ્ચેનો વિરોધાભાસ મારી આંખોને બાવળની શૂળ બનીને ખૂંચ્યો. યુવતી અજાણી લાગી પણ પેલાનો ચહેરો ક્યાંક જોયેલો લાગતો હતો. મેં ભૂતકાળના મોંહેં-જો-ડેરોમાં ખોદકામ શરૂ કર્યું. કેટલાંયે ચહેરાઓ ફેંદી વળ્યો, નરેન્દ્ર, મહેન્દ્ર, પ્રણય, શૈલેષ અને બીજા પણ ઘણાં બધાં…! પણ ના, આ એ બધાથી જુદો જ હતો. મેં પરસેવો પાડવાનું બંધ કર્યું. ભૂતકાળનું પાનું ઊથલાવીને વર્તમાનનું પાનું વાંચવું શરૂ કર્યું:

“શું છે, બોલો ?” મારી નજર સ્ત્રીનાં સહેજ ઉપસેલા પેટ ઉપર પડી. મેં પેન હાથમાં લીધી.

“આ કવિતા છે, મારી પત્ની. એને પાંચમો મહિનો જાય છે. એબોર્શન માટે આવ્યા છીએ.” પતિએ વિગત જણાવી. મેં એને કેઇસ-પેપરમાં ટપકાવી. પછી કવિતાની શારીરિક તપાસ કરી. વાત સાચી હતી, એના પેટમાં સાડા ચાર માસનો ગર્ભ હતો.

“એબોર્શન કરાવવાનું કારણ ? પહેલાં બાળકો છે ?”

“ના, નથી. કારણ અંગત છે.”

આગળ સંવાદ કરવો નિરર્થક હતો. સરકારી કાયદા પ્રમાણે ગર્ભપાત ખાનગી છે, સલામત છે અને કાયદેસર છે.

મેં સારવારની સમજ આપી: “ક્યુરેટીંગની સરહદ સમાપ્ત થઈ ચૂકી છે. દવા મૂકીને એબોર્શન કરવું પડશે. એક દિવસ, બે દિવસ કે ત્રણ દિવસ પણ લાગી જાય !”

“ભલે પણ જેમ બને તેમ જલદી કરજો.”

“તમારું નામ ?” મેં પુરુષને પૂછ્યું.

“ભાવેશ.” એ બોલ્યો. મને લાગ્યું કે, આ નામ પણ ક્યાંક સાંભળેલું છે. મેં એનો ચહેરો ઘ્યાનથી જોયો. સ્મૃતિની થરથરતી જ્યોત આડે કાળો ઘૂમાડો ફરી વળતો હોય એવું લાગ્યું. આ નામ અને આ ચહેરાનો મેળ બેસતો નહતો. એમાં વાંક એ માણસનો ન હતો, વાંક મારી યાદદાસ્તનો હતો. વ્યક્તિઓને યાદ રાખવાની મારી શક્તિ ભૂકંપમાં પડી ગયેલી ઈમારતો જેવી કાચી છે.

કવિતાને દાખલ કરવામાં આવી. એમક્રેડીલ નામની પ્રવાહી દવાની મદદથી ઈલાજનો આરંભ કરી દેવામાં આવ્યો. ભાવેશ સવાર-સાંજ બે વાર જમવાનું ટિફિન દેવા માટે આવી જતો. ફક્ત ઊભા-ઊભા દસ મિનિટ માટે જ આવતો અને જતાં પહેલાં મારા કન્સલ્ટીંગ રૂમમાં ડોકિયું કરી જતો: “હજુ કેટલી વાર લાગશે ? જરા જલ્દી કરો ને ! જરૂર પડે તો ભારે ઇન્જેક્શનો આપો.”

“ભારે ઇન્જેક્શનો તમને બંનેને ભારે પડશે.” મેં સાહજિકપણે કહ્યું.

“મતલબ ?”

“મતલબ એ જ કે ભારે ઇન્જેક્શન કવિતાને શારીરિક રીતે વસમું પડશે અને તારા ખિસ્સાને આર્થિક રીતે ! અને બીજું કારણ એ છે કે એવું કશું કરવાની જરૂર જ નથી. બઘું સરસ રીતે ચાલી રહ્યું છે. કાલ સવાર સુધીમાં તો નિકાલ આવી જશે. પણ મને એક વાત નથી સમજાતી. આટલી બધી ઉતાવળ કરવાનું કારણ શું છે ? ઘરે બાળકો તો છે નહીં…!”

ભાવેશ થોથવાઈ ગયો: “બાળકો તો નથી… નથી જ… પણ… મારો ધંધો ખોટી થાય છે ! દવાખાનાના આંટાફેરા પોસાતા નથી…”

હું સાંભળી રહ્યો; એના જવાબમાં તર્ક વઘુ હતો અને તાકાત ઓછી. પણ મને ફરી એકવાર લાગ્યું કે આ માણસેન મેં ક્યાંક જોયો છે. એનું વિચિત્ર વર્તન, મોઢામાં તમાકુનો ડૂચો, હાથમાં આવતી ઘુ્રજારી, એનું અશ્વ્લિલ હાસ્ય, એનો બિનજરૂરી રઘવાટ.. આ બઘું મારી આંખો માટે આ પહેલાં ક્યાંક જોયેલા દ્રશ્યનુ એક્શન – રીપ્લે હતું.

એ દિવસ પણ આથમી ગયો. એ રાત કતલની રાત હતી. સવાર સુધીમાં કવિતા હળવી બની ગઈ. અગિયાર વાગ્યે તો એને રજા આપી શકાય એવી સ્થિતિ હતી.

ભાવેશ બિલની રકમ ચૂકવવા મારી પાસે આવ્યો. હજુ તો હું એને આંકડો જણાવું તે પહેલાં જ ભાવેશે ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું. અંદરથી સો-સોની, બે-ત્રણ, પચાસની ચાર-પાંચ અને બાકી વીસ-દસ-પાંચની નોટો કાઢીને મારા ટેબલ ઉપર ખડકલો કર્યો. કરન્સી નોટનો ઢગલો જોઈને કોઈને એમ લાગે કે બહુ મોટી રકમ થતી હશે, પણ મેં ગણી તો માંડ આઠસો રૂપિયા થયા. બિલ આશરે બે હજાર જેવું થવા જતું હતું. મારી આંખમાં પ્રશ્નાર્થ ડોકાયો. ભાવેશે તરત જ એ વાંચી લીધો.

“અત્યારે આઠસો રાખો. બાકીની રકમ હું આવતીકાલે આપી જઈશ.” ભાવેશના અવાજમાં પ્રમાણિકતા હતી, આત્મવિશ્વાસ હતો, આવું બોલવાનો અનુભવ હતો…!

એક મિનિટ…! એને અનુભવ હતો એમ મને શેના પરથી લાગ્યું ? મારા મગજમાં ધમધમાટ થઈ રહ્યો. મારી અત્યાર સુધીની પ્રેક્ટીસમાં બીલની રકમ ઉધાર રાખીને જતા રહેલા દર્દીઓની સંખ્યા સાવ નાનકડી નથી. એમાંથી મોડા-વહેલા પૈસા આપી જનારા પ્રમાણિક માણસો પણ ઘણાં છે અને છતાં પણ ડૉક્ટરને છેતરવાની ‘મોડસ ઓપરેન્ડી’ ભાવેશના કિસ્સામાં રીપીટ થતી હોય એમ કેમ લાગતું હતું ? દિમાગી આભમાં ગડગડાટ છવાઈ રહ્યો. સ્મૃતિની જ્યોત પ્રજ્વલિત થઈ ઊઠી.

આ માણસ ભાવેશ નહોતો, એ ભૂપેન્દ્ર હતો !! એ આ વખતે નામ બદલીને મને છેતરી રહ્યો છે ! એક ક્ષણમાં મને ત્રણ વરસ પહેલાનો કિસ્સો યાદ આવી ગયો.

એ વખતે ભૂપેન્દ્ર એક સ્ત્રીની સાથે આવ્યો હતો. એનું નામ મને યાદ નથી, પણ એટલી ખાતરી છે કે એ કવિતા તો નહોતી જ ! અને એનો પરિચય પણ ભૂપેન્દ્રએ પોતાની પત્ની તરીકેનો જ આપ્યો હતો. એ સ્ત્રી ડીલીવરી માટે આવી હતી, એણે બાબાને જન્મ આપ્યો હતો અને પાંચ દિવસ મારા નર્સંિગહોમમાં રોકાઈને ઘરે ગઈ હતી. એ વખતે પણ ભૂપેન્દ્રએ છુટક નોટોનો ઢગલો મારી સામે મૂક્યો હતો.

“બસો રૂપિયા છે; બાકીના સાંજ સુધીમાં આવીને આપી જઈશ.” એના બોલવામાં પ્રમાણિકતા ઝલકતી હતી અને આત્મવિશ્વાસ પણ.

મારી પ્રેક્ટીસ નવી-સવી હતી એટલે મેં ઉધારીની વાતનો ઈન્કાર ન કર્યો, પણ એનું સરનામું લખી લેવાનું ન ભૂલ્યો: “દર્પણ સોસાયટી, ઉત્તમનગર, મકાન નંબર ત્રેવીસ.”

સાંજની રાહ જોતો હું બેસી રહ્યો, ન નાણાં દેખાયા, ન ભૂપેન્દ્ર. પૂરા પંદર દિવસ થયા. પૈસાની ઉઘરાણી માટે પેશન્ટના ઘરે જવાની મને કુટેવ ત્યારે પણ નહોતી, આજે પણ નથી. થોડા દિવસ પછી એ જ સોસાયટીમાંથી એક સ્ત્રી ચેક-અપ માટે આવી ત્યારે મેં સહજ રીતે પૃચ્છા કરી: “તમારી સોસાયટીમાં કોઈ ભૂપેન્દ્રભાઈ રહે છે ?”

એના ચહેરા પર નકાર ઉપસી આવ્યો, પણ જવાબ આપતાં પહેલાં એણે પૂરક પ્રશ્ન કર્યો: “કયા નંબરમાં રહે છે?

“ત્રેવીસ નંબરના મકાનમાં.”

એ હસી પડી: “શક્ય જ નથી. અમારી સોસાયટીમાં માત્ર બાવીસ જ મકાન છે. શું કામ હતું ?”

“કંઈ નહીં.” મેં નિરાશપણે ઉત્તર વાળ્યો. નિરાશા પૈસા ગુમાવવાની નહોતી, મફતમાં પરસેવો પાડ્યાની પણ નહોતી પરંતુ સાવ આસાનીથી મૂર્ખ બની જવાની નિરાશા હતી. એક ભયંકર આઘાત હતો જે આજે ત્રણ વર્ષ પછી પણ ઓસર્યો ન હતો.

આજે ફરીથી આ ઘૂર્ત મને મૂર્ખ બનાવવાની કોશિષ કરી રહ્યો હતો. એ સફળ પણ થયો હોત, જો એણે એની રીતભાતમાં ફેરફાર કર્યો હોત ! કોઈ પણ ગુનેગાર એની અપરાધ આચરવાની પદ્ધતિને લીધે જ પકડાઈ જતો હોય છે.

મેં ભાવેશ ઉર્ફે ભૂપેન્દ્રનું કાંડુ પકડ્યું: “દર્પણ સોસાયટી, ઘર નંબર ત્રેવીસ, ઉત્તમનગર…! સરનામું બરાબર છે ને ભૂપેન્દ્ર, મારે પૈસા નથી જોઈતા, તે મને તો છેતર્યો છે પણ મારી બંને પેશન્ટસને પણ તું છેતરી રહ્યો છે ! કવિતાને ખબર છે કે તું પરણેલો છે ? તારે એક બાળક પણ છે અને પત્ની પણ… ?”

ભૂપેન્દ્ર વરસાદ પડ્યા પછીની માટી જેવો બની ગયો: “ભૂલ થઈ ગઈ, સાહેબ ! મને છોડી દો. તમારું બિલ હું અત્યારે જ ચૂકવી દઉં છું અને પ્લીઝ, આ વાત કવિતાને ન કરશો.”

“એ પણ અમદાવાદની જ છે ?”

“હા, સર ! પત્ની ઉત્તમનગરમાં અને પ્રેમિકા વાડજમાં. એને પરણવાનું મેં વચન આપીને ફસાવી છે. અમદાવાદ મોટું શહેર છે ધારું તો બંનેને જીવનભર રાખી શકું એમ છું ક્યારેય એમને ખબર પણ ન પડે !”

“એ વાત ભૂલી જજે, ભૂપેન્દ્ર ! અમદાવાદ તું ધારે છે એટલું મોટું નથી. અહીં એક ઘૂતારો છેતરવા માટે બે અલગ-અલગ ગાયનેકોલોજીસ્ટને પણ શોધી શકતો નથી !!” મેં ટકોર કરી.

“એ જ મોટી ગરબડ થઈ ગઈ ને, બાકી…” એ પૈસા ચૂકવીને ઊભો થયો. હું જોઈ શકતો હતો કે એના દિલમાં એની પત્નીને, પ્રેમિકાને કે મને છેતરવાનો કોઈ જ અફસોસ ન હતો, જે કંઈ વસવસો હતો એ પકડાઈ જવાનો જ હતો !

Source: ગુજરાત સમાચાર

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: