ન એક જિંદગી, જન્મો જનમ કસી જોજે, શ્વસાય એટલું, ‘મા’ને સતત શ્વસી જોજે

મે મહિનાની કાળઝાળ ગરમીમાં ગુજરાત આખું પરસેવે રેબઝેબ હતું, પણ ભાવનગરના સર્કિટ હાઉસના વિશાળ કમરામાં એરકન્ડિશનરની મીઠી ઠંડક પ્રસરી રહી હતી. બિનસત્તાવાર મુશાયરાનો માહૌલ જામ્યો હતો. ભાવનગર એટલે કવિઓનું નગર. અહીં જેટલાં વૃક્ષો છે એના કરતાં વઘુ સંખ્યામાં કવિઓ છે. ભાવનગરની બહારના અમે ચાર-પાંચ મિત્રો હતા, જેમાંથી હું એકલો ગદ્યનો માણસ હતો, બાકીના બધાં પદ્યખેડુઓ હતા.

શરૂઆત વડોદરાના યુવાન કવિમિત્રે કરી. એની સાવ તાજા બાળક જેવી ગઝલ સાંભળીને ઓરડામાં “વાહ-વાહ” છવાઈ ગઇ. પછી ગઝલસુંદરી એક એક પગથીયું ચડતી ગઈ. કયાંક ટૂંકા લહેરની ઇશ્કે- હકીકી હતી, કયાંક અછાંદસ કાવ્ય ફૂટી રહ્યું હતું. તો કયાંક લયસુંદરી ગીતનાં પારદર્શક વસ્ત્રો પહેરીને રૂમઝૂમતી પધારી રહી હતી. પ્રકૃતીનાં રૂપને લાંબી લહેરમાં કેદ કરતી એક સંઘેડા-ઊતાર ગઝલ પણ સાંભળવા મળી. મુશાયરો હોય ત્યાં ઈશ્કે -મીજાજી પણ હોય જ ! એક જુવાન કવિએ આખા કમરાને ગુલાબી બનાવી દીધો.

“અબ આપકી બારી, જનાબ પરવેઝ! કોઇ ઐસી ચીજ સુનવાઈએ કિ સબકી તબિયત ફડક ઊઠે !” મેં મારી ડાબી તરફ બેઠેલા દાહોદથી આવેલા તબીબ-શાયર ડૉ. સતીન ‘પરવેઝ’ને એમનો કલામ રજૂ કરવા માટે આમંત્રણ આપ્યું.

અને એમણે મા ઊપરની એક નઝમ પેશ કરી. બધાં સ્તબ્ધ થઈને એક-કાન બની ગયા. એક પછી એક પંક્તિ શુદ્ધ ઊર્દુ જબાનમાં અદાયગી પામતી રહી, એવું લાગતું હતું જાણે કોઇ શાયર નહીં, પણ એક દીકરો ગાઇ રહ્યો છે… એની માને યાદ કરીને ! વાતાવરણ મઘુરજનીનું હતું એને ઠેકાણે જનેતાનો ખોળો હોય એવું બની ગયું. તવાયફના કોઠા ઉપર જાણે કોઇ ભજન ગવાઇ રહ્યું હતું. સાંભળનારા વીસ-પચીસ જણ (જેમાં ત્રણ-ચાર કવિયત્રિઓ પણ સામેલ હતી) પોત-પોતાનાં શૈશવમાં સરી પડ્યાં. મેં જોયું બધાંની આંખો ભીની હતી, ખુદ સતીન પરવેઝની પણ !

પછી તો ડૉ. સતીનની સાથે બાર કલાક ગાળવાનું બન્યું. મેં જોયું કે એ માણસ ઘન પદાર્થનો બનેલો મનુષ્યાકાર છે જ નહીં, એ તો લાગણી નામનાં પ્રવાહીનો બનેલો રેલો છે! ગઝલ એના રૂંવે-રૂંવે ભીની જમીનમાંથી ઊગતા ઘાસની જેમ ફૂટે છે.

મારા કાનમાં એમનો એક શે’ર ગૂંજતો હતો: “કબીર માફક ઝખમના ધાગે વણી છે મેં પણ સવાર-સાંજો, તમામ રાતે ભજ્યા કરૂં છું, કે ગમ ન તૂટે, ગઝલ ન છૂટે.” ગઝલ છૂટે એવું તો આપણે પણ ન ઇચ્છીયે, પણ પેલો ગમ નથી તૂટતો એનું શું ? દુનિયાભરની ગઝલોની જનેતા એકમાત્ર પીડા જ કેમ હોતી હશે? ડૉ. સતીન ‘પરવેઝ’ની પીડા કઈ છે? આપણાથી પૂછી શકાય એમને? એક પચાસ વરસના પુરૂષની છાતીમાં ભીડોભીડ વાસેલા દ્વારોવાળી બારી ઉપર આપણાથી ટકોરા મરાય ખરાં?

“હું બરોડાની મેડીકલ કોલેજમાંથી બોંતેરની સાલમાં એમ.બી.બી.એસ. થયો. ભણવામાં પણ હું હોંશિયાર હતો. છેલ્લા વરસમાં મને ગોલ્ડ મેડલ મળેલો. માત્ર અભ્યાસ જ શું કામ, કોલેજની નાટ્યપ્રવૃત્તિમાં પણ હું ઝળકતો રહ્યો. ગુજરાતી- હિન્દી ફિલ્મોની શ્રેષ્ઠ ચરીત્ર અભિનેત્રી સ્વ. ઊર્મિલા ભટ્ટ અને એમનાં પતિ નાટ્યવિદ્ માર્કંડ ભટ્ટના હસ્તે મને શ્રેષ્ઠ અભિનેતા તરીકે સન્માનિત પણ કરવામાં આવ્યો હતો. ચુંમોતેરની સાલમાં મારા જીવનમાં એક સાથે બે ઘટનાઓ બની, એક બાજુ જનરલ સર્જરી (એટલે કે એમ.એસ.)ના અભ્યાસક્રમમાં પ્રવેશ મળ્યો તો બીજી બાજુ હિંદી ફિલ્મો માટે ઓફર આવવી શરૂ થઇ.”

“એક બાજુ કલા સુંદરી હતી. અને બીજી બાજુ વિજ્ઞાન સુંદરી ! તમે કોની વરમાળા મંજુર રાખી?” મેં પૂછ્યું.

“મારો પ્રથમ પ્રેમ તબીબી વિજ્ઞાન હતું. હું એમ.એસ.માં જોડાયો. પણ સમયના ભાથામાં બહુ કાતિલ હથિયારો હોય છે. મને પહેલીવાર એની તીક્ષણ ધારનો અનુભવ થયો.”

‘પરવેઝ” પળવાર માટે મૂંગા થઇ જાય છે. આવી જ કોઇ ક્ષણે એમની આંગળીઓનાં ટેરવાંમાંથી પંક્તિઓ ફૂટી હશે: “ભર્યું નગર ને નથી કયાંય આવ-જા જેવું, ધબકવું તારૂં યે નિષ્પ્રાણ કાળજા જેવું.

કાળજુ નિષ્પ્રાણ થઇ જાય એવા એક પછી એક ઘા સિનેમાનાં દ્રશ્યોની જેમ આવતા ગયા. ચાર ભાઇઓમાંથી એક ભાઇ જે નાનો હતો અને અમદાવાદમાં દાંતના ડૉકટરનો અભ્યાસ કરી રહ્યો હતો એને જીવલેણ અકસ્માત નડ્યો. મોટર સાઇકલ પર જઇ રહ્યો હતો અને એક તોતીંગ ટ્રકની અડફેટે આવી ગયો. જીવ તો બચી ગયો, પણ પગ બચી શકે એમ નહોતું. નાનો ભાઇ રામને ભરત હોય એવો વહાલો હતો. સર્જન બનવાનું સપનું અઘૂરૂં મેલીને રામ અમદાવાદ દોડી ગયા. ભરતની સારવારમાં ગૂંથાઇ ગયા. ત્રણ વરસની અંદર છવ્વીસ ઓપરેશનો થયા, પછી પગ બચ્યો. પરિણામ ? નાનો ભાઇ અત્યારે અમેરિકામાં છે અને સુખી છે. અને સતીનભાઇ અત્યારે ગુજરાતના છેવાડે આવેલા દાહોદના નેતાજી બજારમાં જનરલ પ્રેકટીસ કરી રહ્યા છે. પણ એમના ચહેરા ઉપર એનો કોઇ જ અફસોસ નથી, ભરત ગાદી પર બેસે તો પછી રામને તો ‘જંગલ’ પણ અયોઘ્યાના રાજમહેલ જેવું રળિયામણું લાગે.!

સમયનો બીજો વાર પણ કારી ઘા સમાન હતો. સિંગાપુરના કરોડપતિ કુટુંબની એકમાત્ર વારસદાર એવી કન્યા સાથે આ શાયરાના મિજાજવાળા તબીબનું લગ્ન થયું. પરણ્યા પછી ખબર પડી કે પૈસાદાર સસરાને જમાઇ નહીં, પણ ઘરજમાઇ ખપતો હતો.

“સતીનકુમાર દાહોદ છોડવા માટેની તૈયારી આરંભો.” સસરાએ આદેશ ફરમાવ્યો.

“કેમ?”

“અહીં ગામડામાં શું દાટ્યું છે ? કાંતો અમદાવાદ કે મુંબઇ પધારો, કાં સિંગાપુર! તમે હવે અમારા છો.!”

ડૉ. સતીને માથું ટટ્ટાર કર્યું: “દીકરો કયારેય કોઇનો બનતો નથી, એ તો હોય છે ! હું પણ જન્મથી છું, મારા મા-બાપનો .”

“તો પછી અમારી દીકરી પણ અમારી છે.!!” સસરાએ હુંકાર કર્યો.

“તો લઇ જાવ તમારી સાથે ! હું કયાં ના પાડું છું?” ‘હનિમૂન’ની તાજી અસરમાં નહાઈને હજુ તો શરીર પણ કોરૂં કરવાનું બાકી હતું એવા ડૉ. સતીને જવાબ આપ્યો અને પત્નીને કાયમ માટે ગુમાવી. કાયમ માટે કોરા થઇ ગયા. પણ વાત કોરા થવાની નથી, મહત્ત્વની વાત કોરા રહેવાની છે. આજે એ બગીચો ઊજડવાની ઘટનાને પા સદી વીતવા આવી, છતાં પણ આ પુરૂષ કોરોજ રહ્યો છે. ન તો પત્ની પાસે ડીવોર્સ માગ્યા, ન હૃદયની ધરતીમાં બીજું વાવેતર કર્યું. ચહેરો હસતો જ રાખ્યો, ફક્ત છાતીની ભીતરે કયાંક ખારાં પાણી તબકી ગયાં: “અચિંતું આમ કશું પ્રજવળે ન મધરાતે / ઊજાગરાને નથી જંપ કયાંક આજે પણ.”

દસ વરસની દીર્ઘ માંદગી ભોગવીને પિતાજી ગયા. એક ભાઈ ગૃહત્યાગ કરી ગયો. સતીનભાઇના દિલ ઉપર ભગવો રંગ ચડતો ગયો. પ્રેકટીસ સાર્વજનિક દવાખાના જેવી કરી દીધી. સવાર-સાંજ ક્લિનિકમાં જવાનું, દરદીઓ તપાસવાનાં, પણ પૈસા? અનાથ હોય એના નહીં લેવાના. વિધવા સ્ત્રીઓને પૂરી માફી. ત્યકતાઓને પણ સાવ મફતમાં સારવાર આપવાની. કોઇપણ ગરીબ દરદી બીજીવાર ફોલો-અપ માટે આવે તો એની પાસેથી એક પૈસો પણ નહીં લેવાનો ! ઇન્જેકશન કે બાટલો ચઢાવવાનો ચાર્જ પણ નહીં.!

અને બાકી જે સમય બચે એ માતાની સેવામાં ગાળી દેવાનો ! એક પળ માટે પણ જનેતાને એકલી નહીં છોડવાની.મોડી રાતે ગઝલની આરાધના માટે શબ્દનો આ બંદો બેસી જાય. પીડામાંથી પ્રગટતી પંક્તિઓની સંખ્યા કેટલી હોઇ શકે? આ તબીબ શાયરે અત્યાર સુધીમાં છસો જેટલી ગુજરાતી ગઝલો અને છસો ઊર્દુ કલામ રચ્યા છે. દૂઝતા ઘાને વહેવા માટે કોઇક રસ્તો તો ઊભો કરવો જ રહ્યો ને !

એમની માતાને ભયંકર હાર્ટએટેક આવી ગયેલ છે. ઊંમર પણ પંચોતેરની ઉપર પહોંચી છે. કાર્ડિયોલોજીસ્ટની સલાહ છે કે બાને એક ક્ષણ માટે પણ એકલા ન મૂકશો, રખે ને એમને….! અને આ પચાસ વરસનો પુત્ર માત્ર જનેતા ઉપર નઝમ જ નથી લખતો, બાની સેવાનો એક જીવતો-જાગતો અઘ્યાય પણ લખી રહ્યો છે.

ભાવનગરમાં સાહિત્યના સમારંભ માટે એ આવ્યા, ત્યારે પણ એમના વયોવૃદ્ધ બા એમની સાથે જ હતાં. એરકન્ડીશન્ડ મારૂતિ-વેનમાં બા બેઠા હતાં. સાથે ઇમરજન્સી સારવાર માટેના સાધનો હતા, ડૉકટર પણ સાથે હતો, જે દીકરો યે હતો ! મા-દીકરામાંથી કોણ વધારે સદ્ભાગી ?

મેં મારૂતિ-વેન તરફ નજર ફેંકીને ડૉ. સતીન ‘પરવેઝ’ને મુબારકબાદી આપી: “દોસ્ત, એ મારૂતિ નથી, પણ મંદિર છે.” “તો પછી હું ?” ડૉ. સતીને ચળકતી ટાલ ઉપર હાથ ફેરવ્યો.

“તમે પુત્ર નથી, પણ પૂજારી છો.!!”

(જવાબમાં એમના મુખમાંથી શે’ર ટપકી પડ્યો, જે આ લેખના મથાળે શિર્ષક પંક્તિ તરીકે ટાંક્યો છે.)

Source: ગુજરાત સમાચાર

Advertisements

2 Responses

  1. in fact all stories are great i finished them nearly at a streach for hours thanks keep it up

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: