અંદરના આદમીનો એક ઉદ્ગાર હોય છે, પ્રત્યેક જણમાં એક અદાકાર હોય છે.

સંજય શાહ નવાસવા ડૉકટર હતા. સર્જન બનીને હમણાં જ બહાર પડયા હતા. તબીબી કૌશલ્યના જાદુ ઉપર અનુભવનું અબરખ ચડાવવાની કોઇ જ આવશ્યકતા ન હતી; એટલે નોકરી કરવાને બદલે સીધા ખાનગી નર્સંિગ હોમ શરૂ કરીને બેઠા હતા. સચોટ નિદાન, સફળ શસ્ત્રક્રિયા અને સાલસ સ્વભાવને સુમેળના કારણે દરદીઓનો ધસારો શરૂ થઇ ચૂકયો હતો. નર્સંિગ હોમમાં જ એટલું કામ રહેતું હતું કે ક્યારેય કોઇ દરદીના ઘરે ‘વિઝિટ’ માટે જવાનો નતો એમની પાસે સમય હતો, કે ન હતી એવી કશી જરૂર.

અને એટલે જ નર્સે આપેલી ચિઠ્ઠી વાંચ્યા પછી એમનું મોં કટાણું બની ગયું. ના પાડવા જ જતા હતા, પણ મનની અંદરથી કોઇ અગમ્ય કારણ ઊઠયું. જીભ ઉપર આવી ઊભેલા નકારને એ ગળી ગયા. ચિઠ્ઠીમાંના લખાણ ઉપર ફરી એક વાર એ નજર ફેરવી ગયા.

ચિઠ્ઠીમાં લખ્યું હતું: “ભાઇ સંજુ, તું તો મને ન ઓળખે, પણ તારા પપ્પા મારું નામ સાંભળીને બેઠા હોય ત્યાંથી ઊભા થઇ જાય. એના લગ્ન મેં કરાવી આવેલાં. પણ એ બધી જૂની વાતો થઇ. અત્યારે તો મારે તારું કામ પડયું છે. મને સારણગાંઠની જૂની તકલીફ છે. આમ તો પરીખને ફોન કરું એટલે બાપડો દોડતો આવી જાય. પણ તું ડૉકટર થયો પછી મારે બીજાનું શું કામ છે? તું તો ઘરનો છોકરો કહેવાય. આ ચિઠ્ઠી વાંચીને જરા ઘરે આંટો મારી જજે…. લિ. અનંતરાય શેઠના આશિર્વાદ.”

ચિઠ્ઠીમાં સંબોધન જો ડૉ. સંજય શાહ કરેલું હોત, તો શક્ય છે સંજયે જવાની ના પાડી દીધી હોત; પણ ‘ભાઇ સંજુ’ના મથાળાએ એને સાવ નાનો, બાળક જેવડો બનાવી દીધો. અને અનંતરાય શેઠને કોણ નહોતું ઓળખતું? આખી ન્યાતમાં સૌથી વઘુ ધનવાન, મોભાદાર અને આગળ પડતા માણસ તરીકે એમનું સ્થાન અને માન હતું. પાછો એમની જોડેનો બે પેઢી જૂનો સંબંધ નીકળી પડયો! સંબંધ શેનો, ઉપકાર જ ગણાય! અનંતરાય ન હોત તો પપ્પા પરણી ન શક્યા હોત; અને તો પછી પોતે તો જન્મ્યો પણ ન હોત!

સંજુ સડપ દઇને ઊભો થઇ ગયો. આસિસ્ટન્ટ બાબુને સૂચના આપી: “બાબુ, વિઝિટ બેગ લઇને નીચે જા. સ્કૂટર બહાર કાઢ. શેઠ સાહેબને જોવા માટે જવાનું છે.”

“ડૉકટર, સ્કૂટરની જરૂર નથી. હું એ.સી. કાર સાથે જ આવ્યો છું. શેઠ સાહેબ ભલે ગમે એટલા મોટા માણસ હોય, પણ નાનામાં નાના માણસને માન આપવાની કળા એ બરાબર જાણે છે. આપ નીચે ઊતરો. હું પાછા મૂકી જઇશ…”

નાનામાં નાનો માણસ? સંજય શાહને આંચકો લાગ્યો. પોતે ભણેલો- ગણેલો અને હોશિયાર સર્જન હતો; કોઇ પટાવાળો કે કમ્પાઉન્ડર થોડો હતો? પણ પછી તરત જ મનને જવાબ સૂઝયો; ઊંમરમાં તો નાનો જ ગણાઉં ને? ક્યાં શેઠ સાહેબ અને ક્યાં પોતે! અરે, પૈસાની વાત કરીએ તોયે…! ડૉકટરની આંખ સામે તાજી જ મેળવેલી પંદર લાખ રૂપિયાની બેંકલોન તરવરી ઊઠી. શેઠ સાહેબે સાચું જ કહ્યું; એમની નજરમાં તો પોતે સાવ નાનો માણસ જ કહેવાય.

એ ગાડીમાં ગોઠવાયા. ડ્રાઇવર એમને શેઠ સાહેબના આલીશાન બંગલે લઇ આવ્યો. બંગલાની પોર્ચ જોઇને જ સંજય શાહ અવાચક થઇ ગયા. એ પછીની પ્રત્યેક ક્રિયા એ ચાવી દીધેલા રમકડાંની જેમ કરતા ગયા. એની આંખો પહોળી થતી રહી. નકશીદાર દરવાજો જોઇને એમને થયું કે આટલા ખર્ચમાં તો એમના ગામડાંના ઘરનો એક આખો ઓરડો બંધાઇ જાય. અને ડ્રોઇંગરૂમમાં બાંધેલો હિંચકો! બાપ રે! એટલામાં તો પૂરું રસોડું…!

“આવ, દીકરા, આવ!” પહેલા માળ પરના વૈભવી શયનખંડમાં એમણે પગ મૂકયો, ત્યાં તો એમના કાને શબ્દો પડયા. ડૉકટરે જોયું તો પથારીમાં મોટા તકિયાને અઢેલીને એક જાજરમાન વૃઘ્ધ પુરૂષ એની તરફ ઈશ્વરના જેવી કૃપાળુ દ્રષ્ટિએ જોઇ રહ્યો હતો. અનાયાસ ડૉકટરથી બંને હાથ જોડાઇ ગયા.

“શું થાય છે આપને?” એણે પૂછયું. પણ શેઠજીએ એના સવાલને હળવા સ્મિતની ફૂંકથી ઊડાડી દીધો.

“આવતાંમાં જ ડૉકટર બની બેઠો? એ તો બઘું ચાલ્યા કરે. પહેલાં તું બેસ અહીં. નજર ભરીને જોવા દે મને.” અનંતરાયે એના માથે સ્નેહપૂર્વક હાથ ફેરવ્યો: “કેવો લાગે છે? અસલ તારા બાપ જેવો! તારો બાપ જુવાન હતો અને મારી પાસે પૈસા લેવા આવતો ત્યારે આવો જ દેખાતો હતો. પ્રભુએ બિચારાને સારો દિવસ દેખાડયો. હવે તું ડૉકટર થઇ ગયો, એટલે જમનાદાસની ચિંતા ટળી…”

“પૈસા?! પપ્પા પૈસા લેવા માટે આપની પાસે…?” સંજય શાહને આંચકો લાગ્યો.

“જવા દે એ વાત, બેટા!” અનંતરાયે વાત વાળી લીધી: “આ હાથે ન્યાતના કેટલાંયે વિદ્યાર્થીઓને ભણતર પૂરું કરવામાં મદદ કરી હશે! બેટા, એના કોઇ લખાણ હોતાં હશે? વહેવારના ચોપડાં હોઇ શકે, દાનના ચોપડાં કંઇ હોતાં હશે?” પછી શેઠજીએ સહેજ મોટા અવાજે સાદ કર્યો: “અરે, સાંભળો છો કે? આપણો સંજુ આવ્યો છે. એને માટે બદામનું શરબત તો લાવો.”

કાચની પૂતળી જેવી પુત્રવઘૂ કાચના ગ્લાસમાં શરબત લઇ આવી. ડૉકટર ગ્લાસને જોઇ રહ્યા. એમનું ચાલે તો શરબતની સાથે ગ્લાસ પણ ચાવી જાય. પછી એમણે અનંતરાયની ફાઇલ તપાસી. જૂના રિપોર્ટસ વાંચ્યા. પેટ ઉપર હાથ મૂકીને એમની શારીરિક તપાસ કરી.

“ઈન્ગ્વાઇનલ હર્નિયા છે. ઓપરેશન તો કરાવવું જ પડશે.”

“હવે કરાવીશ.” અનંતરાય હસ્યા: “આ ફાઇલ જોઇ ને તે? પચાસ ડૉકટરોએ મને ઓપરેશનની સલાહ આપી છે. પણ હું માનું તો ને? જાણે તારા ડૉકટર થવાની રાહ જોઇને બેઠો હતો. બોલ, ક્યારે મારવો છે મને?”

“શેઠજી, મરે તમારા દુશ્મન. તમને જીવાડવાની તક મને મળે તો પણ મારું અહોભાગ્ય.” સંજય શાહ પીગળીને પાણીનો રેલો બની ગયા. ફી લેવાનો સવાલ જ ન હતો. ગાડી એમને મૂકી ગઇ.

બે દિવસ બાદ અનંતરાયનું ઓપરેશન થઇ ગયું. એરન્ડીશન્ડ રૂમમાં ચાર દિવસ રહ્યા પછી એ રજા લઇને ઘરે ગયા. શેઠજીનું માથું જ્ઞાતિમાં મોટું ગણાય, એટલે એમની ખબર પૂછવા આવનારાની લંગાર જામી. ડૉકટરે ચાર દિવસ શેઠજીના નામ ઉપર કુરબાન કરી દીધા. સાતમા દિવસે એમના ઘરે જઇને ટાંકા કાઢી આપ્યા. પછી રોજ ડ્રેસીંગ માટે જવા માંડયું.

દરેક વખતે બંગલામાં પગ મૂકતાંવેંત ડૉકટરનું સ્વાગત બદામ-કાજુના શરબતથી થાય અને વિદાય વેળાએ સીતાફળનો કે વરિયાળીનો આઇસક્રિમ પીરસાય. શેઠજી ડ્રેસીંગ કરાવતા જાય અને જૂની વાતો વાગોળતા જાય. ડૉકટરના બાપા વાંઢા જ રહી ગયા હોત, જો યોગ્ય સમયે અનંતરાયે એમનું ચોકઠું ગોઠવી ન આપ્યું હોત. ગામડાનું એમનું મકાન આજે પણ છત વગરનું જ હોત, જો શેઠજીએ ખાનગીમાં રૂપિયા આપીને એ પૂરું ન કરાવી આપ્યું હોત!

ડ્રેસીંગ પૂરું કરીને ડૉકટર જવા માટે ઊભા થાય, એ જ સમયે અનંતરાયને યાદ આવે: “દીકરા, તારી વિઝિટ ફીનાં કેટલાં થયાં એ તો બોલ!”

ડૉકટરના હાથમાં એવખતે સીતાફળીનો આઇસક્રિમ હોય અને દિમાગમાં પપ્પાનું અઘૂરું મકાન અને અઘૂરું ‘ઘર’ હોય, જે શેઠ સાહેબે ચણાવી આપ્યાં હોય. પછી પૈસા બાબતમાં બોલી પણ શું શકાય?

“અરે, ભ’ઇ! ડ્રેસીંગનું ભૂલી જઇએ, પણ ઓપરેશનનો ચાર્જ તો કહેતો જા….”

“પછી વાત, કાકા! પહેલાં તમે દોડતા થઇ જાવ.” સંજય શાહે હસીને વાત ઊડાડી દીધી.

પણ ‘કાકા’ દોડતા થાય એ પહેલાં ડૉકટરના પપ્પા જમનાદાસ ગામડેથી આવી ગયા. ખાલી જ દીકરાને અને વહુને મળવા આવ્યા હતા. દીકરાએ વાત કરી. શેઠ અનંતરાયની સારવાર કરવાની અને એ બહાને એમનું ઋણ ફેડવાની તક મળી એ બદલ આનંદ વ્યક્ત કર્યો.

પણ ડૉકટરના આઘાત વચ્ચે બાપા વિફર્યા: “એ અનંતિયા પાસેથી ફીનાં પૈસા વસુલ કર્યા કે નહીં?”

“પપ્પા…!” સંજયથી ચીસ પડાઇ ગઇ.

“તું એ હરામીને ઓળખતો નથી. એક નંબરનો મફતિયો છે સા…! આખી ન્યાતને ચૂસી ચૂસીને માલદાર બન્યો છે. આપણા બાપદાદાની એંશી વીઘા જમીન એને ત્યાં ગીરવે મૂકી હતી; એ પૈસા પાછા આપવાની તૈયારી છતાં ઓળવી ગયો. આપણને ભીખારી બનાવી દીધા. ઉપરથી મારી સગાઇ ક્યાંય ન થાય એ માટે પણ એણે કંઇ બાકી નથી રાખ્યું.”

“પણ પપ્પા, એ તો કહેતા હતા કે એમણે જ તમારું લગ્ન…”

“એક નંબરનો જુઠ્ઠો છે, લબાડ છે, સા…! આપણા મકાન માથે છાપરું મૂકવાના પૈસાયે નથી આપ્યા એણે. તું ભણતો હતો ત્યારે ઊછીના પૈસા માગવા ગયો, તો એ શું બોલ્યો હતો એ સાંભળવું છે તારે?”

ડૉ. સંજય શાહ સ્તબ્ધ બની ગયા. જમનાદાસ આગળ કશું બોલે એ પહેલાં એ કાગળ અને પેન લઇને કંઇક લખવા બેસી ગયા.

પપ્પાએ પૂછયું: “શું કરે છે, બેટા?”

“કંઇ નહીં, પપ્પા! અનંતરાયની સારવારનું બીલ બનાવું છું. બાવીસ હજાર ઓપરેશનના, દવાઓના ત્રણ હજાર, એસ.સી. રૂમમાં રહેવાના બે હજાર, ઘરે વિઝિટ કરવાના બે હજાર…! કુલ રકમમાંથી પાંચસો રૂપિયા બાદ કરી આપું છું.”

“એ વળી શેનાં?”

“બદામના શરબતનાં અને સીતાફળીના આઇસક્રિમના! હું નથી ઈચ્છતો કે શેઠ અનંતરાય ભવિષ્યમાં મારી ભાવિ પેઢીને એમ કહે કે તારો બાપ ભૂખે મરતો હતો ત્યારે આઇસક્રિમ ખાવા માટે બંગલે આવતો હતો…!” સંજય શાહે પાક્કું બીલ બનાવીને શેઠજીના બેડરૂમ સુધી પહોંચતું કરી દીઘું.

આજે આ ઘટનાને ચાર વરસ થવા આવ્યા છે. શેઠ અનંતરાયે આજ દિન સુધી બીલનો એક રૂપિયો પણ ચૂકવ્યો નથી. ડૉકટરના કાને વાત આવી છે કે શેઠજી જ્ઞાતિબંઘુઓને ચેતવી રહ્યા છે: “સંજુડાના દવાખને ભૂલે-ચૂકે ય પગ ન મૂકવો. માણસને ઓળખવાની એનામાં આવડત નથી. સાવ એના બાપ ઉપર ગયો છે. હું તો એટલા માટે એને ત્યાં ઓપરેશન કરાવવા ગયો હતો કે મારા જવાથી એની આબરૂ બંધાય. બાકી મારે ક્યાં ડૉકટરોની કમી છે? પરીખ જેવા સર્જનને ફોન કરું એટલી જ વાર! પળવારમાં દોડતો આવે….!”

Source: ગુજરાત સમાચાર

Advertisements

2 Responses

  1. jutha manso keva keva idea vapre che

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: