જીવનના મંચ પર જાણે કે માણસ એક નર્તક છે, સમયનું કામ છે જોવું, સમય તો ફકત દર્શક છે

અડધો કલાક સતત બસ-પ્રવાસ કરીએ તો પેટમાંથી આંતરડાં બહાર આવી જાય એવો ઊબડ-ખાબડ રસ્તો, બસ નામનાં વાહનની શોધ થઈ હશે, ત્યારે પહેલવહેલું જે બહાર પડયું હશે એ મોડલ અને આજે જ ડ્રાઈવીંગ શીખવા બેઠો હોય એવો ડ્રાઈવર !

બસ ઉપડતાં પહેલાં જ મેં એને પૂછી લીધું: ”કેટલા વાગ્યે પહોંચાડશો ?”

”બે કલાકમાં તો તમને ફેંકી દઈશું.” એણે મૂછ ઉપર હાથ ફેરવ્યો. ”તમે ફિકર ન કરો.”

”ભાઈ, મારે કોઈ વાતે ઉતાવળ નથી. ભલે બેને બદલે ચાર કલાક લાગી જાય.”

”કેમ ? ડર લાગે છે ?”

”ના, પણ સીધી વાત છે, મારે ત્યાં ઊતરવું છે, ફેંકાવું નથી.”

એ મોટેથી હસ્યો. સમય થયો એટલે એણે બસ ઉપાડી. પણ અમદાવાદની બહાર નીકળ્યા પછી મેં જોયું કે અમે જગતના સૌથી દુર્ગમ રસ્તા ઉપર જઈ રહ્યા છીએ. આ મુસાફરીમાં અકસ્માતનો ભય શૂન્ય પ્રતિશત હતો, કારણ કે અકસ્માત થવા માટે તેજ ગતિ હોવી જરૂરી હોય છે.

બસમાં માંડ આઠ-દસ પ્રવાસીઓ હતા. મોટાભાગના આદિવાસીઓ જેવા લાગતા હતા. બાપડા બે જણાં તો ખાલી બસમાં પણ ઊભા રહ્યા હતા. અમદાવાદનું પ્રદુષણ ઓઝલ થયું અને પ્રકૃતિસુંદરીએ એની રૂપાળી કાયાનાં રંગો વિખેરવા શરૂ કર્યા. હું ખુલ્લી બારીમાંથી ઝપાટાભેર દોડી જતાં લીલાંછમ્મ ખેતરો, આથમતો લૂરજ, બે પગ વાડ ઉપર મૂકીને શેઢાના પાન ચાવી રહેલી બકરીઓ અને વચ્ચે વચ્ચે ભરવાડ સ્ત્રી-પુરુષોના ઝુમખાંને માણતો રહ્યો.

મારા હોઠો વચ્ચેથી સીટીનો ધીમો સુર સરી પડયો. હું અત્યારે ‘મધુમતી’ ફિલ્મની શરૂઆતમાં ‘સુહાના સફર ઔર યે મૌસમ હસીં” ગીત ગાતા કથાનાયકની મનોદશામાં હતો. પ્રકૃતિની નિતાંત સુંદરતાને જોઈને ગમે તે ક્ષણે, ગમે ત્યાં ખોવાઈ જવાનો ડર લાગી રહ્યો હતો. આવા સમયે ‘મધુમતી’નો નાયક યાદ આવી જવાનું કારણ એક જ હતું, હું પણ એની જેમ મારી નોકરીના સ્થળે હાજર થવા જઈ રહ્યો હતો.

બસ ડ્રાઈવરે બે કલાક કહ્યા હતા, પણ મંઝીલ સુધી પહોંચતાં ત્રણ કલાક લાગી ગયા અને તો પણ શારીરિક હાલત એવી હતી કે એણે પહોંચાડયા એમ ન કહેવાય, ફેંકયા એમ જ કહેવાય. એસ.ટી. સ્ટેશને હોસ્પિટલનું નામ મોટા અક્ષરે ચીતરેલી જીપ મને લેવા માટે રાહ જોઈને ઊભી હતી.

એ રાત મેં મારી જાતને નવા વાતાવરણમાં ‘સેટ’ કરવામાં ગાળી. બીજા બે દિવસ સામાનને ‘સેટ’ કરવામાં ગયાં. ચોથા દિવસે મેં સ્વપ્નમાં પણ ન કલ્પી હોય એવી ઘટના બની. મેં હોસ્પિટલની મારી રોજીંદી ફરજ બજાવવાનું તો નોકરી ઉપર હાજર થયાના બીજા જ દિવસથી શરૂ કરી દીધું હતું, પણ અચાનક પહેલી વાર આવું બન્યું. રાતનાં આઠેક વાગ્યા હશે. હું જમવા બેસવાની તૈયારીમાં હતો, ત્યાં ટેલીફોન વાગ્યો. સામે છેડે કોઈ પ્રભાવશાળી વ્યકિત બોલી રહી હતી.

”ડોકટર, હું નૌતમલાલ બોલું છું. તમારે તાત્કાલિક મારે ઘેર આવવું પડશે. મારા દીકરાની વહુને તકલીફ ઊભી થઈ છે. તમે કહેતા હો તો વાહન મોકલું. આવો છો ને ?”

હું વિચારમાં પડી ગયો. કન્સલ્ટન્ટ બન્યા પછી સ્વાભાવિક રીતે જ કોઈને ત્યાં વિઝિટ ઉપર જવું પડે એ મારા મિજાજને અનુકૂળ આવે એમ ન હતું. ખાસ તો એટલા માટે કે આ ગાયનેકની લાઈન હતી. દરદીના ઘરે જઈને શારીરિક તપાસ કરવાની કડાકૂટ બહુ મોટી હોય છે. સાથે પંદર વાનાં લઈ જવા પડે અને છેવટે નિદાન એવું નીકળી પડે કે દરદીને સારવાર માટે તો હોસ્પિટલમાં જ ‘શિફૂટ’ કરવાનો વારો આવે !

હું સહેજ ખચકાયો: ”જુઓ, નૌતમભાઈ ! શકય હોય તો પેશન્ટને લઈને તમે જ અહીં આવી જાઓ. હું અડધા ભાણે ઊભો થઈને સારવારમાં લાગી જઈશ.”

”પ્લીઝ, તમે જ અહીં આવી જાવ. સંધ્યાને બે મહિના થયા છે અને બ્લીડીંગ ચાલુ થઈ ગયું છે…”

નૌતમલાલના અવાજમાં દાદાગીરીનો કડપ ન હતો, પણ વિનંતીનો સુર હતો. આ સ્થળે આવ્યાને મને ત્રણ-ચાર દિવસ માંડ થયા હતા, પણ આટલા ટૂંકા ગાળામાં મને જે પાંચ-સાત અગ્રણી અને આદરણીય સજ્જનોના નામો જાણવા મળ્યા હતા એમાં એક નામ નૌતમલાલનું પણ હતું. પૈસાદાર હતા, સંસ્કારી હતા અને સમજદાર પણ હતા.

મેં નિર્ણય લઈ લીધો: ”ભલે, હું આવું છું” અને હું જમવા પણ ન રોકાયો. હું જાણતો હતો કે હું એક ખોટી પ્રણાલીને ઉત્તેજન આપી રહ્યો હતો. આમ દરદીના ઘરે જવાથી તો લોકો છાશવારે મને દોડાવતા રહેશે ! પણ મેં જીભ કચરી નાખી હતી. હવે પીછેહઠનો પ્રશ્ન જ ન હતો.

હું મારી તૈયારીમાં જોડાઈ ગયો. હેન્ડ ગ્લોવ્ઝથી માંડીને કોટન સ્વોબ્ઝ, જરૂરી દવાઓ, ઈન્જેકશનો અને આ બધાં ઉપરાંત પીઢ સ્ટાફ સિસ્ટર ! ડ્રાઈવરે જીપ બહાર કાઢી. દસ મિનિટના ડ્રાઈવીંગ પછી અમે નૌતમલાલના બંગલે હતાં.

”આવો, આવો ! સાહેબ, બહુ સારું કર્યું તમે. હું તમારી જ રાહ જોતો હતો…” બિચારા પાંસઠેકની વયના ગર્ભશ્રીમંત વેપારી ગદૂગદૂ થઈ ગયા. વિનયપૂર્વક આવકાર આપીને અમને ઘરની અંદર લઈ ગયા. જૂની ઢબની બાંધણી, ચાલીસેક વરસ જૂનું હોય એવું ફર્નિચર, વિશાળ ઓરડા, ઊંચી છત…! અમે બેઠાં.

”શું લેશો, સાહેબ ? ગરમ કે ઠંડું ?” નૌતમલાલે પૂછૂયું. મેં નોંધ્યું કે એ વિધુર હોવા જોઈએ. પીવા માટે પાણી લઈને એમનો જુવાન દીકરો આવ્યો, મતલબ ઘરમાં બીજી કોઈ સ્ત્રીની ગેરહાજરી હતી. ઘરકામ માટે નોકર-ચાકર તો હશે જ, પણ સાંજ પડયે ચાલ્યા જતાં હશે.

‘આ નિમેષ છે, મારો દીકરો. મારે એક જ દીકરો છે. એના લગ્નને પાંચ વરસ થયાં. વહુની કૂખ ભરાતી નહોતી. ભગવાને પહેલી વાર અમારી સામે જોયું, ત્યાં અચાનક આમ…”

હું ઊભો થઈ ગયો. દરદી વિષે જરૂરી થોડીક વિગતો મને જાણવા મળી ગઈ. બાકીનું દરદીનાં ખુદનાં મોંએથી જાણી લેવાશે એમ સમજીને હું કામે વળગ્યો. બાજુના શયનખંડમાં જૂની ઢબના છત્રીપલંગમાં જુવાન, ગૌરવર્ણી સંધ્યા લૂતી હતી. મને જોઈને એણે ફિક્કું હસવાનો પ્રયત્ન કર્યો. જવાબમાં મેં હુંફાળું સ્મિત આપ્યું. ડોકટર અને પેશન્ટ વચ્ચે ઊષ્માભર્યો, વિશ્વાસભર્યો અને આદરભર્યો સંબંધ સ્થાપવા માટે પ્રારંભિક સ્મિતની આપ-લેથી વધુ સચોટ બીજો કોઈ ઉપાય નથી. એ બંધ કમરામાં નર્સની ઉપસ્થિતિમાં મેં સંધ્યાની શારીરિક તપાસ શરૂ કરી. નાડીના ધબકારા તેજ હતા, પણ ચિંતા કરાવે એટલાં તેજ નહીં. બ્લડપ્રેશહ સહેજ નીચું હતું, પણ એ કદાચ રકતસ્ત્રાવના પ્રમાણને લીધે નહીં, પરંતુ સંધ્યાના નાજુક શારીરિક બાંધાને સહજ હોય એવું હતું. પરંતુ કપરું કામ હવે આવ્યું. એના ગર્ભાશયની તપાસે મને અવઢવમાં મૂકી દીધો. સંધ્યા અવશ્ય સગર્ભા હતી, પણ રકતસ્ત્રાવની માત્રા સહેજ વધારે હતી. ગર્ભાશયનું મુખ હજુ સુધી બંધ હતું, પણ એ ખુલશે નહીં એવી કોઈ જ ખાતરી ન હતી. સંધ્યાનું નિદાન સારવારના બે પ્રદેશોની સરહદ ઉપર ઊભું હતું. પ્રબળ શકયતા એવી હતી કે આ ગર્ભ ટકશે કે નહીં. એને કયુરેટીંગ દ્વારા દૂર કરી નાખવો જરૂરી હતો. બીજી શકયતા આછીપાતળી હતી, કદાચ ખૂન વહેતું અટકી જાય અને ગર્ભ જો અત્યાર સુધી જીવંત હોય તો બચી પણ જાય.

મને પાંચ મિનિટ પહેલાં દિવાનખંડમાં સાંભળેલા નૌતમલાલના શબ્દો યાદ આવી ગયાં: ”ભગવાને પાંચ વરસ પછી પહેલી વાર અમારા ઘર સામે જોયું…” આ વાકય યાદ આવતાંની સાથે જ મેં આછીપાતળી શકયતાનું તરણું ઝાલી લીધું: ”નૌતમલાલ.” મેં બહાર આવીને કહ્યું: ”સ્થિતિ બહુ આશાસ્પદ નથી. રકતના પ્રવાહમાં તમારી ભાવિ પેઢી તણાઈ જાય એવી સંભાવના વધારે છે, પણ આજની રાત આપણા માટે કતલની રાત છે. હું લોહી વહેતું બંધ થાય એ માટેની સારવાર શરૂ કરું છું. સંધ્યાને સંપૂર્ણ આરામ આપશો. જો કશી અણધારી તકલીફ થાય તો મને ટેલીફોન ન કરશો. એને લઈને સીધા હોસ્પિટલે જ આવી જજો. હું અડધી રાતે પણ કયુરેટીંગ કરી આપીશ અને સવાર સુધીમાં કંઈ ન થાય, આપણે આશા રાખીએ કે કંઈ ન થાય, તો… વેલ, શકય છે કે સવારનો લૂરજ તમારી આંખોમાં ચળકતાં આંસુઓને લૂકવી પણ નાંખે !”

હું સારવાર શરૂ કરાવીને મારા રહેઠાણ ઉપર પરત ગયો, ત્યારે જમવાનું ઠંડું પડી ગયું હતું અને ભૂખ પણ ! એ રાતે હું કાગનિંદરમાં ઊંઘતો રહ્યો, અસંખ્ય વાર મને ગાડીનાં હોર્નના ભણકારા સંભળાતા રહ્યા. પણ સવારનો પીળો ચળકતો લૂર્યપ્રકાશ બારીની જાળીમાંથી ગળાઈને મારી બિડાયેલી આંખને ખોલી ગયો, ત્યારે લગભગ સવારના નવ વાગ્યા હતા. મતલબ કે સંધ્યાનો રકતસ્ત્રાવ બંધ થઈ ગયો હશે !

પછીની વાત લાંબી છે, પણ ફાસ્ટ ફોરવર્ડ કરીને જોઈ લઈએ. સંધ્યાની તબિયત સુધરતી ગઈ. પંદર દિવસ બાદ એના ગર્ભનો વિકાસ પણ પકડાતો ગયો. નૌતમલાલને જિંદગી સાર્થક થતી લાગી, સંધ્યા આભારવશ હતી, એનો પતિ નિમેષ ખુશ હતો અને હું…? સાચું કહું તો હું જે ભાવ અનુભવી રહ્યો હતો એને માત્ર સંતોષ ન કહેવાય, આનંદ પણ ન કહેવાય, મારા મનોભાવોમાં કયાંક છુપો દર્પ પણ ભળેલો હોવો જોઈએ. મને થયા કરતું હતું કે પરિણામ ભલે મારી ચિકિત્સાપદ્ધતિનું હતું, પણ એ નિદાન તો મારું હતું ને ?! અને મેં સફળતાની ટકાવારી ઓછી હોય એવો માર્ગ પસંદ કર્યો હતો. લૂકાઈ જવાની ગેરન્ટીવાળા કૂમળા છોડને એની મૂળ માટીમાં ફરીથી રોપી આપ્યો હતો, વધુ મજબુતીથી અને વધુ સચોટતાથી !

પૂરા મહિને સંધ્યાએ દીકરીને જન્મ આપ્યો. દીકરી ખરેખર અસાધારણ કહી શકાય એટલી હદે રૂપાળી હતી. ઘરમાં બધાં ખુશ હતાં. મારો ઓડકાર બુલંદ થયે જતો હતો. જો એ રાતે મેં એક અઘરો નિર્ણય ન લીધો હોત, તો આટલી સુંદર દીકરી આજે આ પૃથ્વી ઉપર હોત જ નહીં.

બે-ત્રણ વરસ પછી મેં નોકરી છોડી દીધી. એ સ્થળ છોડીને હું અમદાવાદ આવી ગયો. પણ નૌતમલાલ સાથેનો મારો સંબંધ ટકી રહ્યો. છ-બાર મહિને એમના સમાચાર મને મળતા રહેતા.

”દીકરી મોટી થઈ ગઈ છે. એને નિશાળે મૂકી છે.. ભણવામાં પહેલો નંબર લાવે છે… પિન્કી સાત વરસની થઈ… આજે એનો જન્મદિવસ છે, તમને બહુ યાદ કર્યા… પિન્કી પંદર વરસની થઈ… બોર્ડની પરીક્ષાની જોરદાર તૈયારીઓ કરે છે, તમારા આશીર્વાદની જરૂર છે…”

પછી નિમેષનો પત્ર: ”મારા પપ્પાનું એંશી વર્ષની વયે હાર્ટએટેકથી અવસાન થયું છે. મરણપથારી ઉપર તમને પપ્પાજી યાદ કરતા હતા.”

બીજાં બે વરસ: ”મારી પત્ની સંધ્યાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. ઈશ્વરને ગમ્યું તે ખરું.”

મારું મન ખિન્ન થતું ચાલ્યું. મિનેષનો માળો નવેસરથી ગોઠવાઈ રહ્યો હતો. પિતાજી ગયા, પત્ની ગઈ, મોટી પિન્કી પછી બે નાનાં દીકરાઓ પણ થયા હતા. હવે ઘરની તમામ જવાબદારી અઢાર વરસની પિન્કી ઉપર…!

અને છેલ્લા સમાચાર. નિમેષનો પિતરાઈ હમણાં મળી ગયો: ”બહુ ખરાબ થયું. પિન્કી ગામના ઉતાર જેવા આવારા છોકરાની જોડે નાસી ગઈ. છોકરો બે વરસ જેલમાં રહી આવેલ છાપેલ કાટલું છે. કશું કમાતો નથી. પિન્કી કોઈપણ ફિલ્મ હીરોઈનને ટક્કર મારે એવી દેખાય છે. કાગડો દહીંથરું લઈ ગયો ! નિમેષભાઈને આજ રાતથી ભોજન કરવાના પણ ફાંફા પડી ગયા છે. બિચારા માથું કૂટતા હતા. કહેતા હતા કે આ છોકરી જન્મી જ ન હોત તો કેટલું સારું હતું ?”

હું હલબલી ગયો. કેવું ભયંકર બની ગયું ? એ રાતે મેં સંધ્યાનો ગર્ભ કયુરેટીંગ દ્વારા દૂર કરી નાખ્યો હોત તો સારું હતું કે પછી એ ચાલુ રખાવ્યો એ સારું કર્યું ? ધીમે ધીમે હું વાસ્તવની ધરતી પર પા-પા પગલી માંડી રહ્યો હતો. સંજોગો માનવીની અંદર છુપાયેલા દર્પને ઓગાળી નાખે છે. હવે હું આખાયે ઘટનાક્રમને ફિલોસોફિકલી સમજી શકતો હતો. અમારું કામ માત્ર સારવાર આપવાનું હોય છે, એના પરિણામોથી અમે આનંદ પામી શકીએ, પણ અભિમાન નહીં. એમાં પણ ગાયનેકોલોજીસ્ટનું કામ તો માત્ર સાક્ષી બનીને ઊભા રહેવાનું છે, એણે સર્જક બનવાનો ગર્વ છોડવો જ રહ્યો.

અમે જેનો જન્મ કરાવીએ છીએ એ માત્ર એક બાળક હોય છે, મોટું થયા પછી એ વિવેકાનંદ બનશે કે વિરપ્પન એ અમારા હાથની વાત નથી. અમે જો અપજશનો ટોપલો માથા પર લેવા માટે રાજી ન હોઈએ તો જશનો પહાડ ઊંચકી લેવા માટે ડોકું ધરવાનો મોહ પણ ન રાખવો જોઈએ.

Source: ગુજરાત સમાચાર

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: