જિંદગીનું કોઇ સંપાદન કરે, મોતને પ્રસ્તાવના લખવી પડે.

બધું જ યાદ આવી ગયું. એક સામટા સત્યાવીસ વર્ષ ગુફાદ્વાર આગળ પડેલી શીલાની જેમ હટી ગયા.

‘વંદના.’ એ આટલું બોલીને અટકી ગઇ. હું એની સામે જોઇ રહ્યો. અવાજ આમ તો સાંભળવાની ચીજ છે, પણ કેટલાંક અવાજો વાંચી પણ શકાતા હોય છે. ‘લખો, ને સર! મારું નામ વંદના છે.’

‘લખું છું, બહેન, કેસપેપરમાં તારું નામ લખું છું. પણ પહેલાં મારા સવાલનો જવાબ દે, તું બોલે છે ‘વંદના’ અને મને સંભળાય છે વેદના! એવું કેમ?’ મેં પૂછી તો નાખ્યું પણ પછી હું જ એનો જવાબ શોધી રહ્યો. જેમ શરીરને પોતાની ભાષા હોય છે એમ જ માણસના અવાજની પણ એક આગવી ભાષા હોય છે.

વંદનાનાં અવાજમાં વીણી શકાય તેવી વેદના સમાયેલી હતી. હું એની સામે ઝીણી નજરે જોઇ રહ્યો. નાનું કપાળ, મોટો ચાંલ્લો. ગોરી મુખ ઉપર લોહીની ઊણપે પાડી દીધેલા કાળા ડાઘા. જન્મની સાથે મળેલા વાળ રેશમી ને કાળા હશે, પણ સંજોગોના ઉનાળાએ એને સૂકવીને કરી મૂકયા હતા સૂકા નાળિયેરના છીલકા જેવી. ભાષા અને રીતભાતથી લાગતી હતી ખાતાં-પીતાં ઘરની, પણ સાડલો, બ્લાઉઝ અને ચંપલ કહી આપતાં હતાં કે એ પોતે પેટ ભરીને ખાતી-પીતી નહીં હોય. મને એ પૂર્વપરિચિત કેમ લાગી રહી હતી? ‘વંદના’ વંદના! કશુંય યાદ કેમ નથી આવતું? બે’ન, આપણે આ અગાઉ કયાંક મળ્યાં છીએ ખરાં?’

‘હા, ધંધૂકામાં મળ્યા હતા. વંદના ધીરજલાલ શાહ. યાદ આવ્યું?’ એ સહેજ મરકી ઊઠી.

એણે આટલો અણસાર આપ્યો એ સાથે જ મારા દિમાગમાં કડાકો બોલ્યો. વંદના અને ધંધૂકા? બધું જ યાદ આવી ગયું. એક સામટા સત્યાવીસ વર્ષ ગુફાદ્વાર આગળ પડેલી શીલાની જેમ હટી ગયા. નજર સ્પષ્ટ બની ગઇ, અને દ્દશ્ય સાફ બની ગયું. ‘અરે? વંદના! તું? તમે?’ મારો અવાજ મને પણ ખબર ન પડે એમ ચીસ જેવો બની ગયો.

‘હા, હું. હાડપીંજરે હોઠ ફફડાવ્યા. હું મારી સામે બેઠેલા ઠૂંઠામાંથી મેં જોયેલાં હર્યાભર્યા વૃક્ષને શોધી રહ્યો. આ અસ્થિકંકાલના ખાડાઓમાં માંસ, મજજા, રકતવાહિનીઓ અને એ બધાંની ઉપર સોના જેવી ચમકતી ત્વચાને મઢી રહ્યો. ગમે તેટલી કલ્પનાઓ કરવા છતાંયે પચીસ વર્ષ પૂર્વે ધંધૂકાની શેરી વચ્ચે હરતી-ફરતી, હસતી-હસાવતી અને જીવનરસથી છલકાતી એક પદમણી, મેં જોયેલી વંદના જીવતં ન જ થઇ શકી. સમયને શું આટલા માટે જ ક્રૂર કહેવાયો હશે? ………સમય ત્યારે મહેરબાન હતો. મેં હમણાં જ એમ.ડી.ની પરીક્ષા પાસ કરી હતી. પરિણામ બહાર પડી ગયું હતું, પણ મારા હાથમાં હજુ ડિગ્રીનું સર્ટિફિકેટ આવ્યું ન હતું. એક ગાઢ મિત્રનો ફોન આવ્યો, ‘ધંધૂકામાં ધંધે લાગવું છે? ટ્રસ્ટની હોસ્પિટલ છે. ગાયનેકની જગ્યા ખાલી પડી છે. ‘ધંધૂકા મેં કયારેય જોયું નથી. જવા જેવું ખરું?’ ‘ચોક્કસ જવાય. હું તો ફિઝિશિયન થયો છું, નહીંતર તને ત્યાં મોકલવાની ભૂલ ન કરત. હું જ ચાલ્યો જાત.’ ‘પણ મારું સર્ટિફિકેટ આવતાં હજુ એક-બે મહિના લાગશે.’

‘ચાલશે. ટ્રસ્ટીઓ મારા પરિચિતો છે. સર્ટિફિકેટ વગર ચાલી જશે, પણ ‘સ્કિલ’ વગર નહીં ચાલે. કયારે જાય છે?’ મિત્રના સવાલમાં ઉતાવળ હતી. હું બીજા જ દિવસે ઊપડી ગયો. ઇન્ટરવ્યૂ આપીને પાછો આવ્યો. મારી પત્ની હજુ વી.એસ. હોસ્પિટલમાં ભણતી હતી. મારે એકલાએ જ જવાનું હતું. એક સૂટકેસ અને એક નાની હેન્ડબેગમાં મારો સંપૂર્ણ અસબાબ ભરીને હું ઊપડી ગયો. જે દિવસે ફરજ ઉપર હાજર થયો એ જ દિવસે વંદનાનો ભેટો થયો. એ ખાખરાના પડીકામાં પાનનું બીડું લઇને આવી હતી. એની આંખો ‘હસું-હસું’ થતી હતી, ‘નવા ડા”કટર આવ્યા છે એ તમે જ ને? લ્યો, આ પ્રસાદ લાવી છું. હવેલીમાંથી મળતી પાનની બીડી છે. તમારા માટે.’

હવેલી મારા દવાખાનાની બરાબર સામે જ આવેલી હતી. સવારથી હું મંદિરમાં આવતી-જતી ડોસીઓને જોયા કરતો હતો. સાંધાના વાથી ડગુમગુ થાતી, મોતિયાની ઝાંખપ વળેલી આંખોવાળી, જમણા હાથમાં લાકડી અને ડાબા હાથમાં સહેજ ઊચો લીધેલો સાડલો પહેરેલી આ વૃદ્ધાઓ માટે સમય-સમયના દર્શન કરવા હવેલીએ આવવું એ જ એક માત્ર કામ હતું.

મેં પડીકામાંથી પાનનું બીડું લઇને મોંમાં મૂકી દીધું. લવીંગનો સ્વાદ જીભને ચચરાવી ગયો. મેં શિષ્ટાચાર કર્યો, ‘બહેન, શું નામ તમારું?’

‘વંદના.’ એ હસી, ‘મારા પતિની કાપડની દુકાન છે. કો’ક વાર ઘરે આવજો ભાભીને લઇને. બાજુની શેરીમાં ચોથું મકાન છે. ધીરજલાલ શાહ કહેજો એટલે કોઇ પણ બતાવી દેશે.’ ‘એનાં હેતાળ વાણી-વર્તનથી મને એ અજાણ્યા શહેરમાં એક ઘર જાણીતું મળી ગયું. એ દિવસથી અઠવાડિયામાં એકાદ વાર મારું એનાં ઘરે આવવું-જવું શરૂ થયું. જો કે એમને હું મારે ત્યાં કયારેય આમંત્રી ન શકયો, કારણ કે હું એકલો જ હતો. વંદનાની ‘ભાભી’ મારી સાથે ન હતી! એક દિવસ એ મારી પાસે આવી ચડી. આ વખતે એ પાન નહીં, પણ પીડા લઇને આવી હતી, ‘સાહેબ, બધાંની સારવાર કરો છો, મારી નહીં કરો?’ હું સહેજ હસી પડયો, એ ઘણું બધું રડી પડી. ‘અમારા લગ્નને આઠ વરસ થઇ ગયા. બાળક નથી.’ આંસુ શમ્યા, પછી અવાજ ફૂટયો. ‘સારુ! સાંજે ધીરજભાઇને લઇને આવજે. અને જે કંઇ તપાસ-નિદાન-સારવાર કરાવ્યા હોય એ બધાં કાગળો પણ સાથે લાવજે. આટલાં બધાં વર્ષ લગી હાથમાં હાથ ધરીને તો બેઠાં નહીં જ રહ્યા હોય ને?’ ‘મારી તો ઘણી બધી જગ્યાએ તપાસ કરાવી છે, એમનો એકેય રિપોર્ટ કરાવ્યો નથી.’

‘એવું કેમ બને? અમારું ગાયનેક શાસ્ત્ર તો સ્પષ્ટ કહે છે કે વંઘ્યત્વની તપાસમાં સૌથી પહેલાં પતિનો ‘સીમેન રિપોર્ટ’ કઢાવવો પડે. પછી જ આગળની વાત વિચારાય.’ વંદનાની નજર ભોંય ખોતરવા લાગી, ‘એ પોતાનો રિપોર્ટ કઢાવવાની ના પાડે છે. કે’ છે કે એમનામાં પુરુષાતનની કોઇ ખામી નથી.’

મારે એને કેવી રીતે સમજાવવું કે શારીરિક સંબંધ બાંધવાની ક્ષમતા અને શુક્રાણુની સંખ્યા વચ્ચે કશો જ સંબંધ નથી હોતો! મેં એને વિદાય કરી દીધી. સાંજે પતિ-પત્ની ફાઇલોનો ડુંગર ઊચકીને આવ્યા. હું ઝીણી નજરે કાગળે-કાગળ જ માત્ર નહીં, પણ એમાંનો અક્ષરે-અક્ષર વાંચી ગયો. ડુંગર આખો ખોદી નાખ્યો, ઊદર પણ હાથમાં ન આવ્યો.

‘ધીરુભાઇ! હવે તો તમારે જિદ છોડવી જ પડશે. હું ચિઠ્ઠી લખી આપું છું. તમારો સીમેન રિપોર્ટ કરાવી લો!’ ધીરજલાલ જબરા હઠીલા નીકળ્યા. મારી વાત ન જ માન્યા. ફકત અઢી જ મહિનાની નોકરી બાદ મૈં ધંધૂકા છોડી દીધું. મને ખૂબ ગમતાં અને મારા પરિચિત શહેરમાં નોકરી મળી ગઇ એટલે મેં ધંધૂકાને ‘રામ-રામ’ કરી દીધા. વંદનાને અને ધીરજલાલને પણ. અને રોજ સવારે મળતાં હવેલીના પાનબીડાંને પણ. એ પછી છેક આટલા વર્ષે વંદના મને જોવા મળી. ………’શું થયું છે તારી જિંદગીમાં? વાત કર!’ મેં સમભાવપૂર્વક પૂછ્યું.

‘તમારા ગયા પછી ઘરમાં કંકાસ વધી ગયો. મારી સાસુ રોજ મારી ઉપર મેણાનો વરસાદ વરસાવતાં- ‘તારામાં ખામી છે એટલે જ આ ઘરમાં પારણું નથી બંધાતું.’ આખરે એક દિવસ એમણે હૈયાની વાત હોઠ ઉપર લાવી દીધી- ‘તું ફારગતી આપી દે, તો હું બીજા દિવસે મારા ધીરિયાને ઘોડે ચડાવું!’ હું દિવસો સુધી રડતી રહી, કરગરતી રહી, પણ ધીમે-ધીમે એમનો ત્રાસ વધવા માંડયો. મારી સહનશકિત ખૂટી પડી, પણ મારી સાસુનાં ભાથામાંથી તીર ન ખૂટયાં.’

‘અને તારા પતિનું વલણ?’

‘એમને હું ગમતી હતી અને વારસદાર પણ ખપતો હતો. હું જો ફારગતી આપી દીધા પછી એમનાં ઘરમાં પડી રહું તો એમને વાંધો ન હતો. પણ જે ઘરમાં હું રાણી બનીને આવી હોઉ, તે ઘરમાં નોકરાણી તરીકે શી રીતે પડી રહું? બધું પતી ગયું. એમને તો કાચી કુંવારી કન્યા મળી ગઇ.’ ‘અને તને?’

‘મને બીજવર મળી ગયો. અમદાવાદનો તાજો જ ઘરભંગ થયેલો આધેડ પુરુષ. બે દીકરીઓ અને એક દીકરાનો બાપ.”ઘર કેવું હતું? ખાધે-પીધે સુખી?’ ‘હા, પણ લગ્ન વખતે એમના સંતાનોએ શરત મૂકેલી- ‘અમારા નસીબમાં એક પણ ઓરમાન ભાઇ કે બહેન ન આવવા દેશો!’ મેં ચૂપચાપ હા પાડેલી.’ ‘પછી?’ ‘બે-પાંચ વર્ષ તો વાંધો ન આવ્યો. અમે સાવચેતી રાખતા હતા. પણ પછી એક વાર ગરબડ થઇ ગઇ. સાધનની નિષ્ફળતા જ જવાબદાર. હું ગર્ભવતી બની ગઇ.’ ‘અરે! આ તો પેંડા ખાવા જેવા સમાચાર કે’વાય!’ ‘હા, પણ મારા માટે ઝેર ખાવા જેવા! મોટી દીકરીએ ધમાલ મચાવી દીધી. ઘર માથે લીધું. એ જ મને કોઇ ઊટવૈદ પાસે લઇ ગઇ… અને ગર્ભ…’

હું સમજી ગયો. વંદનાએ સંતાનસુખ પણ ખોયું અને શરીરસુખ પણ! એ દિવસ પછી એનાં જીવનમાંથી જિંદગી ચાલી ગઇ. અત્યારે એ મારી પાસે દવા કરાવવા નહોતી આવી. અહીંથી પસાર થતી હતી, મારા નામવાળું બોર્ડ વાંરયું એટલે મળવા માટે આવી ચડી. જતાં પહેલાં ખોબો ભરીને આંસુ વહાવતી ગઇ, ‘સર, મને અફસોસ એક જ વાતનો છે. જો એક સંતાન મારી કૂખે જન્મવા દીધું હોત તો…’

‘તો શું, વંદના?’

‘તો મારી ધંધૂકાવાળા સાસરિયાંને ખબર તો પડત કે વાંઝિયાપણા માટે હું જવાબદાર નહોતી!’

(વંઘ્યત્વ માટે ધીરજલાલ જ જવાબદાર હતા એ સાબિત થઇ જ ગયું, પણ અફસોસ! એ સાબિત કરવા માટે બીજી એક કોડભરી કન્યાનો ભોગ લેવાઇ ગયો.)
સત્ય ઘટના
શીર્ષક પંકિત: ભાવેશ ભટ્ટ

Source: દિવ્યભાસ્કર

Advertisements

One Response

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: