શ્વાસમાં છલકાય છાની ગંધ તો? ને બધે ચર્ચાય આ સંબંધ તો?

સામસામે બેઠેલી પંગતની જેમ હારબંધ ગોઠવાયેલા ટેબલ-ખુરશીઓમાં ‘કામાણી એકસપોર્ટ કંપની’નો પોણા ભાગનો સ્ટાફ ગળાડૂબ કામમાં મગ્ન હતો. બપોરના બે વાગવા આવ્યા હતા. રિસેસને હજુ પાંચેક મિનિટની વાર હતી. ત્યાં કેશિયર રિખવ ઊભો થયો. કોઈને ખલેલ ન પહોંચે એમ દબાતે પગલે આઁફિસની બહાર નીકળી ગયો. તમામ કર્મચારીઓ જાણે કશું જાણતા જ નથી એવા અભિનય સાથે પોતપોતાની ફાઇલોમાં ખોવાયેલા રહ્યા. માંડ એકાદ-બે મિનિટ વીતી હશે, ત્યાં જુનિયર કલાર્ક તરીકે એકાદ મહિનાથી જોડાયેલી ક્ષિપ્રા ઊભી થઈ. એ પણ બિલાડીની જેમ અવાજ વગરની ચાલે આઁફિસની બહાર નીકળી ગઈ.

એ સાથે જ આઁફિસમાં કામ કરી રહેલા ત્રીસ માથા એક સામટા ઊંચા થયાં. મહેતાએ દેસાઈ સામે જોઈને આંખ મીંચકારી : ”જોયું ને ? હું નહોતો કે’તો ?” જવાબમાં દેસાઈએ પણ આંખ મીંચકારી.

ખૂણામાં બેઠેલો મકવાણો બાજુવાળા પંડયા સામે જોઈને હસ્યો. ગુટખાના પાઉચમાંથી તમાકુ કાઢીને નીચલા હોઠમાં દબાવી. પછી તમાકું જેવું જ અ¹લલ હાસ્ય ફેંકયું : ”સાલ્લાની ઇર્ષા આવે છે ! રિખવ પરણેલો છે એ વાતની જાણ હોવા છતાં ક્ષિપ્રા મરે છે સાલ્લા પર…!”

પંડયાએ બધા સાંભળી શકે એટલું મોટેથી પૂછૂયું : ”આ ઇર્ષાનું ખરું કારણ શું; પેલી રિખવ પર મરે છે એ કે પછી તારી ઉપર નથી મરતી એ ?”

”બંને કારણ એક સાથે જ છે !” મકવાણાએ તમાકુ ભરેલા મોંઢે જવાબ વાળ્યો. હોઠના ખૂણામાંથી લાલાશ પડતું પીળુ તમાકુ મિશ્રિત થૂંક સરી પડયું. એ થૂંક નહોતું, પણ રસ હતો… નિંદારસ ! અને આ શ્રેષ્ઠ રસમાં અત્યારે આઁફિસના બધા જ કર્મચારીઓ નાહી રહ્યા હતાં.

પાંત્રીસ વર્ષના પલ્લવીબેન ત્રીસ વર્ષની તરલિકાને પૂછી રહ્યા હતા : ”ક્ષિપ્રા કુંવારી છે ?”

”કોને ખબર ? પણ એટલી ખબર છે કે અપરિણિત છે !”

”એટલે ?” પલ્લવીબેનને રહી રહીને સમજાયું કે તરલિકા શું કહેવા માંગતી હતી : ”બાપ રે ! સાવ એવું ?”

”ત્યારે શું ? આવી છકેલીને ઘર માંડવાની જરૂર જ કયાં રહી ? જેટલા પુરુષ એટલા પતિ !”

આઁફિસ આખી ચગડોળે ચઢી. પાંચેક મિનિટ પછી રિસેસ પડી. પટ્ટાવાળો ચાનો ઓર્ડર આપવા રસ્તા ઉપર ઊભેલી લારી તરફ દોડયો. ઓર્ડર આપીને પાછો આવ્યો, ત્યારે બધાની નજર એના તરફ જ હતી.

”કયાંય જોયાં ?” સિનિયર કલાર્ક સ્વાદિયાએ પૂછૂયું.

”હા, મૈસુર કાફેમાં બેઠા છે.” પટ્ટાવાળો અત્યારે સી.આઇ.ડી.ની ભૂમિકામાં હતો.

”ફેમિલિ કેબિનમાં ? કે પછી બહાર ?” પલ્લવીબેનની પૂછપરછમાં પૂછપરછ કરતાં કશુંક વિશેષ હતું. અને લગભગ બધાની સ્થિતિ એવી જ હતી.

ક્ષિપ્રા નવી સવી જ નોકરીમાં જોડાઈ હતી. માંડ મહિનો થયો હશે પણ શું છોકરી હતી ? અને કપડાં પણ કેવા ટૂંકા અને તંગ પહેરતી હતી ! સળગતી જુવાની જાણે પારદર્શક આવરણની અંદર કેદ બનીને આવતી હતી. મકવાણા તો એની ડ્રેસિંગ સેન્સ ઉપર કુરબાન હતો પણ પંદર દિવસની અંદર એની ઉપર અણુબાઁંબ ઝીંકાયો. એને જ્યારે ખબર પડી કે આ ટૂંકા વસ્ત્રોમાંથી ડોકિયા કરતા લોભામણા અંગો રિખવ શાહની આંખો માટે તલસી રહ્યા હતા, ત્યારે મકવાણો અડધો મરી ગયા જેવો થઈ ગયો.

ક્ષિપ્રા અને રિખવ વચ્ચેના સંબંધોની શરૂઆત સ્મિતની આપ-લેથી થઈ. બંનેના ટેબલ સામસામે જ હતા. પછી ચાલુ કામે આંખમીચૌલી ચાલી. પછી રિસેસમાં સામૂહિક ચા પીવામાંથી છટકવાનું શરૂ થયું. બે વાગતા પહેલાં જ બંને જણા સરકી જતા. અને એ દરમ્યાન આઁફિસમાં સૌ સળગી જતા.

”એક કામ કરવા જેવું છે; બે ય જણાનો ફોટો પાડીને રિખવની બૈરીને બતાવી દેવા જેવો છે ! પછી જુઓ મજા…” પંડયાની અંદર સળગી રહેલો ‘પુરુષ’ બોલ્યો.

”કોઈ ફરક નહીં પડે !” તરલિકાએ એલાન કર્યું : ”ઘરમાં આમે ય હાલત ખરાબ છે. ફોટાને બદલે આખેઆખી ફિલ્મ ઉતારીને એની બૈરીને બતાવશો, તો યે કશો ફરક નહીં પડે.”

”કેમ ? રિખવને એની વાઇફ સાથે નથી બનતું ?” શાહે પહેલીવાર મોં ખોલ્યું.

”આવા પાકિસ્તાન જેવા ચાલુ પતિ સાથે કઈ પત્નીને બને ? મારી કઝીન રિખવની સોસાયટીમાં જ પરણાવેલી છે. એ બધું જ જાણે છે. રિખવનું આ કંઈ પહેલું લફરું નથી.”

અઢી કયાં વાગી ગયા એની ખબર પણ ન પડી. રિસેસ પૂરી થવાનો ટકોરો પડયો, એ સાથે જ ક્ષિપ્રા આઁફિસમાં દાખલ થઈ. કશું જ ન બન્યું હોય એમ પર્સ અને કમર બંને સરખા જ લયમાં ઝુલાવતી આવી અને ખુરશીમાં ગોઠવાઈ ગઈ. થોડીવાર પછી રિખવ પણ આવી ગયો.

ગમે તે કહો, પણ ક્ષિપ્રા અને રિખવના પ્રેમપ્રકરણને કારણે આઁફિસમાં ગરમી આવી ગઈ હતી એમાં ના નહીં. બધાને વાત કરવા માટેનું એક ગરમાગરમ કારણ મળી ગયું હતું. ઇર્ષારસ કહો કે નિંદારસ, પણ ચર્ચામાં એક પ્રકારનો રસ ભળ્યો હતો. બાકી અત્યાર સુધીની રિસેસો કેવી શુષ્ક હતી ? શેરબજારની ધોબીપછાડ, સાડીઓના છેતરામણા સેલ, બાળકોના સ્કૂલ એડમિશન્સ અને પગાર વધારો ન મળવાની વધતી જતી ચિંતા…! આ બધી ચિંતાઓ હતી અને ચિંતાઓનો રંગ હંમેશા બળી ગયેલા લાકડા જેવો હોય છે. આ ક્ષિપ્રા આવી અને બળેલું લાકડું પાછું લીલું થયું. વાતચીતમાં રોનક આવી. રિખવ અને ક્ષિપ્રા વચ્ચે ગુલાબી રંગની રંગોળી રચાઈ અને આ સાથે અત્યાર સુધી ભજીયાના પડીકાં ખૂલતા હતા એની જગ્યાએ હવે અફવાના ગરમાગરમ પડીકાં ખૂલવા માંડયા.

કયારેક ઊઘડતી આઁફિસે કોઈક ખબર લાવતું : ”ગઈકાલે સાંજે છૂટીને બે ય જણાં કયાં ગયા હતા એ ખબર છે ?”

”કયાં ?”

”સિનેમાઘરમાં. એડવાન્સમાં અંગ્રેજી ફિલ્મ જોવા…”

”શું વાત કરો છો ? અંગ્રેજી ફિલ્મમાં તો બધું સાવ…”

”અરે, એના કરતાં વધારે ઊઘાડી ફિલ્મ તો ખુરશીમાં ભજવાઈ રહી હતી !”

”શું વાત કરો છો ? માય ગાઁડ ! આ લોકોને ચારિત્ર્ય જેવું કંઈ છે કે પછી…?”

બે-ચાર દિવસ પછી ચર્ચા જુદા પાટા પર ચડી જતી.

”તમને શું લાગે છે ? આનો અંજામ કેવો હોઈ શકે ?” વાતનો વિષય રજૂ થતો અને પછી બધા તૂટી પડતાં : ”કોઈ માનતું હતું કે આ પ્રેમપ્રકરણ છાપાના પાના પર ચમકશે.”

”અરે હોય ? મને તો આમાં કોઈ એકાદ વ્યકિતનું મોત દેખાય છે. હત્યા, આત્મહત્યા અને કાં તો પછી…”

”બાઁસ ! તમે ભૂલો છો ! મને લાગે છે કે ક્ષિપ્રા પ્રેગનન્ટ બનશે પછી મોટો ભવાડો થવાનો છે.”

પણ આટ-આટલા મતમતાંતરો વચ્ચે બધાં એક વાતમાં સહમત હતાં. જે કાંઈ બની રહ્યું છે એ અતિશય ખરાબ બની રહ્યું છે. ધરતી રસાતાળ જવાની અણી પર આવી ગઈ છે. બાકી એક કુંવારી છોકરી અને એક પરણેલો પુરુષ…! દુનિયામાં લાજશરમ જેવું કાંઈ બચ્યું જ નથી. આ બધી ફિલ્મોની જ અસર છે. આવા ચરિત્ર્યહિન લોકોને નોકરીમાંથી કાઢી મૂકવા જોઈએ. આમાં આઁફિસના અન્ય સંસ્કારી કર્મચારીઓ ઉપર કેવી ખરાબ અસર પડે ? આ છેલ્લો પ્રશ્ન મકવાણાએ પૂછૂયો હતો.

છ મહિનામાં તો આખી આઁફિસ ગરમાગરમ તવા જેવી બની ગઈ. આજુબાજુની આઁફિસો સુધી ચર્ચા ફેલાઈ ગઈ. આઁફિસેથી છૂટીને ઘેર ગયા પછી પણ બધાના દિમાગમાં આ જ વાત ઘૂમરાતી રહેતી અને એક દિવસ ધમાકો થયો.

રિખવ અને ક્ષિપ્રા એક સાથે જ આઁફિસમાં દાખલ થયા. ક્ષિપ્રાએ આજે તંગ વસ્ત્રોને બદલે સુંદર સાડી ધારણ કરી હતી. રિખવ પણ નવા વસ્ત્રોમાં સજ્જ હતો. ક્ષિપ્રાએ આવતાવેંત એના હાથમાંનું મોટું બોકસ ટેબલ પર મૂકયું.

”શું છે ?” સિનિયર કલાર્કે માંડ માંડ પૂછૂયું.

”પેંડા છે. અમે ગઈકાલે પરણી ગયા છીએ. રજિસ્ટર્ડ મેરેજ…!” ક્ષિપ્રાએ બાઁમ્બ ફોડયો.

”હે ?!” બધાંના ડાચા ફાટેલા રહી ગયા : ”પણ રિખવ તો પરણેલો હતો…!”

”હા, પણ અમે સામે ચાલીને એની પત્નીને મળ્યા. બધી વાત કરી. એ બંને વચ્ચે આમ પણ મનમેળ કયાં હતો ? એની પત્નીએ સામે ચાલીને છૂટાછેડા આપી દીધા. એ પણ બીજે ગોઠવાઈ જશે. લો, મોં મીઠું કરો…”

બધાના હાથ મીઠાઈના બાઁકસ તરફ લંબાયા. કોઈને એક વાતની સમજ ન પડી; જીભ પર પેંડો ઓગળી રહ્યો હતો છતાંયે મગજ સુધી એની મીઠાશ કેમ પહોંચતી નહોતી ?

એ તો બપોરની રિસેસમાં મકવાણો બબડયો ત્યારે દિમાગની દુનિયામાં થોડો થોડો ઉજાસ ફેલાયો : ”હતૂ તારી ભલી થાય ! જેમ ચાલતુ’તું એમ ચાલવા દેવું હતુ ને ! લગ્ન કરવાની શી જરૂર હતી ?”

”કેમ ? લગ્ન કરવાથી એ બંનેની તો જિંદગી સુધરી ગઈ ને !” પંડયાએ બળતામાં ઘી હોમ્યું.

મકવાણાએ ડોળા કકડાવ્યા : ”એમની જિંદગી સુધરી એની કોણ ના પાડે છે ? પણ આજથી આપણી આઁફિસ બગડી ગઈ એનુ શું ?”

આઁફિસમાં ખામોશી છવાઈ ગઈ. પટ્ટાવાળાને પણ લાગ્યું કે, મકવાણાએ પૂછેલો જવાબ ખરેખર તો બધાના મનમાંથી પૂછાયેલો સવાલ હતો. લફરું જ્યારે લગ્ન બની જાય છે, ત્યારે બીજાની દ્રષ્ટિમાંથી એ સ્વાદ મટી જાય છે.

(શીર્ષક પંકિત: ચિનુ મોદી “ઇર્શાદ” – તો?)

Source: ગુજરાત સમાચાર

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: