આ નદીના બે કિનારા, આપણી વચ્ચે ય છે, ને ઝરણની પ્રેમધારા, આપણી વચ્ચે ય છે.

”બસો રૂપિયા આપો.” ભીખલાએ તોછડાઇથી માગણી કરી.

મશહૂર ગુજરાતી ફિલ્મ એકટર આનંદકુમારે માંડ માંડ મગજ ઉપર સંયમ રાખ્યો : ”કેમ? શેના માટે?”

”મારું મોં બંધ રાખવા માટે!” ભીખલો ગંદુ હસ્યો. એના હસવામાં હાસ્ય ઓછું હતું અને ‘વલ્ગારિટિ’ વધુ.

ભીખો ભારાડી આજકાલ ભયંકર નાણાંભીડમાં હતો. એના ખિસ્સામાં પાન ખાવાનાયે પૈસા ન હતા. આછીપાતળી, પાણીના પાતળા રેલા જેવી એક ખાનગી નોકરી હતી, એ પણ ચાલી ગઇ હતી. ભીખાની મથરાવટી એવી મેલી હતી કે ઊભી બજારે હાથમાં વાટકો ધરીને અઠવાડિયા સુધી ઊભો રહે તો પણ કોઇ એક પૈસોયે ભીખ લેખે ન આપે! જેમ કોઇ માણસ બત્રીસલક્ષણો હોય છે, એમ આપણા ભીખાલાલ બત્રીસ અપલક્ષણા હતા.

આ મોંઘવારીના જમાનામાં ટકી રહેવા માટે ભીખાએ કમાણીનાં નવાં કમાડ ઊઘાડવાનું નક્કી કર્યું. પૈસા માટે એ કંઇ પણ કરવા તૈયાર હતો. બનાવટી ચલણી નોટો છાપવી, અપહરણ કરવું, સ્ટેબીંગ, ધાકધમકી, ડ્રગ્ઝની હેરાફેરી…! પણ દરેકમાં કયાંક ને કયાંક રેડ સિગ્નલ દેખાતું હતું. ભીખાને જોખમ ખપે એમ ન હતું. એણે એની પાસે જેટલું દિમાગ હતું એ પૂરેપૂરું ખરચી નાખ્યું. પરિણામે વગર જોખમનો અને એક પણ પૈસાના મૂડીરોકાણ વગરનો એક બિઝનેસ એની નજરમાં દેખાયો.

બ્લેકમેઇલીંગ…..! શહેરની પૈસાદાર અને ખ્યાતનામ હસ્તિઓનું નાક દબાવીને મોં ખોલાવવું બહુ મુશ્કેલ કામ નથી. દરેક જાણીતી વ્યકિતની એક અજાણી જિંદગી હોય જ છે. અને એ ખાનગી વાત ભીખા માટે રૂપિયાની ખાણ બની શકે એમ છે. આ માટે ખરેખર એણે કંઇ કરવાની જરૂર જ નહીં પડે. માત્ર એ ‘કંઇક’ કરવાની ધમકી બસ થઇ પડશે.

એની પહેલી નજર ગુજરાતી ફિલ્મોના ખ્યાતનામ કલાકાર આનંદકુમાર પર પડી. આનંદકુમાર નાણાવટીની એક જમાનામાં નાટકના સ્ટેજ ઉપર હાક વાગતી હતી. પછી એ ફિલ્મોમાં આવ્યા. ત્યાં પણ એમણે ધૂમ મચાવી. હવે તો જ્યાં ગુજરાતી પડદો જ પીળો પડવા માંડયો હતો, ત્યાં પડદા પરના ચમકતા પાત્રો પડછાયા જેવા બની જાય એમાં નવાઇ શી?

ભીખલો આનંદકુમારની ઓફિસે જઇ ચડયો. જૂની ઓળખાણ. ખાલી લટકસલામનો સંબંધ. જઇને સીધો જ સંવાદ ફટકાર્યો : ”બસો રૂપિયા આપો.” પછી વાત આવી મોં બંધ રાખવા ઉપર. આનંદકુમાર ચોંકયા : ”હું સમજ્યો નહીં.”

ભીખાએ સમજણ આપી : ”અલકનંદા સાથેના તમારા સંબંધ વિષે આજ સુધી મેં કોઇને કશું કહ્યું નથી…!”

”પણ એમાં ખાનગી શું છે? અલકનંદા મારી પ્રેમિકા છે; અને એ વાત આખું શહેર જાણે છે…!”

”પણ તમારી ઘરવાળી નથી જાણતી…!” ભીખો પીળા દાંત દેખાય એવું હસ્યો : ”બસો રૂપિયા…! પછી પંદર દિવસ સુધી નહીં આવું. હી… હી… હી…!”

આનંદકુમાર વિચારમાં પડી ગયા. શું કરવું? આ ભીખલાનું કંઇ કહેવાય નહીં. એના માથે દેવી વલ્ગારિટીના ચારેય હાથ હતા. એ ¹લોક બોલે તો યે ગાળ બનીને બહાર આવે! એક ઉપાય બસો રૂપરડી આપી દેવાનો તો. પણ એ તો બ્લેકમેઇલીંગને વશ થઇ ગયા એમ કહેવાય. બીજો રસ્તો ભીખલાને ઠેકાણે પાડી દેવાનો હતો. અને એ કામ આનંદકુમાર જેવી મોટી હસ્તિ માટે સહેજ પણ અઘરું ન હતું. ફિલ્મલાઇન જોડે સંકળાયેલા હોવાના કારણે એમને અંધારી આલમ જોડે સારો એવો ઘરોબો હતો. એમના એક જ ઈશારે ભીખલાની ચામડીનાં ચીંથરા ઊડી જાય એમ હતા. પણ આનંદકુમારને લાગ્યું કે ભીખો એમના ધિક્કારને લાયક પણ ન હતો.

તો પછી કરવું શું? એમની નજર સામે અલકનંદાનો રૂપાળો ચહેરો તરવરી રહ્યો. હા, એની સાથે એમને સંબંધ હતો; અને ગુપ્ત સંબંધ હતો. પણ એ સંબંધ એવો ગંદો કે ગલીચ ન હતો.

વરસો પહેલાંની એ ઘટના એમને યાદ આવી ગઇ. એક સાંજે અલકનંદા નાટકના થિયેટરની બહાર એમને મળી ગઇ. એના એક હાથમાં પતરાની જૂની પેટી હતી અને આંખમાં એક એક આંસુ હતું.

”શું છે?” આનંદકુમાર જરા જલદીમાં હતા. શોનો સમય થવા આવ્યો હતો.

”તમારી ‘ફેન’ છું. તમને મળવા માટે આવી છું.”

”નાટક પૂરું થયા પછી મળીયે. પણ કયાંથી આવો છો?” આનંદકુમારની આંખ પતરાની પેટી ઉપર પડી.

એનો જવાબ રાત્રે સાડા બાર વાગ્યે મળ્યો. નાટક પૂરું થયા પછી ચાહકોની ભીડ એમને ઘેરી વળી, પણ આનંદકુમારની નજર પેલી યુવતીને શોધી રહી હતી.

”હવે વાત કર.” એ મળી, એકાંત મળ્યું એટલે આનંદકુમારે મેક-અપ ઊતારતાં પૂછયું. અને ત્યારે જે સાંભળવા મળ્યું એ વિગત નહોતી, પણ વેદના હતી. મોટી વયનો લાચાર બાપ, સાવકી મા, ઢસરડાબોળ ઘરકામ અને ખાવામાં ઢોરમાર! પહેરેલા કપડે ઘર છોડીને ભાગી આવેલી આ છોકરી એ જ અલકનંદા. હવે એનાથી પાછું ઘરે જઇ શકાય એમ નહોતું.

”નાટકમાં કામ કરીશ?” આનંદકુમારે વિચારીને પૂછયું.

”હા.”

”પણ રહીશ કયાં?”

આ સવાલનો કોઇ જવાબ ન હતો. આખરે એનો ઊકેલ પણ આનંદકુમારે જ શોધી કાઢવો પડયો; ”મારી પાસે શહેરમાં એક ફાજલ ઓરડી છે. કયારેક એનો વપરાશ હું મારી ઓફિસ તરીકે કરું છું. આ લે, એની ચાવી. તને ફાવે તો રહેજે. પછી ત્રેવડ થાય ત્યારે ખાલી કરી આપજે.”

આનંદકુમારે ધાર્યું હોત તો એ જ રાત્રે એ સોદાબાજી કરી શકયા હોત. અલકનંદા રૂપાળી હતી, જુવાન હતી, એકલી હતી અને લાચાર હતી. પણ આનંદકુમાર ચારિત્રહીન ન હતા. એ પરિણીત હતા, બે નાના બાળકોના પિતા હતા. અલકનંદાને એમણે છાપરૂ પૂરૂં પાડયું, તખ્તો પૂરો પાડયો, એની કારકિર્દી બનાવી આપી અને સમય જતાં એના પ્રેમમાં પણ પડયા. શારીરિક સંબંધ પણ બંધાયો, પણ એ તો પાંચ વરસ પછી. જો એ સંબંધ પ્રથમ પરિચય વખતે હાથમાં પેટી લઇને નાસી આવેલી લાચાર અલકનંદા સાથે બંધાયો હોત તો એને લંપટતા ગણાત. પણ હવે જે કંઇ સર્જાયું એ પરસ્પરની સંમતી દ્વારા સ્થપાયેલો સંવાદ હતો.

અને આજે વરસો પછી ભીખલાએ આવીને શાંત જળમાં કાંકરીચાળો કર્યો. આનંદકુમારના પગ તળે દસ રિકટર સ્કેલનો આંચકો આવી ગયો. ઘરે રમાને ખબર પડશે તો શું થશે? કેટલા બધા વિશ્વાસથી જીવી રહી છે પત્ની બિચારી!

એ સાંજ આનંદકુમારે ભયંકર માનસિક યાતનામાં વિતાવી. રાત્રે પૂરું જમી પણ ન શકયા. બાળકો હવે મોટા થઇ ચૂકયા હતા. એમના બેડરૂમ પણ જુદા હતા. જમીને આનંદકુમાર શયનખંડની બાલ્કનીમાં મૂકાવેલા હિંચકા પર બેઠા. રસોડામાંથી પરવારીને રમાબેન પણ આવ્યાં. એમની આદત મુજબ સામે પડેલી નેતરની ખુરશીમાં ગોઠવાયાં.

”કેમ, આજે ઉદાસ દેખાવ છો?” રમાબહેને સોપારીનો ચૂરો કરતાં કરતાં પૂછયું : ”કંઇ ચિંતામાં છો?”

”હા, રમા! તારી પાસે એક કબુલાત કરવી છે…” આનંદકુમાર જિંદગીમાં પહેલી વાર અભિનય કર્યા વગર બોલી રહ્યા હતા.

”કરી નાખો.” રમાબહેન હસ્યાં.

”હસ નહીં. વાત ગંભીર છે.” આનંદકુમાર નીચું જોઇ ગયા : ”મેં તારો અપરાધ કર્યો છે. તું અલકનંદાને તો ઓળખે છે ને? મારે એની સાથે… વરસો થયા એ વાતને… પણ મેં તને છેતરી… હું સમયના હાથનું પ્યાદુ બની ગયો… મને માફ કરી દે!”

રમાબેનની લૂડી પળવાર પણ અટકી નહીં. એ જ સહજતાથી એ સોપારી કાતરી રહ્યાં : ”બસ? બોલી લીધું? હવે મને પૂછો કે આ વાત હું કેટલા વરસથી જાણું છું!”

”રમા….!!”

”હા, મેં તમારું પડખું સેવ્યું છે. તમે અભિનેતા ખરા પણ સ્ટેજ ઉપરના. પથારીમાં તમારો અભિનય ન ચાલે. તમારા પડખામાં સહેજ પણ ફરક પડે અને એ વાતને હું પારખી ન શકું? મને એટલી હદે મૂરખ ધારી કે શું?”

આનંદકુમાર હતપ્રભ બની ગયા : ”રમા! રમા, તું શું બોલે છે? મારા અને અલકનંદાના આડા સંબંધ વિષે તને જાણ હતી? વરસોથી! અને તેમ છતાં પણ તું ચૂપ રહી?”

”હા; હું ચૂપ રહી. કારણ કે હું જાણતી હતી કે મારો પતિ એક મશહૂર કલાકાર છે. એ પતંગિયાઓના દેશમાં કામ કરે છે. એ જો ખરાબ થવા ઇચ્છે તો એના પર કૂરબાન થવા તૈયાર સ્ત્રીઓનો તોટો નહીં હોય. પણ એણે એક જ પ્રેમિકાનો હાથ પકડયો છે અને ઈમાનદારીપૂર્વક એ સંબંધને નિભાવ્યો છે. અને ઘર પ્રત્યેની તમામ ફરજો તમે પૂરી કરતા આવ્યા છો. પછી મારે કોની સામે ફરિયાદ હોય? અને શા માટે હોય! લો, સોપારી ખાવ અને હવે જરા હસો…! સોગીયા મોંએ સારા નથી લાગતા….!”

સોપારીનો ભૂકો મોંમાં મૂકતી વખતે આનંદકુમાર પૂરેપૂરા આનંદમાં હતા. ભીખલાનું ભાવિ ભચડતા હોય એમ એ સોપારીનો ભૂકો ચાવી રહ્યા.

(ગુજરાતી રંગભૂમિના અને ફિલ્મોના અતિશય જાણીતા પીઢ કલાકારની જિંદગીમાં બની ગયેલી સત્ય ઘટના. ગયા અઠવાડિયે એમના જ મુખે એમના લગ્નેતર સંબંધની પ્રમાણિક કબુલાત સાંભળીને મારાથી દિલ ફાડીને દાદ દેવાઇ ગઇ.)

Source: ગુજરાત સમાચાર

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: