તાજ ‘આતશ’ બાંધવો છે યાદમાં એની, શાહ છું મુમતાજ શી બેગમ મળે તો બસ.

પરફૂયુમની માદક મહેંકથી મઘમઘતા પ્રાંજલે શયનખંડમાં પગ મૂકયો, ત્યારે રાત્રિના બાર વાગવા આવ્યા હતા. લગ્નવાળું ઘર હતું. મહેમાનોને માંડ માંડ વિદાય કરીને પ્રાંજલે પહેલા માળે આવેલા બેડરૂમ તરફ જવા માટે પગ ઉપાડયો. જેમ કેરીનું નામ લેતાંવેંત આપણી આંખ સામે આંબો મ્હોરી ઊઠે એમ બેડરૂમ યાદ આવતાં જ પ્રાંજલની આંખ સામે રૂપની તિજોરી રમી રહી. હા, પ્રણોતી રૂપની બાબતમાં રીઝર્વ બેન્ક જેવી સમૃધ્ધ હતી, પુષ્ટ હતી.

અંદર આવીને એણે દ્વાર બંધ કર્યા. પ્રણોતી ફૂલોની ચાદર બિછાવેલી શય્યા પર બેઠી હતી. દૂર સામેની દિવાલમાં આવેલી બારી ખુલ્લી હતી. એમાંથી મધ્યાકાશનો ચંદ્ર ઇંતેજારીપૂર્વક આવનારી ક્ષણોનો ઇંતેજાર કરીને ડોકીયા કરતો ઊભો હતો. પ્રાંજલે પહેલું કામ બારી બંધ કરવાનું કર્યું. આકાશના ચાંદ કરતાં વધારે રૂપાળો ચાંદો તો અત્યારે એની પથારીમાં ખીલ્યો હતો !

સમજણો થયો ત્યારથી શરીરની અંદર હણહણી રહેલા અશ્વ ઉપર અત્યાર સુધી લગાવી રાખેલી સંયમની લગામ એણે ઢીલી કરી. એ રૂપનગરની દિશામાં આગળ વધ્યો. પ્રણોતી પાનેતર ધારણ કરીને બેઠી હતી. પ્રાંજલ બરાબર એની સામે, એની નજીક જઇને બેઠો. એના રૂંવેરૂંવે અત્યારે પુરુષ ફૂટયો હતો. એણે પ્રણોતીના માથા ઉપરથી પાનેતર હટાવ્યું. પછી એની ચિબૂક પકડીને ચહેરાનો ચાંદ જરા ઊંચો કર્યો. પણ જેવી એની નજર પ્રણોતીના ચહેરા પર પડી કે તરત જ એ વીજળીનો આંચકો લાગ્યો હોય એમ ચોંકી ગયો.

‘પ્રણોતી ! આ શું ? તું રડી રહી છે ?’

પ્રણોતીએ જવાબમાં ‘હા’ પાડી.

‘કારણ ? કોઈએ તને કશું કહ્યું ?’ પ્રાંજલે ઉલટતપાસ શરૂ કરી. એ પ્રણોતીને ચાહતો હતો. એનો પતિ બનતાં પૂર્વે એ પ્રણોતીનો પ્રેમી હતો; એના સૌંદર્યનો માલીક બનતાં પહેલાં એ એનો પૂજારી હતો. એ નહોતો ઈચ્છતો કે ચાંદને ચૂમતાં પહેલાં એની જીભને આંસુની ખારાશનો અનુભવ મળે. શરીરનો ભોગવટો ભેજવાળો હોય એ ન ચાલે.

‘ના.’ પ્રણોતીએ પહેલી વાર મોં ખોલ્યું : ‘કોઈએ કશું જ કહ્યું નથી.’

‘તો પછી આ આંસુ ?’

‘મમ્મી-પપ્પા યાદ આવી ગયાં…!’ પ્રણોતીનાં આંસુને શબ્દો ફૂટયાં.

‘મમ્મી ? પપ્પા ? પ્રણોતી, લગ્ન પહેલાં છ મહિનાથી આપણે એકબીજાંને પ્રેમ કરતાં હતાં. આજસુધી કયારેય મેં તારાં મમ્મી-પપ્પા વિષે પૂછૂયું નથી. તેં જ મને મનાઈ કરી હતી. આપણાં લગ્નમાં પણ કોઈ દેખાયું નથી. કન્યાદાન તારા નાના-નાનીએ જ આપ્યું છે. અને હવે અચાનક મમ્મી-પપ્પા કયાંથી યાદ આવી ગયાં ?’ પ્રાંજલના શબ્દોમાં ઠપકો કે કટાક્ષ નહોતો, પણ સમભાવપૂર્વકની પૃચ્છા હતી.

‘યાદ નથી આવ્યાં, પ્રાંજલ ! હકીકત એ છે કે મમ્મી પપ્પા કયારેય ભૂલાયાં જ નથી.’

‘તો પછી… ?’

‘મમ્મી અને પપ્પા એકબીજાંથી અલગ રહે છે. વરસો થઇ ગયાં. કદાચ હું જન્મી એ પહેલાં જ બંને વચ્ચે ઝઘડો થઇ ચૂકયો હતો. મમ્મી નોકરી કરતી હતી એટલે મારો ઊછેર ગામડે રહેતાં નાના-નાનીના ઘરે થયો. મમ્મી રજાઓમાં મને મળવા માટે આવી જતી. મોટી થઇને હું હોસ્ટેલમાં રહેવા આવી, પછી પપ્પા પણ મળવા માટે આવતા. ત્યારે ખબર પડી કે પપ્પા મેં સાંભળ્યું હતું એના કરતાં તો ઘણા સારા હતા.’

પ્રાંજલ પત્નીની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો : ‘કયારેય તેં મમ્મી-પપ્પા વચ્ચેના મતભેદો જાણવાની કોશિશ કરી કે નહીં ?’

‘ના. મમ્મીનો સ્વભાવ જરા કડક હતો… અને પપ્પા મને અજાણ્યા લાગતા હતા. જો કે વહાલાં તો બંને જણાં લાગતાં હતાં. પણ એક તરફ કાંટાળી વાડ જેવી મમ્મી હતી, બીજી તરફ ચટ્ટાન જેવા પપ્પા હતા અને એ બંનેના વહાલ વચ્ચે ભીંસાઈ રહેલી હું હતી… !’ પ્રણોતીની આંખો છલકાઈ ઊઠી.

‘પણ આપણાં લગ્નમાં તેં એમને કેમ ન બોલાવ્યાં ?’ પ્રાંજલના મનનું આશ્ચર્ય હજુ શમતું ન હતું.

‘આમંત્રણ આપ્યું હતું; બંનેએ હાજરી આપવાની હા પણ પાડી હતી, પણ બંનેની શરત એક જ હતી અને બહુ આકરી હતી.’

‘કઇ શરત ?’

‘એ જ કે હું અવશ્ય લગ્નમાં આવીશ, પણ ‘પેલી’ વ્યકિત હાજર ન હોવી જોઇએ.’

‘સમજ્યો.’ પ્રાંજલ વિચારમાં ડૂબી ગયો : ‘એકમેકને કાપવાના પ્રયાસમાં બંને કપાઈ ગયાં. અને પરીણામ મારી પ્રણોતીની આંખોમાં છે. પણ વાંધો નહીં. તું રડવાનું બંધ કર, પ્રણોતી ! હું તારાં મમ્મી-પપ્પા વચ્ચે સમાધાન કરાવી આપીશ. અને પછી જ … તારા રૂપની તિજોરી ઉપર તરાપ મારીશ.’ પ્રાંજલ એક પુરુષ મટી ગયો, પતિ પણ મટી ગયો અને માત્ર એક પ્રેમી બની ગયો.

એ રાત્રે પતિ-પત્ની એક જ પથારીમાં ઊંઘી ગયાં, પણ બસ, માત્ર ઊંઘી જ ગયાં.

બીજે દિવસે પ્રાંજલ સરનામું લઇને પ્રણોતીના પપ્પા પાસે પહોંચી ગયો. સુંદર મકાન હતું. બહાર ‘નેઇમ પ્લેટ’ મારેલી હતી : પુષ્કર આડતિયા.

પ્રાંજલે ડોરબેલ વગાડી. સફેદ ઝભ્ભા-લેંઘામાં બંગાળી નવલકથાકાર જેવા દેખાતા એક આધેડ વયના પુરુષે બારણું ઉઘાડયું.

‘હું પ્રાંજલ. હું તમારી પુત્રીને…’ પ્રાંજલે નમસ્તે કરીને પોતાનો પરિચય આપવાની શરૂઆત કરી.

‘અરે, પ્રાંજલકુમાર ?! મારી પ્રણોતી સાથે ગઇકાલે મેરેજ થયા એ જ ને તમે ? આવો, આવો ! અંદર આવો…પણ તમે…એકલાં કેમ ? પ્રણોતી કેમ દેખાતી નથી… ?’ પુષ્કરભાઈના ચહેરા પર આનંદ અને અવઢવ સાથે હતા.

થોડીવારમાં ઘરનો નોકર ચા-નાસ્તો આપી ગયો. શ્વસુર-જમાઈ વાતે વળગ્યા.

‘ઝગડાનું કારણ તો આટલા વરસ પછી યાદ પણ નથી.’ પુષ્કરભાઈ કહી રહ્યા હતા : ‘કેટલો બધો સમય થઇ ગયો ? કારણ ભૂલાઈ ગયું છે, પણ કડવાશ યાદ રહી ગઈ છે. હવે તો એકબીજાંની સાથે ન બોલવાની જીદને કારણે અમે બોલતાં નથી.’

‘બરાબર છે. અત્યારની સ્થિતિ હું સમજી શકું છું, પણ ઝઘડો જ્યારે તાજો હતો, ત્યારે તમે ઘા ઉપર મલમ લગાડવાની કોશિશ કેમ ન કરી ?’

‘કેવી રીતે કરું ? એણે મને તક જ ન આપી. સવારે એ ઓફિસે જવા માટે નીકળી, ત્યારે અમારે ઝગડો થયો. ઝગડો શેનો ? નાની અમથી બોલાચાલી જ કહેવાય. પણ સાંજે નોકરી પરથી છૂટીને એ ઘરે ન આવી. સીધી એની બહેનપણીના ઘરે ચાલી ગઇ. હું પણ મનાવવા ન ગયો. અઠવાડિયા પછી ખબર પડી કે એણે ભાડાનું ઘર શોધી કાઢૂયું છે. બસ, અહમૂની ખાઈ ઊંડી ને ઊંડી થતી ગઇ; સંબંધનો પહાડ નાનો થતો ગયો.’

‘પપ્પા, તમે જો આટલું સમજો છો, તો એક વાર અહમૂને ઓગાળીને મમ્મીને લેવા માટે ન જાઓ ?’ પ્રાંજલની વાતમાં નરી વિનંતી ભરી હતી.

‘લેવા જઉં ? પન્નાને ? એના ઘરે ? હરગિઝ નહીં.’ એક પીઢ પુરુષની ભીતર છુપાઈ રહેલો પચીસ વરસ પુરાણો અહમૂ ઊછળી આવ્યો.

‘સારૂં ! ભલે તમે એમના ઘરે ન જાો, પણ અચાનક એ તમને બીજે કયાંક મળી જાય તો… ?’

‘તો ? તો શું ?’

‘તો તમે એને એટલું પણ ન કહો કે ચાલ, ઘરે જઈએ… ? અમારે ખાતર ? તમારી પ્રણોતીના સુખને ખાતર ?’

પુષ્કરભાઈ ઢીલા પડી ગયા. ફરીથી એ પુરુષ મટીને બાપ બની ગયા : ‘એટલું તો કહી કહું. પણ કયાં ?’

‘અમારા ઘરે. આવતી કાલે સાંજે. તમારે જમવા પણ આવવાનું છે અને…’ પ્રાંજલ સસરાને પગે લાગીને બહાર નીકળ્યો. બહાર રસ્તા ઉપર આવીને એણે ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢી. એમાં પ્રણોતીનાં મમ્મી પન્નાબેનનું સરનામું લખેલું હતું.

પન્નાબેન સાથેની વાટાઘાટો વધુ મુશ્કેલ સાબિત થઇ. એક તો માનવસહજ ‘ઇગો’ અને એમાં પાછી સ્ત્રીહઠ ભળી. પણ પ્રાંજલે એક કુશળ રાજદૂતની જેમ એમને મનાવી લીધાં.

‘હું આવીશ તો ખરી, પણ સામે ચાલીને એ માણસ જોડે વાત નહીં કરું.’

‘વાંધો નહીં; પણ પપ્પા તમને એમની સાથે જવાનું આમંત્રણ આપે તો પછી તમને વાંધો નથી ને ?’ પ્રાંજલે એમને બાંધી લીધાં.

‘ના, તો વાંધો નથી.’ પન્નાબેન હા પાડતાં પાડતાં વિચારી રહ્યાં. વરસો પહેલાં ઝગડાનું મૂળ કયાં હતું એ યાદ કરવાની કોશિશ કરી રહ્યાં. કશું જ યાદ આવતું ન હતું. ચાવવામાં લીમડો આવી ગયો હતો કે કારેલું એ ભૂલાઈ ગયું હતું, બસ, એટલું યાદ હતું કે જે કંઇ ચવાઈ ગયું હતું એ કડવું હતું !

બીજા દિવસની સાંજ ઢળી અને પ્રાંજલ-પ્રણોતીના ઘરે પુષ્કરભાઈ અને પન્નાબેન જમવા માટે પધાર્યાં. જાણે કશું જ ન બન્યું હોય એમ પુષ્કરભાઈએ સ્મિત ફેંકયું. દરીયા જેવો દરીયો ઘૂઘવે, પછી નદી કંઇ વહ્યા વગરની રહી શકે ?

‘કેમ છો તમે ?’ પન્નાબેને પૂછૂયું. કે પછી પૂછાઈ ગયું ?

‘બસ, તારા વગરનો હોઈ શકું એવો છું.’ પુષ્કરભાઈના જવાબમાં બરબાદ થઇ ગયેલા વરસો સમાઈ ગયાં.

‘હં.હં… ! બધી વાતો છે ! એવું હતું તો મને મળવા માટે કેમ ન આવ્યા ?’

‘આજે એટલા માટે તો આવ્યો છું !’

‘બસ ? ખાલી મળવા માટે જ ?’

‘તું આવતી હોય તો લેવા માટે પણ ખરો… !’

પુષ્કરભાઈ અને પન્નાબેનનાં આધેડ શરીર ઉપર યુવાનીની કાંચળી ચડી. પ્રણોતી અને પ્રાંજલને થયું કે આ ક્ષણો વરસો પહેલાં પરણીને છુટાં પડેલાં પતિ-પત્નીના હસ્તમેળાપની ક્ષણો હતી; અને મમ્મી-પપ્પા પરણી રહ્યા હોય ત્યારે સંતાનોનું ત્યાં હાજર હોવું એ ઠીક ન ગણાય. બંને જણાં એમને એકાંતમાં વાતો કરતાં મૂકીને રસોડામાં સરકી ગયાં.

મોડી રાત્રે જમ્યા પછી પુષ્કરભાઈ એમની ‘નવોઢા’ને લઇને પોતાના મકાનને ‘ઘર’ બનાવવાના પવિત્ર આશયથી નીકળી પડયા. પ્રણોતીએ મમ્મીને સાસરે જવા માટે વિદાય કરી.

‘આને શું કહીશું, પ્રાંજલ ?’ પ્રણોતીએ પતિને પૂછૂયું.

‘આને કન્યાદાન તો કેમ કહેવાય ? પણ આપણે એને માતૃદાન કહી શકીએ !’ પ્રાંજલ હસ્યો. પ્રણોતી પણ હસી પડી. બેલ્જીયમનો મોંઘો કાચ પથ્થર સાથે અફળાઈને મંજુલ લૂરમાં ચૂરચૂર થઇ ગયો હોય એવો રણકાર ઊઠયો.

બારણું બંધ કરીને પ્રાંજલે પત્નીને બે હાથોમાં ઉઠાવી લીધી.

‘શું છે ?’ પ્રણોતીએ આંખો કાઢી. એની નજરમાં તોફાન હતું.

‘ઉતાવળ છે !!’ પ્રાંજલના જવાબમાં પતિ હતો, પ્રેમી હતો, પુરુષ પણ હતો અને સૌથી વધુ તો પુરુષની શાશ્વત તરસ હતી.

Source: ગુજરાત સમાચાર

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: