તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું, મારું ગજું નથી કે તને છેતરી શકું.

”ઓહ… ! મારું તો માથું ચડી ગયું ! કેવાં કેવાં થોબડાં આવે છે નોકરી માટે? લાગે છે કે ભગવાને સુંદર ચહેરાઓનું ઉત્પાદન જ બંધ કરી દીધું છે… !” કમલ મહેતાએ રીતસર બે હાથ મૂકીને લમણાં દબાવ્યાં. પછી ‘ઇન્ટરકોમ’ ઉપર બહાર બેઠેલી રિસેપ્શનિસ્ટ જોડે વાત કરી: ”રીટા, હવે કોઈ કેન્ડીડેટ બાકી છે? કે પછી આ વિશ્વસુંદરીઓમાંથી જ મારે મારી સેક્રેટરી પસંદ કરવાની છે?”

રીટા પણ સમજી ગઈ કે બોસ મજાક કરી રહ્યા છે. એમણે જે વિશ્વસુંદરીઓનો ઉલ્લેખ કર્યો એ તમામ ઢંગધડા વિનાની છોકરીઓ હતી. કામકાજમાં કદાચ એ લોકો કુશળ હોઈ શકે, પણ દેખાવમાં તો બાપ રે બાપ! જૈમિનિ જાડી હતી તો બીના બેડોળ હતી. નમિતાનું નાક વાંકું હતું તો રૂપા રૂપાળી નહોતી. સેક્રેટરીની બાબતમાં બોસની પસંદ ઊંચી હતી. ચમકતા ચહેરાવાળી ચબરાક છોકરી ઉપર જ એમની નજર ઠરતી. અને બે-ત્રણ વરસ તો બહુ થઈ ગયાં! ચહેરાની ચમક સહેજ ઝાંખી પડે કે તરત જ સેક્રેટરી વિદાય થઈ ગઈ સમજો! પાછો નવો ઇન્ટરવ્યૂ અને નવી રમત શરૂ! કયારેક તો આખો સમૂહ જ એવો નીકળે કે ઇન્ટરવ્યૂ માથે પડે. પછી નવેસરથી જાહેરાત આપવી પડે. પણ આ વખતે એવું કરવાની જરૂર નહીં પડે. હજુ એક છોકરી બાકી છે. રીટાને ખાતરી હતી કે બોસ આ કેન્ડીડેટને જોઈને ખુશ થઈ જશે.

”સર, નાઉ ધેર ઇઝ ઓન્લી વન કેન્ડીડેટ લેફૂટ!” રીટાએ ફોનમાં માહિતી રેડી.

”સેન્ડ હર ઈન, પ્લીઝ… !” કમલ મહેતાના વાકયમાં રહેલું ‘પ્લીઝ’ એ વિનંતીનું નહીં, પણ કંટાળાનું પ્રતીક હતું.

ઓફિસનું બારણું ખૂલ્યું અને એક યુવાન છોકરી દાખલ થઈ. કમલ મહેતાનું મોં ખુલ્લું જ રહી ગયું : ”માય ગોડ! વ્હોટ એ બ્યુટી! વ્હોટ એ ગર્લ!” એ બબડયા, પણ પાછા તરત જ સ્વસ્થ થઈ ગયા.

સામે ઊભેલો પૂનમનો ચાંદ પૂછી રહ્યો હતો: ”મે આઈ ટેઇક માય સીટ, સર?”

”સ્યોર… સ્યોર… !” કમલ મહેતા ભાનમાં આવ્યા: ”બેસો, બેસો… ! શાંતિથી બેસો… ! શું નામ છે તમારું?” કમલભાઈની આંખો ચકળ-વકળ થઈ રહી હતી. આમ તો એ ઉમેદવારની બાયોડેટાવાળી ફાઇલમાં જોવાનો ડોળ કરી રહ્યા હતા, પણ એમની નજર કાગળ ઉપરના અક્ષરો પર ઠરતી નહોતી. લાગતું હતું કે એમને આ છોકરીના બાયોડેટા કરતાં બાયોલોજીમાં વધુ રસ પડી રહ્યો હતો.

”સર, ટીના…” બળદના ગળામાં બાંધેલી ઘૂઘરી જેવો મીઠો રણકો સંભળાયો: ”મારું નામ ટીના છે.”

”બહુ જ સુંદર! બહુ જ સુંદર! ખૂબ ગમી જાય એવું છે બધું…” કમલ મહેતા ઘેલાની જેમ લવારી પર ચડી ગયા.

”બધું… ?” પેલીને આશ્ચર્ય થયું : ”હું તો…”

કમલભાઈએ જાત ઉપર સજ્જડ ‘બ્રેક’ મારવી પડી: ”નામ… નામ… ! હું પણ નામની જ વાત કરું છું… ટીના… ! કેટલું સુંદર નામ… ?”

”સર! હું ઇન્ટરવ્યુ માટે આવી છું… મારા કવોલિફિકેશન્સ…” ટીનાએ ફાઇલ તરફ આંગળી ચીંધી.

કમલ મહેતાએ ફાઇલમાં જોવાનો ડોળ ચાલુ રાખ્યો, બાકી મનમાં તો સંવાદ ફૂટતો હતો: ”તારા જેવી રૂપાળી છોકરીનાં કવોલિફિકેશન્સ કાગળોમાં ન જોવાના હોય, એ તો કાયામાં હોય.” પણ પ્રગટપણે તો માત્ર આટલું જ બોલ્યા: ”યુ આર સિલેકટેડ ફોર ધી જોબ, ટીના! કોંગ્રેચ્યુલેશન્સ! તને પાંચ હજાર રૂપિયા પગાર મળશે… પહેલા મહીને! પછીની પ્રગતી તો બધી તારા હાથમાં છે…”

”થેન્ક યુ, સર!” ટીનાની આંખમાં સારી કંપનીમાં સારી નોકરી મળવાનો આનંદ હતો. કમલ મહેતાની આંખોમાં સારી નોકરી માટે સારી છોકરી મળવાની ઉત્તેજના હતી.

ટીના બીજા જ દિવસથી ફરજ ઉપર હાજર થઈ ગઈ. પહેલું અઠવાડિયું તો એ સાડી પહેરીને આવી. પણ પછી કમલ સરે જ એને ટકોરી: ”ડોન્ટ બી સો ફોર્મલ, ટીના. તું કંઈ બે બાળકોની મમ્મી થોડી છે કે સાડી વિંટાળીને આવે છે. તારે તો…”

અને ટીના એટલું સમજી શકી કે આ ‘તો’ પછીના ટપકાંઓમાં આધુનિક, ફેશનેબલ લોર્ડરોબ સમાઈ જતો હતો. બીજા દિવસથી એણે પંજાબી ડ્રેસમાં આવવાનું શરૂ કર્યું. ફરીથી કમલભાઈએ જ ફોડ પાડવો પડયો: ”તું આવી ઓર્થોડોકસ કયાં સુધી રહીશ? તારી પાસે સરસ ફીગર છે, તો એને છુપાવે છે શા માટે?”

”સર, પણ મારી પાસે તો માત્ર…”

”અરે, તું ચિંતા શાની કરે છે? તારે શું પહેરવું એની ફિકર મારા માથે! બસ… ?”

અને બીજે દિવસે ટીના આભી બની ગઈ. બોસ એના ઘરે આવીને અડધો ડઝન ડ્રેસીઝ આપી ગયા. ટીનાએ જ્યારે એ વસ્ત્રો જોયાં ત્યારે વધારે આભી બની ગઈ, એ કપડાં જેટલાં મોંઘા હતાં એટલાં જ ટૂંકા હતાં.

”સર, આવાં ટૂંકા ડ્રેસ…”

”ડોન્ટ બી સો ઓર્થોડોકસ, ટીના! તારી પાસે બતાવવા જેવું શરીર છે, તો પછી એને સંતાડવાની શી જરૂર? અને તું આખરે એક સેક્રેટરી છે, તારું કામ લોકોને ‘ઇમ્પ્રેસ’ કરવાનું છે… અને મને પણ… !”

ટીના ‘ઇમ્પ્રેસ’ કરવાની વાતથી ખુદ ‘ઇમ્પ્રેસ’ થઈ ગઈ. એને ખબર પણ ન પડી કે બોસ કયારે સામેના સોફા ઉપરથી ઊઠીને આ સોફા પર, એની બાજુમાં આવીને બેસી ગયા!

”ઘરમાં તું એકલી જ છે… ! બીજું કોઈ દેખાતું નથી…” કમલભાઈ એ મધ્યમવર્ગીય ફલેટના સાધારણ ડ્રોઇંગરૂમનું નિરીક્ષણ કરી રહ્યા. માત્ર ચૂનાવાળી દિવાલો, જૂનો સોફાસેટ, ઘસાઈ ગયેલી ગાદીઓ, સામે એક નાનકડા ટેબલ પર પડેલું નાનું, બ્લેક એન્ડ વ્હાઇટ ટેલીવિઝન અને એની બાજુમાં પાટ ઉપર પડેલાં વસ્ત્રોનો ઢગલો… ! લાગતું હતું કે જાણે હમણાં જ કપડાં બદલાવીને કોઈ ઘરની બહાર ગયું હોય.

”મમ્મી બહાર ગઈ છે, ટયૂશન માટે… સાંજે પાછી આવશે…” ટીનાનો હાથ બોસે આપેલાં ડ્રેસીઝ ઉપર ફરી રહ્યો હતો.

”અને તારા પપ્પા?” કમલભાઈ વધારે નજીક ખસ્યા.

”પપ્પા…” ટીનાના અવાજમાં ખાલીપો આવીને ભળી ગયો: ”પપ્પા નથી.”

”ઓહ… આઈ એમ સોરી…” કમલભાઈના વાકયમાં દિલગીરી હતી, પણ દિમાગમાં તો ફટાકડા ફૂટતા હતા. ગરીબ ઘર, સમૃદ્ધ છોકરી, ઉપકારના બોજ હેઠળ દબાયેલું એકાંત અને… ! કમલભાઈ ટીનાની વધારે નજીક સરકવા ગયા, પણ હવે વધુ ખસવા જેવો અવકાશ જ બચ્યો ન હતો. એમણે પરંપરાગત યુકિતના શરણે જવું પડયું.

”ટીના, તારું ઘર નહીં બતાવે?”

”કેમ નહીં? આવો ને, સર…” કહીને ટીના ઊભી થઈ. પાછળ પાછળ કમલ મહેતા પણ ઊભા થયા. એ વિચારી રહ્યા હતા: ટીના ભોળી હશે કે સમજદાર? જો ભોળા ભાવે ઘર બતાવવા માટે ઊભી થઈ હશે તો આખી યોજના માથે પડશે. બાકી સમજદાર હશે તો સમજી ગઈ હશે કે ઘર જોવાનું તો ફકત બહાનું જ છે, બાકી ખરો આશય સ્ત્રી-પુરૂષની શિખર પરીષદ દિવાનખંડમાંથી ખસેડીને શયનખંડમાં લઈ જવાની ચાલબાજીનો જ છે.

”આ કિચન છે… નાનું છે… પણ ઘરમાં બે જ માણસો છે એટલે… કયારેક તો બહુ મોટું લાગે છે…” ટીના રસોડાના બારણાં પાસે અટકીને આગળ વધી: ”અને આ બાથરૂમ છે.”

વચ્ચેના પેસેજમાં થઈને બંને આગળ વધ્યાં. ડાબા હાથે એક રૂમ આવેલો હતો. કમલભાઈએ વિચાર્યું : એ શયનખંડ જ હોવો જોઈએ. માત્ર મા-દીકરીથી બનેલા નાનકડા કુટુંબનો સહીયારો શયનખંડ! એમનું દિમાગ ઉત્તેજનાથી છલકાઈ ગયું. અને ટીનાએ એ ખાલી ઓરડામાં પ્રવેશ કર્યો: ”આ અમારો બેડરૂમ છે. સર, બધું જરા અસ્ત-વ્યસ્ત છે, પણ… !” આટલું કહીને ટીનાએ કબાટનું અધખૂલ્લું બારણું વાસી દીધું. ડબલબેડ ઉપર પાથરેલી ચાદર વ્યવસ્થિત કરી દીધી. પથારીમાં વચ્ચોવચ્ચ પડેલી નાઇટી ઉઠાવી લીધી. ઓશિકાં બરાબર યોગ્ય સ્થાને ગોઠવી દીધાં.

”બેડરૂમ પણ સાલી ગજબની ચીજ છે! એમાં પગ મુકતાંની સાથે જ પુરુષ બદલાવા માંડે છે.” કમલ મહેતાએ શતરંજની બાજીના સોગઠાં રમવાની શરૂઆત કરી.

ટીના મીઠું હસી: ”સાવ સાચી વાત છે, પણ તમારું વાકય અધૂરું છે.”

”તો તું પૂરું કરી દે.”

”શયનખંડમાં પગ મુકતાંની સાથે માત્ર પુરુષ જ નહીં, સ્ત્રી પણ બદલાઈ જાય છે.” ટીનાનું હસવાનું ચાલુ જ હતું. વાકય પૂરું કરીને એ પથારીમાં બેસી પડી. કમલભાઈને તો આ જ વાતનો ઇંતઝાર હતો. એ પણ બેસી ગયા, ટીનાની બાજુમાં સાવ અડોઅડ!

કમલભાઈએ બીજું પ્યાદું બહાર કાઢૂયું : ”આપણી ઘણી બધી અતૃપ્ત ઇચ્છાઓ જાગી ઊઠે છે… શયનખંડમાં!”

”સાવ સાચી વાત! અમારું સ્ત્રીઓનું પણ એવું જ છે. કોઈને ખબર પણ ન પડે કે આ યુવતીનાં મનમાં કઈ વાત ચાલી રહી હશે! એને કઈ બાબતની ભૂખ હશે!”

”ભૂખ? અરે, વાહ! તે તો મારી ભૂખ જાગૃત કરી દીધી.” કમલ મહેતાએ અઢી પગલાં ઠેકતો અશ્વ બહાર કાઢવાની કોશિશ કરી. શતરંજની બાજી હવે એમની પક્કડમાં હતી!

”ભૂખ તો મારી અધૂરી રહી ગઈ છે, સર! એક ભયંકર કામના અધૂરી છે. તમે પૂરી કરી શકશો?”

”જલદી બોલી નાખ…”

”સર, મેં મારા પપ્પાને નાનપણમાં જ ગૂમાવી દીધાં છે. મમ્મીએ ખૂબ જ મહેનતથી મને ઉછેરીને મોટી કરી. મને પપ્પાની ખોટ મહેલૂસ ન થાય એ માટે એણે તમામ પ્રયત્નો કર્યાં છે. પણ જ્યારે જ્યારે હું મારી બહેનપણીઓનાં ઘરે રમવા જતી… અને એમને એમના પપ્પા જોડે ધીંગામસ્તી કરતાં, વહાલ કરતાં, તોફાન મચાવતાં, નાક ખેંચતાં જોતી… ત્યારે… ત્યાર પછી ઘરે આવીને હું રડી પડતી. મારી મમ્મીને મેં કયારેય કશું જ જણાવ્યું નથી, પણ પપ્પાને વળગીને આખી રાત લૂઈ જવાની એક અદમ્ય ઇચ્છા અતૃપ્ત જ રહી ગઈ છે. મારે કોઈ આધેડ વયના પુરુષને વહાલ કરવું છે, એની પીઠ ઉપર બેસીને ‘ઘોડો-ઘોડો’ રમવું છે, મારે એની પાસે રમકડાં માગવાં છે, મારે નવાં કપડાં માટે એની પાસે જીદ કરવી છે… ! પણ આ બધું હું કોની પાસે કરું? સર, મને કયાંય કોઈ પુરુષમાં ‘પપ્પા’ નથી મળતા, ફકત ‘પુરુષ’ જ મળે છે! આજે પહેલી વાર તમે મારા માટે ડ્રેસ લઈને આવ્યા છો. તમે મને અધિકારપૂર્વક આદેશ આપ્યો છે કે મારે શું પહેરવું જોઈએ. તમે મારું ઘર જોવાની ઇચ્છા વ્યકત કરી. આજે પ્રથમવાર… હા, પ્રથમવાર મારા બેડરૂમમાં મારી સાથે મારી મમ્મીને બદલે પપ્પાની ઉંમરનો એક પુરુષ ઊભો છે. સર, મારું એક કામ કરશો?”

”હા, બોલ, બેટા! અવશ્ય કરીશ.”

”આ પથારીમાં મારી સાથે લૂઈ જશો? ફકત પાંચ જ મિનિટ માટે! મારે તમને વળગીને… તમારી છાતીમાં માથું મૂકીને રડવું છે… ફકત એક જ વાર! મારે તમને ‘પપ્પા’ કહીને સંબોધવા છે… મારી આટલી વાત માનશો, પપ્પા?”

”હા, બેટા! કેમ નહીં? જિંદગીભર તું મને ‘પપ્પા’ કહીને બોલાવી શકે છે.” કમલભાઈએ ટીનાના માથામાં હાથ ફેરવ્યો. એમને ખબર પણ ન રહી કે કયારે એમના શબ્દકોષમાંથી ફિગર, ઉત્તેજના, એકાંત અને યુવાની જેવા શબ્દો બહાર ફેંકાઈ ગયા અને કયારે લાગણી, વાત્સલ્ય અને દીકરી જેવા સંબંધો આવીને ગોઠવાઈ ગયા!

(એક શત-પ્રતિશત સત્ય ઘટના.)
Source: ગુજરાત સમાચાર

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: