જે લુચ્ચું હસે છે, જે ખંધું હસે છે, જરા એથી ચેતીને ચાલો, કે આખો શકુનિ એમાંથી ઝરે છે,આ માણસ બરાબર નથી.

જેન્તીલાલનું નામ એમની સોસાયટીવાળાઓએ ‘જેન્તી જાગેડુ’ પાડી દીધું હતું. જે ભાગે તેને ભાગેડુ કહેવાય, તેમ જાગે તે જાગેડુ. આખો દિવસ ને આખી રાત જેન્તીલાલ ભટકતી આત્માની જેમ ઘરની બહાર રખડતા જોવા મળે. આને કારણે તો એમની સોસાયટીમાં આજ દિન સુધીમાં એક પણ વાર ચોરી થઇ ન હતી. બે, ત્રણ કે ચાર વાગ્યે જયારે પણ ચોર લોકો સોસાયટીમાં ઘૂસતા, ત્યારે એમનો ભેટો અચૂક જેન્તીલાલની સાથે થઇ જતો.
જેન્તીલાલની આ ટેવને કારણે એમની સોસાયટીમાં પ્રેમપ્રવૃત્તિ ઉપર પણ પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું. જુવાન છોકરો કે રૂપાળી છોકરી ગમે એવી અગોચર જગ્યાએ સંતાઇને બેઠાં હોય તો પણ જેન્તીલાલની ઝપટે ચડયા વગર ન બચે. જયાં સૂર્યનું કિરણ કે ચાંદનીનો ઉજાસ ન પહોંચે ત્યાં જેન્તીલાલ પહોંચી જાય. પાછા મૂંગા પણ ન મરે. પેલાં બે જણાં ચાંચમાં ચાંચ પરોવવાની તૈયારીમાં હોય ત્યાં જ જેન્તીલાલ વચમાં પોતાનું નામ ઘૂસાડે, ‘અલી, કલ્પુડી! તું તો પેલા સત્તર નંબરવાળા મહેશભાઇની દીકરી કે નહીં?’ જેન્તીલાલનો પ્રશ્ન પૂરો થાય તે પહેલાં તો કલ્પના સત્તર નંબરના બંગલાની અંદર પહોંચી ગઇ હોય.
જેન્તીલાલની આ પ્રવૃત્તિને કારણે તો એમની ઉપરાંત આજુબાજુની પાંચ-સાત સોસાયટીઓના વોચમેનોએ એમનું ખાનગીમાં સન્માન પણ કર્યું હતું. આવા જેન્તીલાલે એક સાંજે મોટું સ્કેન્ડલ પકડી પાડયું. પોતાની સામેના બંગલામાં રહેતી ખૂબસૂરત પરછાઇને કો’ક છેલબટાઉ યુવાનની સાથે ‘ઇલુ-ઇલુ’ કરતાં પકડી પાડી. રંગે હાથ નહીં પણ રંગે હોઠ પકડી પાડી. રાતનો સમય હતો. દસેક વાગ્યા હતા. જેન્તીલાલ બાજુના બગીચામાં લટાર મારવા માટે ઘૂસ્યા ત્યાં એમની નજર ડાબા હાથે ઊગેલા ફૂલછોડ ઉપર પડી.
એમાંથી એક છોડ હાલી રહ્યો હતો. પવનથી હલી શકે એના કરતાં ઘણી વધુ ગતિથી એ છોડનું હલન-ચલન જોઇને પહેલાં તો જેન્તીલાલને જગદીશચંદ્ર બોઝ યાદ આવી ગયા. એમણે શોઘ્યું હતું કે વનસ્પતિમાં જીવ હોય છે. પણ આટલો બધો જીવ હોય છે એવું તો એમણે પણ નહોતું કહ્યું. છોડની સજીવતા અને સક્રિયતાનું કારણ શોધવા માટે જેન્તીલાલ દબાતા પગલે એની સાવ નજીક ગયા, ત્યારે અંધારામાં ભજવાતું પ્રેમદ્દશ્ય જોઇને દંગ રહી ગયા. થોડી વારે આંખો અંધકારથી ટેવાઇ ગઇ, ત્યારે હીરો-હિરોઇનની ઓળખાણ પણ પડી. ‘આ તો વામનભાઇની દીકરી પરછાઇ! અને આ છોકરો પણ જોયેલો હોય એવો લાગે છે!
હા, યાદ આવ્યું, અહીંથી ત્રીજી સોસાયટીમાં રહેતા પેલા શ્યામલાલનો દીકરો છે આ તો! મારો વાલીડો શ્યામલાલ પણ એની જુવાનીમાં રંગીલો હતો. ને એનો છોકરોયે રંગીલો નીકળ્યો. અને છોકરીયે જેવી-તેવી નહીં, પણ આખા વિસ્તારમાં જે સૌથી વધારે બ્યુટિફુલ હતી એને જ જાળમાં ફસાવી લીધી!’ જેન્તીલાલ બબડી રહ્યા. એ આખી રાત એમના દિમાગમાં ગડમથલ ચાલતી રહી. આ પહેલો એવો પ્રસંગ હતો જયારે જેન્તીલાલે પ્રેમી યુગલને ઘટના સ્થળે જ રંગે હાથ પકડયું ન હોય. આનું મુખ્ય કારણ એટલું જ કે પરછાઇનાં બાપ વામનભાઇ પ્રત્યે એમને લાગણી હતી.
સામા બારણાનો પડોશ હતો એટલે પરછાઇ પોતાની પણ પુત્રી સમાન હતી. જો ત્યાં ને ત્યાં જેન્તીલાલે બેઉ પ્રેમીઓને પડકાર્યા હોત, તો એ લોકો ચેતી ગયા હોત. બીજા દિવસથી બીજે ઠેકાણે મળવાનું શરૂ કર્યું હોત. એના કરતાં આ લફરા તરફ વામનભાઇનું ઘ્યાન દોરવું એ જેન્તીલાલને વધારે યોગ્ય લાગ્યું. બીજો દિવસ પણ જેમ-તેમ કરીને પૂરો થયો. સાંજ ઢળી. જેન્તીલાલ જમીને પાછા મેદાને પડયા. પત્નીને કહીને નીકળ્યા, ‘સામેવાળા વામનભાઇના ઘરે જઇને આવું છું. એકાદ કલાક જેટલો સમય લાગશે.’ ‘ત્યાં હોળી સળગાવવા તો નથી જતા ને?’ પત્નીને જેન્તીલાલના ‘ધંધા’ની ખબર હતી.
‘ના, એમનું ભલું કરવા માટે જાઉ છું. પહેલો સગો પડોશી.’ જેન્તીલાલ પોતાના ઘરના ઝાંપામાંથી નીકળ્યા અને સામેના ઘરના ઝાંપામાં પ્રવેશ્યા, માંડ એકાદ મિનિટ જેટલો સમય લાગ્યો, પણ એટલી વારમાં એમના ખટપટી દિમાગમાં નારદ સંહિતાની સંપૂર્ણ સ્ક્રિપ્ટ આલેખાઇ ગઇ. બહાર કમ્પાઉન્ડમાં જ પરછાઇ મળી ગઇ. જેન્તીભાઇએ કટાક્ષપૂર્ણ નજરે એની તરફ જોયું. પરછાઇ હસી પડી, ‘અંકલ, તમે? વાહ, આજે તો કંઇ અમારા ઘરે ભૂલા પડયા ને..?’જેન્તીભાઇએ જવાબ ન આપ્યો. અંદર ગયા તો વામનભાઇ પણ દીકરીવાળો જ ડાયલોગ બોલી ગયા, ‘અરે! શું કૈવાય? આજે તો ભૂલા પડયા ને કંઇ?!’
જેન્તીલાલે એમને પણ ઉત્તર ન આપ્યો. વામનરાય હિંચકા ઉપર બેઠા હતા, જેન્તીલાલ સામેની ખુરશીમાં ગોઠવાયા. થોડીવાર આડીતેડી વાતો ચલાવી. વામનભાઇનાં પત્ની, પરછાઇ અને નોકર-ચાકરની અવર-જવર ચાલુ હતી એ શાંત પડવા દીધી. વાતાવરણ ઠર્યું એ પછી એમણે ધીમે-ધીમે વાત ઉપર આવવાનું શરૂ કર્યું, ‘શું ચાલે છે? ઘરમાં બધું બરાબર ને? છોકરો-છોકરી બરાબર ભણે છે? શેમાં આવ્યાં?’ વામનભાઇની છાતી વાત કરતાં પહેલાં જ ફૂલવા માંડી, ‘પરછાઇ કોલેજના છેલ્લા વર્ષમાં છે અને દીકરો અન્જાન એમ.બી.એ.નું ભણી રહ્યો છે. દીકરો જરા તોફાની છે, બાકી પરછાઇ તો પરછાઇ જ છે!’
જેન્તીલાલને એ જ ક્ષણે ચાબુક ફટકારવાનું મન થઇ આવ્યું, ‘સાચી વાત છે. તમારી પરછાઇ એટલે પરછાઇ! દેખાવમાં એની તોલે આખી સોસાયટીમાં બીજી એક પણ દીકરી ન આવે.’ વામનભાઇ પોરસાયા. હિંચકાને મોટો ઠેલો મારીને દીકરીની પ્રશંસા માટે અનન્વય અલંકાર પરથી અતિશયોકિત અલંકાર ઉપર ઊતરી પડયા, ‘આપણી સોસાયટીની કયાં વાત કરો છો? મારી પરછાઇ જેવી સુંદર છોકરી આખા શહેરમાં શોધી ન જડે! એની ઊચાઇ જુઓ. એનો બાંધો જુઓ. ચામડીનો રંગ તો ઐશ્વર્યાને કાળી કહેવડાવે તેવો છે.’ જેન્તીલાલને લાગ્યું કે ફુગ્ગો ફૂલવા માંડયો છે, ટાંકણી ભોંકવી પડશે. એટલે ધીમેથી સાવધાનીપૂર્વક મમરો મૂકયો, ‘એ બધું તો બરાબર છે.પણ મારા મતે છોકરીનાં દેખાવ કરતાં એના ગુણોનું મહત્વ વધારે હોય છે.’
‘અરે, ગુણોની બાબતમાં તો પરછાઇ સોમાંથી બસો ગુણ લાવે તેવી.’ ‘ગુણ એટલે હું માર્કસની વાત નથી કરતો, વામનભાઇ! હું સદ્ગુણની વાત કરું છું.’ ‘તે હું યે કયાં બીજી વાત કરું છું? મારી પરછાઇને બધી જાતની વાનગીઓ રાંધતાં આવડે છે.કોલેજની વકતત્વ સ્પર્ધામાં છેલ્લાં ત્રણ વરસથી એ પ્રથમ નંબર લઇ આવે છે. ખો-ખોની રમતમાં એ યુનિવર્સિટી પ્લેયર છે. સાડી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક, બાસ્કેટબોલમાં બ્રોન્ઝ મેડલ, બ્યુટી કન્ટેસ્ટમાં…’ ‘તમે તો, યાર! હરીફાઇના હાઇ-વે ઉપર ચડી ગયા! ભણવાના વિષયો હોય કે આ બધી સ્પર્ધાઓ, છેવટે તો માર્કસ અને પોઇન્ટ્સની જ વાત છે ને? હું વાત કરું છું છોકરીના સ્વભાવની, સુલક્ષણોની, એના ચારિત્ર્યની, એનામાં રહેલા વિનય-વિવેકની અને ખાસ તો મા-બાપને કોઇ વાતે અંધારામાં નહીં રાખવા જેવા સદ્ગુણોની.’
વામનભાઇને સહજ ઝટકો લાગ્યો, ‘હું સમજયો નહીં. જેન્તીભાઇ, તમે કહેવા શું માગો છો? મારી પરછાઇ તમને અવિવેકી, ઉદ્ધત કે તોછડી લાગે છે? વામનભાઇનો અવાજ ઉત્કલનબિંદુની સપાટી વટાવી ગયો. જેન્તીલાલ આ જ ક્ષણની પ્રતીક્ષામાં હતા. એમણે વાતનું સ્ટીઅરિંગ રાજમાર્ગ તરફ ફેરવી નાખ્યું, ‘દીકરી જો બધી વાતે પારંગત હોય અને મા-બાપે જો બહુ લાડ લડાવ્યા હોય તો જુવાનીમાં આવ્યા પછી મુરતિયો પસંદ કરતી વખતે એ પોતાનું ધાર્યું જ કરતી હોય છે, મા-બાપને ગાંઠતી નથી.છોકરીની જાત! એક વાર જો એનો પગ કુંડાળામાં પડી ગયો તો પછી કોઇ સંસ્કારી છોકરો એનો હાથ ન પકડે.’ વામનભાઇના કપાળ ઉપર ચિંતાનાં વાદળો ઊમટયાં, ‘જેન્તીભાઇ! યાર, તમે સાચું બોલો. તમે મારી પરછાઇની વાત તો નથી કરી રહ્યા ને? ભ’ઇ સા’બ, એવું કંઇ હોય તો મને વેળાસર ચેતવી દેજો. નહીંતર મારે ઝેર ખાવાનો વખત આવશે.’
‘આવશે એમ ન કહો, વામનભાઇ, ઝેર ખાવાનો વખત આવી ગયો છે એમ કહો! કાલે રાત્રે જ મેં તમારી પરછાઇને પબ્લિક ગાર્ડનમાં એક લફંગાની સાથે…’ આટલું બોલ્યા પછી જેન્તીલાલને ભાન થયું કે સામે બેઠો એ પરછાઇનો બાપ છે, દીકરી માટે જેવા તેવા શબ્દો વાપરવા યોગ્ય નથી. એટલે એમણે વાકય ફેરવી નાખ્યું, ‘રાતના દસ વાગ્યા હતા. ઘોર અંધારું હતું. બગીચામાં બે સિવાય કોઇ ન હતું. પણ હું તો જોતાં-વેંત ઓળખી ગયો કે આ આપણી જ દીકરી છે. અરે, છોકરાને પણ મેં તો ઓળખી કાઢયો!’
‘જલદી બોલી નાખો ને, યાર! છોકરો કોણ હતો?’ વામનભાઇના પ્રાણ કંઠમાં આવી ગયા. જેન્તીલાલ છોકરાનું નામ બોલે એ પહેલાં પરછાઇ અંદર દાખલ થઇ. એની આંખોમાં લજજા હતી. એનું મોં ઝૂકેલું હતું. અને એની સાથે પેલો રાતવાળો ‘લોફર’ હતો. એને જોઇને જેન્તીલાલ બરાડો પાડવાની અણી ઉપર આવી ગયા. પણ ત્યાં જ વામનભાઇએ ઊભા થઇને એમનો હાથ દબાવ્યો. કાનમાં ફૂંક મારી, ‘હમણાં પેલી રાતવાળી ઘટનાનો ઉલ્લેખ ન કરતા, જેન્તીભાઇ! નહીંતર બંધાયેલો સંબંધ ફોક થઇ જશે.’ ‘સંબંધ?!?’
જેન્તીલાલથી ઊચા અવાજમાં પૂછાઇ ગયું. ‘હા, સંબંધ. હજુ બહાર નથી પાડયો. પણ તમારાથી શું ખાનગી રાખવું? લો, ઓળખાણ કરાવું. આ છે કદમ કાપડિયા, પેલા શ્યામલાલ કાપડિયાને તો ઓળખો છો ને? આ એમના સુપુત્ર છે. બે દિવસ પહેલાં જ ઘરમેળે આની સાથે પરછાઇના ગોળધાણા ખાધા. બધું ઘરમેળે જ છે હજુ તો!’ કદમ ‘નમસ્તે’ કરીને એની વાગ્દત્તા સાથે ઉપરના માળે ચાલ્યો ગયો. વામનભાઇ એકાંત જોઇને ફરી પાછાં કરગરી રહ્યા, ‘જેન્તીભાઇ, કોણ હતો એ લફંગો જેને તમે ગઇ કાલે બગીચામાં જોયો હતો?’ જેન્તી જાગેડુ એક ક્ષણમાં ભાગેડુ થઇ ગયા.

Source: દિવ્યભાસ્કર

(શીર્ષક પંકિત : હિતેન આનંદપરા)

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી. ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી.
સમી સાંજ દરિયાકિનારે જવું તોયે દરિયા તરફ પીઠ રાખી, એ, લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.
સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની ર્દષ્ટિમાં છે ફેર, એ જોવા ની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.
ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી યે છેટો રહે છે, બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.
વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો, દયા ના બતાવો, કારણ એ કાયમ ઈર્ષાથી બળે છે, આ માણસ બરાબર નથી.
જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો, કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી.

હિતેન આનંદપરા

Advertisements

One Response

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: