કાચમાં કાયા અજાણી થૈ ગઇ, જિંદગી શું ધૂળધાણી થૈ ગઇ

‘હેભગવાન!’ એ બાઇને જોઇને જ મારા મુખમાંથી શબ્દો સરી પડયા. મારી અંદર બેઠેલા આત્મારૂપી પરમાત્માએ હોંકારો ભણ્યો, ‘બોલ, વત્સ! મને કેમ યાદ કર્યો?’ મેં ચિંતિત સ્વરે પૂછ્યું, ‘આ બાઇ સાતમી વાર સગર્ભા થઇને આવી છે! એને મેં ના પાડી’તી કે હવે પછી એક પણ સુવાવડ ન થવી જોઇએ, તારાં બાળકનો જન્મ તારાં મૃત્યનું કારણ બની શકે છે.
છતાં પણ આ સાતમી વાર…! અંદરથી કોઇએ જવાબ ન આપ્યો. કપરી પરિસ્થિતિમાં કોઇ સાથે નથી ચાલતું. એ બાઇનું નામ પ્રેમલતા. દરબાર કોમની ગૃહલક્ષ્મી. પણ ઘરની હાલત અત્યંત નબળી. ઘરમાં હાંડલાં કુસ્તી કરે. એક તો ખેતર કસ વગરનું ને એમાં ખેડૂત છાશવારે પાક ઉતારતો રહે. ખાતરના નામે મીંડું. પછી હાલત કેવી થાય?
‘આવો!’ મેં અવાજમાં ઠપકો છલકાવ્યો, ‘કેટલામો મહિનો ચાલે છે?’ એનું ફીકું મોં શરમના બોજથી ઝૂકી ગયું, ‘આઠ પૂરા થયા. નવમો જાય છે.”આ વખતે હું તમને હાથ જોડું છું. મહેરબાની કરીને બીજો ડોકટર શોધી લો. મારે અપજશ નથી લેવો.’
એ લાશ જેવા ઠંઠાગાર ચહેરે મારી સામે જોઇ રહી, પછી ધીમા અવાજમાં બોલી, ‘જશ કે અપજશ… તમને મળે કે બીજા ડોકટરને… મને આ ત્રાસમાંથી છુટકારો ક્યારે મળશે?’
મારે કહેવું હતું- ‘ આ વખતે મળી જશે.’ પણ હું ચૂપ રહ્યો. એનું બ્લડ પ્રેશર માપ્યું. બહુ ઊચું હતું. આંખો ચૂનાથી ધોળેલી ભીંત જેવી સફેદ હતી. જીભનો રંગ ઊડી ગયો હતો. પગ ઉપર સોજા હતા. પેટ ઉપર હાથ મૂકીને મેં અંદાજ બાંઘ્યો, ‘પંદરેક દિવસ માંડ નીકળે. સુવાવડનો સમય ભરાઇ ગયો છે અને આનાં મોતનો સમય પણ.’
‘એક કામ કર, બે’ન! બીજું તો કંઇ નહીં, પણ હીમોગ્લોબિનનો રિપોર્ટ તો કઢાવી લઇએ.’ કહીને મેં લેબોરેટરી પર ચિઠ્ઠી લખી આપી, બીજા મોંઘા પરીક્ષણો અને પરવડે તેવા પણ કયાં હતા? બીજા દિવસે પ્રેમલતા આવી. રિપોર્ટ વાંચીને હું ભડકયો, ‘ઓહ નો! હીમોગ્લોબિનનું પ્રમાણ માત્ર પાંચ ગ્રામ પ્રતિશત જ છે. મતલબ કે તમારાં લોહીમાં અતિશય ફિક્કાશ છે. સુવાવડ દરમિયાન થતો સામાન્ય રક્તસ્રાવ પણ તમારાથી જીરવી શકાય તેમ નથી.’
‘તમારા ભરોસે છું, સાહેબ!’ એ ફરી પાછી નિર્જીવ અવાજે બોલી ગઇ. હું ચીડાઇ ગયો, ‘તમે લોકો સમજો છો શું? એક, તો અમારી સલાહ માનવી નહીં. દસ વર્ષમાં સાત-સાત વાર બરચાં જણવાં. પહેલા મહિનાથી ચેક-અપ માટે આવવું નહીં. લોહી વધવાની ગોળીઓ ગળવી નહીં.
સારો પૌષ્ટિક ખોરાક લેવાની તાકાત ન મળે. પાણી જેવું પાતળું લોહી લઇને સુવાવડના પંદર દિવસ પહેલાં અમારી પાસે આવવું અને પછી જિંદગીનો તમામ ભાર અમારા માથે નાખી દેવો અને ગરીબડા અવાજમાં આટલું બોલી દેવું- ‘તમારા ભરોસે છું, સાહેબ!’હું એમ પૂછું છું કે અમારી ઉપર જો આટલો બધો ભરોસો હોય તો અમારી સલાહ શા માટે માનતા નથી?’
મારી ચીડનું ખરું કારણ આ હતું.
મારા છેલ્લા વાકયમાં મારા ગુસ્સાનું જન્મસ્થાન વસેલું હતું. પ્રેમલતા જયારે પરણીને આવી ત્યારે બાલિકાવધૂ હતી. પંદરમા વર્ષે એને પહેલી વાર પ્રસૂતિ માટે લાવવામાં આવી. એનાં પ્રાણ બચાવતાં મારા નાકે દમ આવ્યો હતો. પાંચીકા રમવાની ને દોરડા કૂદવાની ઉમરે એ પાતાળ ફાટે એવી વેદનાનો ભોગ બની ગઇ.
એ જ વખતે મેં એને ચેતવી હતી, ‘પાચં-સાત વર્ષ કાઢી નાખજે. બીજું બાળક હમણાં થવા ન દઇશ.’ આ ચેતવણીને આજે દસ વર્ષ થયા, પ્રેમલતાને ચાર પૂરા મહિનાની સુવાવડો થઇ અને બે કસુવાવડો થઇ. દવાના નામે મીંડું અને સારવારના નામે શૂન્ય. પોષણની આવક માંડ જીવવા પૂરતી અને લોહીની જાવક મારી નાખે તેવી. એક વર્ષ પહેલાં જયારે છઠ્ઠી વારની પ્રેગ્નન્સી લઇને એ આવી હતી ત્યારે જ મેં એને કડકમાં કડક ચેતવણી આપી દીધી હતી,’આ મોંઘવારીમાં કેટલાં બાળકો જોઇએ છે તારે? જો મરવું હોય તો જ ફરી વાર પ્રેગ્નન્સી રહેવા દેજે!’
અને એ સાતમી વાર આવી હતી. મેં નિર્ણય સંભળાવી દીધો, ‘તમારે આપઘાત કરવો જ છે ને? તો બીજા દવાખાનામાં જઇને કરો. મને માફ કરો!’ ‘ભલે, સાહેબ! તમે ના પાડશો તો હું બીજે જઇશ. પણ પહેલાં મારી વાત સાંભળી લો.’ આટલું બોલતાંમાં તો એ હાંફી ગઇ. એનિમિયાના કારણે બોલવું એ પણ એનાં માટે સહન ન થાય એવો પરિશ્રમ હતો.
બે ઊડા શ્વાસ ખેંચીને એણે ફરીથી વાતનો તંતુ પક્ડ્યો, ‘જયારે હું પરણીને આવી, ત્યારે ઘરની સ્થિતિ ઠીક-ઠીક હતી. અમારી આર્થિક હાલત બહુ સઘ્ધર ન હતી. એમાં મારો ધણી દારૂનો વ્યસની નીકળ્યો. ધીમે-ધીમે ઘર ખાલી થતું ગયું. સસરા તો મરી ગયા છે, સાસુ જીવે છે. પણ સાસુમા મને મારવા બેઠાં છે.’ એ ફરીથી હાંફી ગઇ.
‘એ કેવી રીતે?’ મેં એને શ્વાસ લેવાનો સમય આપ્યો. ‘એ ઇચ્છે છે કે હું બને એટલા વધુ બચ્ચાંઓને જન્મ આપું. જેટલાં છોકરાઓ વધારે જન્મશે એટલાં મોટા થઇને વધુ કમાશે. પછી ભલેને મજૂરી કરે.”અને તમારો પતિ પણ આ વાત માની લે છે?’ ‘એ પતિ નથી, પણ પુરુષ છે. મારો ધણી છે, નાથ છે, માલિક છે.
સોળમી સદીમાં જીવતો અને સ્ત્રીને અંગત સંપત્તિ માનતો સ્વામી છે. દિવસે તો એ ડાહી-ડાહી વાતો કરે છે, પણ સાંજ પડ્યે શરાબની બાટલી ખોલ્યા પછી એ હવસખોર પુરુષ બની જાય છે. રોજ રાતે તૂટી પડે છે… મારા શરીર ઉપર… મારા મન ઉપર… સાહેબ, હું ના પાડતી રહું છું…ચીસો પાડું છું… તમારો હવાલો દેતી રહું છું… હવે પછીની એક પણ સુવાવડ મને મારી નાખશે એવી ચેતવણી આપતી રહું છું, પણ એના શરીરમાં ઘૂસી ગયેલ હવસખોર પશુ મારી એક પણ વાત સાંભળતું નથી.’
‘કેમ? એને તમારી સહેજ પણ પરવા નથી? દયા પણ નહીં? પ્રેમ પણ નહીં?”ના, એ બરાડો પાડીને એટલું જ કહે છે: ચૂપ મર, સાલ્લી! ઔરત બનીને જન્મી છે તો ઔરત જ બનીને રહે! તારા શરીર ઉપર પણ મારો અધિકાર છે અને તારા ગર્ભાશય ઉપર પણ! અને હું ગર્ભવતી થતી રહું છું.’
હું છેલ્લો સવાલ પૂછી બેસું છું, ‘ઠીક છે. તું પ્રેગ્નન્સીને રોકી શકતી નથી એટલું તો સમજાયું, પણ શરૂઆતથી સારવાર માટે આવતાં તને કોણ રોકે છે? તારું હીમોગ્લોબિન વધે એવી દવાઓ તો તારે લેવી જોઇએ ને?”એટલા પૈસા હોવા જોઇએ ને, સાહેબ? મારી દવા માટેના પૈસા મારો ધણી પી જાય છે.’
પ્રેમલતાએ એની વ્યથા-કથા પૂરી કરી. મારી પાસે હવે બોલવા માટે કશું જ ન હતું. તર્કના તીર ખલ્લાસ હતા અને સવાલોનું ભાથું ખાલી. મને સમજાઇ ગયું કે સ્ત્રીની મજબૂરી પાછળના કારણો અનંત હોય છે. અગણિત હોય છે, અગમ્ય હોય છે અને અંગત પણ હોય છે.
મેં ઠપકાનું ડિપાર્ટમેન્ટ બંધ કરી દીધું, સારવારનો વિભાગ ઊઘાડી નાખ્યો. જો મારે આ બાઇને સંભવિત મોતમાંથી બચાવી લેવી હોય તો સૌથી પહેલું કામ એનું હીમોગ્લોબિન વધારવાનું કરવું પડે. એના માટે સમય નહિવત્ હતો. સારામાં સારી દવાઓ પણ બે અઠવાડિયામાં એનું લોહી સુધારી ન શકે.
‘બહેન, તમને બે બોટલ લોહી ચડાવવું પડશે.’ મેં પ્રેમલતાને સૂચન કર્યું. ‘સાહેબ, મારી પાસે એક વાટકી દૂધના પૈસા નથી, ત્યાં બે બાટલી લોહીના કયાંથી લાવવા?”પૈસાના બદલામાં લોહી મળતું હતું એ દિવસો પૂરા થયા. હવે તો લોહીના બદલામાં લોહી જમા કરાવવું પડે છે. તમારા સગાં કે પડોશીઓમાંથી કોઇ બે સારા, હટ્ટાકટ્ટા અને નિવ્યસની રક્તદાતાઓ શોધી લાવો! બ્લડ બેન્કમાંથી લોહી મેળવવાની વ્યવસ્થા હું…’ હું આટલું બોલીને ફોન તરફ વળ્યો.
‘એક મિનિટ, સર!’ પ્રેમલતાએ મને અટકાવ્યો, ‘નિવ્યસની તો મારા ઘરમાં પણ નથી, બીજે કયાં શોધવા જઉ? દારૂડિયાની ઓળખાણો પણ એના જેવી જ હોય ને! અને દસ વરસમાં સાત-સાત વાર ગર્ભ ધારણ કરનારી સ્ત્રી માટે સહાનુભૂતિ પણ કોને હોય? રહેવા દો, લોહી ચડાવવાની વાત જ રહેવા દો!’
મેં મારી રીતે બધું ગોઠવી દીધું. મારા પરિચિતોમાંથી, સ્વૈચ્છિક સ્વયંસેવકોમાંથી બે તંદુરસ્ત રક્તદાતાઓ શોધી કાઢયા. એમનું લોહી બ્લડ બેન્કમાં જમા કરાવી દીધું. એના બદલામાં પ્રેમલતાનાં બ્લડ ગ્રૂપ સાથે મેચ થાય તેવું લોહી મને મળી ગયું. એક દિવસનું અંતર રાખીને બે યુનિટ પેકડ સેલ વોલ્યુમ મેં પ્રેમલતાની ફિક્કી કાયામાં ચડાવી દીધું.
બારમા દિવસે પ્રેમલતા પ્રસૂતિની પીડા સાથે દાખલ થઇ. સુવાવડ મેં જાતે એની પાસે ઊભા રહીને પાર પાડી આપી. બહુ ઓછા વજનવાળી, ચીમળાયેલી દીકરી જન્મતાંની સાથે જ એનાં આવનારા વર્ષોની અગણિત યાતનાઓની છડી પોકારતી હોય એવું રડી પડી. પ્રેમલતાને સુવાવડ પછી સામાન્ય કેસોમાં થતો હોય એના કરતાં પણ ઓછા પ્રમાણમાં રક્તસ્રાવ થાય એ વાતનું મેં ઘ્યાન રાખ્યું. એને આગોતરા અપાયેલા રક્તદાને એનો જીવ બચાવી આપ્યો.
આ સમગ્ર સારવારની ફી કોણે આપી? આવા અઘરા સવાલો પૂછવાની સખ્ત મનાઇ છે. ડોકટરનું બિલ ચૂકવવા જેટલા પૈસા ન હોવા એ પ્રેમલતાની મજબૂરી હતી, એનાં પૈસા જતાં કરવા એ મારી મજબૂરી હતી. દરેક કેસમાં ડોકટરની મહાનતા કે ઉદારતાના ગુણગાન ગાવા ફરજિયાત નથી હોતા.
એને રજા આપતી વખતે મેં તલવારની ધાર જેવી તીક્ષ્ણ ચેતવણી આપી દીધી, ‘બે’ન, હવે પછી જો ક્યારેય પ્રેગ્નન્સી લઇને આવી છે, તો હું તને દવાખાનામાં પગ નહીં મૂકવા દઉ!’ એટલું બોલ્યા પછી મેં પ્રેમલતાની સામે જોયું. હું ચૂપ થઇ ગયો. એની આંખોમાં મને આટલું વંચાતું હતું,
‘ગર્ભ ધારણ કરવો એ જો મારા હાથની વાત હોત તો હું બીજી વાર પણ ન આવી હોત! એ તો મારા ધણીની મરજીની વાત છે, સાહેબ! હું ફરીથી આવીશ. ચોક્કસ આવીશ. એક વર્ષની અંદર જ આવીશ. આ વખતે ચાર ગ્રામ હીમોગ્લોબિન હશે. અને તમારે મારો કેસ લેવો જ પડશે. હું જાણું છું કે તમે મને ના નહીં પાડો!’

(શીર્ષક પંકિત: હિતેન આનંદપરા)
Source: દિવ્યભાસ્કર

Advertisements

One Response

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: