અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે તમે ઘરે દીવો સળગાવ્યો અમે જાતને બાળી છે

બધી ખબર પડી ગઇ છે મને. બહુ ઉલ્લુ બનાવ્યો મને. પણ હવે બધું સમજાઇ રહ્યું છે. સાચું બોલી નાખ. રોજ-રોજ લંચબોક્સ ભરીને કોના માટે લઇ જાય છે?

બપોરના દોઢ વાગ્યે ઝુબાન ઘરે આવી. લંચ અવરમાં ઘરે આવવાનો એનો નિત્યક્રમ હતો. ઘરનું બંધ બારણું ઉઘાડવા માટે એણે પર્સમાંથી ચાવી કાઢી અને કી-હોલમાં ભરાવી, પણ એના અપાર આશ્ચર્ય વચ્ચે ચાવી ઘુમાવતા પહેલાં જ બારણું ખૂલી ગયું. આશ્ચર્યના એક દ્રશ્યની પાછળ આઘાતનું બીજું દ્રશ્ય તૈયાર જ હતું.

‘વેલકમ! ક્યાં જઇ આવ્યાં?’ ડ્રોઇંગરૂમમાં સોફા ઉપર બેઠેલા સુરાગે દાઢમાં પૂછી લીધું. સામાન્ય રીતે સુરાગ પત્નીને એકવચનમાં સંબોધતો હતો, પણ આજે એ માનવાચક સંબોધન કરી રહ્યો હતો એમાં માન ઓછું અને કટાક્ષ વધારે ઝલકતો હતો. ઝુબાન થોડી ક્ષણો પૂરતી સ્તબ્ધ થઇ ગઇ, કારણ કે આ સમયે તો સુરાગ એની ઓફિસમાં હોવો જોઇએ, એને બદલે અત્યારે ઘરમાં ક્યાંથી? અને શા માટે? ઝુબાન અભિનય કરતી હોય એવું હસી પડી, ‘બીજે ક્યાં જવાનું હોય! હું મારી ઓફિસમાં જ ગઇ હોઉં ને! તમને તો ખબર છે, રોજ આ સમયે હું લંચ માટે ઘરે આવતી હોઉં છું.’

‘ચાલો, માની લીધું! પણ હાથમાં શું છે?’

‘લંચ બોક્સ…આઇ મીન, ઓફિસમાં ભૂખ લાગે તો બાર વાગ્યે ખાવા માટે… નાસ્તાનો ડબ્બો…’ બોલી રહ્યાં પછી ઝુબાનને પણ લાગ્યું કે એના અવાજમાં હોવો જોઇએ તેટલો આત્મવિશ્વાસ ન હતો.

સુરાગ ખલનાયકની પેઠે હસ્યો, ‘હં…અ…અ..! સવારે આઠ વાગ્યે દોઢ કપ ચા સાથે પેટ ભરીને બ્રેકફાસ્ટ. પછી ઓફિસમાં બાર વાગ્યે ડબ્બો ભરીને નાસ્તો અને બે વાગ્યે લંચ. નોકરીમાં માત્ર બેસી રહેવાનું. જરા પણ થાક ન લાગે એવું કામ અને તેમ છતાં અડધા દિવસમાં ત્રણ ત્રણ વાર ખાવા ઉપર તૂટી પડવાનું! યે બાત કુછ હજમ નહીં હુઇ, મે’મસાબ!’

‘એમાં નવાઇ પામવા જેવું શું છે? તને વાત ભલે હજમ ન થતી હોય, પણ મને ખાવાનું હજમ થઇ જાય છે.’

‘શટ અપ, ઝુબાન! તારી જબાન સંભાળીને વાત કર નહીંતર હું તારી જબાન ખેંચી કાઢીશ.’ હવે સુરાગ સોફામાંથી ઊભો થઇ ગયો. માનવાચક સંબોધનની સાથે સાથે એણે સભ્યતાનો અંચળો પણ ફગાવી દીધો. ઝુબાનની સાવ નજીક આવીને, આંખો ફાડીને એ બરાડ્યો, ‘બધી ખબર પડી ગઇ છે મને. બહુ ઉલ્લુ બનાવ્યો મને. પણ હવે બધું સમજાઇ રહ્યું છે. સાચું બોલી નાખ. રોજ-રોજ આ લંચબોક્સ ભરીને કોના માટે લઇ જાય છે? તારી ઓફિસમાં રિસેસનો સમય બારથી બે વાગ્યા સુધીનો હોય છે. તું ઘરે જમવા માટે દોઢ વાગ્યે કેમ આવે છે? આ સુરાગ રઘુવંશી ગમાર નથી, એમ.બી.એ. થયેલો છે. મલ્ટિનેશનલ કંપનીનો વહીવટ સંભાળે છે. આવતી કાલથી તારાં છાનગપતિયાં બંધ કરી દેજે, નહીંતર….’ વાક્યમાં જે અધૂરું હતું એ સુરાગની આંખોમાંથી વાંચી શકાતું હતું. ઝુબાન થરથરી ગઇ. ચૂપચાપ સરકીને રસોડામાં ચાલી ગઇ.

સુરાગ બારણું પછાડીને પાછો પોતાની નોકરી ઉપર ચાલ્યો ગયો. ઝુબાન વિચારી ન શકી કે હવે શું થશે!

સુરાગ અને ઝુબાનનાં લગ્ન પ્રેમલગ્ન ન હતા, પણ બંને પક્ષના વડીલો તરફથી નિધૉરિત થયેલાં લગ્ન હતાં. સુરાગ ખૂબ સારું કમાતો હતો માટે ઝુબાનનાં મમ્મી-પપ્પાએ હા પાડી દીધી હતી અને ઝુબાન અત્યંત ખૂબસૂરત હતી માટે સુરાગ અને એનાં મા-બાપે એને પસંદ કરી લીધી હતી. પણ સુરાગ મૂર્ખ ન હતો જે ભાવિ પત્નીનાં ચારિત્રય વિશે તપાસ કર્યા વગર એની સાથે પરણી જાય. એણે તપાસ કરી. જાસૂસી નહીં, પણ તપાસ. ખુદ ઝુબાનને જ પૂછી લીધું, ‘તારે કોઇ બોયફ્રેન્ડ છે?’

‘કોલેજમાં ભણતાં હોઇએ એટલે મિત્રોનું ગ્રૂપ તો હોય જ ને? એમાં છોકરીઓ પણ ખરી અને છોકરાઓ પણ ખરા.’

‘હું દીવાન-એ-આમનું નથી પૂછતો, દીવાન-એ-ખાસ વિશે પૂછી રહ્યો છું.’ સુરાગ મીઠાશપૂર્વક જાણે કોઇ બચ્ચાને ફોસલાવતો હોય એમ પૂછી રહ્યો, ‘કોઇ તો એવું હશે ને જે બીજા બધા કરતાં તારી વધારે નજીક હોય, જેની સાથે કલાક-બે કલાક પસાર કરવાનું તને મન થતું હોય, જેની સાથે તું દિલની બધી વાતો ‘શેર’ કરી શકે..?’

ઝુબાને દિમાગ ઉપર જોર લગાવ્યું, પછી જે નામ યાદ આવ્યું તે ભોળા ભાવે કહી નાખ્યું, ‘હા, છે. એનું નામ અતિરાગ. અમારી સાથે જ ભણે છે. કરોડપતિ બાપનો દીકરો છે, પણ એના પગ જમીન ઉપર ટકેલા છે. અમે સારા મિત્રો છીએ.’ સુરાગ માટે આટલું પૂરતું હતું. એ અતિરાગ પાસે પહોંચી ગયો, ‘હાય! આઇ એમ સુરાગ રઘુવંશી. જે છોકરી સાથે હું લગ્ન કરવા માગું છું એના વિશે તારો અભિપ્રાય જાણવા આવ્યો છું.’ અતિરાગે માથાથી પગ સુધી સુરાગને નીરખ્યો, પછી પૂછ્યું, ‘હૂ ઇઝ ધેટ લક્કી ગર્લ?’

‘ઝુબાન.’

‘તો મારે કહેવું પડશે કે નસીબરદાર તું હોઇશ. મારી જિંદગીમાં મેં જોયેલી તમામ છોકરીઓમાં ઝુબાન શ્રેષ્ઠ છે. માત્ર સૌંદર્યમાં નહીં, સ્વભાવમાં અને ચારિત્રયમાં પણ.’ અતિરાગે પ્રામાણિક અભિપ્રાય આપ્યો અને સુરાગે ઝુબાનને પસંદ કરી લીધી. પણ ખરી રામાયણ લગ્ન પછી શરૂ થઇ. ઝુબાન દરેક બાબતમાં સુરાગ કરતાં ચડિયાતી હતી. સૌંદર્ય, બુદ્ધિમત્તા, ચપળતા, આવડત અને વાણીની મધુરતા, ચાર વર્ષના લગ્નજીવનમાં તમામ સગાં-સંબંધી-મિત્રોમાં ઝુબાન ધુળેટીમાં ઊડતા ગુલાલની જેમ છવાઇ ગઇ. સુરાગ ઝાંખો પડી ગયો. એના મનમાં લઘુતાગ્રંથિ ઉત્પન્ન થવા માંડી. એમાંથી પ્રતિક્રિયા જન્મવા માંડી. હવે એ નિખાલસ પતિ મટીને શંકાશીલ પુરુષ બની ગયો. એણે ઝુબાનની પળે પળની ગતિવિધિની જાસૂસી કરવા માંડી. તપાસ નહીં, પણ જાસૂસી.

ઝુબાન જ્યાં નોકરી કરતી હતી ત્યાંના પટાવાળાને પચાસ રૂપિયાની નોટ પકડાવી દીધી. પટાવાળો પોપટ બની ગયો, પટ પટ બોલવા લાગ્યો, ‘ઝુબાન મે’મસાહેબ રોજ બપોરે બાર વાગ્યે અહીંથી નીકળીને ક્યાંક જાય છે. એ પોતાના ઘરે નથી જતાં એટલું તો સ્પષ્ટ છે, કારણ કે તમારું ઘર ઓફિસથી ચાલીને જઇ શકાય એટલું નજીકમાં છે. મે’મસાહેબ રિક્ષામાં બેસીને તમારા ઘરથી સાવ વિરુદ્ધની દિશામાં જાય છે.’

‘એ ક્યાં જતાં હશે એ તું કહી આપે ખરો?’

‘કેમ નહીં? પણ એના માટે મારે રિક્ષામાં બેસીને એમનો પીછો કરવો પડે.’ પટાવાળાની આંખમાં લાલચ અને બોલવામાં માગણી હતી. સુરાગે બીજા બસો રૂપિયા એના હાથમાં મૂકી દીધા. બે દિવસ પછી પટાવાળાએ સુરાગના હાથમાં સરનામું મૂકર્યું, ‘લો, સાહેબ! પંચમ્ ફ્લેટના પાંચમા માળ પર આવેલા ફ્લેટ નંબર અઢારમાં રોજ બારથી એક વાગ્યાની વચ્ચે તમારા ઘરવાળા…’ સુરાગ હવે પૂરેપૂરો શેરલોક હોમ્સ બની ગયો, એણે ઝુબાનની ગેરહાજરીમાં એનું કબાટ ફંફોસવા માંડ્યું. કપડાં ફેંદવાનું શરૂ કર્યું. એની અંગત ડાયરી, કાગળો, પર્સ, કોઇ વસ્તુ બાકી ન રાખી. છેલ્લું કામ એણે ઝુબાનના સેલફોનની કોલ ડિટેલ્સ કઢાવવાનું કર્યું. આ સંપૂર્ણ જાસૂસીના અંતે જે એક નામ ઊભરીને એની સામે આવ્યું તે હતું: અતિરાગ દેસાઇ.

‘અતિરાગ?’ સુરાગ બબડી ઊઠ્યો, ‘એ તો અમદાવાદમાં હતો ને? ત્યાં એના બાપનો જામેલો બિઝનેસ અને બંગલો હતો એ છોડીને અતિરાગ અહીં શું કરવા આવ્યો હશે? અને આ ફ્લેટમાં..?’

એ જે હોય તે, પણ એક વાત નક્કી થઇ ગઇ હતી કે અતિરાગ અને ઝુબાન રોજ મળતાં હતાં, નિયમિત રીતે મળતા હતા અને એકાદ કલાક જેવો સમય સાથે ગુજારતાં હતાં. હવે ઝુબાનની ઊલટતપાસ લેવાની મજા આવશે. એ ગુરુતાગ્રંથિમાં રાચે છે એને જમીન ઉપર લાવી દેવી પડશે. આટલી સુંદર પત્નીને ઘરમાંથી કાઢી તો ન જ મુકાય, પણ કંઇક એવું તો કરવું જ પડશે જેનાથી એ જીવનભર દબાઇને રહે. જે કરવા જેવું હતું એ સુરાગે તે દિવસે બપોરે કરી બતાવ્યું. ઝુબાનને રિમાન્ડ ઉપર લઇ નાખી. એ રાત્રે ફરીથી એણે ઝઘડો કર્યો, ‘બેશરમ! બેવફા! ચારિત્રયહીન સ્ત્રી! મને કહ્યા વગર તારા જૂના પ્રેમીને મળવા જતાં તને શરમ ન આવી? મને તો લગ્ન કરતાં પહેલાં જ તમારા ઉપર શંકા હતી, પણ મને એમ કે એ ફકત નિર્દોષ મિત્રતા હશે. હવે સમજાય છે. બધું સમજાય છે.’ ઝુબાન હવે સહનશક્તિ ગુમાવી બેઠી, ‘શું સમજાય છે?’

‘બીજું શું? એ જ કે…બહોત યારાના લગતા હૈ! હં? બહોત યારાના લગતા હૈ!’ સુરાગ ગબ્બરની જેમ ડોળા ચકર-વકર કરીને બોલી ગયો, ‘પણ ડરીશ નહીં. હું તને કશું જ નહીં કરું… પણ તારા એ યારને હું જીવતો નહીં મેલું. ના, એને મારી ન નંખાય. એમાં તો મને ઉમરકેદ થાય. હું એને જાનથી મારી નહીં નાખું. હું…હું એના બંને ટાંટિયા ભાંગી નાખીશ. એને કાયમને માટે અપંગ બનાવી દઇશ. પછી એ કશું જ નહીં કરી શકે… હા…હા…હા..!’ સુરાગ બદલાની આગમાં અંધ બની ગયો હોય એમ બરાડા પાડવા લાગ્યો અને અડધા કલાક પછી એ ખરેખર બે ભાડૂતી ગુંડાઓને લઇને પંચમ્ ફ્લેટના પાંચમા માળે પહોંચી પણ ગયો. ડોરબેલ વગાડવાની જરૂર ન પડી. બારણું ખુલ્લું જ હતું. સુરાગે ફ્લેટમાં ઘૂસી સાથેના માણસોને ઇશારો કર્યો, ‘આ સામે પથારીમાં સૂતો છે એ જ છે આપણો શિકાર. ભાંગી નાખો એના ટાંટિયા!’

અતિરાગ ફિક્કું હસ્યો, ‘કોણ? સુરાગ? આવ, ભાઇ! પણ તું મોડો પડ્યો. તારી પહેલાં ભગવાને જ મને ભાંગી નાખ્યો છે. તને ક્યાંથી ખબર હોય? પપ્પાને ધંધામાં મોટું નુકસાન ગયું. લેણદારોની ધોંસ વધી પડી. એમણે ઝેર ખાઇ લીધું. મમ્મી તો વરસો પહેલાં ગુજરી ગયાં હતાં. મને સમાચાર મળ્યા એટલે હું ગાડીમાં બેસીને ઘરે આવવા નીકળ્યો. ઝડપનું ભાન ન રહ્યું. અકસ્માત કરી બેઠો અને આજીવન અપાહજિ થઇ બેઠો. કરોડરજજુ કપાઇ ગઇ. નીચેનું અડધું અંગ નિર્જીવ બની ગયું. કોલેજના જૂના મિત્રોએ મને આ શહેરમાં બોલાવી લીધો. બાપડા મારું ખૂબ ધ્યાન રાખે છે. દરેકે કામ વહેંચી લીધું છે.

ઝુબાનના ફાળે બપોરના ભોજનની જવાબદારી…’ અતિરાગ બોલ્યે જતો હતો, પણ સુરાગની આંખે અંધારાં આવી રહ્યાં હતાં. એક સાથે બે પ્રશ્નો એને પજવી રહ્યા, એક, અત્યારે અતિરાગની આદ્રg નજરનો સામનો શી રીતે કરવો અને બીજું, ઘરે ગયા પછી ઝુબાનની નજરને કેવી રીતે ઝીલવી! આજ સુધી જે પુરુષ કહેતો રહેતો હતો: ‘સમજાય છે, સમજાય છે’ અને હવે કશું જ સમજાઇ રહ્યું નહોતું. (શીર્ષક પંક્તિ : ખલીલ ધનતેજવી)

Advertisements

3 Responses

  1. exclellent !
    સરસ વાર્તા! શંકા ને હકીકતમાં ફેરવતા પહેલા હજારો વાર વિચારવું જોઇએ
    વાર્તા ને અનુરુપ ખલીલ સાહેબનો શેર પણ કાબીલે દાદ !

  2. ખરા સમયે કામ આવે તે મિત્રતા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: