કોઇ વીંટી જેમ અંગત એક ઘાવ પહેર્યો છે મેં,આવ, કે વર્ષોથી આ તારો અભાવ પહેર્યો છે મેં

‘ડો.. યથાર્થના મોતનું કારણ એમની પત્નીનો સ્વભાવ છે. બંને વચ્ચે જરા પણ મનમેળ ન હતો.’

સવારના દસ વાગ્યા હતા. હોસ્પિટલના તમામ ડોક્ટરો કોફીરૂમમાં બેઠા હતા. કોફીરૂમ માત્ર કહેવા પૂરતો જ કોફીરૂમ હતો. કેમ કે એકાદ ચીલો ચાતરવાનો શોખ ધરાવનારને બાદ કરતાં બાકીના બધાં ડોક્ટરો ચાનાં આશિકો હતા. એમાં ય હું તો ચાનો જબરો સમર્થક અને કોફીનો કટ્ટર વિરોધી. ગરમાગરમ કડક મીઠી ચાયની ચૂસકી ભરતાં મેં સૂચન કર્યું,‘વશરામને કહીને બે-ચાર દિવસમાં આ રૂમની બહાર લટકતું પાટિયું ઊતરાવી લેવું છે. કોફી રૂમને બદલે ચાનો અડ્ડો એવું ચીતેરલું બોર્ડ મારી દેવું છે.’ તરત જ ડો.. યથાર્થ બોલી ઊઠયો, ‘ડો.. ઠાકર, ભવિષ્યમાં તમે જરૂર ચાનાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનશો એવું મને દેખાઇ રહ્યું છે.’

‘વ્હાય નોટ? કોઇ જાણીતી ટી-કંપનીના મેનેજરના કાને વાત નાખો, હું તો તૈયાર જ છું. પણ સાથે એની જાહેરાતમાં કોફીનું કાસળ કાઢવાની કેચલાઇન પણ હોવી જરૂરી છે.’ મેં સોદો પાકો કરતાં પહેલાં શરત મૂકી. ડોક્ટરો હસી પડ્યા. મારી ચા ખતમ થવાની સાથે ટી-બ્રેક પણ સમાપ્ત થયો.

ડો.. નિમાવત સર્જિકલ આઉટડોરમાં જવા માટે ઊભા થયા. ડો.. માંકડ ઓર્થોપેડિક વા‹ર્ડની દિશામાં, ડો.. ટીલવા જનરલ ઓપીડી તરફ અને બાકીના બધા એમના ભાગે આવેલી ફરજ નિભાવવા ચાલ્યા ગયા. મારી ડ્યુટી ગાયનેક વિભાગમાં હતી અને ડો.. યથાર્થની ડ્યુટી બાળકોના વોર્ડમાં. ‘સી યુ ધેન, ડો.. ઠાકર!’ યથાથેg હાથમાં સ્ટેથોસ્કોપ રમાડતાં મને ઉદ્દેશીને કહ્યું પછી જમણી તરફના રસ્તે ફંટાઇ ગયા. મેં પણ ‘સો લોન્ગ!’ કહીને એને વિદાય આપી. બસ, આ મારી અને ડો.. યથાર્થની વચ્ચે થયેલી અંતિમ વાતચીત. સાંજે છ વાગ્યે બે પોલીસ કોન્સ્ટેબલ્સ આર.એમ.ઓ.ની ઓફિસમાં આવ્યા ત્યાર પછી પૂરો ઘટનાક્રમ જાહેર થયો.

શહેરથી દૂર વેરાન સ્થળે પુરાણી વાવની બાજુમાં એક વિશાળ વડના ઝાડ નીચે લાલ રંગની મારુતિ ફ્રન્ટી ગાડી મળી આવી હતી. પોલીસનું ધ્યાન તો છેક ચાર વાગ્યે દોરવામાં આવ્યું. પણ પ્રત્યક્ષદર્શીઓના નિવેદન પ્રમાણે એ કાર છેક સવારના અગિયારેક વાગ્યાથી ત્યાં પાર્ક થયેલી હતી. એ બારીઓના કાચ બંધ હતા. પોલીસે દરવાજો ખોલીને જોયું ત્યારે ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલો હેન્ડસમ યુવાન મુત્યુ પામી ચૂકયો હતો.

પી. આઇ. ઝાલા બાહોશ પોલીસ અધિકારી હતા, એમણે પહેલી જ નજરે મામલો પારખી લીધો. હાથ નીચેના હવાલદારને કહ્યું પણ ખરું, ‘મરનાર કાં તો ડોક્ટર હશે, કાં કમ્પાઉન્ડર. એણે જાતે જ કોઇ દવાનું ઇન્જેકશન ખાઇને આત્મહત્યા કરી લીધી છે. ડાબા હાથની નસમાં ભરાવેલી નીડલ-સિરિંજ, બાજુની સીટ ઉપર પડેલી ઇન્જેકશનની શીશી અને ચોક્કસપણે મૃત્યુ થાય જ એ મુજબ નક્કી કરાયેલો ડોઝ આ બધું આજ વાતનો સંકેત કરે છે.’

બાકીનું કામ હવાલદારે પૂરું કર્યું. કો. જેઠાભાઇ બારિયા ક્ષણ વારમાં જેમ્સ બોન્ડ બની ગયા. લાશના પેન્ટના ખિસ્સામાંથી પાકિટ અને પાકિટમાંથી ડ્રાઇવિંગ લાઇસન્સ શોધી કાઢયું. અંદરના અક્ષરો નાના હતા અને અંગ્રેજીમાં હતા. કોન્સ્ટેબલ જેઠુભાને મોટા મોટા પુરાવાઓમાં જ રસ પડે. આવી ઝીણી વાતમાં એમનું કામ નહીં. એણે લાઇસન્સ ઝાલા સાહેબના હાથમાં મૂકી દીધું, ‘લ્યો, સાહેબ! વાંચો નામ એટલે બાકીનો આખો કેસ ઊકેલી નાખું!’ સાહેબે નામ વાચ્યું: ડો.. યથાર્થ માટલીયા. પણ કેસ ન ઉકેલી શકાયો. હા, મરનારનું પગેરું મળ્યું ખરું. એ પગેરાના પગલે પગલે પોલીસવાળા હોસ્પિટલમાં આવી પહોંચ્યા.

હવાલદાર જેઠુભાએ તહકીકાત આરંભી, ‘મરનાર ઇસમ તમારી હોસ્પિટલમાં ડોક્ટર હતા? એ આજે ફરજ ઉપર આવ્યા હતા? ક્યારે આવ્યા ને ક્યારે ગયા? માણસ તરીકે કેવા? એમનું કોઇ કૌભાંડ? નર્સિંગ સ્ટાફ સાથે સંબંધો કેવા હતા? સાથી ડોક્ટરોનું એમના વિશે શું
માનવું છે?’

આર.એમ.ઓ. પાસે બધા સવાલોના જવાબો ક્યાંથી હોય? એટલે એમણે તમામ ડોક્ટરોને બોલાવી લીધા. અમારા બધાંની ઉલટ-તપાસમાંથી જે ઉત્તરોનો સરવાળો મળ્યો તે આવો હતો: ‘ડો.. યથાર્થ માટલીયા એક ખુશમિજાજ અને મિલનસાર ડોક્ટર હતા. અમારી બધાની સાથે એમના ઉષ્માપૂર્ણ સંબંધો હતા. નર્સ બહેનો સાથે માત્ર ખપ પૂરતા જ અને વ્યાવસાયિક સંબંધો. કોઇ લફરું નહીં, કોઇ કૌભાંડ નહીં. છેલ્લે એ અમારી સાથે ચા પીવાના સમયે સવારે દસ વાગ્યે બેઠા હતા. છેલ્લે એમને ડો.. ઠાકરે જોયા હતા.’ જેઠુ બોન્ડે હવે મને ઝાલ્યો, ‘તમે જ એમને આપઘાત માટે ઉકસાવ્યા હશે. છેલ્લે તમારે મરનાર શખ્સ સાથે કઇ બાબતે બોલાચાલી થઇ હતી?’
હોલિવૂડનો જેમ્સ બોન્ડ તો સારો. આ દેશી બોન્ડ સાથે લમણાંઝીંક કરતાં મારા કપાળે પરસેવો વળી ગયો.

માંડ માંડ મેં આ વાત એના ગળા હેઠે ઊતારી કે ચા પીતાં પીતાં અમારી વચ્ચે હસી-મજાક ચાલી હતી. પછી બે જ મિનિટમાં અમે છુટા પડી ગયા હતા. મારો અને ડો.. યથાર્થનો રસ્તો સો એક ફીટ જેટલો સાથે હતો, પણ એ દરમિયાન અમારી વચ્ચે કોઇ વાતે બોલાચાલી થવાનો સવાલ જ ઊભો થયો ન હતો. એ સમયે ડો.. યથાર્થ તદ્દન સામાન્ય જણાતા હતા. એમના ચહેરા ઉપર ચિંતા કે તણાવના કોઇ જ ચિહ્નો દેખાતા ન હતા. એમણે તો મને ‘સી યુ’ પણ કહ્યું હતું. મતલબ કે ફરીથી મળીશું એવો વાયદો કર્યો હતો. જે માણસ તરત જ આત્મહત્યા કરવાનો હોય તે આટલી હદે ‘નોર્મલ’ રહી શકે ખરો?

હવાલદાર જેઠુભાએ શંકાની સોય હવે ડો.. યથાર્થના દાંપત્યજીવન તરફ ઘુમાવી. ડો.. યથાર્થની પત્ની સુંદર હતી, પણ સામાન્ય ગૃહિણી હતી. એ નોકરી કરતી ન હતી. એનું નામ અવસરા. પી.આઇ. ઝાલા સાહેબે અવસરાને લેવા માટે જીપ મોકલાવી, આદરપૂર્વક એને પોલીસ સ્ટેશનમાં બોલાવી, થોડી પૂછપરછ કરી અને નિવેદન નોંધીને એને જવા દીધી. આ કસરત પણ પરિણામ-શૂન્ય સાબિત થઇ. અવસરાનાં સ્ટેટમેન્ટ પ્રમાણે એમનું લગ્નજીવન કોઇ પણ જાતની ઉબડખાબડ વગરનું સીધું અને સપાટ હતું. પાંચ વરસના લગ્નજીવનથી એમને એક દીકરી થઇ હતી. પૈસે ટકે પણ બંને સુખી હતા.

સુખી હતા એના કરતાં વધુ સંતોષી હતા. પોલીસની ફરજ પૂરી થઇ ગઇ. લાશનું પોસ્ટમોર્ટમ થયું. જે હોસ્પિટલમાં ડો.. યથાર્થ નોકરી કરતા હતા એ જ હોસ્પિટલમાં એમની લાશની ચીરફાડ થઇ. પછી ‘મૃત્યુનું કારણ’ એ ખાનામાં ‘વધારે પડતા ઇન્સ્યૂલિનનો ડોઝ લઇને કરવામાં આવેલી આત્મહત્યા’ એવી નોંધ સાથે કેસ ફાઇલ થઇ ગયો. પણ પોલીસ જેટલી સરળ હોય છે એટલી સરળ પ્રજા નથી હોતી. બીજા જ દિવસથી વાત ફેલાવા માંડી: ‘ડો.. યથાર્થના મોતનું કારણ એમની પત્નીનો સ્વભાવ છે. બંને વચ્ચે જરા પણ મનમેળ ન હતો. રોજ ઝઘડાઓ થતા હતા. ડોક્ટરની પત્નીનું ચારિત્રય જરાક…’ આ અધૂરું છોડાયેલું વાક્ય દરેક જણ પોતાની રીતે પૂરું કરી લેતું હતું.

આગ વિના ધુમાડો ક્યાંથી ઊઠે? એ ન્યાયે અમને સૌને પણ લાગયું કે વાત સાચી જ હશે. અવસરા હતી પણ ખૂરસૂરત. અત્યંત રૂપાળી સ્ત્રીઓનું ચારિત્રય હંમેશાં ચર્ચાનો મુદ્દો બનતું જ હોય છે. ધીમે ધીમે આ વાત આખા શહેરમાં પ્રસરી ગઇ અને પછી એક દિવસ અચાનક સમાચાર મળ્યા કે ડો.. યથાર્થની વિધવા પત્ની ગુમ થઇ ગઇ છે. પટાવાળો ખબર લઇ આવ્યો, ‘એનાં પિયરમાં નથી ગઇ. સાસુ-સસરા ગામડે રહે છે, એમની પાસે પણ નથી ગઇ. નાસી ગઇ હશે એનાં કોઇ પ્રેમીની સાથે. બિચારા ડોક્ટર માટલીયા સાહેબે એમને એમ, કારણ વિના તો આપઘાત નહીં જ કર્યો હોય ને!’

અઠવાડિયાની ચર્ચા-નિંદા-કૂથલી પછી લોકોએ પણ કેસને ફાઇલ કરી દીધો.

***

એક દાયકા કરતાંયે વધારે સમય વીતી ગયો. મારે કોઇક કામ સબબ મુંબઇ જવાનું થયું. ત્યાં જેવો હું ટેક્સીમાંથી ઊતર્યો એવી જ મારી નજર એક પાંત્રીસેક વરસની અનુપમ જીવંત શિલ્પાકૃતિ ઉપર પડી. મારા મોંએથી સહસા નામ સરી પડ્યું, ‘કોણ, અવસરા..?’ એ ચમકીને ઊભી રહી ગઇ. મેં કરેલું સંબોધન મને પોતાને જ તોછડું લાગ્યું, એટલે સુધારી લીધું, ‘અવસરા ભાભી તો નહીં?’ અમે પાંચ-સાત વાર મળેલાં હતા, એ પણ ઘનિષ્ઠ રીતે. આથી એને પણ મારી ઓળખાણ પડવામાં વાર ન લાગી. એ ફિક્કું હસી, ‘ભાભી નહીં કહો તો પણ ચાલશે, હવે જ્યાં તમારા મિત્ર જ નથી રહ્યા ત્યાં..?’

અમે ટ્રાફિકની ભીડમાંથી તરીને ફૂટપાથ ઉપર શાંત જગ્યાએ ગોઠવાઇ ગયા.‘અવસરા, આટલાં વરસે સાચું બોલી શકશો? ખરેખર તમારી અને યથાર્થની વચ્ચે કેવા સંબંધો હતા? તમારે કોની સાથે..?’ આટલા વરસો પછીયે એની આંખોમાં નમી છવાઇ ગઇ, ‘મારે કોઇ પરાયા પુરુષ જોડે વાત કરવાનોયે સંબંધ ન હતો. યથાર્થ અને હું ખૂબ સુખી હતા. તમને ખબર છે? યથાર્થને ડપિ્રેસિવ સાઇકોસિસ નામની બીમારી હતી. લગ્ન પહેલાં પણ એણે બે વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મેં લગ્ન કર્યા, એમને ઉત્કટ પ્રેમ આપ્યો, લાગણી આપી એને કારણે તો એ પાંચ વરસ જીવી ગયા.

એ દિવસે દેખીતા એક પણ કારણ વગર એમણે સ્યુસાઇડ કરી લીધો. છેલ્લે તો તમે જ હતા ને એમની સાથે? તમને એમના વાણી-વર્તનમાં દેખાયું હતું કશું? જે કંઇ કારણ હતું એ એમની અંદરની હતાશા સિવાય કશું જ નહતું.’ ‘પણ તો પછી તમે શા માટે ખુલાસો આપ્યા વગર અલોપ થઇ ગયાં?’ ‘તો બીજું શું કરું? સમાજે મને કારણ વિના કાતિલ ઠેરવી દીધી. એકાદ વિકૃત માણસે અફવા ફેલાવી અને બધાંએ માની લીધી? મારા સાસુ-સસરા પણ મને નફરત કરવા લાગ્યા. ખુલાસો આપવો એ મને બચાવ કરવા જેવું શરમજનક લાગ્યું. હું મુંબઇ ચાલી આવી. સાયન્સ ગ્રેજ્યુએટ હતી, નોકરી મળી ગઇ. મારી કોલેજકાળની ત્રણ સહેલીઓએ મને સાચવી લીધી છે. જીવી રહી છું અને યથાર્થો આપેલી નિશાનીને ઊછેરી રહી છું.’

‘બીજા લગ્ન?’ ‘નથી કર્યા. જો પ્રેમ એક જ વાર થઇ શકતો હોય તો લગ્ન બીજીવાર શી રીતે થઇ શકે? તમે ખુલાસાનું પૂછતા હતા ને? જાવ, તમારા પંચાતીયા સમાજને કહી દેજો, મેં બીજાં લગ્ન નથી કર્યા એ જ મારો ખુલાસો છે. આંખોમાં યથાર્થની છબી ઝલમલી રહી હતી.’ (શીર્ષક પંક્તિ : અનિલ ચાવડા)

Advertisements

7 Responses

  1. Good story. High level of charactar

  2. atarni ek ptni atlu shn na kri shke realy ma nice story

  3. Loko ek chhokri ni life ne kem shak ni najar thi jovanu chhodta nathi?Loko na aava vartan na lidhe koi ni life jem ni tem thai sakti hoy chhe.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: