સ્વપ્નમાં આવી ચઢે છે માતબર કન્યા સખી, કેટલી ને ક્યાં સુધી જાળવવી આમન્યા સખી!

‘એ તોરલની જ બધી રામાયણ છે. એ મને ખૂબ ખલેલ પહોંચાડે છે. હું ગમે તેટલો પ્રયત્ન કરું તો પણ અભ્યાસમાં એકચિત્ત થઈ શકતો નથી. જો કહેવા જાઉં છું તો સામે ચોંટે છે. ઝઘડો કરે છે.’

એ મારી કારકિર્દીની પ્રથમ નોકરી હતી. એ સ્થળે હું રહ્યો તો માત્ર અઢી જ મહિના પૂરતો, પણ એ સમયની યાદો હજુએ તાજી છે. લોકો કહે છે કે પ્રથમ પ્રેમ અને પહેલું ચુંબન ક્યારેય ભૂલાતાં નથી, આ યાદીમાં હું પ્રથમ નોકરીને પણ અવશ્ય મૂકું છું.

બહુ રોમાંચસભર દિવસો હતા. જિંદગીના પચીસ-પચીસ વરસ સુધી શિક્ષક પિતાના પગારમાંથી રોટીનો ટુકડો ચોરતો આવ્યો હતો, હવે પ્રથમ વાર નોકરીના તવા ઉપર શેકાતી પરિશ્રમની રોટીમાંથી મારા ખુદના પસીનાની સુગંધ આવી રહી હતી. અને નામની આગળ લખાતા ‘ડોક્ટર’નો પણ એક આગવો નશો હતો. આ એક નાનકડા છોગાની પ્રાપ્તિ માટે મેં શૈશવનાં તોફાનો, કિશોરાવસ્થાની મજાઓ અને યુવાનીનું રેશમ બાળીને રાખ કરી નાખ્યું હતું. મને યાદ છે, જે દિવસે મારા નામનો રબ્બર સ્ટેમ્પ તૈયાર થઈને આવ્યો હતો ત્યારે વિના કારણ હું કલાકો સુધી કોરા કાગળ ઉપર સિક્કાઓ છાપતો રહ્યો હતો.

વીસ માણસો રહી શકે એવા આવાસમાં હું એકલો જ હતો. નવરો ન પડું એ માટે મોડે સુધી દરદીઓ તપાસતો રહેતો હતો. ક્યારેક કમ્પાઉન્ડર ટકોર કરી જતો હતો, ‘થાક નથી લાગતો, સર? તમારા પહેલાંના જે ડોક્ટરો હતા એ તો ક્યારે કામ પતે અને ક્યારે ઘરભેગા થવાય એની જ ફિરાકમાં રહેતા હતા…’

હું જવાબ આપતો હતો, ‘એ લોકોનું તો ઘર પણ એમની સાથે હશે ને! મારે તો ફક્ત મકાન જ છે.’ વાત સાચી હતી, મારો પરિવાર અમદાવાદમાં હતો. હું જો નવરો પડું તો એકલો પડું. ઘરની કમી મારા ખાલી આવાસને વધુ ખાલી કરી નાખે. મારા દરદીઓનું કામ તનને તોડી નાખતું હતું, તો મનને રોકી પણ રાખતું હતું. અલબત્ત, સાંજ પછી તો સમય પસાર કરવો મુશ્કેલ હતો.

હું મિત્રોની શોધમાં હતો, જેમની સાથે ઊઠતી સાંજ અને ઊગતી રાતના સંધિકાળ સમા બે-ત્રણ કલાક વિતાવી શકાય. અને એક મિત્ર મળી આવ્યો. હોસ્પિટલની સાવ નજીકમાં જ રહેતો હતો. વયમાં મારાથી ચારેક વરસ નાનો હતો. અચાનક એક સાંજે મારા ક્વાર્ટરમાં ચડી આવ્યો.

હું બાલ્કનીમાં ઝુલતા હિંચકા ઉપર તકિયાના સહારે આડો પડ્યો હતો. દૂર બારણામાંથી એનો અવાજ સંભળાયો, ‘મે આઈ કમ ઈન, સર?’

‘યસ, અફ કોર્સ!’ મારો જવાબ. અને એક ગોરો, પાણીદાર આંખોવાળો પાતળીયો યુવાન ઘરમાં દાખલ થયો. ડ્રોઇંગ રૂમ વીંધીને બાલ્કનીમાં આવ્યો. મેં ચÃધેલી ખુરશીમાં બેસી ગયો.

‘સર, ગુડ ઇવનિંગ! મારું નામ નિવેશ છે. હું મેડિકલ સ્ટુડન્ટ છું. સામેની સોસાયટીમાં રહું છું. ફાઇનલ એમ.બી.બી.એસ.ની પરીક્ષા આડે થોડાક જ દિવસો બચ્યા છે. ઘરે વાંચવા માટે આવ્યો છું.’

‘કોલેજ?’

‘બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ. મારા મિત્રો પરીક્ષાની તૈયારી માટે કેમ્પસમાં જ રોકાયા છે. પણ મારે તો સંપૂર્ણ શાંતિ જોઈએ, માટે હું તો ઘરે જ…’

‘આઈ કેન અન્ડર સ્ટેન્ડ યુ. મારે પણ તારી જેમ જ હતું.’

‘પણ સાવ મારા જેવું નહીં હોય, હું તો અહીં આવીને ફસાઈ ગયો છું. ઊલમાંથી ચૂલમાં પડ્યો છું.’

‘કેમ, એવું તે શું થયું?’

‘હું આવ્યો’તો પરીક્ષાની પૂર્વતૈયારી કરવા માટે, પણ અમારા ઘરની સામે જે ઘર આવેલું છે…’

‘એક મિનિટ! તું પ્રાર્થના સોસાયટીમાં રહે છે ને? ઘરનો નંબર?’ અત્યાર સુધીમાં હું એ નાનકડા શહેરની ભૂગોળથી ઠીક-ઠીક પરિચિત થઈ ગયો હતો. એ બધી કૃપા દરદીઓની અને એમના કેસ-પેપરમાં નોંધાતાં ઠામ-ઠેકાણાંની.

‘દસ નંબર.’

‘તો તારી બરાબર સામેનું મકાન એટલે એક નંબરનું. બરાબર છે?’

‘હા, પણ તમને એ વાતની શી રીતે ખબર?’

‘મને ખબર ન હોય તો બીજા કોને હોય? ત્યાં તો જમનભાઈ દવે રહે છે ને? એમની ઘરવાળી ભાનુબેન અને દીકરી…’

‘તોરલ’, નિવેશ બોલી ઊઠ્યો, ‘એ તોરલની જ બધી રામાયણ છે. એ મને ખૂબ ખલેલ પહોંચાડે છે. હું ગમે તેટલો પ્રયત્ન કરું તો પણ અભ્યાસમાં એકચિત્ત થઈ શકતો નથી. જો કહેવા જાઉં છું તો સામે ચોંટે છે. ઝઘડો કરે છે. મને થયું કે તમે કદાચ આ લોકોને સમજાવી શકો.’

નિવેશનું અનુમાન સાવ સાચું હતું. જમનભાઈ દવેને પેટની બીમારી હતી. જૂનો મરડૉ. અઠવાડિયામાં આઠ વાર મારી પાસે આવવું પડતું. ક્યારેક એમની સાથે પત્ની ભાનુબહેન આવતાં, ક્યારેક દીકરી તોરલ. દીકરી ચાંદનો ટુકડો હતી, પણ સ્વભાવે આગ ઝરતો સૂરજ હતી. ભાનુબહેન એની ઓરમાન માતા હતી. એનો ત્રાસ વેઠી-વેઠીને તોરલ આવી થઈ ગઈ હતી. એકાદ કલાક બેસીને નિવેશ ચાલ્યો ગયો. મેં વળતે દિવસે જ એનું કામ હાથ ઉપર લીધું. સવારે જમનભાઈ દવા લેવા માટે આવ્યા. સાથે તોરલ હતી. રોજની માફક જમનભાઈએ મને આગ્રહ કર્યો, ‘ક્યારેક અમારું આંગણું પાવન કરો, સાહેબ! સામે જ તો રહીએ છીએ. પહેલું સગું પડોશી.’

મેં ચોક્કસ દિશામાં તીર તાકર્યું, ‘ઘરમાં કોઈને એક કપ સારી ચા બનાવતાં આવડતું હોય તો જ હું આવું.’

તીરથી ઘવાયેલી મૃગલીએ તરત જ જવાબ આપ્યો, ‘આજે સાંજે જ આવો. મને તો ચા બનાવતાં આવડે છે, તમને પીતા આવડે છે કે નહીં એ વાતના પારખાં થઈ જશે!’ બસ, આમંત્રણ અપાઈ ગયું ને લેવાઈ ગયું. સાંજે સાતેક વાગ્યે મેં પ્રાર્થના સોસાયટીના એક નંબરના મકાનના ફિળયામાં પગ મૂક્યો. નિવેશની ફરિયાદનું કારણ મને ત્યાંથી જ સમજાઈ ગયું. જમનભાઈના ઘરમાં અડધું ગામ સાંભળી શકે એટલા મોટેથી રેડિયો વાગી રહ્યો હતો. પહેલા ધોરણમાં ભણતો વિદ્યાર્થી પણ ભણી ન શકે, બાપડા નિવેશની શી હાલત થતી હશે?

ત્યાં હું એકાદ કલાક બેઠો હોઈશ. મેં નોંધ્યું કે તોરલની દશા નોકરાણી કરતાં સારી ન હતી. અપરમા ઘરનું બધું કામ એની પાસે કરાવતી હતી, પોતે તો સોફામાં બેસીને આખો દિવસ જોર-જોરથી રેડિયો વગાડ્યા કરતી હતી. આટલાં દુ:ખોની વચ્ચે પણ તોરલ એ ઘરની રોશની સાબિત થઈ રહી હતી. એણે બનાવેલી ચાની પ્રશંસા કરીને હું જવા માટે ઊભો થયો. જતાં-જતાં ટકોર કરવાનું ન ભૂલ્યો, ‘તમારા રેડિયોના ગીતો મને પણ સંભળાય છે. તમારા કાન માટે આટલો અવાજ નુકસાનકારક સાબિત થશે. તમારી સોસાયટીના લોકો પણ તમારાથી નારાજ છે.’ આટલું પૂરતુ થઈ પડ્યું. આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર એ સોસાયટી માટે શાંત થઈ ગયું.

પણ નિવેશની ફરિયાદ ત્યાંની ત્યાં જ ઊભી હતી, ‘સર, તમે કંઈ કર્યું નહીં! જ્યારે એ બીજી વાર મને મળ્યો ત્યારે બોલ્યો, ‘પેલી તોરલની ખલેલ હજુ ચાલુ જ છે.’

બીજા દિવસે જમનભાઈ દવા લેવા આવ્યા, સાથે તોરલરાણી પણ પધાર્યા હતાં. મેં વાત-વાતમાં મમરો મૂક્યો, ત્યારે તોરલે ખુલાસો કર્યો, ‘રેડિયો તો એ જ દિવસથી મૂગો થઈ ગયો છે, પણ હવે મારી મા મોટેથી રાગડા પાડીને ફિલ્મી ગીતો લલકારે છે.’

‘રાગ કે રાગડો? તારી મમ્મી કેવું ગાય છે?’

‘ખરબચડા પથ્થર સાથે પતરાનું ડબલું ઘસાય અને જેવો અવાજ નીકળે એના જેવું! પણ તમને આ બધી ફરિયાદો કોણ કરી જાય છે?’

મેં કહી દીધું ‘તમારી સામે રહે છે એ દસ નંબરી. બિચારો પરીક્ષાની તૈયારી માટે આવ્યો છે, પણ…’

તોરલ હસી પડી, ‘ઓહ! પેલો ભણેશરી? એને જો વાંચવું જ હોય તો આંખો ચોપડામાં રાખે ને, શા માટે એના કાન અમારા ઘર તરફ રાખે છે?’

એ દિવસથી તોરલનાં ઘરમાં પતરાનું ડબલું પથ્થર સાથે ઘસાતું બંધ થઈ ગયું. પણ નિવેશની ફરિયાદ હજુ ત્યાંની ત્યાં જ ઊભેલી હતી. ત્રણ-ચાર દિવસ પછી એ ફરી પાછો મારે ત્યાં બેસવા આવ્યો. વાત-વાતમાં એ બોલી ઊઠ્યો, ‘સર, તમે પેલી બાબતમાં કંઈ કર્યું નહીં!’

‘અરે! મને ખબર છે ત્યાં સુધી તો જમનભાઈના ઘરમાં તદ્દન શાંતિ સ્થપાઈ ગઈ છે. હવે તને રેડિયો તરફથી પણ ખલેલ નહીં પહોંચતી હોય અને ભાનુબેન તરફથી પણ!’

‘મેં એ બે વિશે ક્યાં ફરિયાદ કરી હતી?! મેં તો એવું કહ્યું હતું કે મને તોરલ ‘ડિસ્ટર્બ’ કરે છે.’ નિવેશના ગાલ લાલ થઈ ગયા. ‘વન મિનિટ, નિવેશ! આઈ ડિડન્ટ ગેટ વ્હા‹ટ યુ સે! તને તોરલ શી રીતે ડિસ્ટર્બ કરી રહી છે?’

‘મને તો એમ કે તમે આ એક વાક્યમાં સમજી જશો, પુરુષ છો અને જુવાન છો… એટલે…! તમે હજુ સુધી તોરલને ધ્યાનથી જોઈ નથી લાગતી, સર!’

મારા દિમાગની બત્તી જલી ઊઠી, ‘આઈ સી! હવે મને સમજાય છે કે સામા બારણે અપ્સરા રહેતી હોય તો જુવાન પુરુષને કેવી અને કેટલી ખલેલ પહોંચે…? તારે મારી એ કામ માટે મદદ જોઈએ છે? આર યુ સિરીયસ એબાઉટ હર? યાદ રાખજે, મા વગરની છોકરી છે. પહેલેથી દુ:ખી છે, દગો આપીને વધારે દુ:ખી તો નહીં કરે ને?’ નિવેશે ઊભા થઈને મારા પગ પકડી લીધા, ‘વચન આપું છું, સર! તોરલને રાણીની જેમ રાખીશ.

તમે મારી જિંદગી બનાવી આપો, હું તોરલની જિંદગી બનાવી આપીશ. આ કામ તમારા સિવાય બીજા કોઈથી થાય તેમ નથી…’ ‘સારું! આવતી કાલે ફરીવાર તોરલના ઘરે એનાં હાથની ચા પીવા જવું પડશે. બીજું શું? પછી તો એ મીઠી-મીઠી ચા જિંદગીભરને માટે તારા નામે લખાઈ જવાની છે.’ મેં છેલ્લું તીર છોડ્યું. થનગનતો મૃગલો શરમાઈ ગયો.
(શીર્ષક પંક્તિ: હેમેન શાહ)

Advertisements

3 Responses

  1. as always very gud true love story….

    • u r really a great writer. i read your short stories when i have a time. my self hardik dave & i m your big fan. i first read your book, when i work in nirma ltd. sachana. their was a doctor who visit that palnt every day and one day he gave me your book doctor ni dairy. when i read that book i feel realy good.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: