પ્રેમની ધારાઓ જ્યાંથી નિત્ય ઝરતી હોય છે એ જ નજરો જિંદગી બરબાદ કરતી હોય છે

‘તો મારો પગાર વધારીને બાર હજાર કરી નાખો ને! મારી પાસેથી કામ તો વીસ હજાર રૂપિયા જેટલું લો છો. પછી મારી બાયડીયે ભૂખે નહીં મરે ને મારે તમારી આગળ હાથ પણ લાંબો નહીં કરવો પડે.’

‘સર, કોઇ ઘરડા કાકા આવ્યા છે. આપને મળવા માગે છે. અંદર આવવા દઉં?’ પટાવાળાએ ઓફિસની અંદર આવીને વિનયપૂર્વક પૂછ્યું. ‘એનું નામ શું છે? કામ શું છે?’ નિરંકાર નાણાવટીએ પૂછીને તરત કાંડા ઘડિયાળ ઉપર નજર ફેંકી. પાંચ તો વાગી ચૂક્યા હતા. સત્તાવાર રીતે કામકાજનો સમય પૂરો થઇ ગયો હતો, પણ નિરંકારને ક્યાં ઘરે જવાની ઉતાવળ હતી? ઘરડાં મા-બાપ તો ગામડે હતાં. ઘરે એની રાહ જોવા માટે એકલતા સિવાય બીજું કોઇ ન હતું. પટાવાળો બહાર ગયો અને પાછો આવ્યો, ‘કામ તો બહુ અંગત છે અને અરજન્ટ છે એવું કહે છે. માત્ર આપને જણાવશે.’

‘અને નામ?’
‘વિટ્ઠલદાસ વચેટિયા.’ પટાવાળો સહજભાવે બોલી ગયો, પણ નામ સાંભળ્યા પછી નિરંકાર સહજ સ્થિતિમાં રહી ન શક્યો. ‘વિટ્ઠલદાસ નામ છે? અને અટક વચેટિયા? ઊંચાઇ જરાક ઓછી? અને માથે ટાલ છે?’
પટાવાળો હસ્યો, ‘હા, સર, આપ તો બારણાની આરપાર પણ જોઇ શકો છો એવું લાગે છે. મોકલી આપું ને એમને અંદર?’

નિરંકાર છત સામે તાકી રહ્યો. પટાવાળાએ પૂછેલા પ્રશ્નનો એણે કશો ઉત્તર ન આપ્યો. વર્તમાનમાંથી ઊંચકાઇને એ વીસ વરસ પહેલાંના અતીતમાં પહોંચી ગયો. ત્યારે નિરંકાર પચીસ વરસનો હતો. ગ્રેજ્યુએટ થઇ ગયો હતો, પણ ક્યાંય સારી નોકરી મળતી નહોતી. છેલ્લાં પાંચ-પાંચ વરસથી એ ‘વચેટિયા ફાઇનાન્સ’માં બારસો રૂપિયાના પગારમાં બાર બાર કલાકની મજૂરી કરતો હતો. ત્યાં એક દિવસ ગામડેથી પિતાની ટપાલ આવી હતી. લખતા હતા: ‘આ સત્તરમી તારીખે તારુ લગ્ન નિરધાર્યું છે. એક મહિનાની રજા મૂકીને વહેલાસર આવી પૂગજે. કંકક્ષેત્રી લખવાથી માંડીને ગોર મહારાજ નક્કી કરવા સુધીનાં બધાં જ કામ બાકી છે. દસેક હજાર રૂપિયાનો ઉપાડ કરતો આવજે.’

યુવાન નિરંકારે પત્ર વાંચીને ત્યારે જ કપાળ કૂટ્યું હતું. નિરંકાર જ્યાં નોકરી કરતો હતો એ ધીરધારનું કામ કરતી જૂની ખ્યાતનામ પેઢી હતી. શેઠનું નામ હતું વિટ્ઠલદાસ વચેટિયા. પચાસ વરસનો કંજૂસ પૂંજીપતિ. જમાનાનો ખાધેલ માણસ. રેતીની મુઢ્ઢી ભરીને તેલ કાઢે એવો કરામતી. કર્મચારીઓનું આર્થિક શોષણ એ એનો જન્મસિદ્ધ અધિકાર. નિરંકાર છેક એમની સામે જઇને ઊભો રહ્યો ત્યાં સુધી શેઠને ખબર ન પડી. છેવટે નિરંકારે ખોટે ખોટી ખાંસી ખાવી પડી. શેઠે માથું ઊંચુ કર્યું, ‘શું છે?’
‘શેઠજી, એક મહિનાની છુટ્ટી જોઇએ છે.’

‘શેના માટે? મા મરી ગઇ છે? બાપા ઊકલી ગયા છે?’ પેઢીનો કોઇપણ કર્મચારી રજા ઉપર જવાની વાત કરે એટલે શેઠ વચેટિયાની ખોપરી વચ્ચેથી ફાટવા માંડતી. ગરજ હતી માટે નિરંકાર ગમ ખાઇ ગયો, ‘ના, શેઠજી! પિતાજીનો પત્ર આવ્યો છે. આ સત્તરમીએ લગ્ન રાખેલ છે.’

‘કોનું? પિતાશ્રીનું?’
‘નાજી, મારું.’
‘તો જાવ ને! પતાવી આવો ને! લગ્ન કરવા એટલે બે કલાકનું કામ. સવારે જઇને સાંજે પાછા આવી જજો.’ શેઠ દાઢમાં નિરંકારને આજે ‘તું’ ને બદલે ‘તમે’ કહીને વાત કરી રહ્યા હતા.
ગરજ..! ગરજ…! ગરજ ન હોત તો…’

એણે વાત બદલાવી, ‘શેઠજી, મારે દસેક હજાર રૂપિયા પણ જોઈએ છે.’
‘દસ હજાર? પછી પાછા ક્યારે વાળશો, રાજાધિરાજ?’
‘દર મહિને પગારમાંથી થોડાક-થોડાક કાપી લેજો.’

‘બારસો રૂપરડીનો પગાર છે, એમાંથી બાર રૂપિયા કાપું તોયે તારી બાયડી ભૂખી રે’શે.’
‘તો મારો પગાર વધારીને બાર હજાર કરી નાખો ને! મારી પાસેથી કામ તો વીસ હજાર રૂપિયા જેટલું લો છો. પછી મારી બાયડીયે ભૂખે નહીં મરે ને મારે તમારી આગળ હાથ પણ લાંબો નહીં કરવો પડે.’ મગજ ગુમાવીને નિરંકારે સંભળાવી દીધું.

શેઠ વિટ્ઠલદાસ વચેટિયાએ બાજુમાં પડેલો જોડો ઉઠાવીને ઘા કર્યો સીધો નિરંકારના માથા ઉપર. ‘નીકળી જા પેઢીમાંથી અત્યારે જ! રૂપિયા પણ જોઇએ છે, રજા પણ જોઇએ છે અને ઉપરથી તોછડાઇ કરવી છે! નિરંકાર નીકળી ગયો. બીજો રસ્તો જ ક્યાં બચ્યો હતો? અને મંજિલ પણ હવે ક્યાં બચવાની હતી? એનાં લગ્ન ટળી ગયાં. એની ભાવિ પત્ની નહિારિકાને એ કિશોરાવસ્થાથી ચાહતો આવ્યો હતો, પણ વચેટિયા વિટ્ઠલદાસની નાલાયકીના કારણે એને પામી ન શક્યો. છોકરીનો બાપ ક્યાં સુધી રાહ જુએ? નિહારિકા બીજાની થઇ ગઇ.

આજે નિંરકાર પિસ્તાલીસ વરસનો છે. કુંવારો છે. એક મોટી બેન્કમાં મેનેજર છે. ખૂબ મહેનત અને ઇમાનદારીથી એક એક સોપાન ચડીને આ દરજજા સુધી પહોંચ્યો છે. માથા પરના વાળમાં થોડોક સેફદ રંગ લાગવાની શરૂઆત થઇ ચૂકી છે, પણ હૈયામાં ઘોળાયેલી કાળાશ બરકરાર છે. એ કાળાશ નફરતની છે. વિટ્ઠલદાસ તરફની વેરવૃત્તિની છે. બદલાની આગમાંથી ખરેલી કાળી ભમ્મર રાખની કાળાશ છે. છેલ્લાં પચ્ચીસ-પચ્ચીસ વરસથી એ પોતાના શિકારની વાટ જોતો બેઠો હતો અને આજે એ સામે ચાલીને એની જાળમાં ફસાવવા માટે આવી ગયો હતો.‘એમને અંદર મોકલ!’ નિરંકારે પટાવાળાને આદેશ આપ્યો. થોડીવાર પછી એક ખખડી ગયેલો વૃદ્ધ એની સામે ઊભો હતો. નિરંકાર તો એને તરત ઓળખી ગયો, પણ ડોસા એને ન ઓળખી શક્યા. એ એમની ધૂનમાં હતા.

‘માફ કરજો, સાહેબ! તમને તકલીફ આપવા આવ્યો છું. મારા દીકરાના દીકરા માટે આવવું પડ્યું, સાહેબ! એને ભણવા માટે કોલેજમાં એડમશિન તો મળ્યું છે, પણ અમારી પાસે ફી ભરવાના પૈસા નથી. આવતી કાલે છેલ્લો દિવસ છે અને લોન હજુ મંજૂર થતી નથી.’
‘તમારે લોન લેવાના દિવસો આવ્યા?’

‘હા સાહેબ! તમે મને ઓળખતા હો એમ લાગે છે. હતું ત્યારે ઘણું બધું હતું મારી પાસે. પણ ન જાણે કોની હાય લાગી? બધું પગ કરી ગયું. અત્યારે તો ખાવાનાયે સાંસા છે. દીકરો કપાતર પાકયો. હવે દીકરાના દીકરા ઉપર આશા છે. જો એ સારું ભણે તો કુટુંબનો દી’ ફરે! પણ આ લોન મંજૂર નહીં થાય તો…’ ડોસા રડમસ થઇ ગયા. મનથી તો ભાંગેલા હતા જ, તનથી પણ ભાંગી ગયા. સીધા મેનેજરના પગ આગળ ઢગલો થઇ ગયા, ‘તમે જ મારા ભગવાન! તમે જ મારા બાપ! ભલા થઇને…’

એક ક્ષણમાં બાજી પલટાઇ ગઇ. વૃદ્ધનાં આંસુએ નિરંકારની છાતીમાં જામેલો વેરનો કાળો ડાઘ ધોઇ નાખ્યો. એને દયા આવી ગઇ. ધાર્યું હોત તો એ વિટ્ઠલદાસનું જીવન તબાહ કરી શકતા હતા. એને બદલે એમણે બે હાથે પકડીને ડોસાને ઊભા કર્યા, ‘કાકા! લોન તો મંજૂર થતાં વાર લાગશે. પણ તમારા દીકરાનું ભણવાનું નહીં અટકે. એની ફી હું ભરી આપીશ. કાલે સવારે ઊઘડતી કોલેજે હું જાતે જઇને પૂરા સત્રની ફી ભરી આવીશ.’

‘મારો બાપ કહું તને, સાહેબ! કે મારો તારણહાર કહું? કેવી લાખ રૂપિયાની વાત તું સમજી ગ્યો, ભાઇ? પૈસા તો આજ છે ને કાલે નથી, હેં? સમય સાચવી લેવો જોઇએ. ભણવા માટેનો પણ એક ચોક્કસ સમય હોય છે ને? લોન છ મહિના પછી મંજૂર થાય ત્યારે એનું શું કરવાનું, હેં?’ વચેટિયા ખીલી ઊઠ્યા.

‘હા, શેઠ વિટ્ઠલદાસ વચેટિયા! તમે પણ હવે જ આ વાત સમજી શક્યા. જેમ ભણવાની એક ઉંમર હોય છે, એમ પરણવાનીય એક ચોક્કસ ઉંમર હોય છે. પૈસા તો દરેક પુરુષ પાસે એક દિવસ આવે જ છે, પણ ત્યારે એના હાથમાંથી જે સરકી ગયું હોય છે તે ફરી ક્યારેય પાછું નથી આવતું. તમે હવે જઇ શકો છો. નિરંકારનાં વાક્યોમાં ભૂતકાળનો સંદર્ભ ડોકાતો હતો. વચેટિયાની ખોપરીમાં વીજળીનો ઝબકારો થયો. એમણે આંખો ઝીણી કરીને પોતાના તારણહારને ઓળખવાની કોશિશ કરી. પછી કામિયાબ થયા, ત્યારે ફરી પાછા માણસ મટીને એ લાકડી બની ગયા.’ ભાઇ, તું?’ આટલું કહીને પાછા નિરંકારના પગમાં પડી ગયા. (શીર્ષક પંક્તિ : મુસાફિર પાલનપુરી)

Advertisements

One Response

  1. What a best think
    so good

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: