ભલે ડાળ ઉપરથી નીચે ખર્યા છે, હથેળીમાં મારી ફૂલો પાંગર્યા છે

એ ર્સ્ત્રીએ ડો. આચાર્યની નજર સામે જિંદગીનું પાનેતર ત્યાગીને મોતની ચાદર ઓઢી લીધી. ડો. આચાર્ય એટલે ગુજરાતમાં જાણીતા ચામડીનાં રોગોનાં નિષ્ણાત તબીબ. જામનગરની પ્રખ્યાત ઈરવિન હોસ્પિટલમાં ચામડીના વિભાગના વડા. હવે ઈરવિન હોસ્પિટલનું નામ બદલાઈ ગયું છે અને ડો. આચાર્ય નિવૃત્ત થઈ ગયા છે. આ ઘટનાને પણ દિવસો, મહિનાઓ કે વરસો નહીં, પણ દાયકાઓ થઈ ગયા છે.

‘સાહેબ, તમે ખૂબ ભલા છો.’ મરતી સ્ત્રીએ મરતાં પહેલાં જિંદગીના છેલ્લા શ્વાસ જેવા વાકયો ઉચ્ચાર્યા, ‘મારી પાછળ આ બે દીકરીઓ મૂકતી જાઉ છું. એમનું આ દુનિયામાં કોઈ નથી. એમનો બાપ તો મારી પહેલાં જ મરી ગયો છે. તમને બધીયે ખબર છે..’ બાઈનો શ્વાસ તૂટતો જતો હતો. એણે એક આખરી ડચકું ખાધું અને અંતિમ શ્વાસની સાથે અંતિમ આજીજી પણ વ્યકત કરી દીધી, ‘મારી સમજુ અને… મારી રૂડીને… સાચવજો..!’

સમજુ અને રૂડી માંડ ત્રણ અને પાંચ વરસની હશે, જ્યારે એમના માથા પરથી ‘મા’ નામનું આકાશ ઊડી ગયું. હવે એમની સામે આખું જગત હતું અને એમની સાથે હતા એકમાત્ર ડો. આચાર્ય. સફેદ વસ્ત્રોમાં હરતા-ફરતા, પોતાનો સીમિત પરિવાર ધરાવતા, સમાજમાં માન અને સ્થાન ધરાવતાં સ્કીન સ્પેશિયાલિસ્ટ.

સમજુ અને રૂડીની મા અસલમાં રકતપિત્તની દરદી હતી. ડો. આચાર્યે એને રોગમુકત કરી દીધી હતી. આ ગરીબ પરિવાર જામનગરની ગેલેકસી સિનેમા પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. રકતપિત્તમાંથી માંડ સાજી થયેલી એ સ્ત્રી પછી ટી.બી.માં સપડાણી. આ રાજરોગ એને ભરખી ગયો. મરતાં મરતાં એ પોતાની બેય દીકરીઓની ભાળવણી ડો. આચાર્યને કરતી ગઈ.

ડો.આચાર્ય એ રાત્રે ઘરે આવીને પત્ની રેખાબહેન સાથે વાત કરવા બેઠા, ‘શું કરીશું?’

‘કરવાનું બીજું શું હોય? કહેવાય છે કે મરતાં માણસને આપેલી જીભ જાનના ભોગે પણ પાળવી જ પડે.’

‘પણ મેં કયાં એ બાઈને જીભ આપી છે?’ ડો. આચાર્ય જાણે કે પત્નીની પરીક્ષા લઈ રહ્યા હતા, ‘આ તો એણે માગ્યું અને જવાબમાં મેં માથું હલાવ્યું.’

‘માથું ઊભું હલાવ્યું’તું કે આડું?’

‘ઊભું!’

‘બસ, તો પછી વાત થઈ ગઈ પૂરી! એ બે છોકરીઓ આજથી આપણી દીકરીઓ થઈ ગઈ.’

‘અને આ આપણી પોતાની બે દીકરીઓ છે એનું શું? અને એક દીકરો પણ ખરો ને!’

‘હા, દો વત્તા તીન બરાબર પાંચ થાય એની મને ખબર છે. પંચ ત્યાં પરમેશ્વર! હવે એક પણ શબ્દ વધારે બોલતા નહીં. સમજુ અને રૂડીની સંપૂર્ણ જવાબદારી આજથી આપણા માથે. આનાથી વધુ મારે કશું કહેવું નથી. બાકી તો તમને સૂઝે તે તમે કરો.’ રેખાબહેન સરેરાશ હિંદુસ્તાની, સંસ્કારપ્રિય અને ધર્મભીરુ નારીજગતના પ્રતિનિધિને છાજે એવો આદેશ ફરમાવીને ખામોશ તઈ ગયાં. પતિદેવને ધંધે લગાડીને એ પોતાનાં ઘરેલુ કામમાં લાગી ગયાં.

ડો. આચાર્યે તો કયારનોયે નિર્ણય લઈ જ લીધો હતો. એ નિર્ણયમાં પત્નીનું સમર્થન ભળ્યું. હવે એ નચિંત બની ગયા.

સમજુ અને રૂડીને ઘરમાં લાવીને રાખવા એ શકય પણ ન હતું અને સલાહભર્યું પણ ન હતું. આખરે તો આ બંને દીકરીઓને એમના સમાજમાં જ પાછા જવાનું હતું. કોઈક આદિવાસી કે દલિત બાળકને માત્ર કરુણાને વશ થઈને કો’ક ધનવાન સદ્ગૃહસ્થ પોતાના ઘરે લઈ આવે, એને ઉછેરે, ભણાવે-ગણાવે અને પછી જયારે જુવાનીને ઊબરે લાવીને ઊભું રાખે ત્યારે ખબર પડે કે બાવાના બેય બગડયા છે. એ બાળક ન તો એના ખુદના સમાજમાં પાછું જઈ શકે છે, ન તો સભ્ય સમાજ એની સાથે રોટી-બેટીનો સંબંધ બાંધવા તૈયાર થાય છે.

આ બધી બાબતોનો વિચાર કર્યા પછી ડો. આચાર્ય સમજુ અને રૂડીને લઈને જામનગરના પ્રખ્યાત ‘કસ્તૂરબા વિકાસગૃહ’માં પહોંચી ગયાં. મંજુલાબે’ન દવે ત્યાંના ગૃહમાતા હતાં. આચાર્ય સાહેબે કહ્યું, ‘આ બે દીકરીઓને તમારી છાંયમાં મૂકવા આવ્યો છું.’

મંજુલાબે’ન સંનિષ્ઠ સેવાભાવી ગૃહમાતા હતાં. તરત સમજી ગયાં. ચોપડામાં વિગતો ભરતી વખતે પૂછી લીધું, ‘છોકરીઓનાં નામ તો તમે જણાવ્યા, હવે એમનાં માતા-પિતાના નામ લખાવો.’

‘માનું નામ લખો રેખાબે’ન અને બાપનું નામ ડો. કિરીટ આચાર્ય.’

‘આ તો તમારા બેયના નામ છે.’

‘હા, અમે અમારી દીકરીઓને તમારી દેખરેખમાં મૂકવા માટે આવ્યા છીએ. જવાબદારી માત્ર સામાજિક નથી હોતી, આર્થિક અને નૈતિક પણ હોય છે. સમજુ અને રૂડી ભલે રહેતી હોય વિકાસગૃહમાં, પણ એની બાકીની તમામ જવાબદારીઓ અમારા માથે રહેશે.’

ગૃહમાતાએ ભરોસો દીધો, ‘બહુ સરસ, ડોકટર સાહેબ! મારું વચન છે, તમારી દીકરીઓ ઉપર ગમે તેવા ઉનાળામાં પણ તાપ નહીં પડવા દઉ. તમે પ્રસંગોપાત અહીં પધારતા રહેજો.’

સમજુ અને રૂડીને નવું ઘર મળી ગયું, નવી છાંયા મળી ગઈ, વિકાસગૃહની છત અને મંજુલાબહેનનું વાત્સલ્ય મળી ગયું. બેયને જયારે શાળામાં દાખલ કરવાનો સમય આવ્યો ત્યારે પણ એમના નામની પાછળ પિતાના નામની જગ્યાએ ડો. આચાર્ય સાહેબનું જ નામ લખવામાં આવ્યું.

ઘણીવાર સારા, પ્રતિષ્ઠિત માણસોના નામની પણ બહુ મોટી અસર પડતી હોય છે. ડો. આચાર્યનું નામ આમ તો પૂરા ગુજરાતમાં આદરપાત્ર ગણાય છે, પણ જામનગરમાં એનું વજન અનેકગણું વધી જાય છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી રકતપિત્તને દેશવટો અપાવવાનો જશ આચાર્ય સહેબને જાય છે. આ ભગીરથ સેવાકાર્યની નોંધ સરકારે તેમજ તબીબી સંસ્થાઓએ પણ લેવી પડી છે. એમના માથે ચંદ્રકો, ખિતાબો અને સન્માનોનો વરસાદ અવિરત, અનરાધાર વરસતો જ રહે છે.

આવા પ્રસિદ્ધ ને પુણ્યશાળી પુરુષનું નામ પોતાનાં પપ્પા રૂપે પ્રાપ્ત કરીને સમજુ અને રૂડી ધન્ય બની ગઈ. કિલ્લોલ કરતી મોટી થવા લાગી અને ઉજજવળરૂપે ભણવા માંડી.

ગૃહમાતાએ સૂચન કર્યું હતું કે પ્રસંગોપાત પધારતા રહેજો, પણ ડો. આચાર્ય નિયમિતપણે વિકાસગૃહની મુલાકાતે આવતા રહ્યા. સાથે કપડાં અને વાર-તહેવારે મીઠાઈઓ પણ લાવતા રહ્યા અને સાથે પત્ની તો હોય, હોય ને હોય જ! ઉછીની લીધેલી જવાબદારીના અડાબીડ જંગલ વચ્ચે આ લાગણીનાં છોડ પાંગરતા ગયા. સમજુ અને રૂડી ક્રમશ: બારમા ધોરણની બોર્ડની પરીક્ષમાં સારા ગુણ સાથે પાસ થઈ ગઈ.

ડો. આચાર્ય સાહેબે બંનેને અલિયાબાડાની પી.ટી.સી. કોલેજમાં પ્રવેશ અપાવી દીધો. બબ્બે વરસનો અભ્યાસક્રમ અને તાલીમ પૂરાં કયાô પછી બેઉને સરકારી શાળાઓમાં શિક્ષિકા તરીકેની નોકરી મળી ગઈ.

દીકરીઓ આર્થિક રીતે તો પગભર થઈ ગઈ, પણ હવે ‘વરભર’ પણ થવી જોઈએ ને! ડો. આચાર્યે સમજુ-રૂડીનાં જ્ઞાતિજનોનો સંપર્ક સાઘ્યો. એમની જ્ઞાતિ દેવીપૂજકની હતી. થોડી ઘણી મહેનત પછી બેઉ દીકરીઓને સારા, સંસ્કારી મુરતિયાઓ મળી ગયા.

‘જુઓ, દીકરીઓ! આ જમાનો બેકારીનો છે, સરકારી નોકરી રસ્તામાં નથી પડી અને તમારી જ્ઞાતિમાં ભણેલા છોકરાઓએ દીવો લઈને શોધીએ તો પણ જડે તેમ નથી. તમે શિક્ષિકાઓ બની ગઈ એ તમારાં પુણ્યપ્રતાપે, પણ તમને સરકારી નોકરી કરતો વર મળે એવી જીદ ન પકડશો. મેં જે બે યુવાનો શોઘ્યા છે એ સારા છે, તમને જિંદગીભર સુખમાં રાખશે એ વાતની મને ખાતરી છે. તમે રાજી છો ને?’ ડો.આચાર્યે બંને દીકરીઓની સંમતિ મેળવી લીધી.

સમજુ અને રૂડી રંગેચંગે પરણી ગઈ. એકનો પતિ સફાઈ કામદાર છે, બીજીનો ખેતમજૂર. સમજુ હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામડાની શાળામાં શિક્ષિકા છે, રૂડી ખંભાળિયા તાલુકાની શાળામાં નોકરી કરે છે.

જે દિવસે એમની મરતી માએ બે દીકરીઓને ભગવાનને ભરોસે છોડવાને બદલે એક ‘માણસ’ના ભરોસે છોડીને આ દુનિયા છોડવાનું પસંદ કર્યું હતું એ ઘટનાને આજે બત્રીસ વરસ પૂરાં થયા છે. આપણે ત્યાં કહેવત છે : મા એ મા, બીજા વગડાના વા. અહીં મનમાં એક સવાલ ઊઠે છે, જો સમજુ અને રૂડીની મા જીવી ગઈ હોત તો અત્યારે સમજુ અને રૂડી જે સ્થિતિએ પહોંચી છે, ત્યાં હોત ખરી? સત્ય એ છે કે મા માત્ર હેત આપી શકે, બાકી આ કળિયુગમાં જેને શોધવો બહુ મુશ્કેલ છે તેવો સાચો માણસ જો જડી જાય તો એ ‘માની ખોટ અવશ્ય પૂરી શકે.’

વાત્સલ્યનો સિલસિલો આજે પણ અતૂટ છે. લોહીની સગાઈ નથી તો શું થયું? પ્રેમનો નાતો તો છે ને! દર વરસે બેસતા વરસના પ્રથમ દિવસે સમજુ અને રૂડી સપરિવાર એમનાં મમ્મી-પપ્પાને મળવા માટે ભૂલ્યા વગર આવી જાય છે. જામનગરના પ્રખ્યાત દત્તાત્રેયના મંદિરનાં પોશ વિસ્તારમાં આવેલા ડો. આચાર્ય સાહેબના ભવ્ય બંગલામાં આ દેવીપૂજક દીકરીઓ અડધો દિવસ ગાળે છે, બંને જમાઈઓ અને તોફાની ભાણેજડાઓની હાજરીથી શાંત બંગલો ગૂંજી ઊઠે છે. પપ્પા-મમ્મી એમના આટલા બહોળા પરિવાર સાથે સહભોજન માણે છે.

ઢળતી સાંજે દીકરીઓ પૂછે છે, ‘હવે અમે જઈએ, પપ્પા?’

‘હા, પણ એમ ખાલી હાથે નહીં! તમે દીકરીઓ છો ને હું બાપ છું. આવવા-જવાનું બસ ભાડું તો મારે આપવું જોઈએ ને!’ આટલું કહીને ડો. આચાર્ય ભાડાના બહાને ભર્યા-ભર્યા ભાવથી સમજુ-રુડીનાં ખોબા ભરી દે છે.

જતાં જતાં બંને દીકરીઓ થેલીમાંથી સાકરના પડા કાઢીને પપ્પા-મમ્મીને આપે છે, ‘આટલું તો તમારેય સ્વીકારવું જ પડશે. સાકર માનીને નહીં તો છેવટે મીઠાશ માનીને પણ…’ અને ત્યારે ઉપર આસમાનની અટારીમાં બેઠેલી કોઈ મૃત સ્ત્રી આનંદના આંસુ વહાવતી રહે છે. (સત્ય ઘટના) (શીર્ષક પંક્તિ : જિતેન્દ્ર વ્યાસ)‘

Advertisements

3 Responses

  1. samaj ma je ki ne ava satkarmo karvano moko male ene chokkas pane krva j joie…..its really toucy m impressed 🙂

  2. Nice to see goodwisher in this time…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: